સંજીવ ભટ્ટ : ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવનારા IPS

સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે.

ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે.

એ પહેલાં જાણીએ કે શું છે આ કેસ જેમાં સંજીવ ભટ્ટને સજા થઈ છે?

1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી. ત્યારે સંજીવ ભટ્ટ અહીં તહેનાત હતા.

એ સમયે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ત્યારે પોલીસે કહ્યું હતું કે કોમી રમખાણો પર કાબૂ મેળવવા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી પ્રભુદાસ માધવજીની તબિયત બગડતા તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

પ્રભુદાસના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ સહિત અન્ય 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, તેમના પર આરોપ મૂક્યો હતો કે તેમને અટકાયતમાં ટૉર્ચર કરવામાં આવ્યા હતા.

આ મામલે સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે બીબીસી આગળ કેસની ટ્રાયલ પ્રત્યે અસંતોષ વ્યકત કર્યો અને કહ્યું કે, 'જે રીતે આ કેસ ચાલ્યો છે અને ટ્રાયલ થઈ છે, તેનાથી અમે ક્યારેય સંતુષ્ટ નહોતા અમે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારીશું.'

'રાજકીય વેરવૃત્તિથી કેસ દાખલ'

ચુકાદા બાદ નિવેદનમાં સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતાએ જણાવ્યું, 'મૃતક અને તેમના ભાઈ સહિત કુલ 133 શખ્સની હુલ્લડના આરોપ સબબ ધરપકડ કરવામાં આવી હતી.'

'જ્યારે તેમને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જેલમાં મોકલવામાં આવ્યા, તેમને તથા અન્ય હુલ્લડખોરોને છોડી મૂકવામાં આવ્યા, નવેમ્બર-1990માં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, નવેમ્બર-1990માં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા ત્યારે ટૉર્ચરની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.'

'મૃત્યુ બાદ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ આંતરિક કે બાહ્યા ઈજાના કોઈ નિશાન મળ્યા ન હતા. વધુમાં મૃતકના ભાઈ ભાજપમાં પદાધિકારી પણ છે.'

'આ મામલો રાજકીય વેરભાવનાનો છે. સીઆઈડીની તપાસમાં કંઈ બહાર આવ્યું ન હતું અને રાજ્ય સરકારે તેની વિરુદ્ધ ખટલો ચલાવવાની મંજૂરી આપી ન હતી.'

'2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ શ્રી ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી (મોદી) તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી.'

'એ સાંજે જ રાજ્ય સરકારે રિવિઝન ઍપ્લિકેશન દાખલ કરી અને બીજા જ દિવસે સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી.'

'300માંથી 32 સાક્ષીઓની જ તપાસ હાથ ધરવામાં આવી હતી. 1990 થી 2012 સુધી શાંતિથી બેસી રહેલા ફરિયાદી અચાનક જ સક્રિય બન્યા.'

'ચુકાદાનો અભ્યાસ કરીને અમે તેને ઉચ્ચ અદાલતમાં પડકારીશું.'

કોણ છે સંજીવ ભટ્ટ

આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા.

તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી.

કહેવાય છે કે ત્યાં કેદીઓ વચ્ચે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમની બદલી થઈ ત્યારે કેદીઓએ હડતાળ કરી હતી.

જોકે, ત્યાર બાદ તેમને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી.

તેઓ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે તેમણે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા.

ત્યાર બાદ તેઓ સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા છે.

સંજીવ ભટ્ટની ઍફિડેવિટ

2011માં સંજીવ ભટ્ટે ઍફિડેવિટમાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે 'હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.'

જોકે, મોદી સરકારે કહ્યું હતું કે સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર નહોતા અને તેના કોઈ સાક્ષી નથી.

ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત વિશેષ તપાસ દળ એટલે એસઆઈટીના તપાસ રિપોર્ટને ગેરકાયદેસર રીતે ઘણા લોકોને મોકલવામાં આવ્યો હતો.

ઍફિડેવિટ પ્રમાણે પાંચ ફેબ્રુઆરી 2010ના રોજ 2002ના રમખાણોના નવ કેસમાં એસઆઈટી રિપોર્ટને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયના અધિકારી વિજય બાદેખાને, અધિક મહાધિવક્તા તુષાર મેહતા અને મુખ્યમંત્રીના પ્રધાન સચિવ જી. સી. મુર્મુને ઈ-મેલ મારફતે મોકલી હતી.

ઍફિડેવિટમાં કહેવાયું હતું કે તુષાર મેહતાએ આ ઈ-મેલને ગુરુમૂર્તિ સ્વામીનાથન પાસે મોકલ્યો જે રમખાણોના આરોપીઓનો બચાવ કરી રહ્યા હતા.

પછી ગુરુમૂર્તિએ તેને રામ જેઠમલાણી અને મહેશ જેઠમલાણીને મોક્લયો હતો. જેઠમલાણી પિતા-પુત્ર અનેક કેસમાં ગુજરાત સરકાર અને રમખાણોના આરોપીઓના વકીલ છે.

છ ફેબ્રુઆરીએ ગુરુમૂર્તિએ તુષાર મેહતાને લખ્યું કે 'રિપોર્ટ તો મળી ગયો છે પણ તેની સાથે પૂર્ણ દસ્તાવેજ નથી મળ્યા.'

છ ફેબ્રુઆરીએ જ વિજય બાદેખાએ નવ રિપોર્ટ સિવાય ધરપકડ અને આરોપ પત્ર સાથે જોડાયેલા બે અન્ય દસ્તાવેજ તુષાર મેહતાને મોકલ્યા હતા.

તેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ દસ્તાવેજની ગુપ્તતા જાળવવાની છે તથા કોઈ પણ હાલતમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિ પાસે ન જવું જોઈએ.

સાત ફેબ્રુઆરીના રોજ ગુરુમૂર્તિએ પછી તુષાર મેહતાને ફરી લખ્યું કે 'રિપોર્ટ તો મળી ગયો છે, પણ પૂર્ણ દસ્તાવેજ નથી મળ્યા.'

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે એસઆઈટીના રિપોર્ટ પ્રમાણે, માત્ર અને માત્ર અમાઇકસ ક્યૂરી અને રાજ્ય સરકારના વકીલને આપવામાં આવશે.

પરંતુ રાજ્યના અધિકારીઓએ કૉર્ટના નિર્દેશની અવગણના કરીને તેને ગુરુમૂર્તિ જેવા અનાધિકૃત લોકોને મોકલી જે આરોપીઓનો બચાવ કરી રહ્યા હતા.

સંજીવ ભટ્ટનાં પત્ની જ્યારે મોદી સામે ચૂંટણીમાં તર્યાં

2011માં સંજીવ ભટ્ટની ઍફિડેવિટ સામે આવી હતી અને તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે ચઢ્યા હતા.

સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં 2002ના રમખાણો માટે જવાબદાર ઠેરવતા રહ્યા છે.

2012માં જ્યારે નરેન્દ્ર મોદી ત્રીજી વખત ગુજરાતમાં સરકાર બનાવવા માટે ચૂંટણીમાં ઉતર્યા હતા ત્યારે સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ તેમને પડકાર આપવા મેદાનમાં ઉતર્યાં હતાં.

સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે કોંગ્રેસની ટિકિટ પર મણિનગર બેઠકથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

ત્યારે ભાજપે આરોપ કર્યા હતા કે નરેન્દ્ર મોદી પર સંજીવ ભટ્ટના આરોપ રાજકારણથી પ્રેરિત હતા.

જોકે, 2012માં ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મોટી બહુમતીથી નરેન્દ્ર મોદીએ શ્વેતા ભટ્ટને મણિનગરમાં પરાજય આપ્યો હતો.

2011માં સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના પત્ની શ્વેતા ભટ્ટે તેમની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો.

જેના આધારે ગૃહ મંત્રાલયે ગુજરાત સરકારને સંજીવ ભટ્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું.

ત્યારે શ્વેતાએ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાને કહ્યું હતું, ''સંજીવ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ તેમને ક્રાઇમ-બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યા છે, જેને ઍન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે, હું તેમના પર ભરોસો નથી કરતી અને મને તેમની ચિંતા છે.''

સંજીવ ભટ્ટની ધરપકડ તેમની હેઠળ કામ કરતા એક કૉન્સ્ટેબલ કે. ડી. પંતની પોલીસ ફરિયાદના આધાર પર કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં સંજીવ ભટ્ટ પર તેમના પર દબાણ કરીને મોદી વિરુદ્ધ ઍફિડેવિટ દાખલ કરાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

બનાસકાંઠામાં 'ખોટી રીતે ધરપકડ'નો કેસ

એ સિવાય સંજીવ ભટ્ટ પર એક વ્યક્તિની ધરપકડ કરવા માટે ડ્રગ્સ મુકવાનો કેસ પણ ચાલી રહ્યો છે. આ મામલે 2018માં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી .

1996 તેઓ બનાસકાંઠામાં ડીએસપી તરીકે તહેનાત હતા.

બનાસકાંઠા પોલીસે સુમેરસિંહ રાજપુરોહિત નામના વકીલની એક કિલો ડ્રગ સાથે એક હોટલ રૂમમાંથી ધરપકડ કરી હતી.

પણ રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના પાલીમાં એક વિવાદાસ્પદ પ્રૉપર્ટીને ટ્રાન્સફર કરાવવા માટે રાજપુરોહિતની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે બનાસકાંઠા પોલીસે સંભવતઃ રાજપુરોહિતને પાલી ખાતેના તેમના ઘરેથી ઉઠાવ્યા હતા.

કથિત સેક્સ વીડિયો

વર્ષ 2015માં એક કથિત સેક્સ વીડિયોને લઈને સંજીવ ભટ્ટને ગુજરાત સરકારે નોટિસ ફટકારી હતી.

ત્યારે બાદ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.

નોટિસમાં તેમને પત્ની સિવાય અન્ય મહિલા સાથે સંબંધ અંગે સ્પષ્ટતા આપવા કહેવામાં આવ્યું હતું.

સંજીવ ભટ્ટને 19 ઑગસ્ટ 2015ના રોજ તેમના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

ભટ્ટે કથિત સેક્સ વીડિયોમાં પોતે હોવાના આરોપથી ઇન્કાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો