You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડ હુમલો : 'જો કોઈ જીવતું દેખાય તો એ ગોળી મારી દેતો, એ કોઈને પણ જીવિત નહોતો જોવા માગતો'
ન્યૂઝીલૅન્ડમાં થયેલા ગોળીબારમાં 49 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાને ક્રાઇસ્ટચર્ચની મધ્યમાં આવેલી અલ નૂર મસ્જિદ અને લિનવૂડ મસ્જિદમાં થયેલા આ ગોળીબારને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
મસ્જિદમાં નમાજ પઢી રહેલા લોકો પર બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી.
બંદૂકધારી કાળાં કપડાં પહેરીને આવ્યો હતો અને તેના પાસે રાઇફલ હતી. આ સમયે મસ્જિદમાં નમાઝ ચાલી રહી હતી.
મસ્જિદમાં હાજર રહેલા અને આ હુમલામાં બચી ગયેલા લોકો કહે છે કે તેઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા.
મૃતકોમાં એક ગુજરાતી સહિત ભારતીય મૂળનાં છ લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે. જોકે, ન્યૂઝીલૅન્ડ સરકાર તરફથી તેની કોઈ સત્તાવાર પૃષ્ટિ થઈ શકી નથી.
હુમલાસ્થળથી થોડા અંતરે સ્વામિનારાયણ મંદિર
ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં આ હુમલો થયો ત્યાંથી થોડે દૂર રહેતા ગુજરાતી ચેતન પરમાર સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિલમોલ્ટન ક્રાઇસ્ટચર્ચમાં રહેતા ગુજરાતી એન્જિનિયરિંગ ટેક્નિશિયન ચેતન જણાવ્યું કે આ મસ્જિદ અને ત્યાંની આસપાસનો વિસ્તાર પ્રમાણમાં ગીચ છે.
તેમણે કહ્યું, "આ મસ્જિદ હુગલી પાર્કની પાસે છે. હુગલી પાર્ક બહુ વિશાળ છે અને જ્યાં હુમલો થયો છે એ શાંત વિસ્તાર છે."
"હુમલો થયા બાદ સ્થાનિક તંત્રે લોકોને ઘરની બહાર ન નીકળવાના આદેશ આપી દીધા હતા."
"સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મસ્જિદમાં 200 જેટલા લોકો હતા, જે મારા માટે પણ નવાઈની વાત છે કે અહીં આટલા પ્રમાણમાં મુસ્લિમ છે."
"ક્રાઇસ્ટચર્ચ ન્યૂઝીલૅન્ડનાં 2 મોટાં શહેરોમાંનું એક ગણાય છે. ગુજરાતીઓ રહેવા માટે મોટાં શહેરોને પસંદ કરે છે."
"મારી પાસે અહીં ચોક્કસ આંકડો તો નથી પરંતુ અનેક ગુજરાતી પરિવારો આ શહેરમાં રહે છે."
"આ હુમલો થયો તે સ્થળની નજીક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જ્યાં અમે એટલે કે ગુજરાતી પરિવારો વિકેન્ડમાં ભેગા થઈએ છીએ."
"સાત-આઠ વર્ષ પહેલાં આસપાસ ક્રાઇસ્ટચર્ચ શહેરમાં ભૂકંપ આવ્યો હતો જેમાં શહેર મોટા પાયે નષ્ટ થઈ ગયું હતું."
"હવે ધીરે ધીરે શહેર ઊભું થઈ રહ્યું છે. અહીં નોકરીની સારી તકો છે એટલે લોકો અહીં નોકરી મેળવવાના હેતુથી આવે છે."
'અમે પ્રાર્થના કરતાં હતાં કે ગોળીઓ ખલાસ થઈ જાય તો સારું'
આ હુમલામાં બચી ગયેલા અને મસ્જિદની અંદર હુમલા સમયે હાજર એક વ્યક્તિએ આપવીતી જણાવી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે અંદાજે 20 મિનિટ સુધી આ ગોળીબાર ચાલ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
TVNZને તેમણે જણાવ્યું, "હું એ વિચારતો હતો કે તેની પાસે જલદી ગોળીઓ ખતમ થઈ જાય."
"હું ત્યાં કંઈ કરી શકું એમ ન હતો. માત્ર પ્રાર્થના કરતો રહ્યો અને રાહ જોતો હતો કે અલ્લાહ, આની ગોળીઓ ખતમ થઈ જાય."
કથિત રીતે બંદૂકધારીએ મસ્જિદમાં પહેલાં પુરુષોનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો, જ્યારે ત્યારબાદ મહિલાઓનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો.
બીજા એક બચી ગયેલા પુરુષે જણાવ્યું કે લોકો બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા.
રેડિયો ન્યૂઝીલૅન્ડ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી."
"તેને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો. તે કોઈ જીવતું રહે તેમ ઇચ્છતો ન હતો."
આ હુમલામાં બચી ગયેલા ફરીદ અહમદે કહ્યું કે તેઓ વ્હિલચેર પર હતા અને તેમને હજી જાણ નથી કે તેમનાં પત્ની જીવતાં છે કે નહીં.
તેમણે TVNZને જણાવ્યું, "હું એક રૂમમાં હતો ત્યાંથી મેં જોયું કે એક યુવક એ રૂમમાં આવવા ગયો તો તેને પાછળના ભાગે ગોળી મારી દીધી. તે ત્યાં જ મરી ગયો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો