You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડ હુમલો : હુમલાખોરે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો
ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 49 લોકોનાં મોત થયાં છે.
મસ્જિદ પર હુમલો કરવાના આરોપસર હુમલાખોરને હત્યાના આરોપમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જે બાદ તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને ફરીથી તેને 5 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું કે શુક્રવારના રોજ થયેલા હુમલા બાદ દેશમાં બંદૂક રાખવાના સંબંધી કાયદાઓમાં બદલાવ કરવામાં આવશે.
તેમણે એ પણ કહ્યું કે હુમલો ખૂબ જ આયોજનપૂર્વક કરવામાં આવ્યો હતો અને હુમલાખોર પાસે બંદૂક રાખવા માટેનું લાઇસન્સ હતું.
હુમલા વખતે હુમલાખોરે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો.
પોલીસ તપાસ વિશે તેમણે કહ્યું કે આ મામલામાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બંનેના અત્યારસુધી કોઈ ગુનાહિત રેકૉર્ડ સામે આવ્યા નથી.
આ તમામની વચ્ચે ધરપકડ કરાયેલી એક હથિયારબંધ વ્યક્તિને છોડી દેવામાં આવી છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ પોલીસની મદદ કરવાની કોશિશ કરી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે મુખ્ય હુમલાખોર?
બ્રેન્ટોન ટેરેન્ટ નામના યુવક પર હુમલાનો આરોપ છે. આ 28 વર્ષીય યુવક પર હત્યાના આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
જેસિંડા અર્ડર્ન પ્રમાણે હુમલાખોર યુવક ઑસ્ટ્રેલિયાનો નાગરિક છે અને વિશ્વભરમાં તે ફરતો રહેતો હતો.
તેમના જણાવ્યા પ્રમાણે જેમાં તેણે કેટલોક સમય ન્યૂઝીલૅન્ડમાં પણ ગાળ્યો હતો.
હુમલાખોર પાસે બંદૂક રાખવાનું લાઇસન્સ હતું તે 2017ના નવેમ્બર મહિનામાં લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હુમલાખોરે હુમલાને લાઇવ દેખાડ્યો
ક્રાઇસ્ટચર્ચની અલ નૂર મસ્જિદમાં હુમલો થયાનો પ્રથમ રિપોર્ટ સ્થાનિક સમય પ્રમાણે 13:40 વાગ્યે આવ્યો હતો.
બંદૂકધારી મસ્જિદના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશ્યો હતો. જે બાદ તેણે અંધાધૂંધ ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી હતી.
બંદૂકધારીએ નમાજ અદા કરી રહેલા લોકો પર સીધી જ ગોળીઓ વરસાવી હતી.
ઉપરાંત હુમલાખોરે આ સમગ્ર હુમલાને લાઇવ બ્રોડકાસ્ટ પણ કર્યો હતો. જે માટે તેણે પોતાના માથા પર કૅમેરા લગાવ્યો હતો.
ભારત, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાએ કહ્યું છે કે મરનારાઓમાં તેમના દેશના લોકો છે. જોકે, આ વાતની હજી સ્વતંત્રપણે પુષ્ટી કરી શકાઈ નથી.
ક્રાઇસ્ટચર્ચનાં મેયર લિએન ડાલઝીલે કહ્યું છે કે મસ્જિદો પરના હુમલાએ શહેરને હંમેશાં માટે બદલી નાખ્યું છે.
તેમને કહ્યું કે શહેરમાં શનિવારે ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે, સાથે જ શહેરમાં થનારા કેટલાક ખેલ અને મનોરંજનના કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે.
મેયરે જણાવ્યું કે સ્થાનીય પ્રશાસન મુસ્લિમ સમુદાયની સાથે મળીને માર્યા ગયેલા લોકોને દફનાવવા માટે જગ્યાની વ્યવસ્થામાં લાગ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો