You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સેના દિવસ : એ જનરલ જેમણે ભારતીય સેનાના મનમાંથી ચીનનો હાઉ કાઢી નાખ્યો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચીનને પણ હરાવી શકાય છે તેવો આત્મવિશ્વાસ ભારતની સેનાના જનરલ સગતસિંહને કારણે પેદા થયો. જેમના કારણે આજે 'નથુ લા' ભારત સાથે જોડાયેલું છે અને સિક્કિમ ભારતનું અંગ બન્યું છે.
અજય રહેલા જનરલ સગતસિંહે ગોવાને ભારતમાં ભેળવવામાં અને 1971માં બાંગ્લાદેશના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
સગતસિંહનો જન્મ બ્રિટિશ શાસન દરમિયાન બિકાનેર સ્ટેટના ચુરુમાં થયો હતો. અહીં તેમણે હાઈસ્કૂલ તથા કૉલેજનું શિક્ષણ મેળવ્યું. ભણતર અધૂરું મૂકીને તેઓ બિકાનેર સ્ટેટના વિખ્યાત ગંગા રિસાલા (રસાલો)માં જોડાયા.
1941માં ઇન્ડિયન સ્ટેટ ફૉર્સ કૅડેટ તરીકે ઇન્ડિયન મિલિટરી એકૅડમીમાંથી તાલીમ મેળવી સેકન્ડ લેફટનન્ટ તરીકે તેઓ બિકાનેર સ્ટેટની સેનામાં પરત ફર્યા. જનરલ વી. કે. સિંહ લખે છે કે ઇરાકમાં રાશિદ અલીના બળવાને ડામવા સગતસિંહની બિકાનેર સ્ટેટની ટૂકડીને મોકલવામાં આવી હતી.
આ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. અંગ્રેજો વતી તેઓ સીરિયા અને પેલેસ્ટાઇનમાં પણ લડ્યા. 1943માં હાયફા સ્ટાફ કૉલેજ ખાતે (હાલ ઇઝરાયલમાં)માં જુનિયર સ્ટાફ કોર્સ માટે મોકલવામાં આવ્યા.
જોકે, તેનું મહત્ત્વ ક્વેટા (હાલ પાકિસ્તાનમાં) કે કૅમ્બરલી જેટલું ન હતું. સગતના નસીબે વર્ષ 1943માં તેમને ક્વેટા ખાતે સ્ટાફ કોર્સ કરવાની તક મળી. અહીં તાલીમ લઈને તેઓ બિકાનેર સ્ટેટમાં જોડાવા માટે પરત ફર્યા.
આઝાદી બાદ તમામ રજવાડાંની સેનાને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવી. એ સમયે રજવાડાંના સૈન્યઅધિકારીઓની વરિષ્ઠતા ઓછી કરી દેવાઈ હતી. જોકે, કાબેલિયત અને બે-બે સ્ટાફ કોર્સ કરેલ હોવાથી સગતસિંહની વરિષ્ઠતાને 1941થી ગણવામાં આવી હતી.
આગળ જતાં તેમણે ભારતીય સેનાના અધિકારીઓનો ઇન્ડોર તથા આઉટડોર તાલીમ કાર્યક્રમ ઘડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ દરમિયાન તેમને બે બઢતી પણ મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑપરેશન ગોવા
જનરલ સગતસિંહની સૈન્યકારકિર્દીમાં મોટું પરિવર્તન સપ્ટેમ્બર-1961માં આવ્યું, તેમને બ્રિગેડિયર તરીકેનું પ્રમોશન આપીને આગ્રાસ્થિત 50 પૅરાશૂટ બ્રિગેડના કમાન્ડર બનાવવામાં આવ્યા, તે સમયે તેઓ પૅરાટ્રૂપર પણ ન હતા.
Leadership in the Indian Army: Biographies of Twelve Soldiers (2005)માં મેજર જનરલ વી. કે. સિંહ લખે છે : "જે સમયે તેમને પૅરાબ્રિગેડની કમાન સોંપવામાં આવી, તે સમયે તેઓ 40 વર્ષ કરતાં વધુ ઉંમરના હતા."
"એ સમયે પૅરાબ્રિગેડની કમાન કોઈ પૅરાટ્રુપરને જ આપવામાં આવતી હતી અને ઇન્ફૅન્ટ્રી અધિકારીને નહીં. બ્રિગેડિયર હોવા છતાં તેમણે પૅરા તરીકનું પ્રોબેશન પૂર્ણ કર્યું. પૅરાટ્રૂપરની ઓળખ તેની 'વિંગ્સ' (બાંય ઉપર લગાડવામાં આવતું બેજ) હોય છે."
"સગત જાણતા હતા કે જ્યાં સુધી તેઓ ખુદ 'વિંગ્સ' નહીં મેળવે, ત્યાં સુધી બ્રિગેડમાં તેમને સન્માન નહીં મળે. આથી તેમણે વહેલાસર પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરવા માટે દિવસમાં બે-બે પૅરા જમ્પ પણ કર્યાં."
1961માં ગોવા ઑપરેશન દરમિયાન જનરલ સગતસિંહની 50 પૅરા બ્રિગેડને સહાયક-ભૂમિકામાં મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે પોતાની જવાબદારી કરતાં વધુ કામ કર્યું અને જે ઝડપથી ગોવા ઉપર કબજો મેળવ્યો તેને જોઈને બધા ચોંકી ગયા.
જનરલ વી. કે. સિંહ તેમના પુસ્તકમાં લખે છે, "18મી ડિસેમ્બરે ઑપરેશન શરૂ થયું અને 19મી ડિસેમ્બરે જ તેમની ટૂકડી પણજીમ (ગોવાની રાજધાની) પાસે પહોંચી ગઈ, ત્યારે સગતે જ પોતાની બટાલિયનની આગેકૂચ અટકાવી."
"તેમને લાગતું હતું કે પણજીમમાં ભારે વસ્તી છે, જો અડધી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો ખુંવારી વધુ થશે."
"ગોવાની સરકારે પુલ વગેરે તોડી નાખ્યા હતા, એટલે આ જવાનોએ તરીને નદી પાર કરી. સ્થાનિકોએ તેમનું ભારે સમર્થન કર્યું. 36 કલાકમાં ટૂકડીએ સમગ્ર પણજીમ ઉપર કબજો કરી લીધો."
આ સાથે જ લગભગ સાડી ચાર સદીથી ગોવા ઉપર ચાલી રહેલા પૉર્ટુગિઝ શાસનનો અંત આવ્યો. કેન્દ્રશાસિત દીવ અને દમણ પણ ભારતમાં ભળ્યાં.
આગ્રાની હોટલમાં અનુભવ
જૂન-1962માં 50 પૅરા પોતાનું ગોવા અભિયાન સમાપ્ત કરીને આગ્રા પરત ફરી. તે સમયે આગ્રાની વિખ્યાત 'ક્લાર્ક્સ સિરાઝ' હોટલમાં એક રસપ્રદ ઘટના ઘટી.
જનરલ વી. કે. સિંહ તેમના પુસ્તકમાં લખે છે, "જનરલ સગત ત્યાં સિવિલ ડ્રેસમાં ગયા હતા. અમુક અમેરિકન ટુરિસ્ટ ધ્યાનથી સગતસિંહને જોઈ રહ્યા હતા. જનરલ સગતને આવી વર્તણૂકથી શંકા પડી."
"થોડા સમય પછી એ સમૂહમાંથી એક વ્યક્તિ ઊભી થઈ અને જનરલ સગત પાસે આવી અને પૂછ્યું, 'શું આપ બ્રિગેડિયર સગતસિંહ છો?' સગતસિંહે તેનો જવાબ હકારમાં આપ્યો."
"સાથે જ તેમણે વળતો સવાલ કર્યો, 'તમે કેમ પૂછી રહ્યા છો?' ટુરિસ્ટે કહ્યું કે ''અમે તાજેતરમાં જ પૉર્ટુગલથી પરત ફર્યા છીએ, જ્યાં ઠેરઠેર તમારા પોસ્ટર લાગેલા છે. આપની તસવીર સાથે લખેલું છે કે જે કોઈ તેને પકડી લાવશે, તેને 10 હજાર ડૉલરનું ઇનામ મળશે.' જનરલ સગતે કહ્યું કે આપ કહો તો હું તમારી સાથે આવવા તૈયાર છું. જેના જવાબમાં પર્યટકે હસતાં-હસતાં કહ્યું કે 'અમે પૉર્ટુગલ નથી જવાના.'
પાંચ વર્ષમાં બીજી સિદ્ધિ
1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારતનો હાથ ઉપર હતો. આથી, પાકિસ્તાનના જનરલ અયુબખાને ચીનનો પ્રવાસ ખેડ્યો.
જનરલ ખાને ભારત ઉપર દબાણ માટે પૂર્વનો મોરચો ખોલવા ચીનને વિનંતી કરી. ચીને ભારતને 'ઝેલેપ લા' તથા 'નથુ લા' ખાલી કરવા ચેતવણી આપી.
હેડકવાર્ટરે સૈન્યઅધિકારીઓને બંને ચોકી ખાલી કરી દેવા કહ્યું. 27 માઉન્ટેન ડિવિઝને 'ઝેલેપ લા' ખાલી કરી દીધું હતું, જેની ઉપર ચીનનો કબજો થઈ ગયો, પરંતુ મેજર જનરલ સગતસિંહના નિર્ધારને કારણે 'નાથુ લા' ભારત પાસે રહી જવા પામ્યું.
'નાથુ લા' સિક્કિમ તથા તિબેટને જોડે છે. ભારત અને ચીન વચ્ચે આ માર્ગે આર્થિક વેપાર થતો હતો. તિબેટિયન ભાષામાં 'નાથુ'નો મતલબ 'સાંભળનાર કાન' અને 'પાસ'નો અર્થ 'ઘાટ' એવો થાય છે.
1950માં ચીને તિબેટને પોતાને આધિન કરી લીધું, ત્યારબાદ ચીન વિરુદ્ધ અવાજ ઊઠવાનો શરૂ થયો.
1959માં તિબેટિયન શરણાર્થીઓ 'નાથુ લા'ના વેપારમાર્ગે જ ભારતમાં પ્રવેશ્યા હતા. 1962માં ભારત-ચીન યુદ્ધ બાદથી આ વેપારમાર્ગને બંધ કરી દેવાયો હતો.
બે વર્ષ ચાલ્યું ટ્રેલર
આગ્રા બાદ તેમને 17 માઉન્ટેન ડિવિઝનના જનરલ કમાન્ડિંગ ઑફિસર ઇન-કમાન્ડ બનાવવામાં આવ્યા, તેમનો હોદ્દો મેજર જનરલનો હતો. 1965માં પીછેહઠની છૂટ હોવા છતાં તેમણે સૈનિકોને નાથુ લા છોડવા ન દીધું, કારણ કે વ્યૂહાત્મક દૃષ્ટિએ આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે.
ચીન દ્વારા ભારતીય સૈનિકોનું મનોબળ તોડવા માટે સ્પીકર ઉપર હિંદીમાં ઓછો પગાર, ઓછી સવલતો તથા અધિકારીઓને મળતી સુવિધાઓની કૅસેટ લાઉડસ્પીકર ઉપર વગાડવામાં આવતી હતી. ભારતીય સૈનિકોનું મનોબળ તૂટે તે હેતુથી આમ કરવામાં આવતું.
જોકે મેજર જનરલ સગતસિંહે 'જેવા સાથે તેવા'ની વ્યૂહરચના અપનાવી અને ચાઇનિઝ ભાષામાં સંદેશા રૅકર્ડ કરાવીને ભારતની બાજુએ વગાડવાનું શરૂ કર્યું, આવું બે વર્ષ સુધી ચાલ્યું.
લેખક મેજર જનરલ વી. કે. સિંહ આગળ જતાં ભારતીય સેનાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. હાલમાં તેઓ ભાજપની ટિકિટ ઉપર ગાઝિયાબાદની બેઠક ઉપરથી સંસદસભ્ય છે. તેઓ બંને મોદી સરકારમાં પ્રધાન પણ બન્યા.
9/11 વાડ અને વાંધો
જનરલ વી. કે. સિંહ લખે છે, "મેજર જનરલ સગતસિંહે કૉર્પ્સ કમાન્ડર લેફટનન્ટ જનરલ જગજીત સિંહ અરોડાને (જગ્ગી અરોડા) કહ્યું કે ભારત અને ચીનની સરહદ ઉપર માર્કિંગ કરવું જોઈએ."
"હું સીમારેખા ઉપર ચાલીશ જો ચીન દ્વારા તેનો વિરોધ કરવામાં ન આવે, તો એવું માની લઈશું કે તે જ સીમા છે અને ત્યાં આપણે ફેન્સિંગનું કામ શરૂ દઈશું."
તા. 11મી સપ્ટેમ્બરે નિર્ધારિત યોજના મુજબ, 70 ફિલ્ડ કંપનીના એંજિનિયર તથા 18 રાજપૂતના જવાનોએ વાડ લગાવી શરૂ કરી, જ્યારે 2 ગ્રૅનેડિયર્સ તથા સેબુ લા ખાતેની ઑબ્ઝર્વેશન પોસ્ટને કોઈ પણ અપ્રિય ઘટના માટે સાવધ રહેવાનું કહેવામાં આવ્યું.
એક દિવસ અગાઉ ખુદ જનરલ સગતસિંહે વ્યક્તિગત રીતે દરેક ઑફિસરને તેમના કામની ફાળવણી કરી હતી.
2 ગ્રૅનેડિયર્સના કમાન્ડિંગ ઑફિસર લેફટનન્ટ કર્નલ રાયસિંહ પોતાની કમાન્ડો પ્લાટૂન સાથે ઊભા હતા, ત્યાં ચીનના રાજકીય કમિસાર પોતાના કેટલાક સૈનિકો સાથે પહોંચ્યા, અને કામ અટકાવી દેવા કહ્યું. રાયસિંહે કામ ન અટકાવવા સૂચના આપી.
એ સમયે મેજર અને 'ટાઇગર નથુ લા' તરીકે તહેનાત કર્નલ (રિટાયર્ડ) બિશનસિંહ કહે છે, "આથી તા. 11મી સપ્ટેમ્બરે સવારે પાંચ વાગ્યા આજુબાજુ એંજિનિયરિંગ ટીમની મદદથી વાડબંધીની કામગીરી શરૂ થઈ. આ મુદ્દે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે બોલાચાલી અને અથડામણ થઈ."
"અમુક કલાકની કામગીરી બાદ અચાનક જ ચીનના પક્ષેથી ગોળીબાર શરૂ થઈ ગયો, ભારતીય સૈનિકો ખુલ્લામાં હતા અને તેમની પાસે છૂપાવાની કોઈ જગ્યા ન હતી એટલે શરૂઆતના સમયમાં ભારતના પક્ષે મોટી ખુંવારી થઈ."
લૅફટનન્ટ કર્નલ રાય સિંહને બંકર (સૈનિકો માટેનું નિરીક્ષણ તથા છૂપાવવા માટેનું સ્થળ) બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી, છતાં તેઓ ખુલ્લામાં આવ્યા અને તેમને પણ ગોળી લાગી, આથી ગ્રૅનેડિયર્સની પલટનમાં આક્રોશ ભરાઈ ગયો.
'...તો ગોળી મારી દઈશ'
જનરલ સગતસિંહની સૈન્યગાથા લખનાર જનરલ રણધીરસિંહે એ દિવસના ઘટનાક્રમ વિશે લખ્યું છે :
'ઑપરેશનના દિવસે કંઈ પણ થઈ શકે તેવી આશંકાએ જનરલ સગતસિંહે બ્રિગેડિયર એમ.એમ.એસ. બક્ષી (મહાવીર ચક્ર)ને (કર્નલ રાયસિંહ તથા તેમની વચ્ચેના અધિકારી) નાથુ લા પાસના ઉપરના ભાગે મોકલ્યા હતા.'
સ્થિતિ ઉપર નજર રાખવા તેઓ બ્રિગેડ હેડક્વાર્ટર ખાતે શૅરથાંગ પહોંચી ગયા. તેમને તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી.
લેફટનન્ટ કર્નલ રાયસિંહને ગોળી વાગવાથી તથા ચાઇનિઝ તોપમારાને કારણે સૈનિકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. અમુક સૈનિકો મોરચો છોડી નાસવા લાગ્યા. ત્યારે 2 ગ્રૅનેડિયરના સુબેદાર મેજર સાથે જનરલ સગતસિંહ હાથમાં સ્ટૅનગન લઈને નાથુ લાથી આવતા રસ્તા ઉપર ઊભા રહી ગયા.
જનરલ સગતસિંહે ધમકી આપી કે જો કોઈ મોરચો છોડશે તો તેઓ ખુદ ગોળી મારી દેશે. બ્રિગેડિયર બક્ષી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ પિત્તો ગુમાવ્યો ન હતો. જેના કારણે સ્થિતિને સંભાળવામાં મદદ મળી.
તોપમારો શરૂ થયો
ચીન દ્વારા તોપમારો શરૂ કરવામાં આવ્યો, પરંતુ તેઓ નિશાન પર વાર ન કરી શક્યા. વહીવટી કારણોસર ભારતને તોપમારાની મંજૂરી મેળવવામાં વાર લાગી ગઈ.
A Talent for War: The Military Biography of Lt Gen Sagat Singhમાં મેજર જનરલ (રિટાયર્ડ) રણધીરસિંહ લખે છે :
"મેજર જનરલ સગતસિંહ, કૉર્પ કમાન્ડર (લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા, જગ્ગી અરોરા) પાસે તોપમારો કરવાની મંજૂરી આપવાની સત્તા ન હતી. પૂર્વ કમાનના વડા લેફટનન્ટ જનરલ સામ માણેકશા હતા."
"એ સમયે સેનાધ્યક્ષ વિદેશમાં હોવાથી તેઓ દિલ્હીમાં હતા, પરંતુ તેઓ તાત્કાલિક ઉપલબ્ધ ન હતા. આથી, મેજર જનરલ સગતસિંહે પોતે જ તોપમારાના આદેશ આપી દીધા."
ભારત ચુંબી ઘાટીમાં થતી તમામ હિલચાલને નિહાળી શકતું હતું. આથી ભારતીય તોપમારાની ધારી અસર થઈ. આ સામસામો તોપમારો આગામી ચાર દિવસ સુધી ચાલુ રહ્યો.
ભારતની તોપોએ યાંગતૂકથી આવતી ચીનની ટ્રકોને નિશાન બનાવી, બધું સ્પષ્ટ રીતે દેખાતું હોવાથી ભારતીય સેનાએ છોડેલા ગોળાનાં નિશાન વેધક નિવડ્યાં.
તોપમારાની મંજૂરી આપી દેવાઈ હોવાની માહિતી અંગે તત્કાલીન લેફટનન્ટ જનરલ સામ માણેકશાએ શાંત કલેજે ઉપસ્થિત લોકોને કહ્યું કે 'મને લાગે છે કે તેઓ 'પ્રિન્સ' વગર જ 'હેમલેટ' (શેક્સપિયરના વિખ્યાત નાટકનો સંદર્ભ) ભજવવા ચાહે છે, હું આપને જણાવું કે કેવી રીતે આ મુદ્દે ડિલ કરવા માગતો હતો.'
1967ની સિક્કિમ લડાઈ છ દિવસ સુધી ચાલી, જેમાં ભારતના 65 જવાન મૃત્યુ પામ્યા, જ્યારે 145 ઘાયલ થયા. સામે પક્ષે 300 જેટલા સૈનિકોની ખુવારી થઈ.
'ચાઇનિઝ સુપરમૅન ન હોવાનો અહેસાસ'
આ લડાઈથી ભારતીય વૈજ્ઞાનિકોને મનોવૈજ્ઞાનિક લાભ થયો. જનરલ વી. કે. સિંહના કહેવા પ્રમાણે, "1962 બાદ ભારતીય સૈનિકોના મનમાં ચીનીઓનો ભય પેસી ગયો હતો. તેમને લાગતું હતું કે ચાઇનિઝ સુપરમૅન છે અને તેમનો સામનો ન કરી શકાય."
"ભારતના જવાનોને લાગ્યું કે તેમને મારી શકાય અને માર્યા પણ. એક રક્ષાવિશેષજ્ઞે યોગ્ય જ કહ્યું છે કે 'પહેલી વખત ચીનને જડબાતોડ જવાબ મળ્યો.'"
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના ઍસોસિયેટ ઍડિટર સુશાંતસિંહે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું :
"1962 લડાઈમાં ચીનના 740 સૈનિક માર્યા ગયા હતા. આ લડાઈ એક મહિના સુધી ચાલી હતી અને લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી હતી. જો આપણે માનીએ કે 1967માં ત્રણ દિવસમાં ચીને તેના 300 સૈનિકોનું નુકસાન વેઠવું પડ્યું, જે બહુ મોટી સંખ્યા હતા."
"આ લડાઈ બાદ મહદંશે 1962નો ભય નીકળી ગયો. પહેલી વખત ભારતીય જવાનોને લાગ્યું કે ચાઇનિઝ પણ આપણા જેવા છે, તેમને મારી શકાય અને હરાવી પણ શકાય."
જનરલ વી. કે. સિંહ ઉમેરે છે, "સંઘર્ષવિરામ બાદ ચીને આરોપ મૂક્યો કે ભારતે તેની ઉપર હુમલો કર્યો છે. ભારતીય સૈનિકોના મૃતદેહ ચીની વિસ્તારમાંતી રિકવર થયા હતા, એટલે એક રીતે તેમની વાત ખરી પણ હતી."
15મી સપ્ટેમ્બરે ભારતીય સૈનિકોના મૃતદેહને રિસીવ કરવા ઇસ્ટર્ન કમાન્ડના વડા લેફટનન્ટ જનરલ સામ માણેકશા, લેફટન્ટ જનરલ જગજીતસિંહ અરોડા અને મેજર જનરલ સગતસિંહ હાજર હતા.
આગળ જતાં સગતસિંહ લેફટનન્ટ જનરલ બન્યા, અરોડા પૂર્વ કમાનના વડા બન્યા અને માણેકશા સેનાધ્યક્ષ. ચાર વર્ષ બાદ આ ત્રિપૂટી ફરી એકઠી થઈ. પરસ્પર મતભેદ હોવા છતાં બાંગ્લાદેશનું સર્જન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી, જેના કારણે જનરલ સામ માણેકશાના 'ફિલ્ડમાર્શલ'ની પદવી મળી.
આગળ જતાં સમગ્ર ઘટનાક્રમ ઉપર 'બૉર્ડર', 'એલ. ઓ. સી. કારગીલ' જેવી યુદ્ધ આધારિત ફિલ્મ બનાવનારા જે. પી. દત્તાએ 'પલટન' નામની ફિલ્મ બનાવીને તેમની યુદ્ધ-ત્રયી પૂર્ણ કરી.
ફિલ્મમાં જેકી શ્રોફે જનરલ સગતસિંહનો, અર્જુન રામપાલે કર્નલ રાયસિંહનો તથા સોનુ સૂદે મેજર બિશનસિંહનો રોલ કર્યો.
વાડબંધીનું કામ ઉચ્ચ સૈન્યઅધિકારીઓની મંજૂરીથી જ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેના કારણે જે ખુંવારી થઈ, તેનાથી સેનાના ઉચ્ચ અધિકારીઓ નારાજ થયા અને તેમની ઉપર સ્થિતિને વકરાવી દેવાનો આરોપ મૂક્યો.
ઘર્ષણના ત્રણ મહિનાની અંદર જ ડિસેમ્બર-1967માં મેજર જનરલ સગતસિંહની બદલી 101 કૉમ્યુનિકેશન ઝોન એરિયાના હેડક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી.
સ્વર્ણિમ ક્ષણ
જનરલ સગતસિંહની સૈન્યકારકિર્દીમાં સ્વર્ણિમ વળાંક નવેમ્બર-1970માં આવ્યો, તેમને લેફટનન્ટ જનરલ તરીકે બઢતી આપીને ચોથી કૉરની કમાન સોંપવામાં આવી, જેણે 1971માં બાંગ્લાદેશના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
ચીન સાથેના વર્તમાન સંઘર્ષ દરમિયાન પણ ચોથી કૉરને ઍક્ટિવેટ કરવામાં આવી છે.
જનરલ રણધીરસિંહના કહેવા પ્રમાણે, "જનરલ સગતસિંહ અગરતલા પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ત્યાં કોઈ માળખું જ ન હતું. બ્રૉડગેજ રેલવે લાઈન 1400 કિલોમીટર દૂર હતી. તેમણે માળખાકીય સુવિધા વિકસાવવાનું બીડું ઝડપ્યું."
"તેમણે મોટી સંખ્યામાં એંજિનિયર તહેનાત કર્યા. માર્ચ મહિનાથી જ પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં પોતાની જનતા વિરુદ્ધ જ દમન શરૂ કરી દીધું હતું. જેને કારણે મોટી સંખ્યામાં શરણાર્થી ત્રિપુરા પહોંચ્યા હતા, જે ભારતના સદનસિબ સાબિત થયા."
"આ શરણાર્થીઓની મદદથી એંનિયરોએ માળખું ઊભું કર્યું. અત્રે એ યાદ રાખવું ઘટે કે એક લાખ સૈનિક ત્યાં પહોંચવાના હતા, અને લગભગ 30 હજાર ટન સૈન્ય શસ્ત્ર-સરંજાબ પણ ત્યાં પહોંચાડવાનો હતો."
"5000 હજાર ગાડીઓ તથા 400 ખચ્ચરની જરૂર પડવાની હતી. ત્યાં સિંગલ લૅન રોડ હતો, જે એટલો નબળો હતો કે મીડિયમ રૅન્જની તોપ તેની ઉપરથી પસાર પણ ન થઈ શકે."
1971ના યુદ્ધના 'ફ્લાઇંગ જનરલ'
1971ના યુદ્ધ દરમિયાન જનરલ સગતસિંહને 'ફ્લાઇંગ જનરલ'ની ઉપમા આપવામાં આવી. તેમનો દિવસ સવારે છ વાગ્યાથી શરૂ થઈ જતો. તેમના એ.ડી.સી. (ઍડ-દ-કૅમ્પ, અંગત સચિવ જેવી કામગીરી કરનાર અધિકારી) લેફટનન્ટ જનરલ રણધીરસિંહના કહેવા પ્રમાણે :
"અગરતલા હૅન્ડિક્રાફ્ટ ઍમ્પૉરિયમે તેમને એક પિકનિક બાસ્કેટ આપ્યું હતું. તેમાં કૉલ્ડ કૉફી અને સૅન્ડવિચ સાથે હું તેમની સાથે રહેતો. જનરલ સાહેબ આખો દિવસ લડાઈનું હવાઈ નિરીક્ષણ કરતા."
"ઘણી વખત જ્યાં લડાઈ ચાલી રહી હોય, ત્યાં પણ લૅન્ડિંગ કરાવતા. સાંજે જ્યારે અંધારું થવા લાગે ત્યારે તેમનું હેલિકૉપ્ટર પરત ફરતું, ત્યારબાદ તેઓ ઑપરેશન રૂમમાં જતા."
"અમે ઓફિસર મેસમાં રાત્રે નવ વાગ્યાના ઑલ ઇન્ડિયા રેડિયોના સમાચાર સાંભળવા માટે જતા. ક્યારેક બીબીસી સાંભળતા તો ક્યારેક ઑલ ઇન્ડિયા રેડિયો."
"રાત્રે દસ વાગ્યે તેઓ બીજા દિવસનો કાર્યક્રમ જણાવતા અને સંબંધિત લોકોને સૂચના આપી દેવા નિર્દેશ દેતા. ત્યાર બાદ રાત્રે 12 વાગ્યે તેઓ પોતાની હટમાં જતા અને ઊંઘી જતા."
હેલિકૉપ્ટર પર ગોળી વાગી
આવા જ એક નિરીક્ષણ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ જનરલ સગતના હેલિકૉપ્ટર ઉપર ગોળીબાર કર્યો. એ સમયે જનરલ રણધીરસિંહ પણ એમાં જ હતા. એ દિવસને યાદ કરતા તેઓ કહે છે :
"જનરલ સગતસિંહ જોવા માગતા હતા કે ક્યાં-ક્યાં લૅન્ડિંગ થઈ શકે તેમ છે. અમે 'મેઘના' નદીને સમાંતર ઉડી રહ્યા હતા. એ સમયે આશુગંજ બ્રીજ પાસે મીડિયમ મશીનગનમાંથી અમારા હેલિકૉપ્ટર ઉપર ફાયરિંગ થયું."
"પાઇલટને ગંભીર ઈજા પહોંચી. અમે તેની પાછળ જ બેઠા હતા. પાઇલટના લોહીના છાંટા અને માંસના ટુકડા અમારી ઉપર ઉડ્યાં. જનરલ સાહેબને પણ માથા ઉપર ઈજા પહોંચી."
"જોકે, સહ-પાઇલટે સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો અને હેલિકૉપ્ટરને અગરતલા પરત પહોંચાડ્યું, જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેને 64 ગોળી લાગી હોવાનું માલૂમ પડ્યું."
"જોકે, જનરલ સિંહ ઉપર તેની કોઈ અસર ન થઈ. અન્ય એક હેલિકૉપ્ટરમાં ફરી એક વખત તેઓ નિરીક્ષણ માટે નીકળી પડ્યા."
ચાર કિમી નદી પાર કરી
ચાર કિલોમીટર પહોળી મેઘના નદી ભારત તથા પૂર્વ પાકિસ્તાનને વિભાજીત કરતી. તે સમયે તેમણે હેલિકૉપ્ટરની મદદથી આખી બ્રિગેડને વર્તમાન બાંગ્લાદેશમાં ઉતારી દીધી.
તેમના આ પગલાંની ચોમેર ભારે પ્રશંસા થઈ અને સૈન્ય રણનીતિકારોમાં તે અભ્યાસનો વિષય છે. પૂર્વ પાકિસ્તાનના મોરચે જનરલ સગતસિંહના નેતૃત્વમાં કામ કરનારા લેફટનન્ટ જનરલ ઓ. પી. કૌશિકના કહેવા પ્રમાણે :
"એ સમયે ભારત પાસે એમ. આઈ. 4 હેલિકૉપ્ટર હતા, જેમાં રાત્રિના સમયે ઉતરાણ કરવાની ક્ષમતા ન હતી, તેમાં એક ફેરામાં આઠ સૈનિક બેસી શકતા. મોટી સંખ્યામાં સૈનિકો નદી પાર કરી શકે તે માટે તેમણે લાઇટેડ હેલિપૅડ બનાવવાના આદેશ આપ્યા."
"આપને આશ્ચર્ય થશે કે અમે દૂધના ખાલી કૅનમાં ઘાસલેટ નાખીને રોશની કરી. સેંકડો ફેરા કરીને અમે લગભગ આખી બ્રિગેડને મેઘના નદી પાર કરાવી દીધી."
રસપ્રદ વાત એ છે કે પૂર્વી કમાનના વડા જનરલ જગજીતસિંહ અરોડાએ તેમને મેઘના નદી પાર ન કરવા સૂચના આપી હતી, જ્યારે તેઓ મેઘના નદી પાર કરી ચૂક્યા હતા ત્યારે તેમના ઉપર જનરલ અરોડાનો ફોન આવ્યો.
જનરલ અરોડાએ પરત આવવા સૂચના આપી, જેને માનવાનો જનરલ સગતસિંહે ઇન્કાર કરી દીધો, આ મુદ્દે બંને જનરલ વચ્ચે ભારે બોલાચાલી થઈ.
'મારો એકેય સૈનિક પાછો નહીં આવે'
જનરલ કૌશિકના કહેવા પ્રમાણે, "એ સમયે હું જનરલ સગતસિંહની બાજુમાં જ બેઠો હતો. કોલકતાથી (એ સમયનું કલકતા) આર્મી કમાન્ડર જનરલ અરોડાનો ફોન આવ્યો કે 'તમે મેઘના નદી કેમ પાર કરી.' જેના જવાબમાં જનરલ સગતસિંહે કહ્યું કે 'આપે મને જે કામગીરી સોંપી હતી, તેનાથી વધુ સારું કરી દેખાડ્યું છે.' આ જવાબથી જનરલ અરોડા સંતુષ્ટ ન થયા."
"જનરલ સગતસિંહે કહ્યું કે 'જો કોઈ કામ કરવાથી દેશને ફાયદો થતો હોય તો મારી ફરજ છે કે હું તે પગલું લઉં. મેં ન માત્ર મેઘના નથી પાર કરી છે, પરંતુ મારા સૈનિક ઢાકાના બહારી વિસ્તાર સુધી પહોંચી ગયા છે.' આથી નારાજ જનરલ અરોડાએ આદેશ આપ્યો કે 'ના, તમે તમારા આગળ વધી ચૂકેલા સૈનિકોને પરત બોલાવો.' જેના જવાબમાં સગતસિંહે કહ્યું, 'મારો કોઈ સૈનિક પરત નહીં ફરે. જો તમે સહમત ન હો તો આ મુદ્દો દિલ્હી (હેડક્વાર્ટર)માં ઉઠાવો.' તેમણે ગુસ્સામાં ફોન મૂકી દીધો."
જનરલ સગતસિંહ બોલ્યા, 'તેઓ (જનરલ અરોડા) મને સૈનિક પરત બોલાવવા માટે કહી રહ્યા છે....ઓવર માય ડૅડબૉડી.'
એ ઐતિહાસિક તસવીરમાં સ્થાન
13 દિવસની ભયંકર લડાઈ બાદ તા. 16મી ડિસેમ્બર 1971ના દિવસે પૂર્વ કમાનના વડા જનરલ જગજીતસિંહ અરોડા પૂર્વ પાકિસ્તાનના વડા જનરલ એ. એ. કે. નિયાઝીનું સરન્ડર લેવા માટે પહોંચ્યા.
જનરલ રણધીરસિંહના કહેવા પ્રમાણે, "બાંગ્લાદેશની છોકરીઓ ભારતીય સૈનિકોના હથિયારો ઉપર પુષ્પવર્ષા કરી રહી હતી. ઑલ ઇન્ડિયા રેડિયોના રિપોર્ટર સુરજીત સેને સાનુકૂળ જગ્યા શોધીને પોતાનું માઇક્રૉફોન ગોઠવીને નીચે બેસી ગયા."
સરન્ડરની પ્રક્રિયા દરમિયાન જનરલ નિયાઝીએ કહ્યું કે તેમની પાસે પૅન નથી, ત્યારે સુરજીતસિંહે તરત જ પોતાની પૅન કાઢી અને તેમને આપી.
ઢાકાના રૅસકોર્ષ મેદાન ખાતે જનરલ નિયાઝીએ સરન્ડરના કાગળિયા ઉપર સહી કરી, જેનો ડ્રાફ્ટ તેઓ અગાઉ જ વાચી ચૂક્યા હતા.
સરન્ડરની એ ઐતિહાસિક તસવીરમાં ટેબલ પાછળ જનરલ જગજીતસિંહ અરોડા ડાબે તથા જમણી બાજુએ જનરલ એ. એ. કે. નિયાઝીને જોઈ શકાય છે.
એમની પાછળ ડાબી બાજુએ ભારતીય નૌકાદળની પૂર્વ કમાનના વડા એન. ક્રિષ્નન, તેમની પાસે ઍરફૉર્સની પૂર્વ કમાનના વડા એચ. સી. દિવાન, લેફટનન્ટ જનરલ સગતસિંહ તથા મેજર જનરલ જે. એફ.આર. જૅકોબ ને જોઈ શકાય શકાય છે.
સરન્ડરની પ્રક્રિયા બાદ ભારતીય સૈનિકોએ તેમનો કબજો સંભાળી લીધો. પાકિસ્તાની સેનાના દમનચક્રને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ હતો. અચાનક જ એક પથ્થર આવ્યો અને જનરલ નિયાઝીને વાગ્યો. જેમ તેમ કરીને મુશ્કેલીપૂર્વક તેમને ડાલ કૅન્ટોન્મૅન્ટ પહોંચાડવામાં આવ્યા.
ઢાકાના ઇન્ચાર્જ
લેફટનન્ટ જનરલ સગતસિંહને બાંગ્લાદેશનો વહીવટ સોંપવામાં આવ્યો.
સરન્ડરના કાગળિયા સાથે જનરલ અરોડા ભારત જવા નીકળ્યા, ત્યારે તેમને વળાવવા માટે જનરલ સગતસિંહ ઍરપૉર્ટ પહોંચ્યા. જનરલ અરોડાનું હેલિકૉપ્ટર ઢળતા સૂર્યની સાથે હવામાં અદ્રશ્ય થઈ ગયું.
પરંતુ બાંગ્લાદેશના ઇતિહાસમાં નવા સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો. તેમની સાથે કેટલાક સ્ટાફ ઓફિસર તથા વાયરલેસ ઑપરેટર જ હતા.
એ ક્ષણોને યાદ કરતાં કહે છે, "અમે ઢાકા પહોંચ્યા તો જાણે આખું શહેર રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું. રસ્તાની બંને બાજુએ ભારતીય સૈનિક હતા, પરંતુ તેમને એ નહોતું સમજાતું કે હરખઘેલી બાંગ્લા પ્રજાને કેવી રીતે સંભાળવી."
બાદમાં મહિનાઓ સુધી તેઓ ઢાકામાં રહ્યા, જ્યાં તેમણે 90 હજારથી વધુ યુદ્ધકેદી, સૈન્ય હસ્તાંતરણ, નવી સેનાનું ગઠન તથા અન્ય વહીવટી કામગીરી બજાવી.
2013માં બાંગ્લાદેશે જનરલ સગતસિંહ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમનાં પુત્ર તથા પુત્રવધુને સત્તાવાર પ્રવાસ માટે બાંગ્લાદેશ આવવાનું આમંત્રણ આપ્યું.
નિવૃત્ત થયા બાદ જનરલ સગતસિંહે તેમનું જીવન જયપુરમાં પસાર કર્યું, જ્યાં તેમણે ઘરને 'મેઘના' નામ આપ્યું હતું.
તેમનાં પૌત્રી મેઘનાસિંહના કહેવા પ્રમાણે, "મારા દાદા ભીડમાં પણ અલગ તરી આવતા. તેમની હાઇટ છ ફૂટ ત્રણ ઇંચ હતી. તેઓ ખૂબ જ સૌમ્ય સ્વભાવના હતા અને કોઈ પણ તેમની સાથે વાત કરી શકતું."
"અમે હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં. રજાઓમાં ઘરે આવતાં ત્યારે તેઓ અમારા ફાર્મ-હાઉસમાં ઉગેલાં ચીકૂ-કેરી સહિતના ફળ કાપીને તૈયાર રાખતા અને અમારી વાટ જોતા. જમતી વખતે ટેબલ મૅનર્સ તેમને ખૂબ જ પસંદ હતી."
"જયપુરમાં 'પિઝા હટ' ખુલ્યું, ત્યારે પહેલી વખત તેઓ જ અમને લઈ ગયા હતા."
ઉપેક્ષા અને અવગણના
આમ છતાં જનરલ સગતસિંહને કોઈ વીરતા પુરસ્કાર એનાયત ન થયો. તેમને ભારતનું ત્રીજા ક્રમાંકનું નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ' એનાયત થયુ. તેમને કોઈ પ્રમોશન પણ ન મળ્યું.
જનરલ વી. કે. સિંહના કહેવા પ્રમાણે, "આ ખૂબ જ દુખની વાત છે કે 1971ના યુદ્ધમાં જેનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ હતું, તેમને કોઈ વીરતા પુરસ્કાર ન મળ્યો. અન્યોને 'વીરચક્ર' અને 'મહાવીરચક્ર' જેવા પદક મળ્યા, પરંતુ જનરલ સગતસિંહને કોઈ પદક ન મળ્યું."
"બીજું કે તેમને કોઈ પ્રમોશન ન મળ્યું. સેનાધ્યક્ષ નહીં તો તેમને આર્મી કમાન્ડર (કોઈ કમાનના વડા) બનાવી શકાયા હોત. જનરલ સગતસિંહની તેમના ઉપરી અધિકારીઓ સાથે વારંવાર બોલાચાલી થતી, જેના કારણે આમ થયું હોય તેમ બને."
જનરલ સગતસિંહ ભારતીય સેનાના નિર્ભય જનરલોમાંથી એક હતા. તેમણે પોતાને સોંપાયેલી જવાબદારી સુપેરે પાર પાડી, એટલું જ નહીં, તેનાથી વધુ સારું કરી દેખાડ્યું.
તેમની સરખામણી અમેરિકાની સેનાના જનરલ પૅટન તથા જર્મન સેનાના જનરલ રોમેલ સાથે કરી શકાય. જનરલ સગતસિંહ સાથે કામ કરી ચૂકેલા અને ખુદ જનરલપદે પહોંચેલા ઓ. પી. કૌશિકના કહેવા પ્રમાણે :
"મેં અનેક લડાઈઓ લડી છે. 1962માં ભારત-ચીન યુદ્ધ સમયે કૅપ્ટન હતો. ત્યારબાદ 1965 તથા 1971ના (બંને પાકિસ્તાન સામેના યુદ્ધ) યુદ્ધમાં પણ મેં ભાગ લીધો હતો. હું સિયાચીન તથા કાશ્મીરમાં પણ જનરલ ઑફિસર કમાન્ડિંગ રહી ચૂક્યો છું."
"મારા અનુભવના આધારે કહી શકું છું કે મારા મતે ભારતીય સેનામાં 'બેસ્ટ ફિલ્ડ કમાન્ડર' જનરલ સગતસિંહ જ છે."
"તેઓ જવાબદારી સોંપવામાં પાવરધા હતા. તેઓ કામને વિકેન્દ્રિત કરી દેતા અને જુનિયર અધિકારીઓમાં વિશ્વાસ પેદા કરતા હતા. તેમનામાં મૉટિવેટ કરવાની જબરદસ્ત ભાવના હતી."
"જો જુનિયર અધિકારીથી કોઈ ભૂલ થઈ જાય તો તેમને જવાબદાર નહોતા ઠેરવાત, પરંતુ તેઓ ખુદ તેને સુધારવાનો પ્રયાસ કરતા અને ઘણી વખત તેમની ભૂલનો દોષ પોતાની ઉપર લઈ લેતા."
(આ લેખ માટે બી. બી. સી. સંવાદદાતા રેહાન ફઝલના લેખનો આધાર લેવામાં આવ્યો છે. હિંદીમાં મૂળ લેખ વાચવા માટે, અહીં ક્લિક કરો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો