Teachers' Day : ગુજરાતમાં શિક્ષકો પાસે આટલાં કામ તો ભણાવશે ક્યારે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતનો આર્થિક વૃદ્ધિદર અને વિકાસ તો ખૂબ ઊંચો છે પણ રાજ્યમાં શિક્ષણની અને શિક્ષકોની સ્થિતિ કેવી છે તે એક ચર્ચાનો વિષય છે.

શાળા, વિદ્યાર્થી અને શિક્ષક એ ત્રણેય શિક્ષણ વ્યવસ્થાના મહત્ત્વપૂર્ણ પાયા જેવા છે. શિક્ષકદિવસની ઉજવણી ગુજરાતની અનેક શાળાઓમાં થઈ હશે પરંતુ પાયાનો પ્રશ્નોનું શું?

નિષ્ણાતોના મત મુજબ ગુજરાતની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ છે. શિક્ષકોને ઑનલાઇન તાલીમ પણ આપવામાં આવે છે પરંતુ વ્યવસ્થામાં કંઈક ખામી છે જેનાથી શિક્ષક અને બાળકો બંને મૂંઝાય છે.

ભૌતિક સુવિધાઓની વાત બરાબર છે પરંતુ શિક્ષણની ઘટતી જતી ગુણવતાનો પ્રશ્ન ગુજરાત સામે ઊભો છે.

શિક્ષકોને ભણાવવા સિવાયનાં કામો કેમ?

ગુજરાતની સરકારી અનુદાન મેળવતી અને ખાનગી સહિત કેટલીક સ્કૂલોમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો જ નથી.

એ સિવાય શિક્ષકોની તાલીમ, નીતિ, ભણાવવાની સિવાયની જવાબદારી, પગાર ધોરણ અને વિદ્યાસહાયક જેવા કેટલાય પ્રશ્નો છે.

અર્થશાસ્ત્રી ડૉ. નેહા શાહ કહે છે, "પ્રથમનો જે રિપોર્ટ દસ વર્ષથી આવે છે તેમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં મોટી ખામીઓ દેખાઈ આવે છે."

"જેમાંથી એવાં તારણો નીકળે છે કે સાતમા ધોરણમાં ભણતાં બાળકોને વાંચતા-લખતા કે ગણતાં ન આવડે તો એવું સમજવું પડે કે પ્રાથમિક શાળામાં શિક્ષકો બાળકો સુધી પહોંચતા નથી કાં તો શિક્ષકો ધ્યાન આપી રહ્યા નથી અથવા શિક્ષકોને બાળકોને ભણાવતાં આવડતું નથી."

તેઓ કહે છે, "એ હકીકત છે કે પ્રાથમિક શાળાઓએ જે લક્ષ્ય હાંસલ કરવાનું છે તે ગુજરાતની સરકારી શાળાઓ કરી શકતી નથી."

શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવામાં તાલીમ પામેલા શિક્ષકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ રણજીત પરમાર કહે છે, "રાજ્ય સરકાર ગુણવત્તાલક્ષી શિક્ષણની વાત કરે છે અને શિક્ષકો પણ એ દિશામાં ચાલવા માગે છે પણ વર્ગખંડ સિવાયનાં કામોમાં શિક્ષકો વ્યસ્ત રહે છે."

તેઓ કહે છે, "અમારી માગ છે કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દે, એ સિવાયનાં કામ જે શિક્ષકોને આપવામાં ન આવે. 10-15 પ્રકારની કામગીરી શિક્ષકોએ ઑનલાઇન કરવાની હોય છે."

"એકમ કસોટી, વીકલી કસોટી અને બાળકોની હાજરી જેવી કેટલીક કામગીરી ઑનલાઇન કરવાની હોય છે. જેમકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં ફેરફાર જેવાં કામ ગુજરાતના 60 ટકા શિક્ષકોને સોપવામાં આવે છે."

ખાનગી શાળાઓની વાત કરીએ તો એક મીડિયા અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે માન્યું હતું કે ગુજરાતમાં સરકારી સહાય ન મેળવતી સ્કૂલોમાં 8,000 જેટલા શિક્ષકો પોતાના કામ માટે યોગ્ય લાયકાત ધરાવતા નથી.

ભણતર કરતાં શિક્ષકો પર અન્ય ભાર વધારે

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ 2016માં ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 13,140 પદ ખાલી હતાં.

શિક્ષકોની ભરતી પર રણજીત પરમારનું કહેવું છે, "વિદ્યાર્થી-શિક્ષક રેશિયો મુજબ 120 બાળકો સુધી પાંચ શિક્ષકો આપવામાં આવે છે. જોકે, સ્કૂલે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 સુધી પહોંચે તો પણ વધુ શિક્ષકો આપવામાં આવતા નથી."

રણજીત પરમાર કહે છે, "વડા પ્રધાન ગુજરાતના છે અને સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહે એ અમે ઇચ્છીએ કે બિનજરૂરી કામગીરી જો શિક્ષકોને આપવામાં ન આવે તો તેઓ ભણાવવા પર વધારે ધ્યાન આપી શકે."

શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી રોહિત શુક્લા કહે છે, "ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા ખરાબ થવાનું એક કારણ છે પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી ન થવી. અથવા બાંધ્યા પગારે તેમને અમુક નિશ્ચિત કામોમાં રાખવામાં આવે છે."

તેઓ કહે છે, "બાળકોને સારું શિક્ષણ આપે એવી અપેક્ષા શિક્ષકો પાસે રાખવાની જગ્યાએ કેટલાંય કામ શિક્ષકો ઉપર મૂકી દેવામાં આવે છે."

"જેમ કે મેલેરિયા નાબૂદી, મતદાર યાદીનું કામ હોય, ખેલ મહાકુંભમાં બાળકોને લઈ જવાનું કામ શિક્ષકો કરે છે. ખરેખર તો શિક્ષકોનું નિશ્ચિત કામ હોવું જોઈએ."

વિદ્યાસહાયકોની યોજના શિક્ષણ માટે નુકસાનકારક?

જાણકારો કહે છે કે વિદ્યાસહાયકોની ગુજરાત સરકારની યોજના પણ શિક્ષણ માટે નુકસાનકારક છે.

આ પ્રકારની યોજના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં પણ રહેલી છે જ્યાં ઓછા પગારે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે છે.

એક અહેવાલ મુજબ વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોની આ નીતિને ફટકારતા કહ્યું હતું કે આવી યોજનાઓ આખા શિક્ષણતંત્ર અને ભવિષ્યને ખરાબ કરી રહી છે.

નેહા શાહ કહે છે, "વિદ્યાસહાયકની વ્યવસ્થા હઠાવીને સરકારે સારા પગારે શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને સરકારે આ ખર્ચમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકી અને શિક્ષણ વ્યવસ્થાને સુધારવી જોઈએ."

"જો સરકાર શિક્ષકોની ભરતી ન કરે અને વિદ્યાસહાયકોથી ચલાવવાનું વિચારે તો શિક્ષણની સ્થિતિ વધુ ને વધુ વણસી જશે."

રણજીત પરમારનું કહેવું છે, "ગુજરાતમાં શિક્ષકોના પગારને લઈને પણ નારાજગી છે. અપર પ્રાઇમરીમાં ગ્રૅજ્યુએટ શિક્ષકો બીજા રાજ્યમાં આપવામાં આવતા પગાર ધોરણ કરતા ઓછો પગાર મળવાથી નારાજ છે."

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે, હવે 99.9 ટકા શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે અલગ ટૉઇલેટની અને પીવાના પાણીની સગવડ છે.

99.7 ટકા શાળામાં વીજળી અને 70.7 ટકા શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે. જોકે બિન-સરકારી સંસ્થા 'પ્રથમ'ના વાર્ષિક સર્વે 'અસર' (ASER)ના તારણો કંઈક જુદી વાત સૂચવે છે.

પરંતુ જાણકારો પ્રમાણે ગુજરાત સામે મોટો પ્રશ્ન શિક્ષણની ગુણવત્તાનો છે.

શિક્ષણ સારું તો ટ્યૂશન ક્લાસની જરૂર કેમ?

ડૉ નેહા શાહ કહે છે, "બાળકને ટ્યૂશનની જરૂર એટલે પડે છે કારણકે સ્કૂલમાં જે કામ થવું જોઈએ એ થતું નથી."

"પરીક્ષાલક્ષી વ્યવસ્થાનું દબાણ વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતાને ટ્યૂશન તરફ લઈ જાય છે."

"શિક્ષકો બાળકો પર જરૂરી ધ્યાન આપવા માટે તાલીમબદ્ધ નથી હોતા, અને વિદ્યાર્થી-શિક્ષક રેશિયો પણ ટ્યૂશનમાં વધારા માટે જવાબદાર છે."

"તેનાથી આ પરિસ્થિતિ વધારે વણસી રહી છે કારણકે કોચિંગ કે ટ્યૂશનમાં માત્ર પરીક્ષા પર જ ધ્યાન આપવામાં આવે છે."

"શિક્ષકોને પણ ટ્યૂશનમાંથી વધુ કમાણી થતી હોય એટલે સ્વાભાવિકપણે ટ્યૂશનની પ્રવૃત્તિ વધવાની જ."

શિક્ષકો માટે વાતાવરણ કેવું છે?

રોહિત શુક્લા કહે છે, "ગુજરાતમાં પ્રવેશોત્સવની જેમ જ ગુણોત્સવ યોજવામાં આવે છે. ગુણોત્સવ શાળાઓની ક્વૉલિટીની સમીક્ષા છે. એમાં જે આંકડા સરકારે બહાર પાડ્યા તેમાં સામે આવ્યું કે શિક્ષણની સ્થિતિ કેટલી નબળી છે."

તેઓ કહે છે, "શિક્ષણને બહુ હળવી રીતે લેવાય છે એ બહુ ખોટું છે. યોગ્ય વ્યક્તિઓને વાઇસચાન્સલર, પ્રિન્સિપાલ, કૉલેજ અથવા સ્કૂલના શિક્ષકો તરીકે નીમવા જોઈએ. તો કદાચ સારું કામ થાય પણ અત્યારે શિક્ષણની સ્થિતિ બહુ ખરાબ છે."

તેઓ ઉમેરે છે, "પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસી અને ત્યાર બાદ ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ પાસ કર્યા પછી પણ નોકરી મળતી નથી."

"મોટા ભાગનું કામ નોકરી પર અને બીએડ ગ્રૂપ ટ્રેનિંગમાં થાય છે. એના માટેનો અવકાશ બહુ ઓછો છે."

આગળ તેઓ કહે છે, "પહેલાં સ્કૂલમાં વરિષ્ઠ શિક્ષકો પાસેથી નવા શિક્ષકો શીખતા હતા, પણ હવે સ્કૂલો અને કૉલેજોમાં પરિસ્થિતિનું રાજકીયકરણ થયું છે. જેના કારણે શિક્ષકો પાસે કોઈ દિશા નથી."

"શૈક્ષણિક નેતૃત્વની કમી છે અને જેવી વાચન સામગ્રી હોવી જોઈએ એ પણ ઉપલબ્ધ થતી નથી. સારા શિક્ષણ માટે જરૂરી વાતાવરણ હોતું નથી."

"ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં ફી વધારા પર નિયંત્રણ રાખવા માટે નીમવામાં આવેલી ફી કમિટીનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી."

"ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ બહુ વિકટ છે અને સરકાર કેમ નેતૃત્વ કરતી દેખાતી નથી એ એક પ્રશ્ન છે."

"ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોને મળતો પગાર પણ એક પ્રશ્ન છે. એ સિવાય ગુજરાતમાં શિક્ષક પદ પર દસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે પણ ત્યાં ભરતી કરવામાં નથી આવતી."

રોહિત શુક્લા કહે છે, "શિક્ષણમાં ચાલતાં રાજકારણને લીધે શિક્ષકો દબાણમાં હોય છે. પણ 1974 પહેલાંનો એક સમય હતો કે ગુજરાત એવું રાજ્ય હતું જ્યાં શિક્ષકોએ આંદોલનો કરીને પોતાના અધિકારો મેળવ્યા હતા."

"જેમાં તેમનો પગાર અને તેમને છૂટા ન કરવા, ઝઘડો થાય તેવામાં પંચ હોય, આ પ્રકારના કેટલાય અધિકારો સામેલ હતા. પણ હવેના શિક્ષકો પાસે આ બધું નથી રહ્યું."

"કહેવાય છે 'ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર', પણ ખરેખર આજે ગુજરાતમાં શિક્ષકની હાલત બહુ સારી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો