ભારત-ચીન સીમાવિવાદ પર હવે આગળ સંવાદ થઈ શકશે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ પછી બેઉ દેશો વચ્ચે તણાવ વધતો દેખાઈ રહ્યો છે પરંતુ નિષ્ણાતોનું અનુમાન છે કે આનાથી બેઉ દેશો વચ્ચેનો સંવાદ ખોટકાશે નહીં.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ(એનએસબી)ના સભ્ય અને ભારત-ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલ)ના પૂર્વ કૉર્પ્સ કમાન્ડર લૅફ્ટનન્ટ જનરલ એસ. એલ. નરસિમ્હનનું કહેવું છે કે આ ઘટના ચીનની સેનાની પાછળ હઠવાની પ્રક્રિયાને ધીમી કરી દેશે.

એમણે કહ્યું કે, "આ ઘટના થવી જ નહોતી જોઈતી પણ આના ઉકેલી જોવું પડશે. મને લાગે છે કે વાતચીતની પ્રક્રિયામાં ગરમા-ગરમી થઈ હશે જેને કારણે આ નુકસાન થયું છે. ચીનને પણ નુકસાન થયું છે એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે, પરંતુ આ સારી વાત નથી."

"હું એવું માનું છું કે પાયારૂપ સ્થાનિક કમાન્ડર વાતચીતની પ્રક્રિયામાં સામેલ થશે."

વાતચીત કેવી રીતે બરકરાર રહેશે?

ચીન અને ભારત તરફથી આવેલાં નિવેદનો પર તેમણે કહ્યું કે બેઉ દેશો મુદ્દો આગળ વધારવા નહીં પરંતુ ઉકેલવા ઇચ્છે છે અને આવી ઘટના પાછળ હઠવાની પ્રક્રિયામાં મતભેદોને કારણે થતી હોય છે.

તેઓ કહે છે કે સમગ્ર સ્થિતિને જોઈએ તો આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેવાશે.

લેફ્ટનન્ટ જનરલ નરસિમ્હન કહે છે કે આને લીધે વાસ્તવિક નિયંત્રણરેખા પર અસ્થિરતા વધશે એવું નથી લાગી રહ્યું. જ્યારે નિર્ધારિત કાર્યપ્રણાલીનું પાલન નથી કરવામાં આવતું ત્યારે આવી ઘટનાઓ બને છે.

લેફ્ટનન્ટ જનરલ નરસિમ્હન કહે છે કે ચીન સાથે કોઈ નવી સમજૂતીની જરૂરિયાત નથી પરંતુ જે સમજૂતીઓ છે તેનું પાલન થવું જોઈએ.

તેઓ કહે છે કે સીમાનિર્ધારણમાં વાતચીતના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કો પૂરો થઈ ચૂક્યો છે, બીજો તબક્કો મહત્ત્વપૂર્ણ સ્થિતિએ પ્રગતિમાં છે અને ત્રીજો તબક્કો ખૂબ ઝડપી હોવો જોઈએ.

ડિસઍન્ગેજમૅન્ટ પ્રક્રિયા શું છે?

જૂની સ્થિતિમાં પરત ફરવું કે બેઉ દેશો તણાવથી છૂટકારો પામે તેને ડિસઍન્ગેજમૅન્ટ પ્રક્રિયા પણ કહેવાય છે.

આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે એ વિશે લેફ્ટનન્ટ જનરલ નરસિમ્હન કહે છે કે, ''એવું ડોકલામમાં પણ જોવા મળ્યું હતું, જ્યારે ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી.''

તેઓ કહે છે, "ડિસઍન્ગેજમૅન્ટ પ્રક્રિયામાં સામેની સેનાને કહેવામાં આવે છે કે તમે આટલા પાછળ ખસો. આ પ્રકારની વાતચીતમાં ગરમાગરમી પણ થઈ જાય છે."

''આ વખતે પણ એવી ગરમાગરમી થઈ હશે એવું લાગે છે એને લીધે જ આ સ્થિતિ ઊભી થઈ."

લેફ્ટનન્ટ જનરલ આ ઘટનાને બેઉ દેશો અને સેનાઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનું પરિણામ નથી માનતા.

તેઓ કહે છે આ એક આકસ્મિક ઘટના છે અને તેને ઉકેલવી જોઈએ અને સાથે એ પણ જોવું જોઈએ કે બેઉ દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાગ ન આવે.

2013ના બૉર્ડર ડિફેન્સ કૉર્પોરેશન એગ્રીમૅન્ટ મુજબ ભારત અને ચીન વચ્ચે અનેક વ્યવસ્થાઓ હજી સ્થાપિત નથી થઈ.

તો શું આ સમજૂતી લાગુ કરવામાં રાજકીય ઇચ્છાશક્તિની ઉણપ વર્તાઈ રહી છે એ સવાલના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ નરસિમ્હન કહે છે કે ''ભારત અને ચીન વચ્ચેનો સીમાવિવાદ ગૂંચવાયેલો છે જેમાં ઇતિહાસ અને યુદ્ધ પુણ સામેલ છે. બધુ તરત જ ઠીક થઈ જશે એવું માનવું અસંભવ છે.''

''હવે આગળ વાતચીત કેવો વળાંક લે છે એ જોવું પડશે. બેઉ દેશો વચ્ચે લાંબી વાતચીત ચાલશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો