'ગુજરાત સરકાર ગામડાંમાં શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી રહી નથી'

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી સંવાદદાતા

"હું રહું તો ગામમાં છું પરંતુ મારે એટલું સક્ષમ બનવું છે કે શહેરના વિદ્યાર્થીઓની સાથે ખભેથી ખભા મળાવી શકું."

આ શબ્દો 18 વર્ષીય ગુજરાતી યુવતી બિનલના છે જેઓ નડિયાદથી 14 કિલોમિટર દૂર આવેલા ગામમાં રહે છે.

'આઈ કેન ટૉક ઇંગ્લિશ, આઈ કેન વૉક ઇંગ્લિશ, બીકૉઝ ઇંગ્લીશ ઈઝ વેરી ફની લૅંગ્વેજ' અરીસા સામે ઊભી આવું બોલતી વખતે તેના ચહેરા પર સ્મિત અને શરમની રેખાઓ ઊપસી આવે છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને અમે બિનલના ઘરે પહોંચ્યાં અને ચૂંટણીને લઈને તેમના શું મુદ્દાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

સૌપ્રથમ તો અમે બિનલ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જેમ કે, તેમની મનપસંદ આઇસક્રીમ, કૉલેજ બાદ સમય પસાર કરવાનું મનપસંદ સ્થળ, મિત્રો અને તેમને મહેસૂસ થતી અસુરક્ષા.

બિનલને કૉલેજ જવું અને મિત્રો સાથે સમય પસાર કરવો પસંદ છે સાથે જ પાણીપૂરી તેની મનપસંદ વાનગી છે.

આ બધાની બીજી બાજું તેમને ક્લાસરૂમ જેલ જેવો લાગે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અંગ્રેજીની તકલીફ

તેઓ ગામડામાંથી આવે છે એટલા માટે અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે.

તેઓ કહે છે, "હું જાણું છું કે આ હીન ભાવના છે પરંતુ હું કંઈ કરી શકતી નથી. હું આ મુદ્દે મારી જાતને સાબિત કરવાના સતત પ્રયાસ કરું છું."

"હું ક્લાસરૂમની અંદર એક શબ્દ પણ નથી બોલી શકતી, એટલે સુધી કે શિક્ષક સવાલ કરે અને મને જવાબ ખબર હોય તો પણ."

એક મનમોજી ટીનએજર આ રીતે એકદમ મૌન રહે તેના પર વિશ્વાસ કરવો થોડું અઘરું છે.

ગામના અન્ય યુવાનોની જેમ બિનલનું જીવન પણ આ રીતે પસાર થઈ રહ્યું છે.

ગામના યુવાનો સારી તકોની શોધમાં શહેરો તરફ જાય છે પરંતુ શહેરના યુવાનોની જેમ અંગ્રેજી ના બોલી શકવાને કારણે તકલીફ અનુભવે છે.

બિનલનું કહેવું છે કે ગામડાંના વિદ્યાર્થીઓને સારું ભણતર નથી મળતું. ઍન્યુઅલ સ્ટેટસ ઑફ ઍજ્યુકેશન રિપોર્ટ 2018 મુજબ છેલ્લાં 10 વર્ષમાં અભ્યાસની ગુણવત્તામાં સરકારી શાળાઓ કરતાં ખાનગી શાળાઓ આગળ છે.

બિનલ કહે છે, "હું સરકારી શાળામાં ગુજરાતી મીડિયમમાં ભણી છું. જ્યારે મેં નડિયાદમાં બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો ત્યારે જાણે મારી દુનિયા જ બદલી ગઈ."

"એવી ઘણી બાબતો હતી જે હું નહોતી જાણતી. હું શહેરના વિદ્યાર્થીઓની જેમ વાતચીત કરવામાં સારી નહોતી. તેમણે શહેરમાં જે ગુણવત્તાનું ભણતર મેળવ્યું તે અમારા કરતાં ખૂબ જ સારું છે."

ચૂંટણીના મુદ્દા

આગામી લોકસભાની ચૂંટણીમાં બિનલ તેમને મત આપશે જેઓ શહેર અને ગામડાંના ભણતરને સમાંતર કરે.

બિનલનું કહેવું છે કે એક પણ રાજકીય પક્ષ ગામડાંના વિદ્યાર્થીઓ માટે વિચારતો નથી.

તેઓ કહે છે, "નેતાઓ એવું બતાવવા માટે માત્ર શાળાઓ બંધાવે છે કે તેઓ વિદ્યાર્થીઓ માટે કંઈક કરી રહ્યા છે પરંતુ ગુણવત્તાસભર ભણતરનું શું? મોટા ભાગના ગુજરાતી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે પરંતુ ત્યાં તેમને સારું ભણતર નથી મળતું."

કૉલેજ જવા માટે દરરોજ તેમને નડિયાદ જવું પડે છે. બિનલનો મુખ્ય સવાલ છે કે જો તેઓ સારું ભણતર નહીં મેળવે તો તેઓ પ્રતિસ્પર્ધા અને ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર થશે?

પરિવારમાં ત્રણ ભાઈબહેનોમાં બિનલ સૌથી નાનાં છે. તેઓ તેના પરિવાર માટે કંઈક કરવા માગે છે.

ચહેરા પર ચિંતાના હાવભાવ સાથે તેઓ કહે છે, "મારા માતાપિતાએ મને ભણાવવા માટે તેમનાથી જે થયું તે બધું જ કર્યું. મેં વિચાર્યું હતું કે કૉલેજમાં આવી હું માતાપિતાને ગર્વ થાય તેવું કરીશ પરંતુ હાલમાં હું પાછળ રહી ગઈ છું."

સરકાર માત્ર વાતો કરે છે અને કોઈ પગલાં ન લેવાને તે વખોડી કાઢતાં કહે છે, "સરકાર સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ ગામડાંના વિદ્યાર્થીઓને તેઓ આ નથી શીખવતી. તેઓ જીવનમાં આગળ કેવી રીતે આવશે?"

"ઍન્યુઅલ સ્ટેટસ ઑફ ઍજ્યુકેશન રિપોર્ટ 2018 મુજબ પાંચમાં ધોરણના માત્ર 44.2 ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પાઠ્યપુસ્તક વાંચી શકે છે."

"સરકાર અમારા ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને તેને આ પ્રત્યે કોઈ પસ્તાવો પણ નથી."

સવાલ કરતાં બિનલ કહે છે, "સરકારને અમારી બિલકુલ ચિંતા નથી અને હોય પણ શા માટે? તેમનાં બાળકો ભવ્ય શાળાઓમાં ભણે છે અને સારું શિક્ષણ મેળવે છે તો પછી શા માટે તેઓ ગામડાંની સરકારી શાળાઓ વિશે વિચારે?"

શિક્ષકો કરતાં રાજકારણીઓનો વાંક

બિનલના મોટાભાઈ હિતેશ ચાવડા કહે છે, "સરકારી શાળાઓના શિક્ષકોની નોકરી સુરક્ષિત છે. તેઓ માત્ર આવે અને જાય છે પરંતુ ગામડાંના વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે નથી વિચારતા."

"આમાં વાંક શિક્ષકો નહીં પરંતુ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રાજકારણીઓનો છે જેમણે સરકારી શિક્ષકોના કાર્યભારમાં ઘટાડો અને બાળકોની પ્રગતિ માટે જવાબદાર બનાવવાની જરૂર છે."

તેઓ કહે છે કે નામ માત્રને ખાતર શાળાઓ અને કૉલેજ બાંધવી એ પૂરતું નથી.

આ કારણે ભારતનાં ગામડાંમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ગુણવત્તા વાળું શિક્ષણ મહત્ત્વનો મુદ્દો છે.

એક જ દેશમાં જાણે બે દેશ રહેતા હોય તે વાત પર ભાર મુકતાં બિનલ કહે છે, "અમે શહેરના વિદ્યાર્થીઓ સાથે હરિફાઈમાં નથી ઊતરી શકતા તો વિદેશના વિદ્યાર્થીઓ સાથે હરિફાઈ કરવાનું વિચારી પણ કેવી રીતે શકીએ?"

"ભારત અને ઇંડિયા બન્ને અલગઅલગ નામ છે. તેની વાસ્તવિકતા અને અનુભવો પણ તદ્દન અલગ છે. મને આશા છે કે તે બન્ને સાથે વિકાસ કરે અને એકબીજાની પડખે ચાલે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો