LGBT: બાયસેક્સ્યુઅલ છોકરીઓની મુશ્કેલી કેમ વધી જાય છે?

    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

આઇસલૅન્ડનાં જાણીતાં પૉપગાયિકા બિયર્કે એક વાર કહ્યું હતું, "મને લાગે છે કે પુરુષ અને મહિલામાંથી કોઈ એકની પસંદગી કરવી એ કેક અને આઇસક્રીમમાંથી કોઈ એકને પસંદ કરવા જેવું છે. તેના અલગઅલગ પ્રકારના ફ્લેવર ઉપલબ્ધ હોવા છતાં બધાને ટ્રાય ન કરવું એ મૂર્ખામી હશે."

બિયર્કે જે કહ્યું એ કેટલાક લોકો માટે થોડું 'અર્થહીન' હોઈ શકે છે, પરંતુ અહીં તેમનો ઇશારો 'બાયસેક્સ્યુઆલિટી' તરફ હતો.

જે લોકો પુરુષ અને મહિલા બંને સાથે યૌનઆકર્ષણ અનુભવે છે તેમને બાયસેક્સ્યુઅલ કહેવાય છે.

જ્યારે આપણે એલજીબીટીક્યુઆઈ સમુદાયની વાત કરીએ ત્યારે તેમાં સામેલ 'બી'નો અર્થ બાયસેક્સ્યુઅલ થાય છે.

એક છોકરીનું બાયસેક્સ્યુઅલ હોવું

દિલ્હીમાં રહેતાં 26 વર્ષીય ગરિમા પણ પોતાને બાયસેક્સ્યુઅલ માને છે. તેઓ છોકરીઓ અને છોકરાઓ બંનેમાં સરખું યૌનઆકર્ષણ અનુભવે છે અને બંનેને ડેટ કરી ચૂક્યાં છે.

ગરિમા કહે છે, "જ્યારે મેં પહેલી વાર એક છોકરીને કિસ કરી ત્યારે મને એ ક્ષણ એટલી ખૂબસૂરત લાગી કે પહેલી વાર કોઈ છોકરાને કિસ કરતા લાગી હતી. મને લાગ્યું કે આ આટલું સહજ છે તો લોકો તેને અકુદરતી કેમ કહે છે!"

ગરિમાએ પોતે તો બહુ સરળતા અને નીડરતાથી સ્વીકારી કરી લીધો હતો, પરંતુ આ અન્યને સમજાવવામાં તેમના માટે એટલું જ મુશ્કેલ હતું.

તેઓ કહે છે, "આપણા સમાજમાં છોકરીઓને પોતાની સેક્સ્યુઆલિટી જાહેર કરવી ઘણી મુશ્કેલ હોય છે. તમારી પાસે એવા વર્તનની અપેક્ષા રખાય છે, જેમ કે તમારામાં યૌનઇચ્છાઓ નથી. એવામાં તમારી છોકરા અને છોકરી બંનેને પસંદ કરવાની વાત તો લોકો બિલકુલ સ્વીકાર કરી શકતા નથી."

ગરિમાને છોકરીઓ કિશોરાવસ્થાથી જ સારી લાગતી હતી, પરંતુ તેઓ આ અંગે વધુ વિચારી શક્યાં નહોતાં.

તેઓ કહે છે, "આપણી આસપાસના માહોલમાં કોઈ તરફ સેક્સ્યુઆલિટીનો ન તો ઉલ્લેખ થાય છે અને ન કોઈ ચિત્રણ. ફિલ્મો અને કહાણીઓથી લઈને જાહેરાતો સુધી, દરેક જગ્યાએ માત્ર એક મહિલા અને પુરુષને સાથે જ દેખાડવામાં આવે છે. આથી આપણે એ માની લઈએ છીએ કે એ જ સાચું છે અને નૉર્મલ છે."

કૉલેજના પહેલા વર્ષમાં આવતાંઆવતાં ગરિમા એલજીબીટીક્યુ સમુદાય અંગે ઘણુંબધું વાંચી ચૂક્યાં હતાં.

તેઓને એ પણ ખબર પડી ગઈ હતી કે છોકરાઓ અને છોકરીઓ બંનેથી આકર્ષિત થવું નૉર્મલ છે. દરમિયાન પોતાના પહેલા બૉયફ્રેન્ડથી બ્રૅકઅપ થયા બાદ તેઓએ એક છોકરીને ડેટ કરવાનું શરૂ કર્યું અને ત્યારે તેઓ પોતાની સેક્સ્યુઆલિટીને સ્વીકાર કરી શક્યાં.

જોકે ગરિમા ફરી કહે છે કે એક સંકુચિત સમાજમાં કોઈ છોકરીએ બાયસેક્સ્યુઅલ ઓળખ સાથે જીવવું સરળ નથી.

બહારની દુનિયા તો ઠીક, એલજીબીટી સમુદાયમાં બાયસેક્સ્યુઅલ લોકોને લઈને અનેક શંકાઓ અને ખોડી અવધારણાઓ છે.

આથી તેઓને સમુદાયમાં ઘણા પ્રકારના ભેદભાવનો શિકાર થવું પડે છે.

વફાદારી અને ચરિત્ર પર સવાલ

ગરિમા કહે છે કે એલજીબીટી સમુદાયના ઘણા લોકોને પણ એવું લાગે છે કે બાયસેક્સ્યુઅલ લોકો સંબંધોમાં વફાદારી નથી હોતા. લોકો માને છે કે બાયસેક્સ્યુઅલ લોકોને પુરુષો અને મહિલાઓ બંનેથી આકર્ષણ થાય છે, આથી તેઓ પોતાની સુવિધા પ્રમાણે સંબંધો નક્કી કરે છે.

તેઓએ જણાવ્યું, "સામાન્ય રીતે લેસ્બિયન છોકરી કોઈ બાયસેક્સ્યુઅલ છોકરી સાથે સંબંધ બાંધવા માગતી નથી. તેને લાગે છે કે બાયસેક્સ્યુઅલ છોકરી તેને ડેટ જરૂર કરશે, પરંતુ જ્યારે લગ્ન કે જિંદગીભર સાથ નિભાવવાની વાત આવશે ત્યારે તે પોતાની સુવિધા અને સમાજના રિવાજો પ્રમાણે કોઈ છોકરાનો હાથ પકડશે. એવું જ કંઈક બાયસેક્સ્યુઅલ છોકરાઓ વિશે પણ વિચારવામાં આવે છે.

એટલું જ નહીં, બાયસેક્સ્યુઅલ લોકોને ઘણી વાર 'લાલચુ' અને એવી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે જે સંબંધોમાં કમિટમેન્ટ આપવા માગતી નથી, કોઈ એક જગ્યાએ ટકવા માગતી નથી, પણ ડેટ બધાને કરવા માગે છે.

ગરિમા કહે છે, "અમને એ પણ કહેવાય છે કે અમે પોતાની સેક્સ્યુઆલિટીને લઈને ભ્રમિત છીએ અને એ માત્ર એક દોર છે જે વીતી જશે. અમે જેવાં છીએ, એવાં સ્વીકારવામાં આવતાં નથી, પણ હંમેશાં એક શંકાની નજરે જોવામાં આવે છે."

બાયસેક્સ્યુઅલ છોકરીઓને પુરુષવર્ગમાં ઘણી વાર માત્ર સેક્સ્યુઅલ ફેન્ટસી સાથે જોડીને જોવામાં આવે છે.

ગરિમા કહે છે, "હું મારી સેક્સ્યુઆલિટી અંગે ખૂલીને વાત કરું છું અને કોઈ કારણસર લોકો મારા વિશે અનેક ધારણાઓ બાંધી લે છે. છોકરાઓ મને સોશિયલ મીડિયામાં ખરાબ મૅસેજ મોકલે છે. કદાચ તેમને લાગે છે કે બાયસેક્સ્યુઅલ છોકરી કોઈની પણ સાથે સૂવા માટે તૈયાર થઈ જશે. તેઓ સહમતી અને પસંદ-નાપસંદ અંગે કશું વિચારતા નથી."

બાયસેક્સ્યુઆલિટીને નજરઅંદાજ કરવી

ફિલ્મમેકર અને એલજીબીટી રાઇટ્સ ઍક્ટિવિસ્ટ સોનલ જ્ઞાની (32 વર્ષ)નું માનવું છે કે એલજીબીટી સમુદાયમાં લોકો પર કોઈને કોઈ રીતે દબાણ હોય છે અથવા તો તેઓ પોતાને ગે માને કે લેસ્બિયન.

સોનલ કહે છે બાયસેક્સ્યુઆલિટી અંગે વાત કરતાં લોકો બહુ સહજ હોતા નથી. આથી ઘણી વાર બાયસેક્સ્યુઅલ લોકો દબાણને કારણે પોતાને ગે કે લેસ્બિયન ગણાવે છે.

સમુદાયમાં બાયસેક્સ્યુઆલિટીને જાણીજોઈને નજરઅંદાજ કરવાને જેન્ડર સ્ટડીની ભાષાને બાયસેક્સ્યુલ ઇરેઝર (Bisexual erasure) કહે છે.

પોતાને બાયસેક્સ્યુલ માનનારાં સોનલ કહે છે કે એલજીબીટી સમુદાયના લોકો પણ આ સમાજનો ભાગ છે અને તેઓ પણ ભેદભાવની ભાવનાથી મુક્ત નથી.

તેઓ કહે છે, "મીડિયા અને પૉપ્યુલર કલ્ચરમાં બાયસેક્સ્યુઆલિટીને નજીવી જગ્યા મળે છે. સમલૈગિંકતાના મુદ્દે હવે ધીરેધીરે ફિલ્મો અને વેબસિરીઝ બનવા લાગી છે, પરંતુ બાયસેક્સ્યુઆલિટી ચર્ચાથી ઘણી દૂર છે."

સોનલ પોતાનો અનુભવ યાદ કરતાં કહે છે કે કેવી રીતે ઘણી વાર તેમને પોતાના મહિલા પાર્ટનર સાથે જોઈને લેસ્બિયન ગણાવી દીધાં હતાં. જોકે તેઓ જાહેરમાં પોતાને બાયસેક્સ્યુઅલ ગણાવે છે.

તેઓ કહે છે, "ઘણી વાર અખબારો અને ચેનલોને મને લેસ્બિયન ગણાવી. જોકે મેં તેમને વારંવાર કહ્યું કે હું બાયસેક્સ્યુઅલ છું. જો હું કોઈ પુરુષ સાથે જોવા મળીશ તો તેઓ મને સ્ટ્રેટ સમજશે અને મહિલા સાથે જોવા મળીશ તો મને લેસ્બિયન કહેશે. મારી બાયસેક્સ્યુઆલિટીને ક્યાં ને ક્યાં નજરઅંદાજ કરી દેવામાં આવે છે."

બાયસેક્સ્યુલ એટલે પૉર્ન અને ફેન્ટસી નહીં

સોનલનું માનવું છે કે કોઈ છોકરી માટે પોતાની બાયસેક્સ્યુઅલ ઓળખને સાર્વજનિક રીતે સ્વીકાર કરવી એ બહુ સાહસનું પગલું હોય છે.

તેઓ કહે છે, "ઘણી વાર લોકો બાયસેક્સ્યુઅલ છોકરીઓને પૉર્ન સાથે જોડીને જુએ છે અને તેમના ચરિત્ર પર સવાલ કરે છે. આથી છોકરીઓની સુરક્ષાનો સવાલ પણ બની જાય છે. એટલા માટે બાયસેક્સ્યુઅલ છોકરીઓ હવે ખૂલીને સામે આવી શકતી નથી."

યુવા ક્વિયર ઍક્ટિવિસ્ટ ધર્મેશ ચૌબે વધુ એક મહત્ત્વની વાત પર ધ્યાન દોરે છે.

તેઓ માને છે કે સમાજ બહુ ચતુરાઈથી બાયસેક્સ્યુલઅ પુરુષો અને મહિલાઓની યૌનિકતાને પોતાની સુવિધા પ્રમાણે અને અલગઅલગ દલીલો આપીને ફગાવવાની કોશિશ કરે છે.

ધર્મેશ કહે છે, "બાયસેક્સ્યુઅલ છોકરીઓ વિશે એ માનવામાં આવે છે કે તેઓ સ્ટ્રેટ જ છે, બસ થોડું 'સેક્સ્યુઅલ ઍડવેન્ચર' કરી રહી છે. તો બાયસેક્સ્યુઅલ પુરુષો વિશે માનવામાં આવે છે કે તેઓ ગે છે, પરંતુ પોતાની સમલૈગિંકતાને છુપાવવા માટે બાયસેક્સ્યુઅલ હોવાનું બહાનું કરે છે. તેને મતલબ કે પિતૃસત્તાક સમાજમાં મહિલાઓની યૌનઇચ્છાઓને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી. એટલે કે તેમની પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પુરુષોની ઇચ્છાઓનું ધ્યાન રાખે."

'અમે જેવાં છીએ એવાં જ સ્વીકારો'

આટલી મુશ્કેલીઓ છતાં ભારતમાં બાયસેક્સ્યુઅલ છોકરીઓ ધીમેધીમે પણ ખૂલીને બહાર આવવા લાગી છે.

ખાસ કરીને આ જૂન મહિના (પ્રાઇડ મંથ)માં ઘણી છોકરીઓએ સોશિયલ મીડિયામાં સંકોચ વિના પોતાની સેક્સ્યુઆલિટીને કબૂલી છે.

જૂન મહિનાને એલજીબીટી સમુદાય 'પ્રાઇડ મંથ' તરીકે ઊજવે છે. આ દરમિયાન તેઓ પોતાના સંઘર્ષો, ઇચ્છાઓ અને ઉપલબ્ધીઓ અંગે વાત કરે છે.

આ જ કારણે આ સમયે યુવા બાયસેક્સ્યુઅલ છોકરીઓ ઘણા સામાજિક બંધનોને તોડતી જોવા મળે છે. તેમની માગ છે કે તેમની બાયસેક્સ્યુઆલિટીનો સ્વીકાર કરાય, તેઓ જેવાં છે, એવાં જ તેમને સ્વીકારવામાં આવે.

સપ્ટેમ્બર 2018માં જ્યારે ભારતીય સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને અપરાધ ઠેરવતી આઈપીસીની કલમ 377ને નાબૂદ કરી ત્યારે સીજેઆઈ જસ્ટિસ દીપક મિશ્રાએ કોર્ટનો નિર્ણય વાંચતાં જર્મન લેખક યોહન વૉફગૈંગને યાદ કર્યા હતા.

જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું- હું જે છું તે છું, મને એ રીતે જ લેવાવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો