નરેન્દ્ર મોદીની સામે પડનાર IPS સંજીવ ભટ્ટને કસ્ટૉડિયલ ડેથ કેસમાં આજીવન કેદ

ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગર ગ્રામ્ય અદાલતે દોષિત જાહેર કર્યા છે અને આજીવન કેદની સજા કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર સાથેના સંઘર્ષને લીધે સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા.

સંજીવ ભટ્ટ સામે 1990ના વર્ષથી કસ્ટૉડિયલ ડેથનો કેસ ચાલી રહ્યો હતો.

આ કેસમાં સંજીવ ભટ્ટની સાથે પ્રવીણ સિંહ ઝાલાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આજીવન કેદની સજા કરી છે.

આ કેસમાં 32 સાક્ષીઓને તપાસવામા આવ્યા હતા તથા 1000 જેટલા દસ્તાવેજી પુરાવા રિફર કરાયા હતા.

કેસમાં 5 હજાર પાનાંની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી.

આ કેસમાં સ્પશેયિલ પબ્લિક તુષાર ગોકાણીએ કહ્યું કે આ કેસમાં આરોપીઓ એક પૂર્વ આઈપીએસ, બે પીએસઆઈ અને 4 કૉન્સ્ટેબલ આરોપીઓ હતા.

સંજીવ ભટ્ટ અને પ્રવીણ સિંહને આજીવન કેદની સજા કરવામાં આવી છે અને તેમને પોલીસ કસ્ટડીમાં લેવાનો આદેશ છે.

આ ઉપરાંત અન્ય આરોપીઓમાં શૈલેષ પંડયા, દિપક શાહ, પ્રવીણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા તેમજ કેશુભા જાડેજાને વધુમાં વધુ બે વર્ષની સજા કરવામાં આવી છે. આ તમામના જામીન અદાલતે મંજૂર રાખ્યા છે.

એડવોકેટ તુષાર ગોકાણીએ કહ્યું કે તમામ આરોપીઓને આજીવન કેદની સજા થાય તે માટે તેઓ અપીલ કરશે.

આ મામવે સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે બીબીસી આગળ કેસની ટ્રાયલ પ્રત્યે અસંતોષ વ્યકત કર્યો અને કહ્યું કે, 'જે રીતે આ કેસ ચાલ્યો છે અને ટ્રાયલ થઈ છે તેનાથી અમે ક્યારેય સંતુષ્ટ નહોતા અમે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારીશું.'

કસ્ટૉડિયલ ડેથનો આ કેસ શું છે?

કસ્ટૉડિયલ ડેથનો આ કેસ 1990નો છે. એ વખતે સંજીવ ભટ્ટ જામનગરમાં આસિસ્ટંટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હતા.

આ અંગે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર પ્રભુદાસ માધવજી વૈષ્ણાણીના ભાઈ અને ફરિયાદી એવા અમૃતભાઈએ બીબીસીને કહ્યું કે એ 30 ઓક્ટોબરની રાત હતી અને તેઓ અને મૃત્યુ પામનાર પ્રભુદાસ ઘરે જ હતા.

પ્રભુદાસના પરિવારમાં પત્ની અને ત્રણ નાના બાળકો જેમની ઉંમર ચાર, છ અને આઠ વર્ષ હતી તે પણ હતા.

અમૃતભાઈ કહ્યું કે, મારા બેઉ ભાઈઓને પોલીસવાળાઓ ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા. મને આજ સુધી એ નથી સમજાયું કે તેઓ કેમ ઉઠાવીને લઈ ગયા હતા. એ વખતે અમે કાયદો-કાનૂન કંઈ જાણતા નહોતા. પોલીસ સામે શું કરવું એ ખબર નહોતી પડતી. લોકો પોલીસથી ખૂબ ડરતાં. કેવી રીતે લઈ ગયા, કેમ લઈ ગયા એ પણ પુછવાનો સમય ન મળ્યો. પોલીસે પણ એ ન કહ્યું.

પ્રભુદાસ માધવજી વૈષ્ણાણી સહિત 133 લોકોને ટાડા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પાછળથી એમને પરથી ટાડા હઠાવી દેવામાં આવ્યો.

ટાડાનો કાયદો ખૂબ જ સખત ગણાતો હતો અને અનેક લોકો તેને માનવઅધિકાર વિરુદ્ધનો ગણતા હતા.

ઉલ્લેખનીય છે કે અમૃતભાઈ જે વાત કરે છે એ સમય 1990નો હતો અને બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા રોકવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આને પગલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અનેક સ્થળોએ તોફાનો થયા હતા.

અમૃતભાઈનું કહેવું છે કે એમના ભાઈઓને ઘરેથી જે પોલીસની ટીમ ઉપાડી ગઈ તેમાં સંજીવ ભટ્ટ પણ હતા. પ્રભુદાસની સાથે જે ભાઈને ઉઠાવી જવામાં આવ્યા હતા તેમનું નામ રમેશ હતું.

અમૃતભાઈ કહે છે કે પોલીસે લોકને ડંડા વડે માર્યા અને એમની પાસે ઉઠક-બેઠક કરાવવામાં આવી. લાકડીઓના માર અને ઉઠક-બેઠકને લીધે એમની કિડની પર અસર પહોંચી. બંને ભાઈઓને કિડનીનો પ્રોબ્લમ ઉભો થયો.

આને કારણે પ્રભુદાસનું 18 નવેમ્બરના રોજ અવસાન થયું જ્યારે અન્ય ભાઈ રમેશને 15-20 દિવસના ઇલાજ પછી સારું થઈ ગયું.

આના બાદ અમૃતભાઈએ પીએમની અરજી કરી અને ત્યાંથી આ કેસ શરૂ થયો.

પીએમથી સુપ્રીમ સુધીની સફ

આ કેસમાં સરકારી વકીલ તુષાર ગોકાણીએ કહ્યું કે 1990માં જ સીઆઈડીએ કેસી તપાસ શરૂ કરી દીધી હતી પંરતુ ચાર્જશીટ ફાઇલ કરવાની સરકારી સહમતી ન મળવાને લીધે મામલો લંબાતો ગયો.

આ કેસમાં 2017 સુધી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામગીરી કરનાર બિમલ ચોટાઈએ બીબીસીને કહ્યું શરૂઆતમાં તપાસ અધિકારીએ સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે પોલીસ પર કામ ચલાવવાની મંજૂરી આપી નહોતી.

તુષાર ગોકાણી કહે છે 1995માં ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી મળી પંરતુ તેને આરોપીએ અદાલતમાં પડકારી.

વકીલ બિમલ ચોટોઈ કહે છે કે એમનું કહેવું છે કે 2011 પછી આ બધુ શરૂ થયું.

કેસના પ્રાથમિક ઘટનાક્રમ વિશે એમણે કહ્યું કે સરકારે મંજૂરી ન આપતા ફરિયાદીએ જે તે સમયે વાંધો લીધો હતો અને અદાલતે તેનું સંજ્ઞાન લીધુ હતુ.

અદાલતે સંજ્ઞાન લીધા બાદ સરકારે તેને રિવીઝન અરજી કરી પડકાર્યુ હતું.

સરકારે 2011માં રિવિઝન અરજી પાછી ખેંચી લીધી એ પછી આ કેસમાં પ્રગતિ થઈ.

સરકારે રિવિઝન પાછી ખેંચી લેતા તેની સામે સંજીવ ભટ્ટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી પણ અને એ પછી સુપ્રીમમાં પણ અરજી થઈ હતી.

જોકે, હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટને રાહત આપી નહોતી.

તુષાર ગોકાણી કહે છે કે અનેક કાનૂની વિવાદો પછી 2012માં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો અને 2015માં આની સુનાવણી શરૂ થઈ.

એ પછી પણ સાક્ષીઓને તપાસવાન લઈને સંજીવ ભટ્ટ દ્વારા હાઈ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ.

આખરે સુપ્રીમના આદેશ પછી કેસની કાર્યવાહી નીચલી અદાલતમાં પૂરી થઈ છે.

કોણ છે સંજીવ રાજેન્દ્ર ભટ્ટ?

આઈઆઈટી મુંબઈથી પોસ્ટ ગ્રૅજ્યુએટ સંજીવ ભટ્ટ વર્ષ 1988માં ભારતીય પોલીસ સેવામાં આવ્યા અને તેમને ગુજરાત કૅડર મળી હતી.

જે બાદ તેમણે અનેક રાજ્યના અનેક જિલ્લામાં પોતાની ફરજ બજાવી હતી.

તેઓ ડિસેમ્બર 1999થી સપ્ટેમ્બર 2002 સુધી રાજ્યની જાસૂસી એજન્સીમાં તેઓ નાયબ કમિશનર તરીકે કાર્યરત હતા.

ગુજરાતની આંતરિક સુરક્ષાને લગતા મામલા તેમના હસ્તક હતા, જેમાં સીમા સુરક્ષા દળ અને દરિયાકાંઠાની સુરક્ષા સિવાય વીઆઈપીની સુરક્ષા પણ સામેલ હતી.

આ દાયરામાં મુખ્ય મંત્રીની સુરક્ષા પણ તેમના હસ્તક આવતી હતી.

સંજીવ ભટ્ટ નોડલ ઓફિસર પણ હતા, જેમાં કેટલીક કેન્દ્રીય એજન્સીઓ અને સેના સાથે પણ તેમને માહિતી આદાન-પ્રદાન કરવાની હતી.

જ્યારે વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણો થયાં ત્યારે સંજીવ ભટ્ટ આ પદ પર જ હતા.

2011માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા.

ભટ્ટે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) પર તેમને ભરોસો નથી.

તેમણે વડા પ્રધાન મોદી અને તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ઉપર રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને આક્ષેપો કર્યા હતા.

જોકે, આ આક્ષેપોને નરેન્દ્ર મોદી તરફથી નકારવામાં આવ્યા હતા.

2011માં તેમને વગર પરવાનગીએ નોકરીમાં સતત ગેરહાજર રહેવાને લઈને અને સરકારી ગાડીનો દુરુપયોગ કરવાને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને 2015માં નોકરીમાંતી કાઢી મુકવામાં આવ્યા.

સંજીવ ભટ્ટનું કહેવું હતું કે તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલા બાદ તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો