You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા વિવાદ : કોણ છે મંદિર-મસ્જિદના વિવાદ મામલે મધ્યસ્થી કરનારા આ ત્રણ લોકો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીઓની પેનલ બનાવી છે.
રિટાયર્ડ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઇબ્રાહીમ ખલીફુલ્લાના નેતૃત્વમાં બનેલી આ પેનલમાં આર્ટ ઑફ લિંવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ હશે.
આ પેનલને મધ્યસ્થીની સંપૂર્ણ પ્રક્રિયા માટે 8 અઠવાડિયાનો સમયગાળો આપવામાં આવ્યો છે.
ઉપરાંત પેનલને ચાર અઠવાડિયા બાદ આ મામલે થયેલી પ્રગતિનો રિપોર્ટ સોંપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે આ મધ્યસ્થી પેનલમાં સામેલ લોકોને જો જરૂર પડે તો વધારે લોકોને પણ સામેલ કરવાની મંજૂરી આપી છે.
અદાલતે આદેશ આપ્યો છે કે મધ્યસ્થતા બંધ રૂમમાં અને સંપૂર્ણ રીતે ગોપનીય રીતે કરવામાં આવશે.
કોર્ટના આદેશ પ્રમાણે મધ્યસ્થતાની સંપૂર્ણ કાર્યવાહી ફૈઝાબાદમાં કરવામાં આવશે.
જોકે, આ ત્રણ મધ્યસ્થી કરનારા લોકો કોણ છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
રિટાયર્ડ જસ્ટિસ ખલ્લીફુલ્લા
મધ્યસ્થતા માટે બનાવેલી પેનલનું નેતૃત્વ કરનારા જસ્ટિસ ખલ્લીફુલ્લા તમિલનાડુના કરાઈકુંડી ગામથી આવે છે.
1975માં વકીલ તરીકે નોંધણી કરાવનારા ખલ્લીફુલ્લા સ્વર્ગસ્થ જસ્ટિસ એમ. ફકીર મોહમ્મદના પુત્ર છે.
તેઓ ખૂબ જ સક્રિય મજૂર કાયદાને લગતા વકીલમાંના એક હતા.
તેઓ તમિલનાડુ વીજળી બોર્ડના સ્થાયી સલાહકાર પણ રહી ચૂક્યા છે.
વર્ષ 2000માં તેમની મદ્રાસ હાઈકોર્ટમાં કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી.
મદ્રાસ હાઈકોર્ટમાં તેમણે કેટલાક યાદગાર ચુકાદાઓ આપ્યા હતા.
જે બાદ સપ્ટેમ્બર 2011માં તેમની જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
જસ્ટીસ ખલ્લીફુલ્લા તે સમયના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટી. એસ. ઠાકુરની એ બૅન્ચનો હિસ્સો હતા, જેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પાયાના ફેરફારો કરવાનો આદેશ આપ્યો હતો.
22 જુલાઈ, 2016માં તેઓ નિવૃત્ત થયા હતા.
શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રી રવિશંકરનો જન્મ વર્ષ 1956માં તમિલનાડુના પાપનાસમ ગામમાં એક તમિલ ઐય્યર પરિવારમાં થયો હતો.
તેઓ એક આધ્યાત્મિક ગુરુ છે અને તણાવમુક્ત અને હિંસામુક્ત જગતની તેઓ વકાલત કરે છે.
શ્રી શ્રી રવિશંકરે આર્ટ ઑફ લિવિંગ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ફૉર હ્યુમન વૅલ્યુસની સ્થાપના કરી છે.
શ્રી શ્રી રવિશંકરે પહેલાંથી જ એ સૂચન કરી ચૂક્યા છે કે અયોધ્યા વિવાદનો ઉકેલ કોર્ટની બહાર મધ્યસ્થી દ્વારા લાવવામાં આવે.
ગયા વર્ષે તેમણે કહ્યું હતું કે અયોધ્યા વિવાદનો એકમાત્ર ઉકેલ એ છે કે હિંદુ અને મુસ્લિમોના સહયોગથી ભવ્ય રામમંદિર બનાવવામાં આવે.
માર્ચ 20017માં તેમણે કહ્યું હતું કે જો અયોધ્યામાં રામમંદિર નહીં બને તો ભારતમાં સીરિયા જેવી પરિસ્થિતિ ઊભી થશે.
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું, "રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ કોર્ટને બદલે બહારથી આવવો જોઈએ."
"મુસ્લિમ સમાજ રામમંદિર પર પોતાનો દાવો જતો કરે જેના બદલામાં તેમને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવામાં આવે."
શ્રીરામ પંચુ
શ્રીરામ પંચુ એક વરિષ્ઠ વકીલ અને જાણીતા મધ્યસ્થ છે. તેઓ તમિલનાડુના પાટનગર ચેન્નઈથી આવે છે. તેઓ 'ધી મીડિએશન ચૅમ્બર્સ'ના સંસ્થાપક પણ છે.
આ સંસ્થા વિવાદોના ઉકેલ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. તેઓ 'ઍસોસિએશન ઑફ ઇન્ડિયન મીડિયેટર્સ'ના અધ્યક્ષ પણ છે.
તેમણે વર્ષ 2005માં ભારતમાં પ્રથમ એવું મધ્યસ્થતા કેન્દ્ર બનાવ્યું જે અદાલત સાથે સંકળાયેલું હતું.
શ્રીરામ પંચુએ ભારતીય કાયદા વ્યવસ્થા અને અન્ય મામલાઓમાં મધ્યસ્થની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.
પંચુએ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં અનેક વ્યાપારિક અને વ્યવસાયોને લગતા વિવાદોના ઉકેલ લાવવામાં મદદ કરી છે.
તેમણે પારિવારિક સંપત્તિના વિવાદોથી લઈને દેવાળું, વેપારી વિવાદો, આઈટીને લગતા વિવાદો અને બૌદ્ધિક સંપદા સાથે જોડાયેલા મામલામાં સફળતાપૂર્વક મધ્યસ્થતા કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો