ગુજરાત 2002 રમખાણો : નાણાવટીપંચનો અહેવાલ વિધાનસભામાં રજૂ થશે

વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતા પંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.

હાઈકોર્ટમાં આર.બી. શ્રીકુમારે દાખલ કરેલી જાહેરહિતની અરજી પર સરકારે સંબંધિત જવાબ આપ્યો છે.

ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી હતી.

જેના જવાબમાં સરકારે કહ્યું, "નાણાવટી-મહેતા પંચનો આ મામલે અહેવાલનો પ્રથમ ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કર્યો હતો."

"આ અહેવાલનો બીજો ભાગ આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે."

નાણાવટી-મહેતાપંચ

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાના રેલવેસ્ટેશન પર સાબરમતી ટ્રેન પર આગ લગાડી દેવાઈ હતી. જે બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

જેની તપાસ માટે કરવા માટે 6 માર્ચ, વર્ષ 2002ના રોજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ કે. જી. શાહના નેજા હેઠળ તપાસપંચની રચના કરવામાં આવી હતી. માત્ર એક વ્યક્તિનું તપાસપંચ હોવાને કારણે તેનો વિરોધ થતાં તેને બે સભ્યવાળું તપાસ બનાવાયું હતું અને નિવૃત્ત ન્યાયાધીશ જી.ટી નાણાવટીને તેમના અધ્યક્ષ બનાવાયા હતા.

5 ઑગસ્ટ 2004ના રોજ ગુજરાત સરકારે ગોધરામાં ટ્રેનને સળગાવી દેવાની ઘટના અને બાદમાં રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનો મામલે એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય નોકરીયાતોનો તપાસ કરવાની પંચને છૂટ આપી હતી.

માર્ચ 2008માં ન્યાયાધીશ (નિવૃત) કે.જી. શાહનું મૃત્યુ થતાં ન્યાયાધીશ(નિવૃત) અક્ષય મહેતાને પંચના બીજા સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા.

ગોધરા રેલવે સ્ટેશન ખાતે સળગાવી દેવાયેલી ટ્રેનને 'કેટલાક લોકોનું પૂર્વનિયોજીત કાવતરું' ગણાવ્યું હતું.

હાલમાં જે અહેવાલ સોંપવાની વાત છે, તેમાં એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય રાજકારણીઓની ભૂમિકા અંગેનો મત વ્યકત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો