You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન તણાવ : ‘દીકરો ચીનની સરહદે શહીદ થઈ ગયો પણ સરકાર હજી ચૂપ છે’
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી માટે, રાંચીથી
"મારો દીકરો ચીનની સરહદે શહીદ થઈ ગયો પણ સરકાર હજી સુધી મૌન છે. આ દુખની વાત છે. હવે દીકરો ગુમાવી દીધો. સામે 15 દિવસની નવજાત પૌત્રી (સૈનિકની દીકરી) છે. બે વર્ષ પહેલાં પરણીને લાવ્યો હતો એ વહુ છે. કહો હવે અમે શું કરીએ? અમારે માથે તો એવી આફત આવી છે કે હવે અમને કંઈ જ સમજાતું નથી. અમારી સામે અંધારું છે. બહાર તૂટીને વરસાદ વરસે છે અને અંદર અમે રડી રહ્યાં છીએ. અમારું બધુ જ બરબાદ થઈ ગયું. મને મારા દીકરાના મૃતદેહની રાહ છે."
બીબીસી સાથે આ વાત કરતાં ભવાની દેવી રડી પડ્યાં.
ભવાની દેવી ભારતીય સેનામાં સામેલ કુંદનકાંત ઓઝાનાં માતા છે. માંડ 26 વર્ષના કુંદન છેલ્લાં બે અઠવાડિયાંથી લદ્દાખ રેંજની ગલવાન ઘાટીમાં તહેનાત હતા. સોમવારે રાત્રે ચીની સૈનિકો સાથેના ઘર્ષણમાં તેમનું મૃત્યુ થયું છે.
મંગળવારે બપોરે ત્રણ વાગ્યે ભારતીય સેનાના એક અધિકારીએ ફોન કરીને આ અંગે પરિવારને જાણ કરી. ત્યારથી આખા ઘરમાં માતમ છે.
ભવાની દેવીએ જણાવ્યું, "ફોન કરનારે મને પૂછ્યું કે હું કેકે (કુંદન)ની કોણ થાઉં છું? મેં તેમને કહ્યું કે મારો દીકરો છે."
"પછી એમને પૂછ્યું કે શું તમે હમણાં વાત કરી શકો. મેં હા કહ્યું તો તેમણે જણાવ્યું કે કુંદન ચીનની સરહદે શહીદ થયો છે. એ લોકો મારા દીકરાનો મૃતદેહ મોકલવાના પ્રયાસ કરી રહ્યા છે."
"પહેલાં તો મને એમની વાત પર વિશ્વાસ ન થયો. ત્યારે મેં મારા જેઠના દીકરા મનોજ પાસે એ નંબર પર ફોન કરાવ્યો. એ અફસરે ફરી એ જ વાત કહી. હવે અમે લોકો નિસહાય છીએ અને હવે કશું કરી શકતા નથી."
કુંદન ઝા 15 દિવસ પહેલાં જ પિતા બન્યા હતા
કુંદન ઓઝાનાં પત્ની નેહાએ ગયા મહિને જ એક દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકી આ દંપતીનું પહેલું સંતાન છે. હજી બાળકીનું નામકરણ પણ થયું નથી. કુંદન એને જોવા માટે ઘરે આવે એ પહેલાં જ સરહદ પર માર્યા ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નવજાત બાળકી ક્યારેય તેના પિતાને મળી નહીં શકે. નેહા અને કુંદનનાં લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં હતાં.
લૉકડાઉન ન થયું હોત તો કુંદન તેમના ગામ આવી ગયા હોત.
તેમનાં માતા ભવાની દેવીએ જણાવ્યું કે પત્ની ગર્ભવતી હતી એટલે 10મી મેથી તેમની રજા મંજૂર થઈ હતી, પણ લૉકડાઉનને લીધે કૅન્સલ કરવામાં આવી. ત્યારથી તેઓ ત્યાં જ હતા.
આ પછી પહેલી જૂને કુંદને તેમનાં માતા સાથે છેલ્લી વખત વાત કરી હતી, એ પછી ગલવાન ખાડીમાં તહેનાત કરી દેવામાં આવ્યા.
ત્યાં નેટવર્ક ન હોવાથી પંદર દિવસથી તેમણે ફોન બંધ કરી રાખ્યો હતો, એ ફોન હજી પણ બંધ છે.
કુંદન ઓઝાના પિતરાઈ ભાઈ મનોજ ઓઝાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે કુંદન ત્રણ ભાઈઓમાં બીજા નંબરના હતા. વર્ષ 2011માં તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા.
તેમના પિતા રવિશંકર ઓઝા ખેડૂત છે. આ પરિવાર ઝારખંડના સાહિબગંજ જિલ્લાના ડિહારી ગામમાં રહે છે. તેમના બંને ભાઈઓ નોકરી કરે છે.
સત્તાવાર જાણ ન કરાઈ
આ વચ્ચે મુખ્ય મંત્રી હેમંત સોરેને કુંદનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઝારખંડના વીર સપૂત કુંદન ઓઝા અને અન્ય સૈનિકોની શહીદી પર ગર્વ છે.
તેમણે લખ્યું, "હું તેમને સલામ કરું છું. ઝારખંડ સરકાર અને આખું રાજ્ય કુંદનના પરિવારની સાથે છે."
સાહિબગંજના ડીસી વરુણ રંજને બીબીસીને કહ્યું કે અમને સેના તરફથી હજી સુધી (રાતના 9.49 વાગ્યા સુધી) કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.
તેમણે કહ્યું, "કુંદન ઓઝાના પરિવારજનો પાસેથી જ અમને આ જાણકારી મળી છે. અમે સેનાને આ અંગે સત્તાવાર માહિતી આપવા માટે વિનંતી કરી છે. ત્યાં નેટવર્કની પણ સમસ્યા છે. એવામાં બુધવાર સવાર સુધીમાં અમને સત્તાવાર પત્ર મળવાની આશા છે."
"જોકે આ બાદ મેં પદાધિકારીઓને એમના ઘરે પરિવારજનો સાથે વાતચીત કરવા માટે મોકલ્યા હતા. અમે એેમના સંપર્કમાં છીએ. તેમને દરેક પ્રકારે મદદ કરવામાં આવશે."
ડીસી વરુણે કહ્યું કે ત્યાં કપરી પરિસ્થિતિ છે અને તેમની કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી પણ કુંદન ઓઝાનો મૃતદેહ ગુરુવાર સુધી આવે એવી શક્યતા છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો