એક છોકરીના ત્રણ બૉયફ્રેન્ડ અને ત્રણેય સાથે પ્રેમ, આ શક્ય છે?

    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

24 વર્ષીય ગરિમા ત્રણ યુવાનોને પ્રેમ કરે છે અને તે ત્રણેય તેમના બૉયફ્રેન્ડ છે. ખાસ વાત એ છે કે ગરિમાના ત્રણેય બૉયફ્રેન્ડ્સ એકબીજાને ઓળખે છે અને બધા જ આ સંબંધો મામલે સહજ છે.

હવે સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિ એક જ સમયે ત્રણ લોકોને પ્રેમ કરી શકે છે?

ગરિમા તેનો જવાબ હાં માં આપે છે.

તેઓ જે પ્રકારના સંબંધમાં છે તેને 'પૉલીએમરસ રિલેશનશીપ' કહેવામાં આવે છે અને આ પ્રકારના સંબંધનાં ચલણને પૉલીએમરીના નામે ઓળખવામાં આવે છે.

ભારત સહિત હવે દુનિયાભરના લોકો આ પ્રકારના સંબંધો અંગે ખુલ્લા મને વાત કરી રહ્યા છે.

શું છે 'પૉલીએમરસ રિલેશનશીપ'?

પૉલીએમરી ગ્રીક અને લેટિન ભાષાના શબ્દોથી બનાવવામાં આવેલો શબ્દ છે. Poly (ગ્રીક) અને Amor (લેટિન). Polyનો મતલબ હોય છે એક કરતાં વધારે અને Amor એટલે પ્રેમ.

એટલે કે એક સમયે એક કરતાં વધારે લોકો સાથે પ્રેમ કરવાનું ચલણ.

પૉલીએમરીની એક સૌથી મોટી અને જરુરી શરત છે- સંબંધોમાં ઇમાનદારી અને પારદર્શિતા.

આ સંબંધમાં સામેલ દરેક પાર્ટનર એકબીજાને સારી રીતે ઓળખે છે અને સૌની સહમતી બાદ જ સંબંધ આગળ વધે છે.

ગરિમા અને તેમના પ્રેમીઓની કહાણી, તેમનાં જ શબ્દોમાં

હું આશરે 13-14 વર્ષની હોઈશ જ્યારે મને પહેલી વખત પ્રેમ થયો હતો. અમે બન્ને એકબીજાથી ખૂબ ખુશ હતાં. બધું સારી રીતે ચાલી રહ્યું હતું ત્યાં જ હું બીજી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ.

પરંતુ હું મારા પહેલા પાર્ટનરને પણ છોડવા માગતી ન હતી. પરંતુ એવું કેવી રીતે શક્ય છે કે એક છોકરીનાં બે બૉયફ્રેન્ડ હોય?

કિશોરાવસ્થાનાં થોડાં વર્ષો મારા માટે ખૂબ ગુંચવણથી ભરેલાં અને તકલીફદેહ હતા. હું ગંભીર આઇડેન્ટિટી ક્રાઇસિસનો સામનો કરી રહી હતી.

ઘણા લોકોએ મને કહ્યું કે મને સેક્સની ટેવ છે અને મારે મનોચિકિત્સક પાસે જવું જોઈએ.

હું કાઉન્સેલર પાસે ગઈ. મારાં કાઉન્સેલર મને સમજી શક્યાં પરંતુ સાથે એવું કહ્યું કે કોઈ છોકરો આ કેવી રીતે સ્વીકાર કરી શકે છે કે તેમની ગર્લફ્રેન્ડનાં ઘણાં બધાં બૉયફ્રેન્ડ હોય?

કાઉન્સેલરની વાતોએ મને ફરી એક વખત ચિંતામાં મૂકી દીધી.

આ દરમિયાન હું ભણવા માટે વિદેશ જતી રહી. ત્યાંના વાતાવરણે મને મારી જાતને સમજવામાં ખૂબ મદદ કરી.

ત્યાં મેં આધુનિક સંબંધ, સેક્સ અને ઇવોલ્યૂશન પર ઘણાં પુસ્તકો વાંચ્યાં. ત્યાં મને ઘણાં એવા લોકો પણ મળ્યાં કે જેમણે આ પરિસ્થિતિમાં પોતાનો સ્વીકાર કર્યો હતો અને તેઓ પોતાનાં પર શર્મિંદગીનો અનુભવ કરતાં ન હતાં.

ધીરે ધીરે હું પણ શરમમાંથી બહાર નીકળવા લાગી અને પોતાની જાતને અપનાવવા લાગી.

સાથી તો મળ્યા પરંતુ....

વિદેશમાં જ વધુ એક વ્યક્તિમાં મને મારો સાથી મળ્યો. તેઓ ઉંમરમાં મારા કરતાં ખૂબ વધારે મોટા હતા અને સમજદાર પણ.

મેં તેમની સાથે મારા સ્વભાવ અંગે ખુલ્લા મને વાત કરી. તેમણે કહ્યું કે તેમને મારા વિચારો અને જીવન જીવવાની રીતથી કોઈ વાંધો નથી.

અમને એકબીજા સાથે પ્રેમ હતો અને અમે જીવનને સારી રીતે જીવવા લાગ્યા. પરંતુ ત્યારે બધું બદલાવા લાગ્યું જ્યારે હું બીજી કોઈ વ્યક્તિની નજીક જવા લાગી.

મારા એ સાથી તો સૈદ્ધાંતિક રીતે પૉલીએમરીથી સહમત હતા પરંતુ જ્યારે ખરેખર આ વાત તેમની સામે આવી તો તેઓ તેને સહન ન કરી શક્યા.

તેમણે મારી સાથે કેટલીક આવી વાતો કરવાનું શરુ કરી દીધું - શું મારા પ્રેમમાં કોઈ ખામી છે? શું આપણાં સંબંધમાં શક્તિ નથી? શું આપણી સેક્સ લાઇફ સારી નથી કે તુ બીજા કોઈ તરફ આકર્ષિત થવા લાગી છો?

હું તેમને પહેલેથી જ બધું જણાવી દીધું હતું એટલે મારી પાસે તેમને સમજાવવા માટે બીજું કંઈ ન હતું. આ રીતે અમે ધીરે ધીરે દૂર થતાં ગયાં.

જ્યારે પોતાની જાતને કહ્યું, "કબૂલ હૈ"

થોડાં વર્ષો બાદ હું ભારત પરત ફરી. હવે મારી પાસે પૉલીએમરી વિશે ઘણી માહિતી હતી એટલે મેં તેના વિશે વધારે વાંચવાની સાથે સાથે સંશોધન કરવાનું પણ શરુ કરી દીધું.

સમયની સાથે મને જાણવા મળ્યું કે ભારતમાં ઘણાં એવા લોકો છે કે જેઓ પૉલીએમરસ છે. હવે હું ઓછામાં ઓછા 100 એવા લોકોને ઓળખું છું કે જેઓ પોતાને પૉલીએમરસ માને છે.

તેમણે સોશિયલ મીડિયા પર તેના માટે કમ્યુનિટી અને સપોર્ટ ગ્રૂપ્સ બનાવીને રાખ્યા છે જ્યાં તેઓ ખુલ્લા મને વાત કરી શકે છે.

ફેસબુક પર એક એવું જ ક્લોઝ્ડ ગ્રૂપ છે 'બેંગલુરુ પૉલીએમરી.' આ ગ્રૂપ પૉલીએમરસ લોકો માટે મીટિંગ્સ, ગેટ -ટુગેધર અને સ્પીડ ડેટિંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે.

હું પણ તેમના એક ઇવેન્ટમાં ગઈ અને ત્યાં જઈને મને ખૂબ સારો અનુભવ થયો. મને એવું લાગ્યું કે જાણે હું એકલી નથી. કંઈક આ રીતે મારું જીવન ફરી ટ્રેક પર આવી ગયું.

અને ફરી પ્રેમ થઈ ગયો....

આ દરમિયાન હું ડેટિંગ એપ ટિંડર પર મિહિરને મળી. કેટલીક મુલાકાતો બાદ મેં મિહિરને મારા વિશે બધુ જ જણાવી દીધું.

અમે બન્નેએ નક્કી કર્યું કે આ સંબંધમાં ઇમાનદારીથી કોઈ પણ દબાણ વગર જીવીશું.

મારા અને મિહિરના સંબંધના છ મહિના બાદ મને બીજું કોઈ પસંદ આવી ગયું. હું તે વ્યક્તિને ડેટ કરવા માગતી હતી.

મેં આ વાત મિહિરને જણાવી અને તેમણે મને તેમને મળવા કહ્યું.

જ્યારે હું તેમને મળીને આવી અને મિહિરને જણાવ્યું કે અમારી વચ્ચે શારિરીક સંબંધ પણ બન્યા.

આ બધું સાંભળીને મિહિરે ખૂબ જ સીધી પ્રતિક્રિયા આપી. એવું નથી કે તેમને ખરાબ ન લાગ્યું પણ તેમને ઇર્ષા ન થઈ. તેમણે પોતાની ભાવનાઓને ખૂબ જ શાલીન રીતે વ્યક્ત કરી.

તેમના વર્તને મને પ્રભાવિત કરી. હું સમજી ગઈ હતી કે મિહિર આગળ પણ મારો સાથ આપશે. તેઓ મારા બીજા પાર્ટનરને પણ મળ્યા.

થોડાં સમય બાદ મને ત્રીજી વ્યક્તિ પસંદ આવી ગઈ અને મેં તેમની સાથે પણ મારો સંબંધ આગળ વધાર્યો. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો આ સમયે મારા ત્રણ બૉયફ્રેન્ડ્સ છે અને ત્રણેય એકબીજાને ઓળખે છે.

જોકે, મારા પ્રાઇમરી (મુખ્ય) પાર્ટનર મિહિર જ છે અને સૌથી વધારે સમય હું તેમની સાથે જ વિતાવું છું.

જોવા જઈએ તો પૉલીએમરસ હોવાનો સૌથી મોટો પડકાર એ છે કે તમારી પાસે પોતાના માટે ખૂબ ઓછો સમય બચે છે.

લોકો માટે એક સંબંધ નિભાવવો પણ મુશ્કેલ હોય છે અને હું એક સાથે બે-બે, ત્રણ ત્રણ સંભાળી રહી હતી. તેવામાં ટાઇમ મૅનેજમૅન્ટ ખૂબ અઘરું બની જાય છે.

'લોકો વેશ્યા કહે છે તો આ જવાબ આપું છું'

મેં મારા માતાપિતાને જણાવ્યું કે હું પૉલીએમરસ છું. તેમણે મને સ્વીકારી તો લીધી પરંતુ તેમને પૉલીએમરીની અવધારણામાં વધારે ખબર પડતી નથી.

મિહિરના મામલે તેઓ ખૂબ સહજ છે, તેઓ અમારા ઘરે પણ આવે છે પરંતુ મારા બાકી બન્ને પાર્ટનર્સ મામલે મારો પરિવાર સહજ નથી. હું તે બન્નેને લઈને ઘરે વાત કરતી નથી.

જો તમે લગ્ન વિશે પૂછશો તો હું લગ્ન નામની સંસ્થા વિરુદ્ધ છું. મને લાગે છે કે આ એક પિતૃસત્તાત્મક સંસ્થા છે અને તેનો આધાર સામાજિક કરતાં ઘણો વધારે આર્થિક છે.

પરંતુ મારા ઉપર લગ્નના મામલે ખૂબ દબાણ કરવામાં આવ્યું અથવા તો ભવિષ્યમાં મારા વિચાર બદલાયા તો હું મિહિર સાથે લગ્ન કરવા ઇચ્છીશ.

હજુ પણ ઘણા એવા લોકો છે કે જેઓ મારા વિશે જાણીને મને ચરિત્રહીન અને સ્લટ (વેશ્યા) કહે છે પરંતુ મને કોઈ ફેર પડતો નથી.

કોઈ વધારે બોલે છે તો હું કહી દઉં છું- હાં, મને અલગઅલગ પુરુષો સાથે સંબંધ રાખવા ગમે છે. તો?

મિહિર આ સંબંધ અંગે શું વિચારે છે?

મિહિરે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે તેમને ગરિમાની સૌથી સારી વાત એ લાગે છે કે તેઓ તેમની સાથે ઇમાનદારીથી રહી શકે છે. તેમણે ગરિમા પાસે કંઈ છૂપાવવાની જરુર નથી. તેઓ તેમને ક્યારેય જજ કરતાં નથી.

મિહિર કહે છે, "ગરિમા ખૂબ સમજદાર અને બુદ્ધિમાન છે. તેઓ પોતાનાં વિચારોથી ગમે તેને પ્રભાવિત કરી શકે છે. જોકે, સંબંધની શરુઆતમાં હું એ વાતને લઈને ડરતો હતો કે જો તેમને મારા કરતાં કોઈ સારી વ્યક્તિ મળી ગઈ તો તેઓ મને છોડી દેશે. પરંતુ ધીરે ધીરે મને સમજાઈ ગયું કે ગમે તે થાય, તેઓ મારી સાથે જ રહેશે."

મિહિર કહે છે કે તેમને ઘણી વખત ખરાબ લાગે છે જ્યારે તેઓ ગરિમા સાથે સમય વિતાવવા માગે છે અને તેઓ પોતાના બીજા પાર્ટનર સાથે હોય છે.

પરંતુ પછી વાતચીતની મદદથી પોતાની બધી ભાવનાઓ તેઓ એકબીજા સાથે વ્યક્ત કરી દે છે. અને તેનાથી પરિસ્થિતિ સુધરી જાય છે.

મિહિરનો પરિવાર ગરિમાને ઓળખે છે?

તેના જવાબમાં તેઓ કહે છે, "મારા પરિવારના લોકો જાણે છે કે ગરિમા મારા ગર્લફ્રેન્ડ છે પરંતુ મેં તેમને એ જણાવ્યું નથી કે ગરિમા પૉલીએમરસ છે. મને લાગતું નથી કે તેઓ ક્યારેય આ વાતને સ્વીકારી શકશે. હા, મારા નજીકના મિત્રો આ અંગે જાણે છે."

મિહિરના મતે પૉલીએમરસ સંબંધોમાં સૌથી મોટો પડકાર હોય છે- વાતચીત.

તેઓ કહે છે, "ઘણી વખત તમારા પાર્ટનર વ્યસ્ત હોય છે અને તમારી પાસે એકબીજા સાથે વાત કરવાનો સમય રહેતો નથી. તેવામાં થોડી સમસ્યાનો અનુભવ થાય છે. જોકે, આ સંબંધની સૌથી સુંદર વસ્તુ એ છે કે તમે એકબીજા સાથે ઇમાનદાર રહી શકો છો. તમારે તમારા પાર્ટનરથી કંઈ છૂપાવવાની જરુર રહેતી નથી. તમે નવા લોકોને મળી શકો છો. તેમને ડેટ કરી શકો છો અને તેના વિશે તમારા પાર્ટનર સાથે ખુલા મને વાત કરી શકો છો."

પરિવાર અને લગ્નનું શું થશે?

આ સવાલ પર મિહિર હસીને કહે છે, "આ અંગે તો અમે લગભગ દરરોજ વાત કરીએ છીએ. જો અમારી વચ્ચે બધું બરોબર રહ્યું અને લગ્ન કર્યાં તો હું ગરિમા સાથે જ કરીશ.""બસ મનમાં એક ડર છે. એવું થઈ શકે છે કે અમારી કારકિર્દી માટે અમારે અલગઅલગ શહેરો અને દેશોમાં જવું પડે અને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હું વધારે સારો નથી."

પૉલીએમરી જન્મજાત પ્રવૃત્તિ છે કે માત્ર એક પસંદ?

આ વિશે વિશેષજ્ઞોના અલગ અલગ મત છે.

સેક્સ, પ્રેમ અને ઇચ્છાઓ વિશે ચર્ચા કરતા પ્રોજેક્ટ 'એજન્ટ ઑફ ઇશ્ક'ની આગેવાની કરતાં પારોમિતા વોહરાએ બીબીસીને કહ્યું, "સમાજશાસ્ત્રીઓની માનવામાં આવે તો એક વ્યક્તિમાં પૉલીએમરી એટલે કે એક કરતાં વધારે પાર્ટનર રાખવાની ટેવ જન્મથી જ હોય છે. ત્યારબાદ સભ્યતાના વિકાસ સાથે લોકોએ જીવનને ઘણા સામાજિક નિયમોથી બાંધી દીધું છે. જેમ કે, એક વ્યક્તિને એક જ પાર્ટનર રાખવાની અનુમતિ. જોકે, કેટલાક લોકોનાં મામલે આ માત્ર ચૉઇસનો મામલો પણ હોઈ શકે છે."

પારોમિતા કહે છે, "હું એ નહીં કહું કે એક પાર્ટનર રાખવાનું ચલણ ખરાબ છે. કેટલીક વખત તે વ્યક્તિના જીવનને અનુશાસિત કરે છે પરંતુ સાથે જ આપણને મતલબ વગરના સંબંધોમાં બંધાવા માટે મજબૂર કરે છે. આપણે બીજા સંબંધ ધરાવતા હોવા છતાં પાર્ટનરને ખોટું બોલીએ છીએ અને રસ વગર જીવન વિતાવીએ છીએ. પૉલિમરી ખોટા બંધનો તોડીને ઇમાનદારીથી જીવવાની તક આપે છે."

મનોવૈજ્ઞાનિક શિખા ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરે છે જેમાં એડલ્ટ્રીને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે.

તેઓ કહે છે, "કોર્ટના આ નિર્ણયની પાછળ પણ ક્યાંક ને ક્યાંક સત્યતા છૂપાયેલી છે કે મનુષ્યની ઇચ્છાઓ પર કોઈ કાબૂ મેળવી શકતું નથી. અને તેને અપરાધ તો માની જ શકાતું નથી."

શું કહે છે સમાજ વિજ્ઞાની?

તમામ શોધકર્તા દાવો કરે છે કે મનુષ્ય સ્વભાવથી મોનોગમસ (એક જ પાર્ટનર સાથે સંબંધ) છે જ નહીં.

એટલે કે એવું ખૂબ ઓછું થાય છે કે જ્યારે એક વ્યક્તિના આખા જીવન દરમિયાન એક જ પાર્ટનર સાથે સંબંધ હોય.

અમેરિકી લેખક ક્રિસ્ટોફર રાયને આ વિષય પર Sex at Dawn: How we mate, Why we Stray અને What it means for Modern Relationships જેવા પુસ્તકો લખ્યાં છે.

ક્રિસ્ટોફર કહે છે કે મનુષ્ય એક મોનોગમસ પ્રાણીના રુપમાં વિકસિત થયો જ નથી.

ક્રિસ્ટોફરના આધારે, "જો આપણે એક સમયે એક જ પાર્ટનરની સાથે છીએ તો તેનો એ મતલબ નથી કે આપણે મોનોગમસ છીએ. આખા જીવન દરમિયાન આપણા એક કરતાં વધારે લોકો સાથે સંબંધ હોય છે અને તેને મોનગેમી કહી શકાય છે."

યુનિવર્સિટી ઑફ વૉશિંગટનના પ્રોફેસર ડેવિડ પી. બ્રેશનું માનવું છે કે મોનોગેમી એટલે કે એક જ પાર્ટનર રાખવાની પ્રથા નવી છે. પ્રોફેસર બ્રૅશએ સેક્સ, ઇવોલ્યુશન અને શારીરિક સંબંધમાં દગો જેવા વિષયો પર પુસ્તક લખ્યાં છે.

તેમનું કહેવું છે કે જૂના જમાનામાં લોકો એક સાથે ઘણાં સંબંધ રાખતા હતા અને તેને અયોગ્ય પણ માનવામાં આવતા ન હતા.

પ્રોફેસર બ્રૅશનું માનવું છે કે મનુષ્ય સ્વાભાવિકપણે મોનોગમસ નથી પરંતુ તેનો મતલબ એવો નથી કે મોનોગેમી અપ્રાકૃતિક છે.

(સ્ટોરીમાં સામેલ લોકોની ગોપનીયતાનું ધ્યાન રાખતા તેમનાં નામ બીબીસી સંપાદકીય નીતિ અંતર્ગત બદલી નાખવામાં આવ્યા છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો