You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આજે ચંદ્ર પર સોફ્ટ લૅન્ડિંગ કરનારું ચંદ્રયાન-2 ભારત માટે કેમ મહત્ત્વનું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શ્રીહરિકોટાથી લૉંચ થયાના દોઢ મહિના બાદ 3,84,000 કિલોમિટરની સફર ખેડી આજે રાત્રે ચંદ્રયાન-2નું લૅન્ડર 'વિક્રમ' ચંદ્ર પર 'સોફ્ટ લૅન્ડિંગ' કરશે.
ચંદ્રયાનનું લૅન્ડર મૉડ્યૂલ વિક્રાંત તેમાંથી અલગ થઈ ચૂક્યું છે. આજે રાત્રે તે સૌથી વધુ ચિંતાજનક 15 મિનિટની સફર શરૂ થશે અને 35 કિલોમિટરનું અંતિમ અંતર પૂરું કરાશે.
'વિક્રમ' શુક્રવારે રાતે દોઢથી અઢી વાગ્યા દરમિયાન ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે. 'વિક્રમ'ની અંદર 'પ્રજ્ઞાન' નામનું રૉવર હશે, જે શનિવારે વહેલી સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા દરમિયાન લૅન્ડરની અંદરથી બહાર નીકળશે.
આ પહેલાં ત્રણ લાખ 84 હજાર કિલોમિટરનો પ્રવાસ ખેડીને ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. ચંદ્રયાન-2 માટે આ બહુ જટિલ અભિયાન હતું.
લૅન્ડિંગ પહેલાં ચંદ્રયાન-2ને લૂનર-કૅપ્શન મિશનમાં સફળતા હાંસલ કરે એ બહુ મહત્ત્વનું હતું, કારણ કે અહીં નાની અમથી ચૂક પણ બહુ મોટું જોખમ સર્જી શકે એમ હતી.
વિજ્ઞાન સાથે સંકળાયેલા પત્રકાર પલ્લવ બાગલાએ બીબીસી સંવાદદાતા ગુરપ્રીત સૈનીને જણાવ્યું:
"જો ચંદ્રયાનની ગતિ ઓછી હોત તો ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ યાનને સંપૂર્ણ શક્તિથી પોતાની તરફ ખેંચી લેત અને આવી સ્થિતિમાં ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી સાથે અથડાઈને ચૂરેચૂરા થઈ જાત."
લૂનર-કૅપ્શન મિશનમાં સફળતા બાદ હવે ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઊતરશે. જોકે, પડકાર તો એમાં પણ રહેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાગલાનું કહેવું છે કે જો આ અભિયાન સફળ રહેશે તો ચંદ્રયાન-2ને ચંદ્રની અન્ય કક્ષાઓમાં પણ લઈ જવામાં આવશે. 'મિશન ચંદ્રયાન-2'ને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ માટે બહુ અગત્યનું ગણવામાં આવી રહ્યું છે.
ચંદ્રયાન-2 ચંદ્રની એ સપાટી પર ઊતરશે કે જ્યાં હજુ સુધી કોઈ દેશ પહોંચ્યો નથી. આ ભારતીય યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે.
જોખમ વચ્ચે લૅન્ડિંગ
આ વિસ્તારમાં રહેલાં જોખમને કારણે હજુ સુધી કોઈ પણ સ્પેસ એજન્સી ત્યાં ઊતરી શકી નથી.
મોટા ભાગના મૂન-મિશન દરમિયાન ચંદ્રની ભૂમધ્યરેખાના વિસ્તારમાં લૅન્ડિંગ કરાયું છે, જ્યાં દક્ષિણ ધ્રુવની સરખામણીએ સપાટ જમીન છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્વાળામુખી અને ખરબચડી સપાટી હોવાને લીધે અહીં લૅન્ડિંગ કરવામાં ભારે જોખમ હોવાનું મનાય છે.
જોકે, ઈસરોએ ચંદ્રયાન-2ને અહીં જ ઊતરવાનો કરવાનો પડકાર ઝીલ્યો છે.
મુખ્ય ઉદ્દેશ
આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અસમતલ વિસ્તાર પર સૉફ્ટ લૅન્ડિંગ કરવાનો છે અને તેની સપાટી પર રૉબોટિક રૉવર ચલાવવાનો છે.
આ મિશન સાથે વૈજ્ઞાનિકોનો ચંદ્રની ભૌગોલિક સ્થિતિ, ખનિજની સ્થિતિ, ચંદ્રની સપાટી પર ફેલાયેલાં રાસાયણિક તેમજ માટીનાં તત્ત્વો અને ચંદ્ર પર પાણીની સ્થિતિ અંગે સંશોધન કરવાના છે.
સોવિયેટ યુનિયન, અમેરિકા અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ છે કે જે મૂન-મિશન ચલાવી રહ્યો છે અને તે ભ્રમણકક્ષા, તેની સપાટી અને વાતાવરણ અંગે વિવિધ પ્રકારના પ્રયોગો હાથ ધરી રહ્યો છે.
આ મિશનનું લક્ષ્ય ચંદ્ર પ્રત્યે આપણી સમજને વધારે સારી કરવાનું છે કે જે મનુષ્ય માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
ચંદ્રયાન-2 ખાસ કેમ?
ચંદ્રયાન-2 મિશન એ ચંદ્રયાન-1નો જ બીજો ભાગ છે.
ચંદ્રયાન-1ની મદદથી ચંદ્ર પર પાણીના કણોની શોધ થઈ હતી. હવે ચંદ્રયાન-2ની મદદથી પાણીની સ્થિતિને વધારે સારી રીતે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઑર્બિટર, લૅન્ડર અને રૉવર એમ ચંદ્રયાન-2 સ્પેસક્રાફ્ટને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે.
તેમાં લૅન્ડરને ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિક્રમ' નામ આપવામાં આવ્યું છે જ્યારે છ વ્હિલ ધરાવતાં રૉવરને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યું છે. આ રૉવરનું નિર્માણ ઈસરોએ જ કર્યું છે.
મિશનના માધ્યમથી ચંદ્રની આસપાસ ઑર્બિટરને મૂકવામાં આવશે.
ચંદ્રયાનને ભારતનું સૌથી શક્તિશાળી રૉકેટ GSLV Mk-3 અંતરીક્ષમાં લઈ જઈ રહ્યું છે, જેનું વજન 640 ટન છે. આ રૉકેટ 3890 કિલોગ્રામનું વજન ધરાવતા ચંદ્રયાન-2ને લઈને ઉડાણ ભરશે.
સ્પેસક્રાફ્ટમાં 13 વૈજ્ઞાનિક ઉપકરણો પણ મોકલવામાં આવશે કે જેમાંથી 8 ઑર્બિટરમાં રહેશે, 3 લૅન્ડરમાં અને 2 રોવરમાં રહેશે. તેમાં એક નાસાનું ઉપકરણ પણ મોકલવામાં આવશે.
ઈસરોના ચૅરમૅનના જણાવ્યા અનુસાર રૉવરના વ્હિલની એક બાજુ અશોક ચક્ર અને બીજી બાજુ ઈસરોની છાપ છે. એટલે જ્યારે રોવર ચંદ્રની સપાટી પર પહોંચશે ત્યારે આ બન્નેની છાપ ચંદ્ર પર પડશે.
ભારત મનુષ્યને ક્યારે ચંદ્ર પર મોકલશે?
ભારતના અંતરીક્ષ કાર્યક્રમનું લક્ષ્ય અત્યાર સુધી પોતાની જનતાને તેનાથી લાભ પહોંચાડવાનું હતું. તેમાં ઈસરો ઘણી હદે સફળ રહ્યું છે.
ભારતના ખેડૂત હોય, માછીમારો હોય કે તમે અને અમે કે જેઓ એટીએમથી પૈસા કાઢી શકીએ છીએ, તે માત્ર આપણા ઉપગ્રહની મદદથી જ થાય છે.
આગામી સમયમાં ઈસરો વિજ્ઞાનનું કામ કરવા માગે છે. તેમાં તે પાછળ રહેવા માગતું નથી.
ઈસરોનો ઉદ્દેશ છે કે તે જલદી 2022 સુધી ગગનયાનથી એક ભારતીયને ભારતની જમીન પરથી અને ભારતને રૉકેટથી અંતરિક્ષમાં મોકલે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેનો વાયદો કરી ચૂક્યા છે કે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પહેલા આ મિશન પૂર્ણ કરી લેવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો