નરેન્દ્ર મોદીના આ સમયમાં જો પ્રમોદ મહાજન આજે હયાત હોત તો?

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અરુણ જેટલી હવે નથી રહ્યા. ૨૦૦૬ પછીનો સમય જેટલી માટે મધ્ય આકાશે વિહરતા પૂર્ણ તેજસ્વી સૂરજનો સમય હતો.

એમની વાત મૂકવાની ઢબ જ એટલી પ્રભાવી હતી કે સંસદમાં જેટલી બોલવા ઊભા થાય ત્યારે તર્કબદ્ધ દલીલો અને જરૂર જણાય ત્યાં આક્રમકતા રજૂ કરે, ઘેરો અને પ્રભાવી અવાજ અને હિન્દી હોય કે અંગ્રેજી - ભાષા પરનો એમનો બેમિસાલ કાબૂ.

વિરોધી છાવણીમાં સોપો પડી જાય એવી તર્કબદ્ધ રીતે આવતીજતી દલીલો, જેટલી સાંભળવી ગમે અને એના વિચારોને તર્કને કબૂલ તેવી વાક્છટાધરાવતી વ્યક્તિત્વ હતા.

આમ છતાંય "He was not a man of the masses, he belonged to a special class" કદાચ એટલે જ પ્રેસથી માંડીને પાર્લામેન્ટ સુધી ગુંજતું અરુણ જેટલીનું નામ એમને અટલજી, અડવાણી કે નરેન્દ્ર મોદીની માફક લોકનેતા તરીકે પ્રસ્થાપિત ન કરી શક્યું.

પ્રેસ હોય કે પાર્લમેન્ટ અરુણ જેટલીની પકડ અને પ્રભાવ એ બધાં જ ક્ષેત્રમાં રહ્યાં. કદાચ એનું કારણ એ સર્વોચ્ચ અદાલતના એક સફળ વકીલ હતા એ પણ હોઈ શકે.

જેટલીના પિતા મહારાજ કિશેન જેટલી વકીલ અને પાકા કૉગ્રેસી હતા. આમ રાજકારણ સાથેનો ઘરોબો તેમને વારસામાં મળ્યો હતો.

સાથોસાથ રાજનીતિમાં કોઈ અલગ મત ધરાવતું હોય તો એ પ્રતિસ્પર્ધી છે, વિપક્ષ છે અને દુશ્મન નથી એ વાત પણ જેટલી સારી રીતે સમજતા હતા.

જેટલી એક ઍરિસ્ટ્રોકેટ, પ્રભાવક અને રાજનીતિની કોઠાસૂઝવાળા નેતા હતા

આને કારણે દરેક પક્ષમાં તેમના મિત્રો હતા. ક્રિકેટ એમનો શોખ હતો. પોતે પણ ક્રિકેટ રમતા અને ક્રિકેટનો વહીવટ ચલાવતા.

દિલ્હી ક્રિકેટ ઍસોસિએશન અને બીસીસીઆઈ બંનેમાં એમણે કામ કર્યું હતું. ક્રિકેટ માટે કહેવાય છે કે "It is a gentlemen's game" ક્રિકેટ સદગૃહસ્થોની રમત છે.

આમેય કોઈ પણ રમત હાર્યા બાદ પણ પોતાના પ્રતિસ્પર્ધી સાથે હાથ મિલાવી એમને અભિનંદન આપવાનું શીખવે છે.

પૂર્ણત: તો નહીં પણ અંશત: જેટલીમાં આ ગુણો ઊતરી આવ્યા હતા. આમ તો સ્લૅજીંગ અને મૅચફિકસીંગ જેવા શબ્દો જેની ડિક્શનરીમાં પ્રવેશ્યા છે એ ક્રિકેટ પણ હવે પૂરેપુરી તો જેન્ટલમેન ગેમ નથી રહી એટલે જેટલી પણ ક્યારેક-ક્યારેક અંચાઈ કરી લેતા હતા.

આમ છતાં જેટલી એક ઍરિસ્ટ્રોકેટ, પ્રભાવક અને રાજનીતિની કોઠાસૂઝવાળા નેતા હતા એમાં કોઈ શંકા નથી.

જેટલી જેટલી હતા અને લગભગ ૨૦૦૭થી માંડીને ૨૦૧૮ સુધી એમનો સુરજ સોળે કળાએ ખીલ્યો હતો. ભાજપના એ સારા સંકટમોચક જ નહીં પણ કેટલીક નીતિઓના પ્રેરક અને ઘડવૈયા પણ હતા. વ્યૂહરચના એમની આગવી તાકાત હતી.

છેલ્લેછેલ્લે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ઘોષણાપત્ર તૈયાર કરવાની ટીમમાં હું સંયોજક હતો ત્યારે એનો મુસદ્દો મંજૂર કરવા માટેની મેરેથોન ચર્ચા દરમિયાન એક-એક મુદ્દા પર અરુણ જેટલીના સ્પષ્ટ વિચારો અને એક ચોક્કસ દૃષ્ટિકોણ નજીકથી જોવાનો મોકો મળ્યો હતો.

તે વખતે તેમનું સ્વાસ્થ્ય થોડું કથળવા માંડ્યું છે એવાં ચિહ્નો મારી નજરમાંથી છટકી નહોતાં શક્યાં. મને સ્પષ્ટ લાગતું હતું કે "ઑલ ઇઝ નોટ વૅલ."

પણ આજે વાત કરવી છે પ્રમોદ મહાજનની

મારા એમની સાથેના પરિચયની શરૂઆત કેશુભાઈની સરકાર વખતે થઈ. એ વખતે ખજુરાહો કાંડ થયો અને શંકરસિંહ વાઘેલા બળવાની નેતાગીરી લઈને મેદાને પડયા ત્યારે દિલ્હીથી આ આખાય સંકટને સમજવા અને એમાંથી માર્ગ કાઢવા બે યુવા નેતાઓને મોકલવામાં આવ્યા હતા.

આ બે યુવા નેતાઓ એટલે કે અત્યારના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયાનાયડુ અને દિવંગત પ્રમોદ મહાજન. પ્રમોદ મહાજનની ઉંમર એ વખતે આશરે ૪૬ વર્ષ હશે.

આ બન્ને નેતાઓને ગુજરાતી આવડે નહીં. વેંકૈયાનાયડુને તો બિલકુલ ન ફાવે. એટલે કેશુભાઈ તરફી ધારાસભ્યોના કેમ્પમાં તેમની ચર્ચાઓનો દોર ચાલે તેમાં અંગ્રેજી કે હિન્દીમાંથી ગુજરાતીમાં તરજુમો કરી વાત મૂકવાનું દુભાષીયા તરીકેનું કામ મારે ભાગે આવ્યું.

ભારતીય જનતા પાર્ટી જેવી શિસ્ત પ્રેરિત કૅડર-બેઝડ સિસ્ટમ અને શિસ્ત નિભાવતી આવતી પાર્ટીના જીવનમાં ગુજરાતની આ ઘટના કલ્પના બહારની હતી.

પ્રમોદજી સાથે આ દરમિયાનમાં નિકટતા ઊભી થઈ જે તેમના જીવંત પર્યંત ચાલુ રહી. આ ચર્ચાઓ દરમ્યાન એમનું એક વાક્ય "No war is won till the last warship is sunk" હજુ પણ એવું ને એવું યાદ છે.

એમનામાં જબરજસ્ત પ્રતિરોધક શક્તિ હતી જેને અંગ્રેજીમાં "Indomitable fighting spirit" કહેવાય છે પણ અરુણ જેટલી અને પ્રમોદ મહાજન બંનેનાં વ્યક્તિત્વમાં એક પાયાનો ફર્ક મને વર્તાયો હતો.

વર્ષ ૧૯૯૦માં કમલ ત્રિવેદીની ઑફિસમાં અરુણ જેટલી સાથે પરિચય થયો. નરેન્દ્રભાઈ મોદી સાથે તેમની અત્યંત નિકટતા હતી. તેઓ તેમને નામથી બોલાવતા. એ સમજ કમલભાઈ ત્રિવેદી સાથેની વાતચીતમાં મને આવી.

પણ અરુણ જેટલી કાંઈક અંશે બરછટ હતા. એમની પ્રતિભા અને બુદ્ધિમત્તા વિશે થોડા વધારે પડતા સભાન હતા. પ્રમોદજી આથી ઊલટું, અત્યંત મોહક અને શીતળ વ્યક્તિત્વ ધરાવતા હતા, જેની લોહચુંબકીય પ્રતિભા કાર્યકરોને આકર્ષતી હતી.

એમાં ચાંદનીની શીતળતા હતી. જરૂર પડે આ જ વ્યક્તિત્વ ગજવેલ જેવું કઠોર પણ બની જતું હતું. પ્રમોદ મહાજને કદાચ નીચેની પંક્તિઓ આમ્તસાત કરી હતી.

'તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તુટી એ જાય

તારી વીણાના તાર એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં.'

પ્રમોદ મહાજન માત્ર અટલજીના જ નહીં પણ એ સમયે ભાજપને જેની ખૂબ જરૂર હતી તેવાં નાણાકીય સાધનો ઊભાં કરવાં માટે મુંબઈના અગ્રણી ઔદ્યોગિક ગૃહો સાથે પણ ખૂબ જ સાહજિકતાથી વાત કરી એમનો વિશ્વાસ ભાજપ માટે જીતવામાં સફળ થનાર મોટું નામ હતા.

પ્રમોદ મહાજન એક અજોડ જુસ્સો ધરાવતા

વાજપેઈ સરકારનો સમય પૂરો થાય એ પહેલાં લોકસભાની ચૂંટણીઓ વહેલી યોજવા અને ઇન્ડિયા શાઇનિંગ કૅમ્પેન જેવી નિષ્ફળતાઓ માટે પ્રમોદ મહાજનને જવાબદાર ગણવામાં સંઘ પરિવારથી માંડી તેમના રાજકીય સાથીઓ સુધી ઘણા બધા હતા.

આમાંના કેટલાકે તો આ ઘટનાને પ્રમોદ મહાજનની રાજકીય કારકિર્દીનો આખરી અધ્યાય ગણી તેમની વિદાયની પણ આગાહી કરી દીધી હતી પણ પ્રમોદ મહાજન જુદી માટીના ઘડાયેલા હતા.

માત્ર ચાર જ મહિના બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન વળી પાછું એમણે શિવસેના-બીજેપીના સંયુક્ત મોરચાની લડાઈમાં સેનાપતિનું મહત્ત્વનું સુકાન સંભાળ્યું. ખૂબ પરિશ્રમ કર્યો, ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત પ્રવાસ અને સતત મહેનત.

ઍરકંડિશન્ડ ઑફિસ હોય કે ગામડાંની ખાટલાસભા હોય, ખૂબ જ સાહજિકતાથી પરિસ્થિતિને અનુકૂળ થઈ જવું એ એમની વિશેષતા હતી.

આટલા બધા પ્રયત્નો છતાં મહારાષ્ટ્રની ચૂંટણીઓ બીજેપી-શિવસેના ગઠબંધન હારી ગયું ત્યારે તો પક્ષમાંના કેટલા વિરોધીઓ, કેટલાક રાજકીય વિશ્લેષકોએ પ્રમોદ મહાજનની વિદાય નક્કી કરી નાખી હતી.

સામે અરુણ જેટલી ઝારખંડ અને બિહારમાં એનડીએને વિજય અપાવવામાં સફળ રહ્યા હતા. હવે તો પ્રમોદ મહાજનના મિત્રો પણ માનવા માંડ્યા હતા કે ભાજપમાં પ્રમોદ મહાજનનો સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે.

પણ તકદીરે કંઈક જુદું જ નક્કી કર્યું હતું. બરાબર એક વર્ષ બાદ મુંબઈમાં ભાજપનો રજતજયંતિ ઉજવણીનો સમારોહ થયો.

સૌના આશ્ચર્ય વચ્ચે અટલજીએ પ્રમોદ મહાજનના ભરપેટ વખાણ કરતા ભાજપની આવતી પેઢીના નેતૃત્વમાં એમનું મહત્ત્વનું સ્થાન રહેશે એ સ્પષ્ટ કરતા કહ્યું કે જેમ ભાજપમાં આજે અડવાણી અને અટલજીની જોડી રામ અને લક્ષ્મણની જોડી કહેવાય છે તે જ રીતે અટલજીની રાજકીય નિવૃત્તિ બાદ એ રામ અને લક્ષ્મણની જોડી તરીકે અડવાણી અને મહાજન હશે!

પ્રમોદ મહાજનમાં રહેલો પેલો યોદ્ધો ફરી તેમને રંગમંચની મધ્યમાં લઈ આવ્યો હતો. મહાજનની કૂટનીતિ અને વ્યક્તિત્વનો આ વિજય હતો.

એક તરફ ભાજપની જનેતા જેવો ઉગ્ર હિંદુવાદી આરએસએસ અને બીજી બાજુ ઉદારનીતિની વિચારધારા ધરાવતા પ્રમોદ મહાજન પણ તેઓ બંને સાથે સમન્વય રાખી શકતા હતા.

કદાચ ૧૯૯૦ બાદ સંઘ પરિવારને પણ સમજણમાં આવ્યું હતું એ માત્ર હિંદુત્વના મુદ્દે કેન્દ્રમાં સત્તા હાંસલ કરી શકાશે નહીં, બીજી વિચારધારાઓ અને પ્રવાહ સાથે પણ ક્યાંક ને ક્યાંક તડજોડ કરવી પડશે અને એમાં પ્રમોદ મહાજન બધી રીતે યોગ્ય પુરવાર થશે.

કદાચ આનું એક કારણ એ પણ હતું કે અરુણ જેટલીની સરખામણીમાં પ્રમોદ મહાજન આરએસએસના માળખાની પેદાશ હતા.

પ્રચારક તરીકે પોતાની કારકિર્દી શરુ કરીને તરુણ ભારતના પત્રકાર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા ત્યારબાદ ભારતીય યુવા મોરચો.

અંબે જોગાઈ ગામનો આ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ આરએસએસ અને તેની પરિવાર સંસ્થાઓની ગલીકૂંચીઓથી પૂર્ણત: પરિચિત હતો.

આમ છતાંય છેલ્લેછેલ્લે આ જ સંસ્થાઓના કેટલાક આગેવાનો 'મહાજન કૉર્પોરેટગૃહોના થઈ ગયા છે' એટલું એવું કહેવામાં પણ પાછીપાની કરતા નહોતા.

આ પ્રકારનો રાજકીય સંઘર્ષ અરુણ જેટલીએ કર્યો હોવાનું જણાતું નથી. એક તેજાબી વક્તા અને કુશળ સંગઠક તરીકેની પ્રમોદ મહાજનની ક્ષમતાઓ પ્રશંસા પામતી હતી.

માત્ર 37 વર્ષની ઉંમરે રાજ્યસભામાં પહોંચ્યા

૧૯૭૫થી ૧૯૭૨ની ઇમર્જન્સી દરમિયાન તેમને કેદ થઈ હતી અને ત્યાર બાદ મહાજન સંઘ પરિવારની સંસ્થાઓમાં સાથે કામ કરતાકરતા ૧૯૮૬માં રાજ્યસભામાં પહોંચ્યા તે વખતે તેમની ઉંમર હતા માત્ર ૩૭ વર્ષ!

૧૯૯૦ની સાલમાં અડવાણીની રથયાત્રા દરમિયાન મહાજનની કામગીરી અડવાણીના સાથી તરીકે અત્યંત પ્રશંસા મેળવી હતી.

ત્યાર બાદ મહાજનનો સૂર્ય હંમેશાં પૂર્ણ કાળે રહ્યો. મુંબઈની રજતજયંતી સભામાં અટલજીએ અડવાણીજી-મહાજનની જોડીને રામ લક્ષ્મણની જોડી ગણાવી.

મહાજનની ભાજપ ઉપરની પકડ, એમની ભાજપાના અગ્રણી નેતા તરીકેની ઔદ્યોગિક ગૃહોમાં અને અન્ય દ્વારા સ્વીકૃતિ.

ફંડ ભેગું કરવાથી માંડી મોટી કૉન્ફરન્સ કે સભાઓ કરવી, પારસ્પરિક વિરોધી વિચારસરણી ધરાવતા વચ્ચે પણ સંપર્ક અને સંબંધ સેતુ ઊભા કરવા એ મહાજનની વિશેષતા હતી.

આ એવો સમય હતો જ્યારે હાલના આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદય થવાને હજુ વાર હતી.

મોહક વ્યક્તિત્વ. પ્રભાવી વાક્છટા, ચાણક્યબુદ્ધિ અને પક્ષ તેમજ બહાર વિશાળ ચાહક વર્ગ ધરાવતા પ્રમોદ મહાજનનો સિતારો સાતમા આસમાને હતો.

સગા ભાઈ પ્રવીણ મહાજને ગોળી મારી

પણ બરાબર ત્યારે જ ૩જી મે, ૨૦૦૬ના રોજ તેમનું આકસ્મિક અવસાન થયું. સગા ભાઈ પ્રવીણ મહાજને જ તા. ૨૨ એપ્રિલ, ૨૦૦૬ના રોજ તેમને ગોળી મારી હતી. એક અત્યંત આશાસ્પદ કારકિર્દી અકાળે અને આકસ્મિક સમેટાઈ ગઈ.

...પણ જો ૨૦૦૬માં પ્રમોદ મહાજનનું અકાળે અવસાન થયું ન હોત તો?

કોઈ પણ ઘટના ઘટત પ્રમોદ મહાજન એના કેન્દ્રસ્થાને હોત તેમાં કોઈ શંકા નથી.

એક સમય હતો જ્યારે આ દેશમાં પણ ઘણા બધા નેતા હતા અને ભાજપમાં પણ ઘણા બધા એવા નેતા અને કાર્યકરો હતા જેમને પ્રમોદ મહાજનમાં ભવિષ્યની મોટી આશા દેખાતી હતી.

સવાલ એ થાય કે જો પ્રમોદ મહાજન જીવ્યા હોત અને ભાજપના રંગમંચ પરથી તેમણે આકસ્મિક વિદાય ન લીધી હોત તો ૩૦ ઑક્ટોબર, ૧૯૪૯ના રોજ જન્મેલા આ નેતા આજે ૭૦ વર્ષના હોત.

૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી કરતાં સહેજ જ મોટા.

શું પ્રમોદ મહાજન જીવ્યા હોત તો ભાજપની અને દેશની રાજનીતિ આજે છે તેના કરતાં અલગ હોત?

શું તેઓ ભારતના વડા પ્રધાન બની શક્યા હોત?

ઘણી બધી શક્યતાઓ કલ્પનામાં ઊભરે છે. પણ આજે પ્રમોદ મહાજન નથી. ૨૦૦૬માં ભર બપોરે આ સૂર્ય આથમી ગયો. અટલજી દ્વારા ઘોષિત રામ-લક્ષ્મણની જોડી ખંડિત થઈ. લક્ષ્મણ વહેલો ચાલી ગયો.

આવું ન બન્યું હોત તો શું થાત?

એ તો રામ જાણે!

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો