શું 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધીના હાથમાં હશે એનડીએનું ભવિષ્ય?

    • લેેખક, રશીદ કિદવઈ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

શું સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણીમાં મજબૂતીથી સામે આવી શકશે, જેવી રીતે વર્ષ 2004માં તેમણે એનડીએને સત્તામાંથી બહારનો રસ્તા બતાવી દીધો તે રીતે ફરી કમાલ બતાવી શકશે?

જાણકારો માને છે કે ઍર સ્ટ્રાઇક પછી પણ શક્ય છે કે એનડીએ બહુમત મેળવવામાં નિષ્ફળ જાય.

હાલની સ્થિતીમાં કૉંગ્રેસની સ્થિતી બહુ સારી તો નથી જ પરંતુ તમામ સ્થાનિક પક્ષો તૃણમૂલ કૉંગ્રેસ, જનતા દળ, ટીડીપી, આરજેડી જેવા પક્ષો ભાજપની વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે.

પરંતુ વિપક્ષી ગઠબંધનનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની પાસે નેતૃત્વનો મુખ્ય ચહેરો નથી.

કૉંગ્રેસની સૌથી મોટી નિષ્ફળતા એ રહી કે તે આમ આદમી પાર્ટીને પોતાની સાથે સામેલ કરી શક્યું નહીં.

કૉંગ્રેસ નરેન્દ્ર મોદીની સરકારને સત્તા પરથી દૂર કરવા ઇચ્છે છે પરંતુ બેઠકોની વહેંચણી મુદ્દે હજૂ પણ અસમંજસમાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સોનિયા ગાંધી એક માત્ર એવી વ્યક્તિ છે જે રાહુલ ગાંધી અને અહેમદ પટેલને બલિદાન આપવા માટે કહેવાનો હક ધરાવે છે.

બીજી તરફ ઍર સ્ટ્રાઇક બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પોતાના સમર્થકોને જોડી રાખ્યા છે. તેમણે અનુપ્રિયા પટેલની નારાજગી દૂર કરી.

સામે કૉંગ્રેસ દિલ્હી અને યૂપીમાં સપા-બસપા સાથે જોડાણ કરવામાં નિષ્ફળ રહ્યો.

હજુ પણ સપા-બસપા રાહ જુએ છે કે પ્રિયંકા ગાંધી કે જ્યોતિરાદિત્ય સિંધિયામાથી કોઈ બેઠકોની વહેંચણી બાબતે વાતચીતની પહેલ કરે.

'હું કાંટાના ખેલ જાણું છું.'

એવા સંકેત મળી રહ્યા છે કે સોનિયા ગાંધી ફરી એક વખત મોટી ભૂમિકા નીભાવી શકે છે.

રાહુલ ગાંધી અને તેમની ટીમ હાલ પોતાના સમર્થકો એકઠા કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. એક માતા તરીકે તેઓ જાણે છે કે રાહુલની મર્યાદાઓ અને તકલીફો શું છે.

પરંતુ તેઓ હાલ પોતાના રાજકીય અનુભવનો ઉપયોગ કરતા ખચકાય છે.

થોડા વખત પહેલાં માનવામાં આવતું હતું કે સોનિયા ગાંધી આ વખતની ચૂંટણી લડશે નહીં, પરંતુ ગાંધી પરિવાર માટે રાજકારણ છોડવાનું ક્યારેય સરળ રહ્યું નથી.

1950માં ઇંદિરા ગાંધી પોતાના પતિ ફિરોઝ ગાંધીના અવસાન બાદ પિતા જવાહર લાલ નહેરૂનું ઘર છોડીને વિદેશમાં સ્થાઈ થવા ઇચ્છતાં હતાં.

પરંતુ પરિસ્થિતિઓના કારણે તેઓ 1959માં રાજકારણમાં સક્રીય થવા મજબૂર બન્યાં. પિતાનાં મૃત્યુ પછી અને પોતાનાં મૃત્યુ સુધી તેઓ રાજકારણમાં સક્રીય રહ્યાં.

ત્યારબાદ રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા. સોનિયા ક્યારેય ઇચ્છતા નહોતાં કે રાજીવ રાજકારણમાં પ્રવેશે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાજીવ ગાંધીનાં મૃત્યુ બાદ 1998માં નરસિમ્હા રાવ અને સીતારામ કેસરીએ કૉંગ્રેસને એક પક્ષ તરીકે નબળો કરી નાખ્યો.

ત્યારબાદ સોનિયા ગાંધીએ કૉંગ્રેસ પક્ષ સંભાળ્યો. સોનિયા ગાંધીએ ભારતમાં એક 'વિદેશી વહુ'થી લઈને એક પ્રખર નેતા તરીકેની સફર કરી.

સોનિયા ગાંધીએ ગઠબંધન અને સમર્થકોના સમયને યોગ્ય રીતે સમજ્યો અને કૉંગ્રેસને પુનર્જીવિત કર્યું.

એક વખત મુલાયમ સિંહ યાદવ અને સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓને ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે સોનિયા ગાંધી હિલ્સા માછલી ખાઈ રહ્યા હતાં.

આ જોઈ મુલાયમ સિંહે કહ્યું, "હિલ્સા છે, કાંટો વાગી જશે." તેના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું, "હું કાંટાના ખેલ જાણું છું."

સમર્થકો જોડવાની કળા

સોનિયા ગાંધી લોકોને જોડી રાખવાની કળા સારી રીતે જાણે છે. તેમણે ડીએમકેને યૂપીએમાં જોડ્યો. ડીએમકેમાં ઘણા વરિષ્ઠ નેતાઓ હતા, સાથે જ આ પક્ષ પર ઉગ્રવાદી સંગઠન અલટીટીઈ સાથે નરમ વલણ રાખવાનો પણ આક્ષેપ હતો.

તેમ છતાં 2004થી લઈને 2014 સુધી ડીએમકે, યૂપીએનો ભાગ રહ્યું. તેમણે એનસીપીને પણ ગઠબંધનમાં સામેલ કર્યું.

સોનિયા ગાંધીની સમર્થકોને જોડી રાખવાની રીત વાજપેયી અને નરસિમ્હા રાવ કરતાં પણ સારી હતી.

વર્ષ 2007માં નૅધરલૅન્ડ્સની યુનિવર્સિટીમાં 'લીવિંગ પૉલિટિક્સ- ભારતે મને શું શીખવ્યું' વિષય પર વાત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે ઘણી ઘટનાઓએ મને શીખવ્યું. મારા રાજકારણના જ્ઞાનનો વિકાસ કર્યો. પરંતુ મને બે ઘટનાઓ સ્પષ્ટ રીતે યાદ છે.

પહેલું 1971નું સંકટ, જેણે ઇદિંરાજીને સ્ટૅટ્સમૅન તરીકે સ્થાપિત કર્યાં. બીજો તેમનો એક રાજનેતા તરીકે ભારતને આગળ લાવવાનો સંકલ્પ. તેમણે ઘણા મુશ્કેલ નિર્ણયો લીધા જેણે ભારતને સફળ અને બહેતર દેશ બનાવ્યો.

ભારત માટે મારી વિચારસરણી અલગ રીતે વિકાસ પામી છે. મારાં સાસુનાં મૃત્યુ બાદ અમારી દુનિયામાં ઉથલ પાથલ મચી ગઈ હતી.

આવું થવું સ્વાભાવિક છે, કારણ કે જ્યારે તમે નજીકના વ્યક્તિને ગુમાવો તો આવું જ થાય.

ઇદિંરાજી અને તેમના પિતા વચ્ચેના પત્રવ્યવહારમાં થયેલી વાતચીતને મેં એડિટ કરી છે અને તેમાંથી ઘણું જાણ્યું.

જ્યારે તેઓ યુવાન હતા, ત્યારે બંને વચ્ચે પત્રવ્યવહાર થતો.

સોનિયાએ કહ્યું હતું કે તેઓ બંને વચ્ચેની વાતચીતે જ મને સ્વાતંત્ર્યના સમયનો પરિચય કરાવ્યો.

રાજકારણે ઘણું શીખવ્યું

પોતાના વ્યક્તિગત જીવન વિશે વિગતે વાત કરતાં એક વખત સોનિય ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાનની વહુ તરીકે તેમનું જીવન રાજકીય ઉથલપાથલથી ભરેલું હતું.

તેમણે કહ્યું હતું, "પાછળ ફરીને જોઉં તો મને લાગે છે કે મારા માટે રાજકારણનો માર્ગ મારા અંગત જીવનમાંથી જ પસાર થયો છે. જેમના માટે વિચારધારા સાથે જોડાયેલા પ્રશ્નો અને ધારણાઓ ખૂબ મહત્વના હતાં, હું એવા લોકોની બહુ નજીક હતી."

"તેમના માટે રાજકારણ અને વહિવટી વાતો રોજીંદા જીવનનો જ એક ભાગ હતી."

તેમણે કહ્યું કે રાજકારણ સાથે સંકળાયેલા પરિવારમાં રહેવાના અનેક પાસા હોય છે, જે એક યુવાન વહુ પર પણ ઊંડી અસર કરે છે.

"મેં જાણ્યું કે જાહેર જીવનમાં કઈ રીતે સહજ રહી શકાય છે, મને લોકોની નજ અંગત જીવનમાં ડોકિયું કરતી લાગતી. મને તેનો સામનો કરવો મુશ્કેલ લાગતો."

"મારે મારી સ્વચ્છંદતા, સ્પષ્ટ અને તીખી વાત કરવાની આદત છોડતાં શીખવું પડ્યું. મારા માટે સૌથી અઘરું એ હતું કે અપશબ્દ કહેતી વખતે પણ તમારે શાંત રહેવાનું છે."

"મેં મારા પરિવારના અન્ય સભ્યોની માફક આવું કરતાં શીખ્યું."

પોતાના વક્તવ્યમાં સોનિયાએ કહ્યું હતું, "જે લોકો ભારતથી પરિચિત છે તેઓ જાણે છે કે અમને લોકો બોલકા કહે છે."

"જેમ કે જાણીતા લેખક અને નૉબેલ વિજેતા અમર્ત્ય સેને પોતાના પુસ્તક 'ઘ ઑર્ગ્યૂમેન્ટેટિવ ઇન્ડિયન'માં લખ્યું છે, મૃત્યુનાં સત્યના ચહેરા પર કોઈ પણ ભારતીયને જે વાત વિચલિત કરી શકે છે તે એ છે કે તે ક્યારેય ફરીને દલીલ કરશે નહીં."

"ભારતમાં ઉગ્ર ચર્ચા અને દલીલ જાહેર જીવનની વિશેષતા છે એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી. રાજકારણનો ઘોંઘાટ ગણતંત્રના સંગીત જેવો છે."

બધાને જોડીને રાખનાર નેતા

વર્ષ 2016માં જ્યારે સોનિયા ગાંધી 70 વર્ષના થયાં ત્યારે તેમણે નિર્ણય લીધો કે તેઓ રાજકારણને અલવિદા કહેશે.

પરંતુ કેન્દ્રના રાજકારણમાં મોદીનો પ્રવેશ, પોતાની દાવેદારી વધુ પાક્કી કરતા અને ફરી એક વખત મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવાની શક્યતાઓ વચ્ચે 'દોબારા સોનિયા ગાંધી' જેવા નારા પણ સાંભળવા મળે છે.

હકીકતમાં તેના પરથી બે વાતો સાબિત થાય છે - પહેલું એ કે એક મા તરીકે તેઓ રાહુલ ગાંધીને સફળ થતા જોવા માગે છે.

બીજું કે એવો અંદાજ છે કે સોનિયા ગાંધીનું નામ ફરી એક વખત ડીએમકે, આરજેડી, તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી, બસપા, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોના મહાગઠબંધનને મદદ કરી શકે છે.

મમતા બેનરજી, માયાવતી, અખિલેશ યાદવ, એમકે સ્ટાલિન, તેજસ્વી યાદવ અને શરદ પવાર વચ્ચે અહંકારનાં ઘર્ષણની શક્યતા પણ હકીકત છે.

લોકો 1975-77માં જયપ્રકાશ નારાયણ અથવા 1989, 1996માં કે 2004માં વિ. પી. સિંહ અને હરકિશન સિંહ, સુરજીત જેવા નેતાઓને જોતા તેટલા માનથી સોનિયા ગાંધીને લોકો નથી જોતા.

સોનિયા ગાંધીને તેમના જેટલી સ્વીકૃતિ પણ નથી મળી. છતાં તેમનમાં એટલી ક્ષમતા છે કે તેઓ બે પક્ષોના આંતરિક વિવાદને દૂર કરીને તેમના સાથે લાવી શકે.

વધુ એક વખત એ સમજવું જરૂર છે કે સોનિયા અને રાહુલ ગાંધી બંને શક્તિનો ઉપયોગ કરતાં લોકો નથી. તેઓ પોતાને શક્તિનું કેન્દ્ર માને છે.

વર્ષ 2004-2014માં સોનિયા ગાંધીએ દેખાડી દીધું કે વડાપ્રધાન પદ રહ્યા વિના પણ સૌથી શક્તિશાળી અને સૌથી મહત્વના સ્થાને રહી શકે છે.

જ્યારે મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા ત્યારે પણ રાહુલ ગાંધીએ આ પદથી દૂર રહેવાનું પસંદ કર્યુ.

હવે 49 વર્ષની ઉંમરે પણ વડા પ્રધાન પદ માટે દાવેદારી દેખાડવાની કોઈ ઉતાવળ નથી. તે સોનિયા ગાંધી માટે એક ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો