You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંકિમચંદ્રના 'વંદે માતરમ' ગીત સામે જવાહરલાલ નહેરુને શો વાંધો હતો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમનાં લખાણથી માત્ર બંગાળી સમાજને જ નહીં પણ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો.
બંકિમચંદ્ર એક વિદ્વાન લેખક હતા અને ઘણા ઓછા લોકોને જાણ હશે કે તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ બંગાળી ભાષામાં નહોતી.
તેમની પહેલી કૃતિ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઈ હતી અને તેનું નામ 'રાજમોહન્સ વાઇફ' હતું.
બંકિમચંદ્રનો જન્મ 1838માં એક પરંપરાગત સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો.
તેમની પ્રથમ પ્રકાશિત બંગાળી કૃતિ 'દુર્ગેશનંદિની' હતી. જે માર્ચ 1865માં પ્રકાશિત થઈ હતી.
આ નવલકથા હતી પછી તેમને લાગ્યું કે તેમની અસલ પ્રતિભા કાવ્યલેખનમાં છે. જેથી તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું.
ઘણી મહત્ત્વપૂર્ણ સાહિત્ય કૃતિઓની રચના કરનારા બંકિમચંદ્રએ હુગલી કૉલેજ અને પ્રૅસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.
'દુર્ગેશનંદિની'નું પ્રકાશન
બ્રિટિશ સામ્રાજ્ય સામે દેશમાં પ્રથમવાર સંગઠિત વિદ્રોહ થયો ત્યારે એ જ વર્ષમાં તેઓ સ્નાતક થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1857માં તેમણે બી.એ. પાસ કર્યું અને 1869માં કાયદાની ડિગ્રી મેળવી.
બંકિમચંદ્ર માત્ર એક સાહિત્યકાર જ નહીં, એક સરકારી અધિકારી પણ હતા.
તેમણે તેમના અધિકારી પિતાની જેમ ઉચ્ચસરકારી પદો પર પણ નોકરી કરી હતી અને 1891માં નિવૃત્ત થયા હતા.
માત્ર 11ની વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું, થોડાં વર્ષોમાં જ તેમનાં પત્નીનું નિધન થયું.
તેમણે રાજલક્ષ્મી દેવી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ પુત્રીઓ હતી.
વર્ષ 1865માં 'દુર્ગેશનંદિની' પ્રકાશિત થઈ પણ તેની કોઈ ખાસ ચર્ચા ન થઈ.
પરંતુ એક જ વર્ષમાં 1866માં તેમણે 'કપાલકુંડલા' નવલકથાની રચના કરી જે ખૂબ લોકપ્રિય બની.
તેમણે સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રોમૅન્ટિક સાહિત્ય લખનારી વ્યક્તિના જીવનમાં આ સૌથી મહત્ત્વનો વળાંક હતો.
રાષ્ટ્રવાદનું પ્રતીક
રામકૃષ્ણ પરમહંસના સમકાલીન અને તેમની નજીકના મિત્ર રહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠની રચના કરી જેમાં બાદમાં 'વંદે માતરમ'નો સમાવેશ કરાયો.
જોતજોતામાં વંદે માતરમ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની ગયું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આ માટે ધૂન તૈયાર કરી અને વંદે માતરમની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી.
એપ્રિલ 1894માં બંકિમચંદ્રનું નિધન થયું અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તો તેનું નામ 'વંદે માતરમ' રાખ્યું હતું.
લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા આ રાષ્ટ્રવાદી સાહિત્યકાર એક વિનોદી વ્યક્તિ તરીકે પણ ઓળખાતા હતા.
તેમણે હાસ્ય-વ્યંગથી ભરપૂર 'કમલાકાંતેર દફ્તર' જેવી રચનાઓ પણ લખી છે.
'વંદે માતરમ' સાથે જોડાયેલાં કેટલાંક પરિબળ
બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 24 જાન્યુઆરી 1950ના રોજ ઘોષણા કરી કે 'વંદે માતરમને રાષ્ટ્રીયગીતનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે.'
વંદે માતરમનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. બંકિમચંદ્રએ વંદે માતરમની રચના 1870ના દાયકામાં કરી હતી.
તેમણે ભારતને દુર્ગાનું સ્વરૂપ માનીને દેશવાસીઓને તેમના સંતાન ગણાવ્યાં હતાં.
તેમણે ભારતને માતા ગણાવ્યાં, જે અંધકાર અને પીડાથી ઘેરાયેલાં છે.
બાળકોને બંકિમચંદ્ર આગ્રહ કરતા હતા કે તેઓ તેમનાં માતાની વંદના કરે અને તેમને શોષણથી બચાવે.
ભારતમાતાને દુર્ગાનું પ્રતીક ગણવાને કારણે મુસ્લિમ લીગ અને મુસ્લિમ સમુદાયનો એક વર્ગ ગીતને શંકાની નજરે જોવા લાગ્યો.
નહેરુએ વંદે માતરમનો વિરોધ કર્યો?
આ જ કારણસર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ વંદે માતરમને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.
મુસ્લિમ લીગ અને મુસલમાનોએ વંદે માતરમ એવા માટે વિરોધ કર્યો હતો કે તેઓ દેશને ભગવાનનું રૂપ ગણી તેની પૂજા ન કરી શકે.
નહેરુએ વંદે માતરમને સ્વતંત્રતા આંદોલનનો મંત્ર બનાવવા માટે સ્વંય રવીન્દ્રનાથ ટાગોર પાસે સલાહ લીધી હતી.
રવીન્દ્રનાથ બંકિમચંદ્રની કવિતાઓ અને રાષ્ટ્રભક્તિના પ્રશંસક હતા. તેમણે નહેરુને કહ્યું કે વંદે માતરમના પ્રથમ બે છંદ જ જાહેરમાં ગાવા જોઈએ.
જોકે, બંકિમચંદ્રની રાષ્ટ્રભક્તિ પર કોઈને શંકા નહોતી.
સવાલ એ હતો કે જ્યારે તેમણે 'આનંદમઠ' લખ્યું તેમાં તેમણે બંગાળના મુસ્લિમ રાજાઓ અને મુસલમાનો પર એવી ટિપ્પણીઓ કરી હતી જેમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ પેદા થયો હતો.
વંદે માતરમને એક કવિતા તરીકે લખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તે પ્રકાશિત થયેલી 'આનંદમઠ' નવલકથાનો ભાગ બની ગયું હતું.
'મુસ્લિમ વિરોધી ન કહી શકીએ'
'આનંદમઠ'ની કહાણી 1772માં પૂર્ણિયા, દાનાપુર અને તિરહુતમાં બ્રિટિશ અને સ્થાનિક મુસ્લિમ રાજા વિરુદ્ધ સંન્યાસીઓના વિદ્રોહની ઘટનાથી પ્રેરિત છે.
હિંદુ સંન્યાસીઓ સામે મુસલમાન શાસકોનો પરાજય 'આનંદમઠ'નો સાર હતો. 'આનંદમઠ'માં બંકિમચંદ્રે બંગાળના મુસ્લિમ રાજાઓની ઘણી ટીકા કરી હતી.
તેમાં તેમણે લખ્યું, "અમે અમારો ધર્મ, જાતિ, સન્માન અને પરિવારનું નામ ગુમાવી દીધું છે. હવે અમે અમારું જીવન ગુમાવી દઈશું."
"જ્યાં સુધી તેમને ભગાડીશું નહીં ત્યાં સુધી હિંદુઓ તેમના ધર્મની રક્ષા કેવી રીતે કરશે?"
ઇતિહાસકાર તનિકા સરકારે કહ્યું,"બંકિમ ચંદ્ર એ વાતને માનતા હતા કે ભારતમાં અંગ્રેજો આવ્યા તે પૂર્વે બંગાળની દુર્દશા મુસ્લિમ રાજાઓના કારણે થઈ હતી."
'બાંગ્લા ઇતિહાસેર સંબંધે એકટી કોથા'માં બંકિમચંદ્રે લખ્યું,"મુઘલોના વિજય બાદ બંગાળનો ખજાનો બંગાળમાં ન રાખી દિલ્હી લઈ જવાયો."
પરંતુ પ્રતિષ્ઠિત ઇતિહાસકાર કે. એન. પણિક્કર અનુસાર,"બંકિમચંદ્રના સાહિત્યમાં મુસ્લિમ શાસકો વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓના આધારે એવું ન કહી શકાય કે બંકિમ મુસ્લિમ વિરોધી હતા. આનંદમઠ એક સાહિત્યકૃતિ છે."
"બંકિમચંદ્ર બ્રિટિશ સરકારમાં એક કર્મચારી હતા અને 'આનંદમઠ'માં અંગ્રેજો વિરુદ્ધમાં લખાયેલો ભાગ કાઢી નાખવા તેમના પર દબાણ હતું."
"19મી સદીના અંતમાં લખાયેલી આ રચનાને એ સમયના વર્તમાન સંજોગોના સંદર્ભમાં વાંચવી અને સમજવી જરૂરી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો