રવીશ કુમાર માટે 2013માં 5 ટકા GDP દર સારો હતો અને 2019માં 'ખરાબ' થઈ ગયો? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ.

વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે વાઇરલ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં દાવો કરાયો છે કે 'વર્ષ 2013માં જ્યારે ભારતનો જીડીપીનો દર 5 ટકા સુધી ગગડી ગયો અને દેશમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે રવીશ કુમારે તેને ચિંતાનો વિષય માનવાથી ઇનકાર કર્યો હતો. જ્યારે 2019માં જીડીપીનો દર 5 ટકા થયો છે ત્યારે તેઓ ભારતને મંદીની ઝપેટમાં દર્શાવી રહ્યા છે.'

30 સેકંડના આ વાઇરલ વીડિયોનો અડધો ભાગ રવીશ કુમારના 2013ના ટીવી કાર્યક્રમમાંથી લેવામાં આવ્યો છે.

જેને એક હાલના કાર્યક્રમ સાથે જોડીને, બેઉની સરખામણી કરવામાં આવી રહી છે.

જૂના વીડિયોમાં રવીશ કુમારને કહેતા સાંભળી શકાય છે, "શું આપણે અર્થવ્યવસ્થાને લઈને વધારે તો રોદણાં તો નથી રડી રહ્યાને? કારણ કે દુનિયામાં ઘણાં ઓછા અર્થતંત્ર એવાં છે જે 5 ટકાની ઝડપે આગળ વધી રહ્યાં છે."

જ્યારે હાલમાં વાઇરલ કરાયેલા વીડિયોમાં તેઓ કહે છે, "ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં નથી. જીડીપીના આંકડા પ્રમાણે 5 ટકાનો દર એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતની અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી ગઈ છે."

અમે તપાસ્યું કે આ વીડિયોને ફિલિપાઇન્સના પાટનગર મનિલામાં શુક્રવારે યોજાયેલા રવીશ કુમારના 'રૅમન મેગ્સેસે પબ્લિક લેક્ચર' પહેલાં વાયરલ કરવામાં આવ્યો.

હાલમાં જ રવીશ કુમારને વર્ષ 2019નો પ્રતિષ્ઠિત 'રૅમન મેગ્સેસે ઍવૉર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

હિન્દી ટીવી પત્રકારત્વમાં વિશેષ યોગદાન માટે 9 સપ્ટેમ્બર, 2019એ તેમને આ સન્માન આપવામાં આવશે.

બીબીસીએ તપાસ્યું તો ખ્યાલ આવ્યો કે સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલો રવીશ કુમારનો વાઇરલ વીડિયો ભ્રમજનક છે અને એક મોટી ચર્ચાનો નાનો ભાગ છે, જેને ખોટા સંદર્ભ સાથે શૅર કરવામાં આવી રહ્યો છે.

2013નો વીડિયો

વાયરલ પોસ્ટમાં જે જૂના વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે 27 ફેબ્રુઆરી, 2013ના રોજ પ્રસારિત થયેલા રવીશ કુમારના ટીવી કાર્યક્રમનો એક ભાગ છે.

આ કાર્યક્રમમાં ભારતના 'આર્થિક સર્વે રિપોર્ટ 2012-13' પર ચર્ચા કરવામાં આવી હતી, જેને એ જ દિવસે તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે સંસદમાં મૂક્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત રવીશે આમ કહીને કરી હતી કે, "વર્તમાનકાળમાં દેશની આર્થિક સ્થિતિ સામાન્ય નથી. ભવિષ્યકાળમાં સામાન્ય થવાની અટકળ છે. ભૂતકાળની સરખામણીએ, એટલે જ્યારે ભારત 8 અથવા 9 ટકાના વિકાસ દરે આગળ વધી રહ્યો હતો, અર્થતંત્રનો દરેક સૂચકઆંક ધીમી ગતિના સમાચારની જેમ જોવા મળી રહ્યો છે."

"વર્ષ 2012-13ના આર્થિક સરવે રિપોર્ટમાં આ વાત સામે આવી કે ઉદ્યોગ, ખેતી, નિર્માણ અને સર્વિસ સેક્ટર, તમામ ઢાળ પર આવી ગયા છે."

ભારતના હાલના આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન પણ આ જ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. રવીશ કુમારે તેમને પૂછ્યું હતું, "શું ભારતના વિકાસની કહાણી ખરેખર ખતમ થઈ રહી છે અને આપણે વાઘથી બકરી બનવા તરફ જઈ રહ્યા છીએ?"

આના જવાબમાં વૈશ્વિક મંદીની વચ્ચે ભારતીય અર્થતંત્રનો ઉલ્લેખ કરતા સુબ્રમણ્યને કહ્યું, "વૈશ્વિક મંદીની સ્થિતિ એટલી પણ ખરાબ નથી કે ભારત 5 ટકાના દરથી વિકાસ કરે. ગત વર્ષે (2012-13માં) 27 દેશોએ 7 ટકાથી વધારે વિકાસદર હાંસલ કર્યો હતો. આને જોતા સરકારે પોતાની નીતિઓની ચિંતા કરવી જોઈએ."

આ ટીવી કાર્યક્રમમાં કૉંગ્રેસ પાર્ટી તરફથી સંજય નિરૂપમ હાજર રહ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે "દેશની આ આર્થિક સ્થિતિની જવાબદારી કોણ લેશે?"

આના જવાબમાં નિરુપમે કહ્યુ હતું, "દેશ ગંભીર આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, આમાં કોઈ મતભેદ નથી. પરંતુ પશ્વિમના ઘણા દેશોની સરખામણીએ ભારતનો વિકાસદર હાલ ઘણો સારો છે."

2019નો વીડિયો

વાયરલ પોસ્ટમાં સરખામણી માટે જે હાલના વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે 30 ઑગસ્ટ, 2019ના રોજ પ્રસારિત કરવામાં આવેલા રવીશ કુમારના ટીવી કાર્યક્રમનો એક ભાગ છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં જે વાત રવીશ કુમાર કહે છે, તેને પણ વાઇરલ વીડિયોમાં જોડવામાં આવી છે. તેઓ કહે છે, "ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં નથી. તેને છુપાવવા માટેના ઘણા પ્રયાસોની વચ્ચે આજે જીડીપીના આંકડાએ જખમને બહાર લાવી દીધો છે."

"6 વર્ષમાં ભારતનો જીડીપી દર આ હદે નીચે આવ્યો નથી. 2013ના પહેલા ત્રણ માસમાં ભારતનો વિકાસદર 4.3 ટકા હતો. હાલના વર્ષનાં પહેલા ત્રણ માસમાં જીડીપી દર સૌથી ઓછો નોંધાયો છે."

કાર્યક્રમમાં રવીશ કુમાર કહે છે, "5 ટકાનો જીડીપી દર એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતની અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી ગઈ છે. ખેતી, ખનન, કન્સ્ટ્રક્શન, મૅન્યુફૅક્ચરિંગ અને રિયલ એસ્ટેટની હાલત પણ બહુ ખરાબ છે."

30 ઑગસ્ટે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન દ્વારા ભારતના જીડીપીના અધિકૃત ડેટા જાહેર કર્યા પછી રવીશ કુમારે આ કાર્યક્રમ કર્યો હતો.

પરંતુ સોશિયલ મીડિયા પર બે અલગ શૉ, બે અલગ સંદર્ભમાં કહેવામાં આવેલી વાતોને જોડીને ભ્રામક વાતો ફેલાવામાં આવી રહી છે.

આ પહેલી વખત નથી જ્યારે રવીશ કુમારને ફૅક ન્યૂઝના આધાર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના વિષે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે.

શુક્રવારે રૅમન મેગ્સેસે લેક્ચરમાં બોલતા તેમણે ફૅક ન્યૂઝનો અને ટ્રોલ કરનારાઓનો પણ ઉલ્લેખ કર્યો

તેમણે કહ્યું, " ટ્રોલર્સે દેશભરમાં મારા નંબરને વાયરલ કર્યો જેથી મને ગાળો આપવામાં આવે. ગાળો પડી, ધમકીઓ આવી. આવી રહી છે, પરંતુ એ જ નંબર પર લોકો પોતાના અને પોતાના વિસ્તારના સમાચારને લઈને પણ આવ્યા."

"હું આ તમામ લોકોનો ઉલ્લેખ કરવા માંગુ છું, જેમણે પહેલાં ટ્રોલ કર્યો, ગાળો આપી, પરંતુ પછી માફી માગી.

"જ્યારે સત્તાધારી પક્ષે મારા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો ત્યારે મારો રસ્તો બંધ થઈ ગયો હતો. એ સમયે એ જ સમય હતો જ્યારે આ લોકોની સમસ્યાઓથી મારો શો ભરાઈ ગયો."

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયો વિશે રવીશ કુમારે બીબીસીને કહ્યું, "આઈટી સેલ મારી પાછળ કેટલી મહેનત કરે છે. સાડા પાંચ વર્ષની મહેનત પછી પણ તેમને કંઈ મળતું નથી ત્યારે તે મારા જૂના કાર્યક્રમમાંથી એક-બે લાઇન કાઢીને ખોટી રીતે રજૂ કરે છે."

"તેમનો પ્રયાસ રહે છે કે તેઓ મને યુપીએ સરકાર તરફી સાબિત કરી શકે. જો આ જ તેમનો માપદંડ છે તો આજે ગોદી મીડિયાના ઍન્કરોના કાર્યક્રમમાંથી તેમને ઘણો મસાલો મળશે."

"તેમને ભૂતકાળમાં જવાની જરૂરિયાત જ નથી. આ અઠવાડિયાનો કોઈ પણ ગોદી ન્યૂઝ ચેનલોનો કોઈ પણ કાર્યક્રમ લઈ લો, તમને સરકારને ચાટનારાઓ મળી જશે. જાહેર છે કે તેમનો ઇરાદો પત્રકારત્વ પર સવાલ કરવાનો નથી પરંતુ મને બદનામ કરવાનો છે."

રવીશ કુમારે કહ્યું, "જ્યારે પણ મારી સાથે જોડાયેલી કોઈ મોટી ઘટના આવે છે, આ પ્રકારનો વીડિયો વાઇરલ કરાવવામાં આવે છે. અફસોસની વાત એ છે કે આના ચક્કરમાં પત્રકાર પણ આવી જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો