You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે મુસ્લિમ આઇશાએ હિંદુ યુવકના પ્રેમમાં પોતાનું ઘર છોડ્યું
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
આઇશા અને આદિત્યની મુલાકાત ફેસબુક પર થઈ. ત્યારે તો તેઓ સગીર હતાં. આઇશાનું નામ પણ સાચું ન હતું, તસવીર પણ નહીં, પરંતુ વાતો સાચી હતી.
વાતોનો સિલસિલો એવો ચાલ્યો કે બે વર્ષ સુધી ન રોકાયો. બેંગલુરુમાં રહેતાં આઇશા અને દિલ્હીના આદિત્ય એકબીજાની તસવીર જોયા વગર, મળ્યા વગર એકબીજાની નજીક આવતા ગયાં.
આઇશાએ મને કહ્યું કે તેમને જરા પણ વિશ્વાસ ન હતો કે આ જમાનામાં કોઈ છોકરો સાચા પ્રેમમાં વિશ્વાસ રાખતો હશે. એ માટે વાતોની મદદથી તેમને પારખતી રહી.
એક વખત ભૂલથી મારી આંખોની તસવીર મોકલી દીધી. બસ આદિત્યએ બેંગલુરુની કૉલેજમાં ઍડમિશન લઈ લીધું.
ત્યારે આદિત્યની મુલાકાત ફેસબુકની ઇરમ ખાન, એટલે કે વાસ્તવિક જીવનનાં આઇશા સાથે થઈ.
આદિત્ય કહે છે, "અમે મળ્યાં ન હતાં પણ શરુઆતથી જાણતાં હતાં કે તેઓ મુસ્લિમ છે અને હું હિંદુ."
"ધર્મ અમારા માટે ક્યારેય કોઈ મુદ્દો ન હતો પણ અમારા પરિવારજનો આ વાતને સ્વીકારવા તૈયાર ન હતાં."
તેમણે એ વાત સ્પષ્ટ કરી દીધી કે ધર્મ પરિવર્તન વગર લગ્ન શક્ય જ નથી. પણ અમે બન્ને અમારી ઓળખ ગુમાવવા માગતાં ન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઇશાએ ઘર છોડીને ભાગવાનો નિર્ણય લીધો. પરિવારે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ આદિત્ય સાથે તેઓ દિલ્હી ભાગી આવ્યાં અને લિવ ઇન રિલેશનશીપમાં રહેવાં લાગ્યાં.
આઇશા કહે છે, "પહેલા પાંચ મહિના સુધી અમે એક રૂમમાં બંધ જ રહ્યાં. ક્યાંય પણ આવવા જવામાં ડર લાગતો હતો કે ક્યાંક અમને કોઈ મારી ન નાખે. કેમ કે અમારા બન્નેનો ધર્મ અલગ અલગ છે."
એ જ સમયગાળા દરમિયાન એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાના કારણે 23 વર્ષીય યુવાન અંકિત સક્સેનાની હત્યા કરી દેવાઈ હતી.
યુવતીનાં પરિવારજનોની ધરપકડ થઈ અને કેસ ચાલી રહ્યો છે. આબરુના નામે હત્યાનો ડર અને ખતરો આઇશાની નજીક હોવાનો તેમને અનુભવ થતો હતો.
એક નોકરી શોધવી જરુરી હતી અને બીજી તરફ લગ્ન કરીને કાયદાકીય રૂપે સુરક્ષિત રહેવું પણ.
આઇશા અને આદિત્ય સાથે તો હતાં, પણ દુનિયામાં એકલાં હતાં. અનુભવ પણ ઓછો હતો. ફરી એક વખત ઇન્ટરનેટે તેમનાં જીવનને એક નવો વળાંક આપ્યો.
જાણકારીની શોધ તેમને રાનુ કુલશ્રેષ્ઠ અને આસિફ ઇકબાલ પાસે લઈ ગઈ. પતિ પત્નીની આ જોડી પણ અલગ અલગ ધર્મ સાથે સંબંધ ધરાવે છે.
વર્ષ 2000માં તેમણે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કર્યાં હતાં અને હવે 'ધનક' નામની સંસ્થા ચલાવી રહ્યાં છે.
તેઓ આઇશા અને આદિત્ય જેવી જોડીઓને આ ઍક્ટ અંગે જાણકારી આપવા, કાઉન્સલિંગ કરવા અને રહેવા માટે સેફ હાઉસ જેવી સુવિધાઓ આપવા પર કામ કરી રહ્યાં છે.
સ્પેશિયલ મૅરેજ ઍક્ટ
સ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954 અંતર્ગત અલગ અલગ ધર્મનાં લોકો ધર્મ પરિવર્તન કર્યા વગર લગ્ન કરી શકે છે.
શરત એ છે કે બન્ને લગ્નના સમયે પુખ્ત વયનાં હોય, બીજી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ન હોય અને માનસિક રૂપે ઠીક હોય અને પોતાની સહમતી વ્યક્ત કરવા સક્ષમ હોય.
તેના માટે જિલ્લા સ્તર પર મેરેજ ઑફિસરને નોટિસ આપવાની હોય છે. નોટિસની તારીખથી 30 દિવસ પહેલા બન્નેએ એ જ શહેરનું નિવાસી હોવું જરુરી છે.
આ નોટિસ એક મહિના સુધી સાર્વજનિક રૂપે પ્રદર્શિત કરવામાં આવે છે. આ દરમિયાન પરિવારજનો ઘણી વખત પોતાનો વાંધો ઉઠાવી શકે છે.
કોઈ વાંધો ન હોય તો સાક્ષીની હાજરીમાં લગ્ન રજીસ્ટર કરી દેવામાં આવે છે.
આ ઍક્ટ ભારત પ્રશાસિત કશ્મીરમાં લાગુ થતો નથી.
આઇશા અને આદિત્ય ઘણી વખત તેમને મળ્યાં. ધનક સાથે જોડાયેલી બીજી ઘણી જોડીઓ સાથે પણ તેમની મુલાકાત થઈ.
અચાનક એક નવો પરિવાર મળી ગયો. હવે તેઓ દુનિયામાં એટલા એકલાં ન હતાં. દરેક જોડીની આપવીતીમાં પોતાની પ્રેમ કહાણીના અંશ જોવા મળતા હતા.
ધીરેધીરે ડર જતો રહ્યો. આઈશાએ નોકરી પર જવાનું પણ શરુ કરી દીધું.
આઇશા કહે છે, "પહેલાં લાગતું હતું કે સાથે તો રહેવા લાગ્યાં છીએ પણ એક બે વર્ષમાં અમારી હત્યા કરી દેવામાં આવશે."
"જોકે, રાનૂ અને આસિફને જોઈને લાગે છે કે આવું જીવન શક્ય છે. ખુશી મળવી પણ શક્ય છે."
રાનૂ કહે છે કે યુવક અને યુવતીમાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરુરી છે. કેમ કે માતા પિતાની મરજી વિરુદ્ધ જવાની વાત હંમેશાં ચિંતામાં જ મૂકે છે.
એ માટે તેઓ પરિવાર સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવાની સલાહ આપે છે.
તેનાથી ફાયદો એ પણ થાય છે કે પરિવાર એ જાણી શકે છે બાળકો એકસાથે કેટલાં ખુશ છે.
આ અલગ ધર્મોના છોકરા છોકરીઓમાં મેળમિલાપ વિરુદ્ધ બનેલા સામાજિક અને રાજકીય માહોલને પડકાર આપવા માટે મદદરૂપ સાબિત થાય છે.
રાનૂ કહે છે, "એક ડરનો માહોલ છે. પણ જો પરિવાર સમજવા પ્રયાસ કરે અને કટ્ટર વિચારધારા ધરાવતાં સંગઠનોથી દૂર રહે, પોતાનાં બાળકોમાં વિશ્વાસ રાખે તો બહારનો માહોલ કંઈ મહત્ત્વ ધરાવતો નથી."
આદિત્યએ પોતાના પિતાના વેપારમાં મદદ કરવાનું શરુ કરી દીધું છે. એ આશા છોડી નથી કે તેમના પિતા આઇશાને ધર્મ પરિવર્તન વગર પોતાના ઘરની વહુ તરીકે સ્વીકારશે.
ઘરના દીકરાઓ પ્રત્યે ભારતીય પરિવારો નરમ વલણ ધરાવે છે. સમાજમાં આબરુનો બોજ મોટાભાગે છોકરીઓ પર જ નાખવામાં આવે છે.
રાનૂનાં આધારે, "છોકરાઓ ઉત્તરાધિકારી હોય છે. વંશ ચલાવે છે, એ માટે તેમની સાથે સંબંધ જાળવી રાખવો પરિવાર માટે જરુરી હોય છે અને તેઓ થોડી ઢીલ આપવા પણ તૈયાર થઈ જાય છે. પરંતુ છોકરીઓ પર નિયંત્રણ રાખવાની ઇચ્છા તો અલગ જ સ્તરની હોય છે."
આદિત્યના જણાવ્યા અનુસાર આ તેમના જીવનનો એક આકરો સમય છે. ઘણા સંબંધો અને સપનાંનું સંતુલન જાળવીને ચાલવાનું છે.
સ્પેશિયલ મેરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કરવા માગે છે. પોતાની આવડતથી ગૃહસ્થી ચલાવવા માગે છે.
હવે બન્નેની ઉંમર 21 વર્ષની છે. એકબીજા પર ભરોસો છે. આઈશા કહે છે કે આદિત્ય તેમના હીરો છે. તેમને આત્મવિશ્વાસ આપે છે.
આદિત્ય કહે છે કે પહેલી લડાઈ પોતાની સાથે હતી, પોતાના સંબંધમાં વિશ્વાસ કરવાની. એ લડાઈ જીતી લીધી છે.
બીજી લડાઈ કે જે પરિવાર અને સમાજની સાથે છે, બન્ને સાથે મળીને તેના પર પણ જીત મેળવી લેશે.
આ સ્ટોરી બીબીસી ગુજરાતી પર 14 ફેબ્રઆરી 2019ના રોજ પબ્લિશ કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો