સંસદમાં 'વંદે માતરમ્' સામે મુસ્લિમ MPsને વાંધો કેમ પડ્યો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય સફિકુર રહેમાન બર્કે લોકસભામાં 'વંદે માતરમ્' ગીતને ઇસ્લામવિરોધી ગણાવતા મુસ્લિમો એનું અનુસરણ નહીં કરે એવી વાત કરી.

લોકસભાના સંસદસભ્ય તરીકે શપથ ગ્રહણ કરતી વખતે બર્કે કહ્યું, "જ્યાં સુધી 'વંદે માતરમ્'નો સંબંધ છે, તે ઇસ્લામવિરોધી છે એટલે અમે તેને અનુસરી શકીએ નહીં."

બર્કે વંદે માતરમ્ ગીતનો વિરોધ કર્યો હોય એવી આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ બર્ક સંસદમાં ગીતનો વિરોધ કરી ચૂક્યા છે.

આ પહેલાં વર્ષ 2013માં પણ તેઓ 'વંદે માતરમ્'ના ગાન વખતે સંસદગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.

એવા કેટલાય કિસ્સા છે કે વંદે માતરમ્ 'ઇસ્લામવિરોધી' ગણાવાયું હોય ત્યારે એ સવાલ થવો સહજ છે કે 'વંદે માતરમ્'થી ઇસ્લાને શો વાંધો છે?

મુસ્લિમોને વાંધો

ઑલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મુસ્લમીનના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસી કહી ચૂક્યા છે, "હું 'વંદે માતરમ્' વાંચવા નથી માગતો અને વાંચીશ પણ નહીં."

"તો શું કોઈ કાયદાકીય ગુનો કરી રહ્યો છું? શું ઇન્ડિયન પીનલ કોડ કે સીઆરપીસી (ક્રિમિનિલ પ્રોસિજર કોડ) અંતર્ગત મારા પર કોઈ ગુનો બની શકે છે? જો બની શકે તો હું એને પડકારું છું."

નોંધનીય છે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા કે ખુદા સિવાય કોઈની બંદગી કરવી હરામ છે.

વંદે માતરમ્ ગીતના ઇતિહાસ પર પુસ્તક લખનારા ઇતિહાસકાર સબ્યસાચી ભટ્ટાચાર્ય કહે છે:

"જ્યારે હિંદુ અને મુસ્લિમ સાંપ્રદાયિક તત્ત્વોની શક્તિ વધી, ત્યારે આ એક ગીતને રાષ્ટ્રીય ગીતમાંથી સાંપ્રદાયિક ગીતમાં રંગી દેવાયું."

સમાજશાસ્ત્રી ઇમ્તિયાઝ અહમદ જણાવે છે, "ઇસ્લામ એક એવો પોશાક છે કે જે સમયાનુસાર અલગઅલગ પ્રસંગે પહેરી શકાય છે."

"જ્યારે વંદે માતરમ્ કૉંગ્રેસ અધિવેશનમાં પહેલી વખત ગવાયું, કૉંગ્રેસના અધ્યક્ષ મુસલમાન હતા. સૌ 'વંદે માતરમ્'ને રાષ્ટ્રીય ગીતની માફક જ ગાતા હતા, જે રીતે ગાય છે."

'વંદે માતરમ્'નો ઇતિહાસ

રામકૃષ્ણ પરમહંસના સમકાલીન અને તેમની નજીકના મિત્ર રહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠની રચના કરી, જેમાં બાદમાં 'વંદે માતરમ્'નો સમાવેશ કરાયો.

આ ગીત તેમણે 1875માં લખ્યું હતું જે બંગાળી અને સંસ્કૃત ભાષામાં હતું. આ જ ગીત તેમણે બાદમાં પોતાની વિવાદાસ્પદ કૃતિ 'આનંદમઠ'માં જોડી દીધું.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આ માટે ધૂન તૈયાર કરી અને વંદે માતરમની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી.

જોતજોતાંમાં વંદે માતરમ્ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની ગયું.

એપ્રિલ 1894માં બંકિમચંદ્રનું નિધન થયું અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું તો નામ 'વંદે માતરમ્' રાખ્યું હતું.

લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.

જ્યારે સ્વતંત્ર ભારતનું નવું બંધારણ લખાઈ રહ્યું હતું ત્યારે ત્યારે વંદે માતરમ્ ન તો રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયું કે ન તો રાષ્ટ્રગીતનો દરજ્જો મેળવી શક્યું.

જોકે, બંધારણસભાના અધ્યક્ષ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 24 જાન્યુઆરીએ જાહેરાત કરી કે 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો અપાઈ રહ્યો છે.

બંકિમચંદ્રે 'વંદે માતરમ્' ગીતમાં ભારતને દુર્ગા સ્વરૂપ ગણતાં દેશવાસીઓને એ માતાનાં સંતાન ગણાવ્યાં હતાં.

તેમણે ભારતને એ માતા ગણાવ્યાં કે જે અંધકાર અને પીડાથી ઘેરાયેલાં છે. તેમણે સંતાનોને એવો આગ્રહ કર્યો કે તેઓ પોતાનાં માતાની વંદના કરે અને તેમને શોષણથી બચાવે.

'વંદે માતરમ્'ને ભારતને દુર્ગાનું પ્રતીક ગણવાને કારણે બાદનાં વર્ષોમાં મુસ્લિમ સમુદાય ગીતને લઈને અસહજ હોવાની વાતો કરાઈ.

આ ગીતના વિવાદને કારણે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 'વંદે માતરમ્...'ને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.

મુસ્લીમ લીગ અને મુસલમાનોએ 'વંદે માતરમ્'નો એવા માટે વિરોધ કર્યો હતો કે તેઓ દેશને ભગવાનનું સ્વરૂપ ગણી તેની પૂજા કરવાના વિરોધી હતા.

અહીં એ વાત પણ મહત્ત્વની બની રહે છે કે નહેરુએ ખુદ રવીન્દ્રનાથ ટાગોર પાસેથી 'વંદે માતરમ્'ને સ્વતંત્રતાના આંદોલનનો મંત્ર ગણાવાયો.

નહેરુએ રવીન્દ્રનાથ ટોગાર પાસેથી 'વંદે માતરમ્'ને સ્વતંત્રતા આંદોલનને મંત્ર બનાવવા માટે તેમનો મત માગ્યો હતો.

રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્રની કવિતા અને રાષ્ટ્રભક્તિના પ્રશંસક હતા અને તેમણે નહેરુને કહ્યું હતું કે 'વંદે માતરમ્'ના પ્રથમ બે છંદને જાહેરમાં ગાવામાં આવે.

'વંદે માતરમ્'નો વિરોધ

'વંદે માતરમ્' ગીત અંગેની વાતચીતમાં જાણીતા વિદ્વાન અબ્દુલ કાદરે બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં કહ્યુંઃ

"વંદે માતરમ્ બોલતાંબોલતાં આઝાદી આંદોલનમાં અનેક લોકો ફાંસીએ ચડી ગયા. આ ગીત આનંદમઠ કાદમ્બરીમાં સમાવિષ્ઠ કરવાનું હતું, પણ તેનો સંદર્ભ મુસ્લિમવિરોધી હતો, જેથી તેનો વિરોધ થયો."

"છેવટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં એક સમિતિનું ગઠન થયું. સમિતિએ સર્વસંમતિથી નિર્ણય કર્યો કે ગીતની પહેલી બે કડી વાપરવી. આ પ્રકરણ પર ત્યાં જ પડદો પડી ગયો."

"ભારતના આઝાદી આંદોલનમાં આ ગીતની મહત્ત્વની ભૂમિકા હતી એ ચોક્કસથી કહી શકાય."

'વંદે માતરમ્'નો વિરોધ કરવા પાછળ કોઈ ધાર્મિક સંબંધ નથી એવું મુસ્લિમ સત્યશોધક સમાજના અધ્યક્ષ શમસુદ્દીન તાંબોલીએ બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં જણાવ્યું.

તેમણે કહ્યું કે, " 'વંદે માતરમ્' ઇસ્લામવિરોધી છે. જો એવી વિભાવના આપવામાં આવે તો તે અયોગ્ય છે. આ વિરોધ અને ઇસ્લામને કોઈ જ સંબંધ નથી."

"ઊલટું, આપણે જે ભૂમિ પર રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, તેને સંનિષ્ઠ રહેવું એવો સંદર્ભ એમાંથી અભિપ્રેત થાય છે."

વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી આ અંગે વાત કરતા જણાવે છે, " આ ગીતની પહેલી બે કડી અંગે કોઈ વિરોધ નહોતો. આ અંગે યોગ્ય ચર્ચા બાદ આ બન્ને કડી સ્વીકારવામાં આવી હતી."

"એમાં જમીન અને માતૃભૂમિનું વર્ણન છે. માત્ર પછીની કડીમાં જ રાષ્ટ્રને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે બદલ વિરોધ કરવામાં આવ્યો હતો."

"પહેલી બે પંક્તિ અંગે કોઈ જ વિરોધ નથી કેટલાંય વર્ષો પહેલાં લોકોએ આ પંક્તિઓને સર્વસંમતિથી માન્ય રાખી હતી. આમ છતાં આ મુદ્દે વારંવાર ચર્ચા ઊભી થાય છે, જેનો સંબંધ રાજકારણ સાથે છે."

'મુસ્લિમવિરોધી ન કહી શકીએ'

'આનંદમઠ'ની કહાણી 1772માં પૂર્ણિયા, દાનાપુર અને તિરહુતમાં બ્રિટિશ અને સ્થાનિક મુસ્લિમ રાજા વિરુદ્ધ સંન્યાસીઓના વિદ્રોહની ઘટનાથી પ્રેરિત છે.

હિંદુ સંન્યાસીઓ સામે મુસલમાન શાસકોનો પરાજય 'આનંદમઠ'નો સાર હતો.

'આનંદમઠ'માં બંકિમચંદ્રે બંગાળના મુસ્લિમ રાજાઓની ઘણી ટીકા કરી હતી.

તેમાં તેમણે લખ્યું, "અમે અમારો ધર્મ, જાતિ, સન્માન અને પરિવારનું નામ ગુમાવી દીધું છે. હવે અમે અમારું જીવન ગુમાવી દઈશું."

"જ્યાં સુધી તેમને ભગાડીશું નહીં, ત્યાં સુધી હિંદુઓ તેમના ધર્મની રક્ષા કેવી રીતે કરશે?"

ઇતિહાસકાર તનિકા સરકારે કહ્યું,"બંકિમચંદ્ર એ વાતને માનતા હતા કે ભારતમાં અંગ્રેજો આવ્યા તે પૂર્વે બંગાળની દુર્દશા મુસ્લિમ રાજાઓના કારણે થઈ હતી."

'બાંગ્લા ઇતિહાસેર સંબંધે એકટી કોથા'માં બંકિમચંદ્રે લખ્યું,"મુગલોના વિજય બાદ બંગાળનો ખજાનો બંગાળમાં ન રાખી દિલ્હી લઈ જવાયો."

પરંતુ પ્રતિષ્ઠિત ઇતિહાસકાર કે. એન. પણિક્કર અનુસાર,"બંકિમચંદ્રના સાહિત્યમાં મુસ્લિમશાસકો વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓના આધારે એવું ન કહી શકાય કે બંકિમ મુસ્લિમવિરોધી હતા. આનંદમઠ એક સાહિત્યકૃતિ છે."

"બંકિમચંદ્ર બ્રિટિશ સરકારમાં એક કર્મચારી હતા અને 'આનંદમઠ'માં અંગ્રેજો વિરુદ્ધમાં લખાયેલો ભાગ કાઢી નાખવા તેમના પર દબાણ હતું."

"19મી સદીના અંતમાં લખાયેલી આ રચનાને એ સમયના વર્તમાન સંજોગોના સંદર્ભમાં વાંચવી અને સમજવી જરૂરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો