જ્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાની યુવતી સાથે પંજાબના યુવકે લગ્ન કર્યાં

    • લેેખક, રવિંદર સિંહ રોબિન
    • પદ, અમૃતસરથી બીબીસી ગુજરાતી માટે

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે ઘણા પરિવારો અને સંબંધીઓ બંને દેશો વચ્ચે વહેંચાઈ ગયા અથવા વિખૂટા પડી ગયા. પરંતુ આજે પુલવામા અને બાલાકોટ જેવી ઘટનાઓ બાદ બે પ્રેમીઓ માટે લગ્નના બંધનમાં જોડાવું કેટલું મુશ્કેલ થઈ શકે છે તે જાણવા જેવી કહાણી છે.

શનિવારે બંને દેશો વચ્ચેની અજંપાભરી સ્થિતિમાં પાકિસ્તાનના સિઆલકોટના કિરણ સરજીત અને અંબાલાના પરવિંદર સિંઘના લગ્ન થયા છે.

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા અને ત્યારબાદ બાલાકોટમાં થયેલી ઍર સ્ટ્રાઇકની ઘટનાઓમાં બંને દેશો વચ્ચેનો સમજોતા એક્સપ્રેસ અને બસની સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. આ સ્થિતીમાં ભારત અને પાકિસ્તાનના પ્રેમીઓના લગ્ન માટે પણ અનેક અડચણો આવી.

તમે આ વાંચ્યું કે નહીં?

શનિવારે સીખ પરંપરા અનુસાર પતિયાલાના ગુરુદ્વારામાં કિરણ અને પરવિંદરના લગ્ન થયા. ત્યારે બંને પરિવારોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જળવાઈ રહે તેવી અપેક્ષા અને ઇચ્છા વ્યક્ત કર્યાં હતાં.

ગુરુદ્વારામાં લગ્ન વિધિ વખતે કિરણ ગુલાબી ઓઢણી અને પેસ્ટલ લહેંગામાં શોભતાં હતાં, જ્યારે પરવિંદરે લાલ પાઘડી બાંધી હતી. વિવિધ પ્રકારાની વિધિ, સંગીત, લોકનૃત્ય, ભોજન અને સંબંધીઓ બાબતે તો પંજાબી પરંપરાથી થતાં લગ્નો વિશેષ હોય જ છે, પરંતુ કિરણ અને પરવિંદરના લગ્નમાં આ ભારત-પાકિસ્તાનના સંબંધને કારણે લોકોમાં ખાસ આકર્ષણ હતું.

જોકે, કિરણના ચહેરા પર ચિંતા અને ભાવુક લાગણીઓ સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. દુલ્હન કિરણ પરવિંદરના એક સંબંધીના દૂરના પરિચિતોના પરિવારમાંથી આવે છે. 27 વર્ષનાં કિરણ અને 33 વર્ષના પરવિંદર 2014માં પ્રથમ વખત મળ્યાં હતાં. જ્યારે કિરણ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા હતા.

પાકિસ્તાનના સિઆલકોટના વાન ગામના કિરણ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમજ અંબાલાના પરવિંદર ખાનગી ક્ષેત્રે કાર્યરત છે. કિરણનું પરિવાર ભાગલા વખતે પાકિસ્તાનમાં સ્થાયી થયું હતું. હાલ કિરણને પાકિસ્તાનમાં રહેલાં ઇંડિયન હાઈ કમિશને હાલ 45 દિવસના વિઝા આપ્યા છે.

પરવિંદરે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કિરણના અટારી-દિલ્હી અને પટિયાલા માટેના 45 દિવસના વિઝા 11 જૂનના રોજ પૂરા થશે. તેથી હવે તેઓ કિરણના ભારતીય નાગરિકત્વ માટે અરજી કરશે.

પરવિંદરે જણાવ્યું કે, કિરણ અને પરવિંદરના પરિવાર દ્વારા પહેલાં 2016માં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માટે વરના પરિવારે પાકિસ્તાન જવાનું હતું. પરંતુ ભારતમાં રહેલા પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા પરિવારના વિઝા મંજૂર ન થયા.

પરવિંદરના કહેવા મુજબ બંનેના પરિવારોએ નક્કી કર્યું કે હવે કન્યાના પરિવારજનો ભારતમાં આવશે. ખુશી અને ઉત્સાહ સાથે પરવિંદરે કહ્યું, "કિરણના પરિવારના લોકો આવ્યા અને હવે સાથે છીએ."

જ્યારે થોડાં ખચકાટ સાથે કિરણે એક જ વાત કહી, "અમારા લગ્નથી અન્ય લોકોને બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવાનો સંદેશ મળશે."

આ લગ્ન વિશે વાત કરતાં કન્યાના પિતા સુરજીત ચીમાએ કહ્યું, "અમારાં બાળકોના લગ્નથી બંને દેશની સરકારોને પણ સંકેત મળશે કે સરહદો પર અશાંતિ અને યુદ્ધની સ્થિતિ છતાં બંને તરફના લોકો એકબીજા સાથે જોડાવા અને સંબંધ રાખવા ઇચ્છે છે."

"જો શાંતિ જળવાઈ રહે તો બંને તરફના લોકો વધુ ઘનિષ્ઠ સંબંધો સાથે મજબૂત માહોલ બનાવી શકે છે."

આમ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતી વચ્ચે ટકી રહેલાં કિરણ અને પરવિંદરની કહાણી શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો