You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈથોપિયાના 'દુર્ઘટનાગ્રસ્ત વિમાન'ના વાઇરલ વીડિયોનું સત્ય : ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર એક વીડિયો રવિવારના રોજ દુર્ઘટનાગ્રસ્ત ઈથોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટ સંખ્યા ET-302નો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે.
આ વાઇરલ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે "તે ફ્લાઇટ સંખ્યા ET-302 સાથે ઘટેલી દુર્ઘટના પહેલાંનો અંતિમ વીડિયો છે. યાત્રિકો વચ્ચે અફરાતફરીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે જેઓ હવે આપણી વચ્ચે નથી."
ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી કૅન્યા જઈ રહેલી ઇથોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટ ET-302 રવિવારની સવારે 8.44 કલાકે (સ્થાનિક સમયાનુસાર) બીશોફ્તૂ શહેર પાસે ક્રેશ થઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં 149 યાત્રીઓ અને ક્રૂના 8 સભ્યોનાં મૃત્યુની પુષ્ટિ કરી દેવાઈ છે. વિમાન કંપનીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટમાં 33 દેશોના લોકો સવાર હતા.
હવે એક વીડિયોને આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો વીડિયો ગણાવીને સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ફેસબુક પર જ 25 લાખ કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે.
ટ્વિટર, યૂટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને શૅર ચેટ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ ઈથોપિયાના આ વિમાનનો વીડિયો શૅર કરવામાં આવ્યો છે.
પરંતુ અમારી તપાસમાં બીબીસીએ જાણ્યું કે આ દાવા ખોટા છે અને વીડિયો ઈથોપિયન ઍરલાઇન્ટની ફ્લાઇટ સંખ્યા ET-302નો નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોની હકીકત
વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે વિમાનમાં સવાર બધા યાત્રીઓએ પોતાનાં મોઢાં પર ઑક્સિજન માસ્ક પહેરીને રાખ્યા છે.
કેટલાંક બાળકોનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને ચાલકદળની બે મહિલાઓ લોકોને મદદ કરી રહી છે.
વીડિયોમાં એમ પણ જોવા મળી રહ્યું છે કે વિમાનની કૅબિનમાં એક કતારમાં 9 સીટ છે. પરંતુ ઈથોપિયન ઍરલાઇન્સનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે બોઇંગ 737 મેક્સ વિમાન હતું જેમાં એક લાઇનમાં માત્ર 6 સીટ હોય છે.
આ તરફ ટ્વિટર પર સાંબા (@Samba33840779) નામના એક યૂઝરે 10 માર્ચના રોજ આ જ પ્રકારનો એક વીડિયો બીબીસી સાથે શૅર કર્યો હતો.
તેમણે લખ્યું હતું, "ગત મંગળવારના રોજ અમે પણ ઈથોપિયન ઍરલાઇન્સની અદીબ અબાબાથી ટોરન્ટો જઈ રહેલી ફ્લાઇટ ET-502માં મરતા મરતા બચ્યા હતા."
સાંબાએ જણાવ્યું કે તેમણે આ વીડિયો ફ્લાઇટમાં સ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ બનાવ્યો હતો. તેઓ ટોરન્ટો જઈ રહ્યા હતા. કૅબિનમાં ઍર-પ્રેશર ઓછું થવાના કારણે બધા જ યાત્રીઓએ ઑક્સિજન માસ્ક પહેરવાં પડ્યાં હતાં અને ફ્લાઇટમાં અફરા-તફરીનો માહોલ હતો.
જે ફ્લાઇટનો સાંબાએ પોતાના ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે, તેને લઈને ઈથોપિયન ઍરલાઇન્સે 5 માર્ચના રોજ એક નિવેદન પણ જાહેર કર્યું હતું.
વિમાન કંપનીએ પોતાના ગ્રાહકો સમક્ષ માફી માગતા વિમાનમાં કોઈ પ્રકારની ટૅકનિકલ ખરાબીને આ અસુવિધાનું કારણ ગણાવ્યું હતું.
જોકે, લોકોએ કંપનીના આ જવાબ પર સવાલ ઉઠાવ્યા હતા અને લખ્યું હતું કે કોઈ સામાન્ય ખામીને કારણે વિમાન અચાનક 30 હજાર ફૂટ નીચે પહોંચી શકતું નથી.
ટૅકનિકલ ખામીને કારણે ઈથોપિયન ઍરલાઇન્સે પોતાની ફ્લાઇટ ET-502ને પરત અદીસ અબાબા બોલાવી લીધી હતી.
ફ્લાઇટ ET-502માં બોઇંગ 777 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ મોટા વિમાનના વીડિયોને હવે દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 737 મેક્સ ગણાવી શૅર કરવામાં આવી રહ્યો છે.
ક્રેશની બોગસ તસવીર
આ જ રીતે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની આ તસવીર 10 માર્ચના રોજ દુર્ઘટનાનો શિકાર બનેલી ઈથોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટ ET-302ની ગણાવી શૅર કરવામાં આવી રહી છે.
તસવીરમાં તમે જોઈ શકો છો કે વિમાનની છત સંપૂર્ણપણે વિનાશ પામી છે, પરંતુ તેનો બહારનો ભાગ બચી ગયો છે.
આફ્રિકી દેશ ઘાનાની સ્થાનિક ચેનલ 'યૂટીવી ઘાના' સહિત અન્ય ઘણાં મોટાં ગ્રૂપ્સે તેમજ ટ્વિટર યૂઝર્સે આ તસવીરને હાલ ઘટેલી ઘટનાની ગણાવીને શૅર કરી છે.
પરંતુ આ તસવીર દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ વિમાન 737 મૅક્સની નથી. પણ જુલાઈ 2013માં સેન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ક્રેશ થયેલી એશિયા ઍરલાઇન્સની ફ્લાઇટ 214ની છે.
વાઇરલ તસવીર ફોટો એજન્સી ઍસોસિએટિડ પ્રેસના ફોટોગ્રાફર મારસિયો જોસ સેંચેઝે લીધી હતી.
આ બોઇંગ 777 વિમાન દુર્ઘટનામાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે 307 યાત્રીઓમાંથી 180 ઘાયલ થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો