You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોરોના વાઇરસને કારણે વધુ પ્રમાણમાં મહિલાઓનાં મૃત્યુ થાય છે?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોનાં મૃત્યુ વધુ પ્રમાણમાં થઈ રહ્યાં છે.
અમેરિકા, ઇટાલી અને ચીનમાં પુરુષોને મહિલાઓની સરખામણીમાં વધુ પ્રમાણમાં ચેપ લાગ્યો અને તેમના મૃત્યુની સંખ્યા મહિલાઓ કરતાં વધુ રહી.
જૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ ખાતે વાઇરલ સંક્રમણની મહિલાઓ તથા પુરુષો ઉપર અસર વિષય પર સંશોધન કરનારાં વૈજ્ઞાનિક સાબરા ક્લિનનાં કહેવા પ્રમાણે :
"કોરોના વાઇરસને કારણે વૃદ્ધો ઉપર જેટલું જોખમ તોળાઈ રહ્યું છે, તેટલો જ ભય પુરુષો ઉપર પણ છે."
ભારતમાં અલગ સ્થિતિ
ભારતીય અને અમેરિકન વિજ્ઞાનીઓના શોધના તારણ મુજબ, પુરુષોમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, તેમ છતાં કોરોના વાઇરસને કારણે મૃત્યુનું જોખમ મહિલાઓ ઉપર વધુ છે.
તા. 20મી મે સુધીનાં આંકડાનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે નોંધાયેલા કેસની સાપેક્ષે મહિલાઓમાં મૃત્યુદર 3.3 ટકા છે, જ્યારે પુરુષોમાં આ ટકાવારી 2.9 ટકાની છે.
જે સમયે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો, તે સમયે ભારતમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા એક લાખ 10 હજાર હતી તથા ત્રણ હજાર 433 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સરેરાશ 3.01 ટકા મૃત્યુ થઈ રહ્યાં હતાં.
આ ગાળામાં 40થી 49 વર્ષની ઉંમરની મહિલાઓમાં મૃત્યુદર 3.2 ટકા હતો, જ્યારે આ વયજૂથના પુરુષોમાં મૃત્યુનું પ્રમાણ 2.1 ટકા હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એક નોંધપાત્ર તારણ એ હતું કે પાંચથી 14 વર્ષના વયજૂથમાં માત્ર મહિલાઓનાં જ મૃત્યુ થયાં હતાં.
આ અભ્યાસ સાથે સંકળાયેલા હાર્વર્ડ યુનિવર્સિટીમાં વસતિ આરોગ્યના પ્રાધ્યાપક એસ. વી. સુબ્રમણ્યમને આની પાછળનું કારણ પૂછ્યું.
તેમણે મને જણાવ્યું કે લિંગ આધારિત કોવિડ-19 મૃત્યુપ્રમાણને માપવા માટે મૉર્ટાલિટી રિસ્ક અને મૉર્ટાલિટી બર્ડન એમ બે પરિમાણને ધ્યાને લેવામાં આવ્યા હતા.
મૉર્ટાલિટી રિસ્ક એ જૂથવિશેષમાં મૃત્યુની સંભાવનાનું આકલન કરે છે. આ અભ્યાસમાં કુલ સંક્રમિત મહિલાઓની સંખ્યાને મૃત્યુ પામનારી મહિલાઓની સંખ્યાથી વિભાજિત કરીને દર્શાવાય છે.
બીજું છે મૉર્ટાલિટી બર્ડન, જેમાં કુલ મૃત્યુ (સ્ત્રી અને પુરુષના)માંથી મહિલાઓનાં મૃત્યુની ટકાવારી કાઢવામાં આવે છે.
પ્રોફેસર સુબ્રમણ્યમના કહેવા પ્રમાણે, "અમારા સંશોધનનું મુખ્ય તારણ એ છે કે સંક્રમિત મહિલાઓનાં જીવિત રહેવાની સંભાવના સાથે લિંગને કારણે કઈ વિશેષ લાભ નથી. આમાં જીવવિજ્ઞાન કે સામાજિક કારણોની ભૂમિકા વિશે કોઈ સ્પષ્ટતા નથી. ભારત જેવા દેશમાં જાતિએ મુખ્ય બાબત છે."
આ શોધ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે દુનિયાભરથી અહીં વિપરીત સ્થિતિ પ્રવર્તમાન છે.
જૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર કુનિહીરો માત્સુશિતા કહે છે, "હૃદયની બીમારી અને હાઇપર ટૅન્શનને કારણે પુરુષો મૃત્યુ પામે તેની આશંકા વધુ હોય છે."
અનેક દેશોમાં મહિલાઓની સરખામણીએ પુરુષો વધુ ધૂમ્રપાન કરે છે. અન્ય કેટલાક અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ પ્રમાણમાં હાથ ધુએ છે.
પ્રો. માત્સુશિતાના કહેવા પ્રમાણે, તેઓ જે અભ્યાસના ભાગરૂપ રહ્યા, તેમાં એવું તારણ નીકળ્યું હતું કે પુરુષોને કોવિડ-19નો ચેપ લાગે તેની શક્યતા વધુ હોય છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે મજબૂત પ્રતિરોધક ક્ષમતાથી ચેપને કારણે મહિલાઓમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે. મહિલાઓમાં એસ્ટ્રોજન નામના હૉર્મોન હોય છે, જે ચેપ સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.
પ્રો. માત્સુશિતાના કહેવા પ્રમાણે, "આ બધી માહિતીને આધારે ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઊંચો મૃત્યુદર નિઃશંકપણે અલગ ચિત્ર રજૂ કરે છે."
પ્રો. માત્સુશિતાના કહેવા પ્રમાણે, ભારતમાં કોવિડ-19ને ઓળખવાની પદ્ધતિને ધ્યાને લઈને રિસર્ચના ડેટાને જોવાની જરૂર છે. તેઓ કહે છે :
"પુરુષો અને મહિલાઓમાં પરીક્ષણનું પ્રમાણ સમાન હોય તો આ વિશે તપાસ થવી જોઇએ."
અન્ય જટિલ બાબતોની આશંકા
આ કોયડામાં વધુ કેટલાક આયામ હોય શકે છે. ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ જીવે છે. આ સિવાય દેશમાં વૃદ્ધ મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે.
શું આ કારણસર મહિલાઓમાં મૃત્યુદર વધારે છે? કારણ કે વૃદ્ધો ઉપર કોરોના વાઇરસનું જોખમ વધુ હોય છે.
અહીં એ બાબત પણ ધ્યાને લેવી ઘટે કે તબીબો પાસે દેખાડવા જવામાં મહિલાઓ ઢીલ કરે છે અને ઘણીવખત જાતે ઘરેલું ઉપચાર કરી લે છે. ઘરમાં મહિલાઓનાં આરોગ્યની ઉપેક્ષાની આશંકા વધુ હોય છે.
તો શું કોવિડ-19નો ઇલાજ કરાવવા માટે હૉસ્પિટલ જવામાં મહિલાઓ ઢીલ કરી રહી છે?
વર્ષ 1918માં ભારત ઉપર સ્પેનિશ ફ્લૂ નામની બીમારીએ કાળો કેર વર્તાવ્યો હતો ત્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓનાં વધુ મૃત્યુ થયાં હતાં.
ક્રિશ્ચન મેડિકલ કૉલેજ, વેલ્લુરના રિટાયર્ડ વાઇરૉલૉજિસ્ટ પ્રોફેસર ટી. જેકબ જોનના કહેવા પ્રમાણે, "આ ડેટાનું વધુ વિશ્લેષણ કરવાની જરૂર છે, જેથી શું થઈ રહ્યું છે, તેની માહિતી મળે."
પ્રોફેસર સુબ્રમણ્યમ પણ આ વાત સાથે હમત છે. તેઓ કહે છે કે આ અભ્યાસ ઉપર નજર રાખવી રહી, જેથી ભવિષ્યમાં જે પરિણામ મળે, તેને અપડેટ કરી શકાય.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો