You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડમાં બંદૂકના કાયદા શું છે અને તે કેવી રીતે બદલાશે?
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની મસ્જિદો પર થયેલા હુમલામાં જે સેમી-ઑટોમૅટિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ગયા શુક્રવારે બે મસ્જિદોમાં હુમલો કરીને એક બંદૂકધારીએ 50 લોકોની હત્યા કરી નાખી હતી.
જે બાદ ન્યૂઝીલૅન્ડમાં બંદૂક ખરીદવા અને રાખવાના નિયમોમાં ફેરફાર કરવા અંગે ચર્ચાઓ થઈ રહી હતી.
વડાં પ્રધાન અર્ડર્ને કહ્યું કે બંદૂકો સાથે જોડાયેલા નવા નિયમો 11 એપ્રિલથી લાગુ થઈ શકે છે.
તેમણે કહ્યું હાલ જેમની પાસે હથિયારો છે તેમની પાસેથી તેને પરત લેવા માટે એક ઔપચારિક નિયમ બનાવવામાં આવશે.
અર્ડર્ને કહ્યું, "આ હુમલામાં છ દિવસ બાદ, અમે ન્યૂઝીલૅન્ડમાં તમામ સેમી-ઑટોમૅટિક અને અસૉલ્ટ રાઇફલ્સ પર પ્રતિબંધની જાહેરાત કરીએ છીએ."
"આ બંદૂકોમાં ઉપયોગમાં લેવાતાં પાર્ટ્સ અને તમામ ઉચ્ચક્ષમતાવાળી ગોળીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે."
એઆર-15 સહિત સેમી-ઑટોમૅટિક રાઇફલોથી સજ્જ એકલા બંદૂકધારીએ શુક્રવારે મસ્જિદો પર ગોળીબાર કરી 50 લોકોના જીવ લઈ લીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના હથિયારમાં ઉચ્ચક્ષમતાવાળી મૅગેઝીન માટે ખાસ ફેરફાર કર્યો હતો.
ઑસ્ટ્રેલિયન બ્રેન્ટન ટેરંટે ન્યૂઝીલૅન્ડમાં 2017માં બંદૂકનું લાઇસન્સ લીધું હતું.
આ નવા નિયમથી હથિયાર માલિકો પર પડનારા પ્રભાવને લઈને અર્ડર્ને કહ્યું, "તમારામાંથી મોટા ભાગના લોકોએ કાયદા અંતર્ગત જ હથિયારો ખરીદ્યાં હશે."
"જંતુઓનાં નિયંત્રણ, પશુ કલ્યાણ સહિત 0.22 કૅલિબરની રાઇફલ અને નાની બંદૂકો જેનો ઉપયોગ બતકના શિકાર માટે થાય છે તેને આ નિયમથી બહાર રાખવામાં આવી છે."
ન્યૂઝીલૅન્ડના ગૃહમંત્રી સ્ટુઅર્ટ નેશે કહ્યું, "હું યાદ અપાવવા માગુ છું કે બંદૂક રાખવી ન્યૂઝીલૅન્ડમાં એક વિશેષાધિકાર છે, ન કે મૂળભૂત અધિકાર."
તમે આ વાંચ્યું કે નહીં?
શું છે ન્યૂઝીલૅન્ડનો ગન કાનૂન અને કેવી રીતે બદલાશે?
ન્યૂઝીલૅન્ડમાં બંદૂક રાખવાના કાયદા અંતર્ગત 'એ' કૅટેગરીનાં હથિયાર સેમી-ઑટોમૅટિક હોઈ શકે છે. જેમાં એકવાર સાત ગોળીઓ ભરી શકાય છે. એક અનુમાન અનુસાર દેશમાં હાલ આવાં કુલ 15 લાખ હથિયારો છે.
ન્યૂઝીલૅન્ડમાં હથિયારો ખરીદવાની ઓછામાં ઓછી ઉંમર 16 વર્ષ છે. મિલિટરી સ્ટાઇલ સેમી ઑટોમૅટિક હથિયારો ખરીદવાં માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે.
આ ઉંમરથી ઉપરના દરેક નાગરિકને પોલીસ દ્વારા હથિયાર રાખવાં માટે લાયક ગણવામાં આવે છે.
તમામ બંદૂક ધરાવતા લોકો પાસે તેનું લાઇસન્સ હોવું જરૂરી છે. હથિયાર ખરીદનાર તમામ લોકોના ભૂતકાળના રેકૉર્ડ ચેક કરવામાં આવે છે.
જેમાં ક્રાઇમ રેકૉર્ડ અને મેડિકલ રેકૉર્ડ તપાસવામાં આવે છે. જેમાં માનસિક સ્વાસ્થ્ય, વ્યસન અને ઘરેલુ હિંસા જેવાં પાસાં તપાસવામાં આવે છે.
એક વખત લાઇસન્સ આપી દેવામાં આવે, જે બાદ લાઇસન્સ ધારક જેટલાં ઇચ્છે એટલાં હથિયારો ખરીદી શકે છે.
હવે આ કાયદામાં શું ફેરફાર થશે?
અર્ડર્ને કહ્યું કે જ્યારે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં બેઠક થશે ત્યારે આ પ્રતિબંધ માટે કાનૂન લાવવામાં આવશે.
તેમણે કહ્યું, "આ કાયદાની ટૅકનિકલ બાબતો પર પ્રતિક્રિયાઓ માટે એક સિલેક્ટ કમિટીનું ગઠન કરવામાં આવશે. સંસદના આ સત્ર દરમિયાન જ હથિયાર રાખવાના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ."
કાયદો બન્યા બાદ એકવાર જ્યારે એક વખત હથિયારો પરત લેવાની નક્કી સીમા સમાપ્ત થઈ જશે અને કોઈ પાસે હથિયાર મળી આવ્યાં તો તેમને ચાર હજાર ડૉલરનો દંડ ભરવાની સાથે-સાથે ત્રણ વર્ષની જેલની સજાનો પણ સામનો કરવો પડશે.
આ પહેલાં પણ ન્યૂઝીલૅન્ડમાં બંદૂકોના કાયદામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જોકે, બંદૂકોનું સમર્થન કરતા વર્ગના તીખા વિરોધને જોતાં આ પ્રયાસ અસફળ થઈ ગયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો