You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ રશિયાના માટે એક બિલિયન અમેરિકન ડૉલરની જાહેરાત કેમ કરી?
- લેેખક, જયનારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઇસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં બોલ્યા કે તેઓ રાષ્ટ્રપતિ પુતિનના વિઝનથી પ્રભાવિત થયા છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમા ઇન્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા.
દરમિયાન તેઓએ ભારતના રશિયાના સાથેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કરીને કહ્યું કે રશિયાના દૂરપૂર્વના વિસ્તારો સાથે ભારત ઘણા લાંબા સમયથી જોડાયેલું છે.
જ્યારે બીજા વિદેશીઓને વ્લાદિવોસ્તોકમાં પ્રવેશ નહોતો ત્યારે ભારત વ્લાદિવોસ્તોકમાં પોતાની કૉન્સ્યૂલેટ ખોલનાર પહેલો દેશ હતો.
આ ફોરમમાં બોલતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર લઈને નવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ છીએ.
અને 2024 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન અમેરિકન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રગતિ કરી રહ્યું છે.
વડા પ્રધાને ભારત તરફથી રશિયાના સુદૂરપૂર્વના વિકાસ માટે એક બિલિયન અમેરિકન ડૉલરની 'લાઇન ઑફ ક્રૅડિટ' આપવાની પણ જાહેરાત કરી.
લાઇન ઑફ ક્રૅડિટ એટલે શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાઇન ઑફ ક્રૅડિટ એટલે નાણાકીય સંસ્થા-સામાન્ય રીતે કોઈ બૅન્ક અને કોઈ ગ્રાહક વચ્ચેનો કરાર.
આ વિશેષ વ્યવસ્થામાં કેટલીક એવી પણ શરતો હશે કે આ નાણાંનો ઉપયોગ ભારત સાથેના વેપાર અથવા તો ઔદ્યોગિક ઉત્પાદનોનાં ખરીદવેચાણ માટે પરસ્પર હિતમાં થાય.
જો આવું થાય તો આ નાણાંથી ભારતમાં વેપાર, વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો વધે.
વડા પ્રધાન આ વિસ્તારોના વિકાસ માટે ઉત્સુક છે અને આથી તેઓએ ઇકૉનૉમિક ફોરમમાં આ જાહેરાત કરી હતી.
આ વિદેશનીતિનો એક ભાગ છે. સામાન્ય રીતે પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવા અને રાજનીતિક સંબંધો પણ વિકસાવવા જરૂરી હોય છે.
જેમ કે આપણે જ્યારે અન્નમાં સ્વાવંલબી નહોતા ત્યારે અમેરિકા (પીએન-480 હેઠળ) આપણને ઘઉં ખરીદવા માટે સહાય આપતું હતું.
બદલામાં અમેરિકા ભારતમાંથી એમને જે જોઈએ તે ખરીદતું હતું. આ બંને પક્ષ વચ્ચેની અનુકૂળ વ્યવસ્થા હોય છે અને આ રીતે તમે બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરી શકો છે.
આપણા પડોશી દેશ નેપાળને પણ આપણે ઘણી બધી સહાય આપીએ છીએ. જેમાંથી તે ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ ખરીદે છે.
તો એ દેશોનો પણ વિકાસ થાય અને આપણા દેશમાં પણ ઔદ્યોગિક સહિતનો વિકાસ થાય, એ રીતે બંને પક્ષે આ રીતે લાઇન ઑફ ક્રૅડિટ ઉપયોગી થતી હોય છે.
લાઇન ઑફ ક્રૅડિટ કૂટનીતિનો એક ભાગ
તો એ જ રીતે લાઇન ઑફ ક્રેડિટની શરતો શું છે એ પણ ધ્યાને લેવું જોઈએ.
દેશની કૂટનીતિને અનુરૂપ ક્યારેક આ પ્રકારના રોકાણ કે લોનની લેવડદેવડ કરવી પડતી હોય છે.
એટલે હાલની ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડવાની મને જરૂર લાગતી નથી.
ભારતની આટલી મોટી અર્થવ્યવસ્થા જોતાં આ રકમ બહુ મોટી નથી. આ પ્રકારની લેવડદેવડ સાથે દેશના આર્થિક હિતો એક યા બીજી રીતે જોડાયેલાં હોય છે.
એટલે આવી બધી શરતો દેશની અર્થવ્યવસ્થા અને વિદેશનીતિ માટે ઉપકારક બની રહેતી હોય છે. એટલે તેને સાંકડા પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર નથી.
આ લાઇન ઑફ ક્રૅડિટ એક રીતે રશિયા સાથેના વિસ્તારોના વિકાસ માટે ભારત તરફથી એક શુભેચ્છા પ્રદાન છે એમ કહી શકાય.
કૂટનીતિ ક્યારેય એક મુદ્દાને લઈને ચાલતી નથી. વિદેશનીતિ પાછળનાં અનેક કારણો હોય છે.
રશિયાએ ઇકૉનૉમિક ફોરમમાં મુખ્ય મહેમાન તરીકે વડા પ્રધાન મોદીને બોલાવ્યા છે એ ભારત સાથેના સંબંધોને વધારવા માટેની ઉત્સુકતા ગણી શકાય.
અને તેનો ઉપયોગ આપણને ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થવાનો છે.
(બીબીસી ગુજરાતીના સુરેશ ગવાણિયા સાથેની વાતચીતને આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.