ભારત-ચીન સીમાવિવાદ : પીએમ મોદીના 'જિનપિંગપ્રેમ'થી શું હાંસલ થયું?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા વર્ષે ઑક્ટોબરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ભારતની મુલાકાત પર આવ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગવસ્ત્ર પહેરીને કેરળના મલ્લપુરમમાં તેમનું સ્વાગત દક્ષિણ ભારતીય પરંપરાઓ અનુસાર કર્યું હતું.

આ દરમિયાન કેરળના પ્રખ્યાત હાથીઓનું પ્રદર્શન પણ કરાયું હતું. બંને દેશો વચ્ચે સામરિક અને વ્યાપારિક મુદ્દાઓને લઈને ચર્ચાઓ પણ થઈ હતી.

આ યાત્રા દરમિયાન ચીનની સરકારી ન્યૂઝ એજન્સી 'શિન્હુઆ'એ શી જિનપિંગનું નિવેદન પ્રકાશિત કર્યું. જેમાં તેમણે કહ્યું હતું, "ડ્રૅગન અને હાથીએ સાથે મળીને જ નૃત્ય કરવું જોઈએ. આ બંને દેશો માટે ખરો વિકલ્પ છે."

તેમણે પોતાના મતભેદોનું પણ યોગ્ય રીતે સમાધાન કરવું જોઈએ એવી વકીલાત પણ કરી હતી. પરંતુ આ મતભેદ શું છે અને કયા મુદ્દા પર છે તેની ચર્ચા ન ભારતે કરી કે ન ચીને.

છ વર્ષમાં 18 મુલાકાત

ચીને એ પણ સ્પષ્ટ ન કર્યું કે 'યોગ્ય રીત' શું હોઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છ વર્ષમાં આ 18મી મુલાકાત હતી.

બંને નેતાઓ વચ્ચે પહેલી મુલાકાત વર્ષ 2014ના જુલાઈ મહિનામાં થઈ હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમતથી લોકસભા ચૂંટણી જીતી અને તત્કાલીન ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીપ્રચારનો મુખ્ય ચહેરો પણ નરેન્દ્ર મોદી જ હતા જેમણે પોતાના ચૂંટણીપ્રચારમાં ચીનની ઘુસણખોરી અને પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામના ઉલ્લંઘનને મુદ્દા બનાવ્યા હતા.

પરંતુ ચૂંટણી જીત્યા પછી બંને નેતાઓની સૌ પ્રથમ મુલાકાત બ્રાઝિલમાં 'બ્રિક્સ' સંમેલનમાં થઈ હતી.

'બ્રિક્સ પાંચ' દેશો સમૂહ છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.

સંજોગવશાત્ આ મુલાકાત પણ એવા સમયમાં થઈ જ્યારે 2013ના એપ્રિલ મહિનામાં ચીની અને ભારતીય સેના પૂર્વ લદ્દાખના દેપસાંગ તરાઈમાં એકબીજા સામે આવી ગઈ હતી અને ત્રણ અઠવાડિયા સુધી આવું ચાલ્યું હતું.

ભારતનો આરોપ હતો કે ચીની સેનાએ ભારતના આ ભાગ પર દાવો કરવા માટે તંબૂ તાણ્યા હતા

પ્રથમ વખત કોઈ રાષ્ટ્રાધ્યક્ષનું દિલ્હીની બહાર સ્વાગત થયું

વર્ષ 2014ના જુલાઈમાં 'બ્રિક્સ સમ્મેલન' દરમિયાન બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જ ચીની સેનાએ એક વખત ફરીથી 'એલએસી'ના ચુમાર સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી.

2014 સપ્ટેમ્બરમાં જ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ વખત ભારતના કોઈ વડા પ્રધાને કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષનું સ્વાગત દિલ્હી સિવાય કોઈ અન્ય રાજ્યમાં કર્યું હતું.

શી જિનપિંગે અમદાવાદમાં વડા પ્રધાન સાથે થયેલી બેઠકમાં જાહેરાત કરી હતી કે ચીન ભારતમાં આવનારાં પાંચ વર્ષ સુધી વ્યાપાર અને બીજાં ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે 20 અબજ અમેરિકન ડૉલરનું રોકણ કરશે.

બંને દેશો વચ્ચે કુલ 12 સમજૂતી પર હસ્તાક્ષર પણ થયા પરંતુ આ સમજૂતીને લાગુ કરવામાં આવી કે નહીં એ પ્રશ્ન હજી ઉપસ્થિત છે.

શી જિનપિંગનું અમદાવાદમાં એક યાદગાર ભવ્ય સ્વાગત કરાયું અને બંને નેતાએ સાબરમતી નદીના કિનારે ઘણો સમય સાથે પસાર પણ કર્યો.

અમદાવાદમાં બંને નેતાઓ સાથે એ હીંચકે ઝૂલ્યા, જે ભારતના આતિથ્યના રૂપે તેમની સામે પ્રસ્તુત કરાવામાં આવ્યો હતો.

જોકે, તે જ વર્ષ નવેમ્બર મહિનામાં શી જિનપિંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ચીન આવવાનું નિમંત્રણ આપ્યું. પરંતુ નરેન્દ્ર મોદી ઑસ્ટ્રેલિયા, મ્યાંમાર અને ફિજીની મુલાકાતે ગયા.

ચીન તરફથી આવેલું નિમંત્રણ રાષ્ટ્રીય સુરક્ષા-સલાહકાર અજિત ડોવાલના પ્રયત્નો પછી આવ્યું હતું.

ભારત-ચીનની બહાર પણ મળ્યા મોદી-જિનપિંગ

વર્ષ 2015ના મે મહિનામાં નરેન્દ્ર મોદી ચીનની પ્રથમ યાત્રા પર ગયા હતા. તેઓ વિશ્વના પ્રથમ નેતા હતા જેમનું સ્વાગત રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના શહેર જિયાનમાં કર્યું હતું.

પરસ્પર વિશ્વાસ, આતંકવાદ, સરહદ અને કેટલાક મુદ્દાઓ પર બંને નેતાઓએ ચર્ચા કરી અને સહમતી પણ દર્શાવી. અહીં પણ બંને નેતાઓની એ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ જેમાં બંને હાથ પકડીને લટાર મારી રહ્યા છે.

જુલાઈ 2015માં રશિયાના ઉફામાં થયેલા સંમેલન દરમિયાન પણ બંને નેતાઓ વચ્ચે અલગથી વાતચીત થઈ, જેમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં લાવેલા ઠરાવ પર ચર્ચા કરાઈ.

આ મુલાકાતમાં 26/11 હુમલાના અભિયુક્ત ઝકી-ઉર-રહેમાન લખવીને પકિસ્તાનમાં મુક્ત કરવામાં આવતા, વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જોકે, ચીને પોતાના વીટો વાપરતા આ ઠરાવ પર રોક લગાવી હતી.

પછી 2016ના જૂન મહિનામાં બંને નેતા ઉઝબેકિસ્તાનના તાશકંદમાં ફરી મળ્યા. આ બેઠક પણ 'શંઘાઈ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશન' કરતાં અલગ હતી, જેમાં મોદીએ શી જિનપિંગને 'ન્યૂક્લિયર સપ્લાયર્સ' ગ્રુપમાં ભારતને સભ્ય બનાવવા વિશે ગંભીરતનાથી વિચાર કરવા કહ્યું હતું. ચીન હંમેશાંથી આ મામલે ભારતનો વિરોધ કરતું આવ્યું છે.

જી-20 દેશોનું સંમેલન ચીનના હાંગ્જો શહેરમાં વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં યોજાયું હતું. આ સંમેલનથી અલગ મોદી અને જિનપિંગ ફરી મળ્યા, જેમાં ભારતે 'ચીન-પાકિસ્તાન-ઇકૉનૉમિક-કૉરિડૉર'ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ કૉરિડૉર પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાંથી પસાર થાય છે.

મોદીએ જિનપિંગને કહ્યું હતું કે ભારત અને ચીન એક-બીજાના સામરિક હિતોનું સન્માન કરે એ બહુ જ જરૂરી છે.

પછી વર્ષ 2016માં ચીનના વડા પ્રધાન ગોવામાં બ્રિક્સ દેશોના સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ સંમેલન દરમિયાન પણ બંને દેશો વચ્ચે વ્યાપાર અને સંરક્ષણના મુદ્દે વાતચીત થઈ હતી.

'વન બેલ્ટ-વન રોડ'ની બેઠકમાં ભારત સામેલ ન થયું

વર્ષ 2017માં મે મહિનામાં ચીને 'વન બેલ્ટ-વન રોડ' એટલે 'ઓબીઓઆર'ની બેઠક બોલાવી હતી, જેમાં ભારતે સામેલ નહોતું થયું. ભારતનું કહેવું હતું કે આ ઠરાવ રાષ્ટ્રોની સ્વાયત્તતાની વિરુદ્ધમાં છે.

તે જ વર્ષે એટલે વર્ષ 2017ના જૂન મહિનામાં ડોકલામમાં માર્ગનિર્માણને લઈને બંને દેશોની સેના 73 દિવસો સુધી એકબીજા સામે આવી ગઈ હતી.

2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત શી જિનપિંગ સાથે કઝાકિસ્તાનના અસ્તાનામાં થઈ હતી. એ વખતે ભારતને 'શંઘાઈ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશન'નું સભ્યપદ આપવામાં આવ્યું હતું.

જર્મનીના હૅમબર્ગમાં 2017માં જ જી-20 દેશોના સંમેલન દરમિયાન બંને નેતાઓ ફરી મળ્યા અને બંને વચ્ચે 'કેટલાક મુદ્દા પર વાતચીત' થઈ હતી. આ અનૌપચારિક બેઠક હતી એટલે કેટલાક મુદ્દા પર વાતચીત થઈ તે જાહેર નહોતું કરાયું.

તે વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચીનના જિયામેનમાં બ્રિક્સ દેશોના સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની ફરી મુલાકાત થઈ.

એવું પહેલી વખત બન્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હક્કાની ગ્રુપને આંતરરાષ્ટ્રીય 'આતંકવાદી સંગઠનો'ની યાદીમાં સામેલ કરવાની ભારતની માગનો ચીને કોઈ વિરોધ નહોતો કર્યો.

પાંચ વખત ચીનની મુલાકાત પર જનારા પ્રથમ વડા પ્રધાન મોદી

વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અધિકૃત રીતે ચીનની યાત્રા પર ગયા હતા.

ચીનના વુહાન શહેરમાં બંને દેશોના નેતાઓ વચ્ચે ઔપચારિક વાર્તા થઈ. સંજોગવશાત્ આ જ વુહાન કોરોના વાઇરસ ફેલવવા માટે કુખ્યાત થઈ ગયું.

જૂન 2018માં બંને નેતાઓ વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને દ્વિપક્ષી વાર્તા ચીનના કિંગદાઓ શહેરમાં થઈ. આ મુલાકાતમાં સામરિક મુદ્દા પણ સામેલ હતા.

2014માં વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ 18 વખત મળી ચૂક્યા છે જ્યારે 70 વર્ષમાં નરેન્દ્ર મોદી ભારતના એક માત્ર એવા વડા પ્રધાન બન્યા છે, જે પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે.

પરંતુ આટલી મુલાકાત થઈ હોવા છતાં સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે. એટલું જ નહીં, ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો પણ છે.

ચીન તરફથી કેટલું રોકાણ થયું

જ્યાં સુધી ચીનના રોકાણનો પ્રશ્ન છે તો આયાત સિવાય ભારતમાં ચીનનું કોઈ વિશેષ રોકાણ નથી થયું.

છેલ્લાં ત્રણ વર્ષમાં ચીનના 20 અબજ અમેરિકન ડૉલરના રોકાણના વાયદામાંથી માત્ર એક અબજ ડૉલરનું રોકાણ જ થયું છે.

આમાંથી બે તૃતીયાંશ રોકાણ સ્ટાર્ટ-અપ્સ કંપનીઓમાં કરવામાં આવ્યું હતું. ચીનની અલીબાબા કંપનીઓએ પેટીએમ, બિગ બાસ્કેટ અને ઝોમેટોમાં રોકાણ કર્યું છે. જ્યારે બીજી ચીની કંપની ટેનસેન્ટે બાયજૂઝ, ફ્લિપકાર્ટ અને ઓલા જેવાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે.

વાણિજ્યમંત્રાલયના આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં ચીને ભારતમાં ઑટોમોબાઇલ ક્ષેત્રમાં પણ 876.73 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.

તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ અને સર્વિસ સેક્ટરમાં પણ ચીને રોકાણ કર્યું છે. જોકે જાણકારોનું માનવું છે કે ચીને જે વાયદો કર્યો હતો તેની સરખામણીમાં જે રોકાણ કર્યું તે ઘણું ઓછું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો