You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Amritsar : મોડી રાત્રે અમૃતસરમાં ધડાકા સંભળાયા, શું થયું?
- લેેખક, રવિંદર સિંહ રોબિન
- પદ, અમૃતસરથી, બીબીસી ગુજરાતી માટે
ભારતના પંજાબ રાજ્ય સ્થિત અમૃતસર શહેરમાં બુધવારે રાત્રે એકથી દોઢ વાગ્યાની વચ્ચે બે ધડાકા સંભળાયા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગી છે.
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બે મોટા ધડાકા સંભળાયા હોવાનું લખ્યું. પરંતુ પોલીસનું કહેવું છે કે શહેરના કોઈ પણ વિસ્તારમાં કોઈ ઘટના નોંધાઈ નથી.
અમૃતસરના પોલીસ કમિશ્નર એસ. એસ. શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું, "અવાજો તો મેં પણ સાંભળ્યા. અમે સમગ્ર શહેરમાં તપાસ કરાવી છે, પરંતુ ક્યાંયથી કોઈ જ રિપોર્ટ નથી. આ સૉનિક બૂમ પણ હોઈ શકે છે."
શહેરના સુલ્તાનવિંડ વિસ્તાર પાસે રહેતા ગુર પ્રતાપ સિંઘ ટિક્કાએ બીબીસી સાથેની વાતચીતમાં બે પ્રચંડ અવાજ સાંભળ્યા હોવાની વાત કરી અને કહ્યું કે તેમને લાગ્યું જાણે તેમનું ઘર હલી ગયું હોય.
સુવર્ણ મંદિર પાસે રહેતા સુમિત ચાવલાએ પણ બે મોટા અવાજો સાંભળ્યા હોવાની વાત બીબીસીને કહી.
જ્યારે શહેરના ડૅપ્યુટી પોલીસ કમિશનર જગજિતસિંઘ વાલિયાએ બીબીસીને કહ્યું, "અમે વેરકા, સુવર્ણ મંદિરની આસપાસનો વિસ્તાર, સુલ્તાનવિંડ, છરહાટા, ઍરપૉર્ટ, રેલવે સ્ટેશનના વિસ્તારો, બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારો અને બાકીનાં મહત્ત્વના સ્થળો પરથી માહિતી મંગાવી પરંતુ ક્યાંયથી કોઈ એવી ઘટનાની જાણકારી મળી નથી."
પોલીસના કોઈ ઇમર્જન્સી નંબર પર પણ કોઈ ઘટનાની સૂચના મળી નથી.
છતાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો બે મોટા ધડાકા સાંભળ્યા હોવાની વાત લખી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાત્રે લગભગ 1.20 વાગ્યાથી અમૃતસરના લોકોએ સોશિયલ મીડિયા પર બે મોટા અવાજો સાંભળ્યા હોવાની વાતો લખવાની શરૂ કરી.
તમે આ વાંચ્યું કે નહીં?
ધડાકાની ઘટના અંગે અનેક ટ્વીટ્સ
ભારત-પાકિસ્તાન તણાવ
અમૃતસર, ભારત અને પાકિસ્તાનની સીમાથી નજીક એક મહત્ત્વનું શહેર છે. હાલના સમયમાં પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધેલો છે.
અમૃતસરમાં સંભળાયેલા આ અવાજને લોકોએ બંને દેશોના તણાવ સાથે પણ જોડ્યો છે. આવું પહેલી વાર નથી થયું કે સીમાથી નજીક આવેલા કોઈ શહેર અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હોય.
થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના સિયાલકોટમાં સૈન્ય કાર્યવાહીના કારણે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ થઈ હતી, જે ખોટી સાબિત થઈ હતી.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો