You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીશ કુમારે રૅમન મેગ્સેસેના લેક્ચરમાં શું કહ્યું?
વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારને વર્ષ 2019નો પ્રતિષ્ઠિત રૅમન મેગ્સેસે ઍવૉર્ડ એનાયત કરવાની જાહેરાત તો લગભગ એક મહિના પહેલાં જ થઈ ગઈ હતી. જોકે, મનીલામાં શુક્રવારે તેમણે સન્માન પ્રાપ્ત કરતાં પહેલાં પોતાનું જાહેર ભાષણ આપ્યું.
આ ભાષણમાં તેમણે ભારતીય મીડિયામાં જોવા મળી રહેલી વિસંગતતા પર પોતાનો મત જાહેર કર્યો.
રવીશ કુમારને 9 સપ્ટેમ્બરે રૅમન મેગ્સેસ ઍવૉર્ડ આપવામાં આવશે. ભારતીય સમયાનુસાર બપોર બે વાગ્યે તેમને આ સન્માન એનાયત કરાશે.
પોતાના સંબોધનમાં રવીશે 'લોકતંત્રને વધુ સારું બનાવવા માટે સિટીઝન જર્નાલિઝમની શક્તિ' વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા.
રવીશે કહ્યું કે "લોકતંત્ર સળગી રહ્યું છે અને તેને સંભાળવાની જરૂર છે તથા આ માટે સાહસની જરૂર છે. જરૂરી છે કે કે આપણે જે માહિતી આપીએ એ સાચી હોય. અને આવું કોઈ નેતાના ઉગ્ર અવાજથી શક્ય નહીં બને."
તેમણે કહ્યું કે "આપણે દર્શકોને જેટલી સાચી જાણકારી આપીશું, એમનો વિશ્વાસ એટલો જ વધશે." પોતાના સંબોધનમાં રવીશે ફૅક ન્યૂઝનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે પત્રકારત્વની વર્તમાન સ્થિતિ પર વાત કરતા તેમણે કહ્યું, "સરકાર વિરુદ્ધ પ્રદર્શન થાય છે, પણ મુખ્ય ધારાના મીડિયા પાસે એક સ્ક્રિનિંગ પૅટર્ન છે, જેમાં તે આ વિરોધપ્રદર્શનને નથી બતાવતું."
"આ વિરોધપ્રદર્શનને કોઈ રિપોર્ટ નથી કરતું, કારણ કે મીડિયા માટે તે એક બેકારની હલચલ છે. પણ આ સમજવું પડશે કે જાહેર સ્થળોએ પ્રદર્શનો વગર કોઈ પણ લોકશાહી લોકશાહી નથી રહેતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવીશના ભાષણની કેટલીક ખાસ વાતો
- આ સમય નાગરિક બનવાની પરીક્ષાનો છે. નાગરિકત્વને ફરીથી સમજવાનો છે અને એ માટે લડવાનો છે. એક વ્યક્તિ અને એક સમૂહ તરીકે જેઓ આ હુમલાથી પોતાની બચાવી લેશે તે નાગરિક જ ભવિષ્યના સારા સમાજ અને સરકારનો પાયો રાખી શકશે.
- નાગરિકત્વ માટે જરૂરી છે કે માહિતીની સ્વતંત્રતા અને પ્રામાણિકતા હોય. આજે મીડિયા અને તેના બિઝનેસ પર સ્ટેટે નિયંત્રણ કરી લીધું છે. મીડિયા પર નિયંત્રણનો અર્થ થાય છે કે તમારા નાગરિકત્વનો વ્યાપ ઘટી જવો. મીડિયા હવે સર્વેલન્સ-સ્ટેટનો ભાગ છે. તે હવે ફોર્થ સ્ટેટ નથી પણ ફર્સ્ટ સ્ટેટ છે.
- મીડિયાની ભાષામાં બે પ્રકારના નાગરિક છે - એક નેશનલ અને બીજો ઍન્ટિ-નેશનલ. ઍન્ટિ નેશનલ એ છે, જે સવાલ કરે છે, અસહમતી ધરાવે છે.
- કાશ્મીરમાં કેટલાય દિવસો માટે સૂચનાતંત્ર બંધ કરી દેવાયું. સરકારના અધિકારી પ્રેસનું કામ કરવા લાગ્યા અને પ્રેસના લોકો સરકારનું કામ કરવા લાગ્યા. શું તમે કૉમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન વગરના સિટીઝનની કલ્પના કરી શકો? શું થશે જ્યારે મીડિયા, જેનું કામ માહિતી એકઠી કરવાનું છે, માહિતીનાં તમામ નેટવર્ક બંધ થવાં અંગે સમર્થન કરવા લાગે અને એ તેના સિટીઝન વિરુદ્ધ થઈ જાય?
- આ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારત બધા પડોશી પ્રેસની સ્વતંત્રતાની બાબતમાં નીચી પાયરીએ છે. પાકિસ્તાનમાં તો એક ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યૂલર ઑથોરિટી છે, જે પોતાની ન્યૂઝચૅનલોને નિર્દેશો આપે છે કે કાશ્મીરમાં કેવી રીતે પ્રૉપગ્રેન્ડા કરવાનો છે. કેવું રિપોર્ટિંગ કરવાનું છે. આમ તો આને સરકારી ભાષામાં સલાહ કહેવાય છે, પણ નિર્દેશ જ હોય છે.
- તેમને જણાવવામાં આવે છે કે કેવી રીતે 15 ઑગસ્ટના દિવસે સ્ક્રીન ખાલી રાખવી, જેથી તેઓ કાશ્મીરના સમર્થનમાં કાળો દિવસે ઊજવી શકે. જે સમસ્યાનું મોટું કારણ પાકિસ્તાન પણ છે.
- જ્યારે 'કાશ્મીર ટાઇમ્સ'નાં અનુરાધા ભસીન ભારતની સુપ્રીમ કોર્ટમાં જાય છે ત્યારે તેમની સામે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા કોર્ટ બેસાડે છે. એવું કહેવા કે કાશ્મીર ઘાટીમાં મીડિયા પર લાદેલા પ્રતિબંધનું તેઓ સમર્થન કરે છે. મારા મતે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને પાકિસ્તાનના ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટીની ઑફિસ એક જ બિલ્ડિંગમાં જોવી જોઈએ.
- સારી વાત છે કે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કાશ્મીરમાં મીડિયા પર લાદેલા પ્રતિબંધની નિંદા કરી છે અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની પણ ટીકા કરી છે.
- આ તો એ જ મીડિયા છે, જેણે પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માટે 'સિટીઝન જર્નાલિઝમ'ને ઘડવાનું શરૂ કર્યું હતું. તેના માધ્યમથી મીડિયાએ પોતાના જોખમને આઉટસોર્સ કરી દીધું. મેઇનસ્ટ્રીમ મીડિયાની અંદરનું સિટીઝન જર્નાલિઝમ અને મેઇનસ્ટ્રીમ મીડિયાની બહારનું સિટીઝન જર્નાલિઝમ બંને અલગ છે.
- આજે પણ ઘણા ન્યૂઝરૂમમાં પત્રકારોને પર્સનલ ઑપિનિયન લખવાની પરવાનગી નથી. એ અલગ વાત છે કે બગદાદ બર્નિંગ બ્લૉગના માધ્યમથી 24 વર્ષીય વિદ્યાર્થિની રિવરબેન્ડની (સાચું નામ જાહેર નથી કરાયું) બ્લૉગ પોસ્ટના માધ્યમથી ઇરાકમાં થયેલો હુમલો, યુદ્ધ અને તબાહીની રોજની સ્થિતિ બહાર આવી હતી. અને જેનું વર્ષ 2005માં 'Baghdad Burning: Girl Blog from Iraq'ના શીર્ષકથી પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું હતુ. ત્યારે દુનિયાનાં મેઇનસ્ટ્રીમ મીડિયાસમૂહોએ માન્યું કે જે કામ સોશિયલ મીડિયાના માધ્યમથી એક છોકરીએ કર્યું એ કામ અમારા પત્રકારો પણ ન કરી શકે. આ સિટીઝન જર્નાલિઝમ છે, જે મેઇનસ્ટ્રીમ મીડિયાથી બહાર થયું.
- આજે કોઈ છોકરી કાશ્મીરમાં 'બગદાદ બર્નિંગ'ની જેમ બ્લૉગ લખે તો મેઇનસ્ટ્રીમ મીડિયા તેને ઍન્ટિ-નેશનલ ગણાવશે.
- જો તમે આ મીડિયાના માધ્યમથી કોઈ લોકશાહીને સમજવાની કોશિશ કરશો તો આ એક એવી લોકશાહીની તસવીર દર્શાવે છે, જ્યાં બધી માહિતીનો રંગ એક છે. આ રંગ સત્તાના રંગ સાથે મેળ ખાય છે. એક જેવા સવાલ તૈયાર કરવામાં આવે છે, જેથી માહિતીના નામે ધારણાઓ ફેલાવી શકાય.
- જ્યારે મેઇનસ્ટ્રીમ મીડિયામાં વિપક્ષ અને અસહમતી ગાળ બની જાય ત્યારે અસલી સંકટ નાગરિક પર જ આવે છે. કમનસીબે આ કામમાં ન્યૂઝચૅનલોનો અવાજ સૌથી કર્કશ અને બુલંદ છે. ઍન્કર હવે બોલતો નથી, બૂમો પાડે છે.
- મેઇનસ્ટ્રીમ અને ટીવી મીડિયાનો મોટા ભાગનો હિસ્સો ગટર થઈ ગયો છે.
- દેશભરમાં ટ્રૉલે મારો નંબર વાઇરલ કર્યો, જેથી મને ગાળો આપી શકાય. ગાળો આવી, ધમકીઓ પણ આવી. આવી રહી છે. પણ એ જ નંબર પર લોકો પણ આવ્યા. પોતાની અને વિસ્તારની ખબરો લઈને.
- જ્યારે રૂલિંગ પાર્ટીએ મારા શોનો બહિષ્કાર કર્યો ત્યારે મારા બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એ સમયે આ જ લોકોએ મારા શોને તેમની સમસ્યાઓથી ભરી દીધો હતો.
- એવા લોકોનો પણ ઉલ્લેખ કરવા માગું છું, જેઓએ પહેલાં ટ્રૉલ કર્યો, ગાળો આપી, પરંતુ બાદમાં લખીને મારી માફી પણ માગી.
- આ એટલા માટે બતાવી રહ્યો છું કે આજે સિટીઝન જર્નાલિઝમ માટે તમારે સ્ટેટ અને સ્ટેટની જેમ વર્તનારા સિટીઝનો સામે પણ ઝૂઝવું પડશે. માત્ર સ્ટેટ પડકાર નથી, પણ સ્ટેટ જેવા બની ગયેલો લોકો પણ છે.
- લોકો માહિતીના ક્ષેત્રમાં પોતાની સ્પેસ માટે લડાઈ લડી રહ્યા છે, ભલે તેઓ જીતી ન શક્યા હોય.
- ગાંધીએ કહ્યું હતું કે જો અખબાર યોગ્ય નહીં રહે તો પછી હિંદુસ્તાનની આઝાદી શું કામની. આજે અખબારો ડરી ગયાં છે. તેઓ પોતાની ટીકાને દેશની ટીકા બનાવી દે છે.
- આજે મોટા પાયે સિટીઝન જર્નાલિઝમની જરૂર છે, પરંતુ તેનાથી પણ વધારે સિટીઝન ડેમૉક્રેટિકની જરૂર છે.
એનડીટીવીના પત્રકાર રવીશ કુમારને હિંદી ટીવી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે આ સન્માન મળ્યું છે. રૅમન મેગ્સેસે સન્માન એશિયાનું નોબેલ પણ કહેવાય છે.
રવીશ કુમાર હિંદી સમાચાર ચૅનલ એનડીટીવી ઇન્ડિયાનો સૌથી લોકપ્રિય ચહેરો છે. રવીશ સિવાય 2019નો મેગ્સેસે ઍવૉર્ડ મ્યાનમારના કો સ્વે વિન, થાઇલૅન્ડના અંગખાના નીલાપાઇજિત, ફિલિપાઇન્સના રેમુન્ડો પૂજાંતે અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ-કીને પણ મળ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.