You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કૉંગ્રેસ નેતા અને પાઇલટ રાજીવ ગાંધી 1971નું 'યુદ્ધ છોડીને ભાગ્યા હતા'?
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર એક ભ્રામક સંદેશ વહી રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે 'જ્યારે 1971માં ભારત- પાકિસ્તાન યુદ્ધ થયું, ત્યારે દેશને તેમની સેવાઓની જરુર હતી. ત્યારે ભારતીય વાયુસેનાના નિયમિત પાઇલટ રહી ચૂકેલા રાજીવ ગાંધી દેશ છોડીને ભાગી ગયા હતા.'
રિવર્સ સર્ચમાં જાણવા મળ્યું છે કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન જ્યારે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને બે દિવસ બાદ પાકિસ્તાને છોડ્યા, ત્યારબાદ આ મેસેજ સોશિયલ મીડિયા પર શૅર થવાનો શરૂ થયો હતો.
દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપ્સમાં આ વાઇરલ સંદેશ સાથે લખવામાં આવી રહ્યું છે, "જે રાહુલ ગાંધી આજે ભારતની ઍર સ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યા છે, તેમના પિતા દેશની ખરાબ પરિસ્થિતિ સમયે દેશની સાથે ઊભા રહ્યા ન હતા."
પોતાના આ દાવાને સાચા સાબિત કરવા માટે કેટલાક ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે 'પોસ્ટકાર્ડ ન્યૂઝ' અને 'પીકા પોસ્ટ' નામની બે વેબસાઇટ્સની લિંક શૅર કરી છે.
આ વેબસાઇટ્સે વર્ષ 2015 અને 2018માં એ જ દાવો કર્યો હતો જે હિંદીમાં લખાયેલી વાઇરલ પોસ્ટમાં કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાના અલગઅલગ પ્લેટફોર્મ્સ પર સેંકડો વખત શૅર કરવામાં આવેલી આ પોસ્ટ અંગે અમારી તપાસમાં જાણવા મળ્યું કે તે હકીકતથી અલગ અને લોકોને ભ્રમિત કરવા માટે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વાઇરલ મૅસેજનું ફૅક્ટ ચેક
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની સરકારી વેબસાઇટ પીએમ ઇન્ડિયા અનુસાર 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં જન્મેલા રાજીવ ગાંધી 40 વર્ષની વયે દેશના વડા પ્રધાન બન્યા હતા.
વાઇરલ મેસેજમાં જે સમયનો ઉલ્લેખ (ભારત- પાકિસ્તાન યુદ્ધ 1971) કરવામાં આવ્યો છે, તે સમયે તેમનાં માતા ઇંદિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં અને રાજીવ ગાંધી રાજકારણથી દૂર હતા.
સરકારી વેબસાઇટ અનુસાર વિમાન ઉડાવવું એ રાજીવ ગાંધીનો સૌથી મોટો શોખ હતો. પોતાના આ શોખને પુરો કરવા તેમણે લંડનથી ભણીને પરત આવ્યા બાદ તુરંત દિલ્હી ફ્લાઇંગ ક્લબની લેખિત પરીક્ષા આપી હતી.
તેના આધારે જ રાજીવ ગાંધી કૉમર્શિયલ લાઇસન્સ મેળવવામાં સફળ થયા હતા.
વેબસાઇટના આધારે, ભારતના સાતમા વડા પ્રધાન રાજીવ ગાંધીએ વર્ષ 1968માં ભારતની સરકારી વિમાન સેવા 'ઇન્ડિયન ઍરલાઇન્સ' માટે પાઇલટ તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું અને આશરે એક દાયકા સુધી તેમણે આ નોકરી કરી હતી.
રાજીવ ગાંધી ક્યારેય ભારતીય વાયુ સેનાના નિયમિત પાઇલટ રહ્યા ન હતા. તેમને ફાઇટર પાઇલટ ગણાવતા લોકોનો દાવો એકદમ ખોટો છે.
સોનિયા ગાંધી પર પુસ્તક લખવા વાળા વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈએ બીબીસીને જણાવ્યું, "1971ના યુદ્ધ સાથે તેમનો કોઈ સંબંધ ન હતો. તેઓ ઍર ઇન્ડિયા માટે યાત્રી વિમાન ઉડાવતા હતા."
"તેમને બોઇંગ વિમાન ઉડાવવાનો શોખ હતો. જ્યારે તેમની કારકિર્દી શરુ થઈ, તો તે પ્રકારના મોટા યાત્રી વિમાન ભારતમાં ન હતા. પરંતુ પોતાની કારકિર્દીના અંતિમ વર્ષોમાં તેમણે બોઇંગ વિમાન ઉડાવ્યું હતું."
બાળકો સાથે દેશ છોડ્યો?
વાઇરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ભારત-પાક યુદ્ધ દરમિયાન તેઓ પોતાનાં પત્ની સોનિયા ગાંધી અને બાળકો (પ્રિયંકા- રાહુલ) સાથે સ્વદેશ છોડી ઇટાલી જતા રહ્યા હતા.' આ દાવો પણ ખોટો છે.
જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું, ત્યારે રાહુલ ગાંધી આશરે 6 મહિનાના હતા અને પ્રિયંકા ગાંધીનો તો જન્મ પણ થયો ન હતો. તેમનો જન્મ 1972માં થયો હતો.
રશીદ કિદવઈ, રાજીવ ગાંધીએ દેશ છોડ્યો હોવાની વાતને અફવા ગણાવે છે.
તેઓ કહે છે, "પહેલી વાત તો એ કે યુદ્ધમાં રાજીવ ગાંધીની કોઈ ભૂમિકા જ ન હતી અને તેમનાં માતા દેશની કમાન સંભાળી રહ્યાં હતાં."
"બીજી મહત્ત્વની બાબત એ કે 1971ના યુદ્ધમાં ઇંદિરા ગાંધી તો ક્યાંય ગયાં ન હતા અને તેમના પદ પર હોવા દરમિયાન જ ભારતીય સેનાએ પાકિસ્તાનને હાર આપી હતી. તો તેવામાં તેમના દીકરા કે પૌત્રની ટીકા કેવી રીતે કરી શકાય છે."
વરિષ્ઠ પત્રકાર નીના ગોપાલ પણ રાજીવ ગાંધીના દેશ છોડવાના દાવા પર શંકા કરે છે.
તેઓ કહે છે, "ગમે તે હોય, રાજીવ ગાંધી જરા પણ ડરપોક ન હતા. ડરીને તેમણે દેશ છોડ્યો, એ કહેવું તેમનું અપમાન છે. તેમનાં માતા ઇંદિરા ગાંધીની સામે પાકિસ્તાને આવીને શાંતિ માટે હાથ જોડ્યા હતા."
વાઇરલ મૅસેજમાં એક વસ્તુ સાચી છે અને તે છે રાજીવ ગાંધીની તસવીર જેમાં તેઓ પાઇલટના યુનિફોર્મમાં છે. રાજીવ ગાંધીની આ તસવીર ફ્લાઇંગ ક્લબમાં લાગેલી છે.
(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો