You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની નોટબંધી સાથે RBI સહમત નહોતું, RTIમાં થયો ખુલાસો
આરટીઆઈ અંતર્ગત કાર્યકર વેંકટેશ નાયકને કેટલીક માહિતી મળી છે, જેને તેમણે કૉમનવેલ્થ હ્યુમન રાઈટ ઈનિશિયેટિવની વેબસાઈટ પર મૂકી છે, જેમાં દાવો કરાયો છે કે નરેન્દ્ર મોદીની નોટબંધી સાથે આરબીઆઈ સહમત નહોતું.
આરટીઆઈ ઍક્ટિવિસ્ટ વેંકટેશ નાયક દ્વારા મેળવવામાં આવેલી માહિતી મુજબ, નાણાં મંત્રાલયની ઘણી બાબતો સાથે આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા)નું બોર્ડ સહમત નહોતું.
8 નવેમ્બર, 2016માં રાતે 8 વાગ્યે વડા પ્રધાન મોદીએ 500 અને 1000ની ચલણી નોટોને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી.
મોદીની આ જાહેરાત પહેલાં સાંજે 5.30 વાગ્યે દિલ્હીમાં આરબીઆઈના નિદેશકમંડળની 561મી બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આરબીઆઈએ નોટબંધીના સરકારના તર્કને લઈને અસહમતી દર્શાવી હતી.
માહિતી અધિકાર (રાઇટ ટુ ઇન્ફર્મેશન, RTI) હેઠળ મેળવવામાં આવેલી મિટિંગ મિનિટ્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ નિદેશકમંડળનો તર્ક એવો હતો કે મોટા ભાગનું કાળુંનાણું રોકડ રુપે નહીં, પણ રિયલ ઍસ્ટેટ અને સોનાં જેવાં સ્વરૂપે સંગ્રહાયેલું છે.
આથી નોટબંધી કરવાથી આવી સંપત્તિઓમાં કોઈ અસર નહીં પડે, એટલું જ નહીં નિદેશકોનું માનવું હતું કે નોટબંધીથી અર્થવ્યવસ્થાને મોટી અસર થશે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોર્ડની મંજૂરી વિના નોટબંધી
જોકે, બોર્ડની મંજૂરી વિના મોદી સરકારે નોટબંધી લાગુ કરી હતી, એવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આરબીઆઈએ 16 ડિસેમ્બર, 2016માં એટલે જાહેરાતના 38 દિવસ બાદ સરકારને પ્રસ્તાવની મંજૂરી મોકલી હતી.
ઉલ્લેખનીય છે કે નોટબંધીને મોદી સરકાર મોટી ઉપલબ્ધિ ગણાવી રહી છે અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધીથી કાળુંનાણું બહાર લાવવામાં અને ભ્રષ્ટચારને રોકવામાં સફળતા મળી છે.
નોટબંધી અને જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ)ને લોકસભા ચૂંટણીમાં સત્તાપક્ષ અને વિપક્ષ મોટો મુદ્દો બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નોટબંધીને 'આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ' ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડેક્કન હેરાલ્ડની વેબસાઇટ ઉપર, પ્રકાશિત અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદીએ નોટબંધી લાગુ કરવા માટે આરબીઆઈના નિર્ણયની રાહ જોવાનું પણ ઉચિત નહોતું સમજયું.
એનડીટીવીની વેબસાઇટ પર ઉપર પણ આરટીઆઈને આધારે અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે જે આરબીઆઈની મંજૂરી વગર જ નોટબંધી લાગુ કરવામાં આવી હતી.
કૉંગ્રેસે આ મામલે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. જેમાં નેતા જયરામ રમેશે નોટબંધીને ભાજપની મની લોન્ડ્રિંગ સ્કીમ ગણાવી હતી.
એમણે કહ્યું કે નોટબંધી આરબીઆઈ પર લાદવામાં આવી હતી અને એ ખૂબ મોટું કૌભાંડ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો