You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવું લગ્ન જેમાં પત્નીએ પતિને મંગળસૂત્ર પહેરાવ્યું, આ અનોખાં લગ્નની ચાલી રહી છે ચર્ચા
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ લગ્નમાં મહિલાએ પતિને મંગળસૂત્ર પહેરાવ્યું હોય? વાત સાંભળીને નવાઈ લાગે છે ને?
આવું જ કંઈક બન્યું છે કર્ણાટકના વિજયપુરામાં કે જ્યાં એક દુલ્હને તેમના પતિને લગ્ન દરમિયાન મંગળસૂત્ર પહેરાવ્યું હતું.
લગ્નમાં આવી નવીનતા જોઈને બધાં લોકો આશ્ચર્યમાં હતા. દરેકના મોઢા પર એક સવાલ હતો કે આખરે આ થઈ શું રહ્યું છે.
બીબીસી સાથે વાત કરતા વરરાજાના પરિવારજન અશોક બારાગુંડી જણાવ્યું, "આમા કોઈ અસામાન્ય વાત નથી. અમારા પરિવારમાં ઘણાં એવાં લગ્ન થયાં છે કે જેમાં આ પ્રકારની રીત ભજવવામાં આવી હોય."
આ લગ્નમાં પારંપરિક રીતે વર વધુ પર રંગીન ચોખા પણ ન નાખવામાં આવ્યા. પરંતુ નવદંપતિને ફુલોના વરસાદથી આશીર્વાદ આપવામાં આવ્યા.
લગ્નમાં કોઈ અગ્નિના ફેરા ન હતા. લગ્નનું કોઈ મૂહુર્ત કાઢવામાં આવ્યું ન હતું.
બારાગુંડી અને દુડ્ડગી પરિવાર દ્વારા નિભાવવામાં આવેલી પ્રથા એ લોકો માટે નવી નથી કે જેઓ લિંગાયતના અનુયાયીઓ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શા માટે થાય છે આ પ્રકારનાં લગ્ન?
આ એક લિંગાયત પ્રથા છે. આ પ્રથાનું પાલન સ્વામિગલુ ચિત્તરગીના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે.
ગુરુમહંત સ્વામીજી કહે છે, "ડૉ. મહંત દહેજ વિરોધી અભિયાન ચલાવતા હતા અને તેઓ ભગવાન બસાવન્ના દ્વારા 12મી સદીમાં શરૂ કરાયેલી પ્રથાનું પાલન કરતા હતા.
તેઓ માનતા હતા કે એક મહિલાનું દાન થવું ન જોઈએ. એટલે લગ્નમાં કન્યાદાન કરવામાં આવતું નથી. જો છોકરીનું કન્યાદાન કરી દેવામાં આવે તો મનુષ્ય તરીકે તેમની કિંમત ઘટી જાય છે અને પુરુષ તેમની સાથે દુર્વ્યવ્હાર કરવા લાગે છે."
અશોક કહે છે, "અમે છેલ્લાં બે કે ત્રણ દાયકાથી આ પ્રથાનું પાલન કરીએ છીએ. મારા પિતરાઈ, સંજીવના લગ્ન પણ આ જ રીતે થયા. શિલા અને પુર્ણિમા અને મારી દીકરીનાં લગ્ન પણ આ જ રીતે થયા."
ગુરુમહંત સ્વામીજી કહે છે, "લગ્નમાં પતિને મંગળસૂત્ર પહેરાવવાની પ્રથા પણ એ માટે છે કે જેથી કરીને તે બીજી કોઈ મહિલા સાથે રહેવા ન જતા રહે અથવા તો બીજી કોઈ મહિલા સાથે લગ્ન ન કરી લે."
તો શું વરરાજા અમિતા બારાગુંડી પણ મહિલાઓની જેમ હંમેશાં મંગળસૂત્ર પહેરીને રાખશે?
આ સવાલના જવાબ પર તેઓ કહે છે, "હા, લગ્નનો આ પ્રસંગ દર્શાવે છે કે મહિલા અને પુરુષ એકસમાન છે. મને નથી લાગતું કે મંગળસૂત્રથી પતિ પર કોઈ પ્રકારનું દબાણ વધશે."
"દરેક બાબત પતિ-પત્નીની સમજ પર આધારિત હોય છે."
અમિત ઑસ્ટ્રેલિયામાં સ્થિત એક આઈટી કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર છે.
અમિતના લગ્ન અંતરજ્ઞાતિય હતા.
અમિતની તેમનાં પત્ની પ્રિયા સાથે મુલાકાત એ જ સૉફ્ટવેર કંપનીમાં થઈ હતી જ્યાં તેઓ કામ કરે છે. બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.
પ્રિયા કહે છે, "આ પ્રકારના લગ્ન કરી મને ખૂબ જ સારો અનુભવ થયો. મારા સાસુ-સસરાએ એ વસ્તુ સાબિત કરી દીધી છે કે મહિલા અને પુરુષ બન્ને એકસમાન હોય છે. હું આ પ્રકારની રીત જોઈને આશ્ચર્યમાં પડી ગઈ હતી."
પ્રિયા કહે છે, "અમિતે મને એ વાતનો વાયદો કર્યો છે કે તેઓ મંગળસૂત્ર હંમેશાં પહેરીને રાખશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો