You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'નોટબંધીથી અર્થતંત્રને કોઈ પણ નુકસાન નથી થયું' : નિર્મલા સીતારમણ
- લેેખક, શાદાબ નઝમી
- પદ, બીબીસી રિયાલીટી ચેક
નવેમ્બર 2016માં ભારત સરકારે રાતોરાત ચાલુ વપરાશમાંથી અંદાજે 85% જેટલું ચલણ પાછું ખેંચી લીધું હતું.
500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને રદ કરી દેવામાં આવી હતી.
ભારત સરકારે જણાવ્યું હતું કે કાળું નાણું બહાર લાવવા તથા નકલી નોટોનું દૂષણ દૂર કરવા માટે આ પગલું લેવાયું છે.
સરકારે એવું પણ જણાવ્યું હતું કે તેના કારણે ભારતીય અર્થતંત્રમાં રોકડ પરનો આધાર ઓછો થશે.
આ નીતિનું પરિણામ મિશ્ર પ્રકારનું રહ્યું હતું.
જોકે, ભારતનાં નવાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હાલમાં કહ્યું કે નોટબંધી કરવાથી ભારતીય અર્થતંત્રને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.
કાળું નાણું દૂર કરવામાં સફળતા મળી હોય એવું દર્શાવતા પુરાવા ખૂબ ઓછા ઉપલબ્ધ છે. જોકે, તેના કારણે વધુ કર વસૂલ કરવામાં સરકારને થોડી સફળતા મળી હોય તેમ બની શકે છે.
એ વાત પણ સાચી કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ચલણમાં રોકડનું પ્રમાણ પહેલાં જેટલું જ ઊંચું રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અણધાર્યો નિર્ણય અને અંધાધૂંધી
અચાનક લેવાયેલા આ નિર્ણયને દેશમાં સૌ 'નોટબંધી' તરીકે ઓળખે છે, જેના કારણે ભારે અંધાધૂંધીનું વાતાવરણ ઊભું થયું હતું.
રદ કરાયેલી નોટોને બૅન્કોમાં બદલી આપવાનું નક્કી થયું હતું, પણ એક વ્યક્તિ રોજની માત્ર રૂપિયા 4000ની રકમની નોટ બદલી શકે, એવી મર્યાદા નિયત કરાઈ હતી.
આ સુવિધા પણ મર્યાદિત સમય માટે જ અપાઈ હતી.
ટીકાકારો કહે છે કે નોટબંધીના કારણે અર્થતંત્રને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને રોકડ વ્યવહાર પર જ આધાર રાખતા ગ્રામીણ વિસ્તારના ગરીબોને સૌથી વધારે નુકસાન થયું હતું.
સરકારનું કહેવું હતું કે ભ્રષ્ટાચાર તથા ગેરકાયદે પ્રવૃત્તિને ઉત્તેજન આપતા બિનહિસાબી નાણાંને બહાર લાવવા માટે આ પગલું લેવાયું હતું.
આવું નાણું છુપાવી રખાતું હતું અને તેના પર વેરો પણ ભરવામાં આવતો નહોતો.
એવું ધારી લેવામાં આવ્યું હતું કે આવું બેહિસાબી નાણું મોટા પ્રમાણમાં જેમની પાસે હશે તેઓ તેમને નવી નોટોમાં બદલી શકશે નહીં.
આમ છતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આપેલા આંકડા અનુસાર ઑગસ્ટ 2018 સુધીમાં 99%થી પણ વધુ જૂની નોટ બૅન્કોમાં જમા થઈ ગઈ હતી.
આ નવાઈજનક સ્થિતિ હતી અને તેના કારણે નોટબંધીની નવેસરથી ટીકા થઈ હતી.
આ સ્થિતિ માટે એવું કારણ જણાવવામાં આવ્યું કે રોકડમાં મોટા પ્રમાણમાં કાળું નાણું સાચવવામાં આવતું નથી. બેહિસાબી નાણું હતું તે લોકો કોઈ ને કોઈ રીતે તેને નવી નોટોમાં ફેરવી શક્યા હતા.
શું વધુ વેરો મળ્યો ખરો?
ગયા વર્ષે એક સરકારી અહેવાલમાં જણાવાયું હતું કે નોટબંધીને કારણે ટૅક્સની આવકમાં વધારો થયો છે, કેમ કે વેરાની ચોરી કરનારા વધુ લોકોને ઓળખી શકાયા છે.
એ વાત સાચી છે કે નોટબંધી થઈ તેનાં આગલાં બે વર્ષ દરમિયાન વેરાની આવકમાં થઈ રહેલો વધારો માત્ર એક આંકડામાં જ રહ્યો હતો.
પરંતુ 2016-17માં સીધા કરવેરાની આવકમાં આગલા વર્ષ કરતાં 14.5%નો વધારો થયો હતો.
તે પછીના વર્ષે વેરાની આવકમાં વધુ વધારો થયો હતો અને વૃદ્ધિ દર બે આંકડામાં 18% સુધી પહોંચ્યો હતો.
આવકવેરા વિભાગ કરવેરાની આવકમાં થયેલા સીધા વધારોનો શ્રેય નોટબંધીને આપે છે. નોટબંધીના કારણે વધુ સંપત્તિ ધરાવતા લોકોને ઓળખી શકાયા અને તેમને ટૅક્સ રિટર્ન ફાઇલ કરવા મજબૂર કરી શકાયા.
જોકે, 2008-09 અને 2010-11ના વર્ષમાં કે જ્યારે કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ આ જ રીતે સીધા કરવેરાની આવકમાં મોટો વધારો થયો હતો.
કેટલાંક વિશ્લેષણમાં જણાવ્યા અનુસાર સરકારે લીધેલા અન્ય નીતિ વિષયક નિર્ણયોને કારણે પણ વેરાની આવકમાં વધારો થયો હતો.
2016માં જાહેર કરાયેલી વેરા માફીની યોજના તથા તે પછીના વર્ષથી શરૂ થયેલા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના કારણે પણ સીધા કરવેરાની આવકમાં વધારો થયો હતો તેમ મનાય છે.
નકલી નોટો નાબૂદ?
નકલી નોટો નાબૂદ કરવાનો અન્ય એક હેતુ પણ હતો, તો શું તે પાર પડ્યો ખરો?
બિલકુલ નહીં, એવો જવાબ આરબીઆઈ પોતે જ આપી રહી છે.
500 અને 1000ની નવી નકલી નોટ પકડાવાનું પ્રમાણ આગલા વર્ષ કરતાં થોડુંક વધારે જ રહ્યું હતું.
નવી નોટોને એવી રીતે બનાવાઈ હતી કે તેની નકલ કરવી મુશ્કેલ બને. આમ છતાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવી નોટોની નકલો પણ બનવા લાગી છે.
શું અર્થવ્યવસ્થા કૅશલેસ થઈ?
નોટબંધીના કારણે ભારતનું અર્થતંત્ર વધારે ડિજિટલ વ્યવહાર કરનારું બન્યું કે કેમ તે વિશેના આરબીઆઈના આંકડા અનિર્ણાયક છે.
કૅશલેસ પેમેન્ટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો, તેની સામે 2016ના અંત ભાગમાં નોટબંધી પછી ભારે ઉછાળો આવ્યો હતો.
પરંતુ તે ઉછાળો ક્ષણિક જ નીવડ્યો હતો અને ડિજિટલ વ્યવહારમાં વધારાનો દર વળી રાબેતા મુજબનો થઈ ગયો છે.
ડિજિટલ પેમેન્ટમાં થઈ રહેલો વધારો સરકારની નોટબંધીના કારણે નહીં, પરંતુ બદલાઈ રહેલી ટૅક્નૉલૉજી તથા કૅશલેસ પેમેન્ટમાં સરળતાને કારણે પણ હોઈ શકે છે.
અર્થતંત્રમાં કુલ રોકડનું પ્રમાણ ઓછું થયું કે કેમ તે જાણવા માટે જીડીપી સામે રોકડનું પ્રમાણ કેટલું રહ્યું તેની ગણતરી કરવી પડે.
કુલ અર્થતંત્ર સામે કેટલા પ્રમાણમાં રોકડ વ્યવહારમાં રહે છે તેનો અંદાજ આ પ્રમાણ પરથી આવે છે.
500 અને 1000ની નોટો બંધ કરી દેવામાં આવી તે પછીના વર્ષમાં આ પ્રમાણ ખૂબ નીચે જતું રહ્યું હતું, પરંતુ તે પછીના વર્ષે તે પ્રમાણ ફરી પાછું યથાસ્થાને આવી ગયું હતું.
રોકડ વ્યવહારમાં કોઈ ઘટાડો થયો નથી. એટલું જ નહીં દુનિયાના વિકાસશીલ અર્થતંત્રોની સરખામણીમાં આજે પણ ભારતમાં રોકડ વહેવારનું પ્રમાણ સૌથી ઊંચું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો