મોદી સરકારની આ ભૂલને કારણે દેશના અર્થતંત્રની કફોડી હાલત થઈ?

    • લેેખક, પુણ્ય પ્રસૂન વાજપેયી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા ત્યારે દેશની આર્થિક હાલત એટલી ખરાબ હતી કે તેમણે આરબીઆઈનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું એ વાત યાદ કરો.

ત્યારે એવો સવાલ ઊભો થયો હતો કે ભારતનું અર્થતંત્ર સાવ ખોખલું થઈ ગયું છે કે શું? સવાલ એટલા માટે થયો કે ચંદ્રશેખર ફેબ્રુઆરી 1991માં બજેટ રજૂ કરી શક્યા નહોતા.

વિશ્વ બૅંક અને આઈએમએફે ભારતને અપાતી બધી મદદ અટકાવી દીધી હતી. સરકારે (40 ટન બૅંક ઑફ ઇંગ્લૅન્ડમાં અને 20 ટન યુનિયન બૅંક ઑફ સ્વિટ્ઝર્લૅન્ડમાં એમ) 67 ટન સોનું ગીરવે મૂકીને 6 અબજ ડૉલર મેળવ્યા હતા.

ભારતના આ પગલાં પછી આઈએએમએફે 22 લાખ ડૉલરની લોન આપી. તે વખતે મોંઘવારીનો દર 8.4 ટકા સુધી પહોંચ્યો હતો.

12 નવેમ્બર, 1991ના રોજ વર્લ્ડ બૅંકનો 'ઇન્ડિયા - સ્ટ્રક્ચરલ ઍડજસ્ટમેન્ટ ક્રૅડિટ રિપોર્ટ' જાહેર થયો તેમાં જણાવ્યા અનુસાર વડા પ્રધાન તરીકે આવેલા નરસિંહ રાવે તેમની નીતિઓને અપનાવવા માટેનું વચન આઈએમએફ-વર્લ્ડ બૅંકને આપ્યું હતું.

રાવ સરકારમાં નાણામંત્રી તરીકે મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણની નીતિઓના ત્રણ પગલાં લીધાં - વૈશ્વિકીકરણ, બજાર આધારિત અર્થતંત્ર અને મૂડીરોકાણ.

આ ત્રણ નીતિઓને આધારે જ વર્લ્ડ બૅંક અને આઈએમએફ પાસેથી જંગી લોનો લેવામાં આવી હતી.

વર્લ્ડ બૅંકની તમામ શરતો માની લેવામાં આવી હતી અને માળખાકીય રોકાણમાં ફેરફારો શરૂ થઈ ગયા હતા.

ભારતમાં વિદેશી મૂડીરોકાણ પણ આવવા લાગ્યું હતું. લાઇસન્સ પરવાના રાજ ખતમ કરીને ઉદ્યોગોને મોકળાશ આપવામાં આવી હતી.

આર્થિક ઉદારીકરણ ઝડપથી ફેલાયું. સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાનું વિચારાવા લાગ્યું. અને જોતજોતામાં ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પર દોડવા લાગી.

આર્થિક સુધારાની આ નીતિ આગલી સરકારોએ પણ ચાલુ રાખી.

1991થી શરૂ થયેલા આર્થિક વિકાસની ગતિ જોઈએ તો ખ્યાલ આવશે કે 1991થી 2010 સુધી ભારતનો વિકાસ દર દુનિયાના અન્ય ઘણા દેશોની સરખામણીએ ખૂબ સારો રહ્યો હતો.

આર્થિક વિકાસના કારણે એ વર્ગમાં પણ ઉત્સાહ ફેલાયો, જે હજી સુધી ક્યારેય વેરા માળખામાં આવ્યો નહોતો.

અથવા તો કહો કે જે ક્ષેત્ર મૉનિટાઇઝેશનથી દૂર હતાં અથવા ઇનફૉર્મલ સૅક્ટરમાં હતાં ત્યાંના લોકો પણ બજારમાં ખરીદી કરવાની ક્ષમતા હાંસલ કરી શક્યા.

ખાસ કરીને માળખાગત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, જે બિલકુલ અસંગઠિત હતા, તેમને પણ મળી રહેલા કામ અને મજૂરીને કારણે જીડીપીમાં વધારો દેખાવા લાગ્યો હતો.

ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ભારતનો આર્થિક વિકાસ ત્રણ સ્તર પર થયો છે. ભારતની કંપનીઓની ગણના બહુરાષ્ટ્રીય કંપનીઓ તરીકે થવા લાગી.

બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. શહેરના મધ્યમ વર્ગના લોકોની આવકમાં ઝડપથી વધારો થયો.

આર્થિક સુધારા આગળ ચાલતા રહ્યા

હવે અટલ બિહારી વાજપેયીની (1998-2004)ની સરકારને યાદ કરીએ. સુવર્ણ ચતુર્ભુજ હાઇવે યોજનાને કારણે શહેર સાથે જોડાયેલાં ગામડાંની સ્થિતિ પણ બદલાવા લાગી.

શહેરના સીમાડે હાઇવે પસાર થવા લાગ્યા અને ત્યાં જમીનોના ભાવ એટલા ઊંચકાયા કે તેનો લાભ બજાર અને ઉદ્યોગોને પણ મળ્યો.

ક્યાંક જમીન વેચીને કમાણી થઈ, તો ક્યાંક મુખ્યધારાના અર્થતંત્ર સાથે જોડાવાનો લાભ મળ્યો તેના કારણે દેશનાં ત્રણેક હજાર ગામડાંની શકલ બદલાઈ ગઈ.

આયોજન પંચના 2001-02ના અહેવાલ અનુસાર આ પ્રક્રિયાને કારણે અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા 40 કરોડ લોકો હવે ગ્રાહકો બની ચૂક્યા હતા.

ખેતીના હોય ત્યારે કે પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂત અને ખેતમજૂર પણ કમાણી કરવા માટે શહેરો તરફ વળ્યા.

તેમની કમાણીને કારણે ખરીદશક્તિ વધી. બિસ્કિટથી માંડીને બ્રેડ અને સાબુથી માંડીને સ્કૂટર સુધીની વસ્તુઓની માગ વધી.

આંકડાંની રીતે દેશમાં મધ્યમ વર્ગની સંખ્યા 10 કરોડ હતી, તે 15 કરોડની થઈ ગઈ હતી. સંગઠિત કે બિનસંગઠિત ક્ષેત્રમાં કામ નહીં મળે તેવી ચિંતા ઓછી થઈ.

તેની અસર બૅંકોમાં પણ જોવા મળી. 2003-04ના રિઝર્વ બૅંકના અહેવાલ અનુસાર વાજપેયી શાસન વખતે બચત ખાતાંઓની સંખ્યા 17 ટકા વધી ગઈ હતી.

એ વાત પણ સાચી છે કે રાવ-મનમોહને જે આર્થિક ઉદારવાદની જે નીતિ અપનાવી હતી, તેને જ વાજપેયી સરકારે ચાલુ રાખી હતી. તેને આર્થિક સુધારા-દ્વિતીય તબક્કો એવું નામ અપાયું હતું.

હવે એ પણ યાદ કરો કે ત્યારે સંઘ પરિવારે ચમકદમક સાથેની આ આર્થિક નીતિઓનો વિરોધ કર્યો હતો.

બીએમએસ-સ્વદેશી જાગરણ મંચે દેશી અર્થતંત્રની તરફેણ કરી હતી અને વાજપેયી સરકારની ટીકા કરી હતી.

તે વખતના નાણામંત્રી યશવંત સિંહાએ મંત્રાલય ગુમાવવું પડ્યું, પણ તે પછીની ચૂંટણીમાં આર્થિક વિકાસમાં છલાંગને ધ્યાનમાં રખાઈને જ શાઇનિંગ ઇન્ડિયાનો રાગ આલાપ્યો હતો.

જોકે, વાજપેયી ચૂંટણી હારી ગયા અને એવી થિયરી વહેતી થઈ કે સંઘે તેમને સાથ ના આપ્યો. ડાબેરીઓના ટેકા સાથે બનેલી મનમોહન સરકારે વાજપેયી સરકારના આર્થિક સુધારાઓને આગળ જ વધાર્યા.

સમાંતર અર્થતંત્ર

જોકે, ડાબેરી નેતા એ. બી. વર્ધને સરકારી કંપનીઓમાં ડિસઇન્વૅસ્ટમેન્ટનો વિરોધ કર્યો હતો. પણ મહત્ત્વની વાત એ છે કે 2010 સુધી આર્થિક સુધારાઓમાં કોઈ અવરોધ આવ્યો નહોતો.

સરકારે બિનસંગઠિત ક્ષેત્ર તરફ હજી ધ્યાન પણ આપ્યું નહોતું.

2010માં જાહેર થયેલા એનએસએસઓના આંકડા અનુસાર અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા 40 કરોડ લોકો કમાણી કરી રહ્યા હતા, પણ હજી સુધી વેરાના માળખામાં આવ્યા નહોતા.

તેમની કમાણી કોઈ ધંધામાં રોકાતી નહોતી, કેમ કે વેપાર કરવા માટે સરકારી મંજૂરીની પળોજણ હજીય હતી.

અર્થાત ફૉર્મલ સેક્ટરની સાથે જ એક સમાંતર ઇનફૉર્મલ અર્થતંત્ર ઊભું થયું હતું. તેમાં નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ખીલ્યા હતા. સાથે જ રિયલ એસ્ટેટમાં ચમક આવી હતી.

એવું પણ કહેવામાં આવે છે કે આ સમયગાળામાં ભ્રષ્ટાચારને કારણે ઊભું થયેલું કાળું નાણું પણ કામ કરતું રહ્યું.

એટલે કે સરકારી બાબુઓની કમાણી અને ખાનગી કંપનીના એક્ઝિક્યુટિવની કમાણી સરકારની નજરમાં આવતી નહોતી. તે કમાણીએ એક સમાંતર અર્થતંત્ર ઊભું કર્યું હતું.

આ એવું અર્થતંત્ર હતું કે તેના કારણે 2008-09માં વૈશ્વિક મંદી આવી, પણ ભારતને તેની બહુ ઓછી અસર થઈ.

જાહેર કે ખાનગી ક્ષેત્રની અમુક કંપનીઓ જ ડૂબી ગયાની ઘટનાઓ બની હતી. આ તબક્કો 2010 સુધી ચાલતો રહ્યો હતો તેનો પણ ઇનકાર કરી શકાય નહીં.

મનમોહન સરકારમાં મનરેગા અને શિક્ષણની ખાતરી માટેની યોજનાઓ આવી તેના કારણે પણ આર્થિક સુધારામાં થોડી બ્રેક લાગી. આવી યોજનાઓ માટે વૈકલ્પિક માળખું ઊભું કરવું પડે તે થઈ શક્યું નહોતું.

એટલે કે મનરેગાનાં નાણાં ગ્રામીણ ભારતમાં વપરાયાં તેમાંથી અને શિક્ષણની ગૅંરટી માટેની યોજનામાં પણ ખાનગી ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું હતું.

આ ક્ષેત્રમાં સીએસઆરના નાણાં વપરાઈ શક્યાં હોત અથવા ખાનગી મૂડી શિક્ષણ ક્ષેત્રમાં આવી શકી હોત.

આમ છતાં એ વાત ધ્યાનમાં લો કે 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારે જાહેર ક્ષેત્રની ખોટની સ્થિતિ વારસામાં મળી નહોતી.

2014માં સરકારી ક્ષેત્રમાં કોઈ મોટી ખોટ નહોતી, તેમ કોઈ મોટો નફો પણ નહોતો.

તેથી અહીં સવાલ એ ઊભો થયો હતો કે મોદી સરકારે આર્થિક સુધારાનો 'ત્રીજો તબક્કો' આગળ વધારશે કે સંઘના સ્વદેશીના વિચારને આગળ કરશે.

શું કર્યું મોદી સરકારે

એ ધ્યાન રહે કે મોદી સરકારમાં ક્યારેય સ્વદેશીનો રાગ આલાપવામાં આવ્યો નથી.

પરંતુ આર્થિક સુધારાના કામને ભ્રષ્ટાચારની દૃષ્ટિએ જ જોવામાં આવ્યું અને તેના કારણે લગભગ મોટા ભાગનાં ક્ષેત્રોને સરકારી નિયંત્રણમાં લાવવાની કોશિશ થઈ. તેના કારણે એવી સ્થિતિ આવી કે સરકાર સાથે સારા સંબંધો હોય તેને જ લાભ મળતો હતો.

સાથે જ કૉર્પોરેટ પૉલિટિકલ ફન્ડિંગ મોદી સરકારમાં સૌથી વધારે વધ્યું. એટલું જ નહીં, તેના 90 ટકા માત્ર ભાજપને મળ્યા.

જોકે, સમય વિતવા લાગ્યો તે સાથે સરકાર પણ સિલેક્ટિવ થવા લાગી. ખાનગી ક્ષેત્રમાં સ્પર્ધા હોવી જોઈએ, પણ સરકારી મદદ સાથે આગળ વધી રહેલી જંગી કંપનીઓએ સ્પર્ધા જ ખતમ કરી દેવાનું શરૂ કર્યું.

સરકારે ખાનગી કંપનીઓને એવી રીતે પ્રોત્સાહન આપ્યું કે તેના કારણે સરકારી કંપનીઓનો ભોગ લેવાઈ જાય. બીએસએનએલ અને જિયો તેનું જ સૌથી ઉત્તમ ઉદાહરણ છે.

આ બધું એ હદે ખુલ્લેઆમ થયું કે રિલાયન્સે જિયો કંપનીના પ્રચાર માટે બીજા કોઈના બદલે સીધા વડા પ્રધાનને જ બ્રાન્ડ ઍમ્બૅસૅડર બનાવ્યા.

બીજી બાજુ બીએસએનએલ જેવી સરકારી કંપનીઓના કર્મચારીઓને પગાર દેવાનાં ફાંફા થઈ ગયા છે.

એ જ રીતે અદાણી ગ્રૂપ પાસે કોઈ અનુભવ ના હોવા છતાં સરકાર સાથેની દોસ્તીને કારણે બંદર અને ઍરપૉર્ટ આપી દેવાયાં. તેના કારણે આર્થિક વિકાસ માટે સ્પર્ધા જરૂરી છે તે વાત જ ખતમ થઈ ગઈ.

જોકે, સૌથી વધુ અસર થઈ નોટબંધી અને જીએસટીને કારણે થઈ.

'નોટબંધી-જીએસટીનો બેવડો માર'

નોટબંધીને કારણે અર્થતંત્રને ટકાવી રાખનારા બિનસંગઠિત ક્ષેત્રની નાની કંપનીઓની કમર તૂટી ગઈ.

એટલું અધૂરું હોય તેમ આર્થિક સુધારાના નામે જીએસટીને પણ તરત લાગુ કરી દેવાયો. તેના કારણે બિનસંગઠિત ક્ષેત્ર પણ સરકારની નજરમાં આવી ગયાં અને સરકાર તેમની પાસેથી વસૂલી કરતી હોય તેવું લાગ્યું.

ખેતીની જમીનનું મૉનિટાઇઝેશન શરૂ થયું તો નાના અને મધ્યમ ઉદ્યોગોના ધંધા પણ જીએસટીના પરીઘમાં આવી ગયા.

જીએસટીની ગૂંચને કારણે ઉત્પાદન બજાર સુધી પહોંચતાં અટકી ગયાં. બજારમાં પહોંચ્યાં તે વેચાયાં નહીં.

એટલે કે આર્થિક સુધારાની ગતિને કારણે દેશમાં બધા વર્ગના લોકો ખરીદદાર બન્યા હતા, તેની ખરીદશક્તિ ઘટી અને તેના પર બ્રેક લાગી ગઈ.

અસંગઠિત ક્ષેત્રના 45 કરોડ લોકો સામે રોજગારીનું સંકટ ઊભું થયું છે.

સંગઠિત ક્ષેત્ર માટે એ મૂંઝવણ ઊભી થઈ કે મૂડી વિના કેવી રીતે આગળ વધવું. તેના કારણે રિઅલ એસ્ટેટથી શરૂ કરીને દરેક પ્રકારનાં ઉત્પાદન મર્યાદિત થઈ ગયાં.

નોટબંધીએ ગ્રામીણ ભારતને રડાવ્યું, તો જીએસટીએ શહેરી ભારતને.

સૌથી મોટો સવાલ એ છે કે મોદી સરકારે આર્થિક સુધારાને ક્રોની કૅપિટલીઝમ અને ભ્રષ્ટાચારની દૃષ્ટિએ જ જોયો, તો પછી શા માટે કોઈ વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા ઊભી ના કરી.

1991થી 2019 સુધીમાં શું બદલાયું

કોઈ ચાલતી આવતી વ્યવસ્થાને હટાવવા માટે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ના કરવામાં આવે ત્યારે સંકટ ઊભું થતું હોય છે.

1991થી શરૂ થયેલા આર્થિક સુધારામાં કાળું નાણું ધૂમ પેદા થયું હશે અને તેની જ ચમક હશે.

પણ સુધારા ખતમ કરી દેવાથી ભ્રષ્ટાચાર બંધ ના થયો, માત્ર કેટલાક લોકોની મુઠ્ઠી પૂરતો મર્યાદિત થઈ ગયો. તેમાં સૌથી મોટી મુઠ્ઠી રાજકીય સત્તાધીશોની જ રહી છે.

વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા શોધવાને બદલે મોદી એ સમાજવાદી રસ્તે નીકળી પડ્યા, જ્યાં રાજકીય લાભ ખાતર ખેડૂતો અને મજૂરોને ધનની લહાણી કરવાની હોય છે.

આ નાણાં ક્યાંથી આવશે તેનો કોઈ વિચાર ક્યારેય કરવામાં આવ્યો નહીં.

બીજું આર્થિક સુધારાના કારણે ફૉર્મલ સૅક્ટરને લાભ મળતો હતો તે ઇન્ફૉર્મલ સૅક્ટરને મળતો હતો, તે પણ બંધ થઈ ગયો. બંધ થયો એટલું જ નહીં, બરબાદી પણ આવી.

જીડીપીનો દર હવે પાંચ ટકાએ આવીને અટક્યો છે. 2022 સુધીમાં ઇન્ફૉર્મલ સૅક્ટરનો જીડીપી દર જ્યારે બહાર આવશે ત્યારે વિકાસ દર માત્ર બે ટકા રહી જાય તો પણ મોટી વાત લાગશે.

હવે એ જ સવાલ છે કે મોદી સરકાર પોતે કરેલી જાહેરાતોને પાછી ખેંચીને આર્થિક સુધારા તરફનો માર્ગ લેશે કે પછી અર્થતંત્રનો ઉપાય પણ રાજકીય રીતે કરવામાં આવશે?

અર્થતંત્રની કફોડી હાલત એ સ્થિતિ તરફ ધ્યાન દોરે છે કે 'રાજકીય અર્થતંત્ર' મારફતે કૉર્પોરેટ કંપનીઓને સંભાળવી, તપાસ સંસ્થાઓ મારફતે રાજકારણ કરવું અને વ્યાપક બનેલી બેરોજગારીને ભૂલાવી દેવા રાજકીય રાષ્ટ્રવાદ જગાવવો એ જ જાણે નવા ભારતનો મંત્ર લાગે છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.