જગન્નાથપુરી રથયાત્રા : સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમની અરજી પર બદલાયો રથયાત્રાનો નિર્ણય

    • લેેખક, સુબ્રત કુમાર પતિ
    • પદ, ભુવનેશ્વરથી બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે જગન્નાથપુરીની ઐતિહાસિક રથયાત્રા યોજવા અંગે પોતાનો નિર્ણય બદલીને આયોજનની પરવાનગી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય બદલવો પડ્યો એની પાછળ એક મુસલમાને કરેલી અરજી પણ કારણભૂત છે.

રથયાત્રાના એક દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો છે.

સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રથયાત્રાના આયોજન બાબતે પોતાનો પક્ષ મૂક્યો હતો અને ઓડિશા સરકારે પણ તેનું સમર્થન કર્યું હતું.

ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ત્રણ જજોની બૅન્ચે કહ્યું કે રથયાત્રામાં કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે પગલાં લેવા પડશે. આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ભક્તોના યોગદાન વગર રથયાત્રાની પરંપરા પૂરી કરવામાં આવે અને રથયાત્રા સાથે જોડાયેલા તમામ સેવકોનું કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે 18 જૂને સુપ્રીમ કોર્ટે રથયાત્રાના આયોજન પર સ્ટે આપ્યો હતો અને તેને લઈને શ્રદ્ધાળુઓમાં નારાજગી હતી.

આફતાબ હુસૈનની સૌપ્રથમ અરજી

સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યા પછી આ મામલે ફેરવિચારણા કરવા માટે અનેક અરજીઓ થઈ હતી.

આ મામલે સૌપ્રથમ અરજી એક મુસ્લિમ આફતાબ હુસૈને કરી હતી અને સુપ્રીમ કોર્ટને નિર્ણય બદલી રથયાત્રા માટે પરવાનગી આપવા વિનંતી કરી હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ અરજી કરી હતી.

આફતાબ હુસૈને બીબીસી ગુજરાતીને કહ્યું કે, હું સૌપ્રથમ એક ઓડિશાવાસી છું અને એ પછી મુસલમાન. ભગવાન જગન્નાથ ઓડિશાની ઓળખ છે. રથયાત્રા બંધ થવાની મને ખબર પડી તો મને ખૂબ પીડા થઈ. મને લાગ્યું કે મારે સુપ્રીમ કોર્ટને ફેરવિચારણા કરવાની વિનંતી કરવી જોઈએ અને એટલે મે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. હું ખૂબ ખુશ છું કે આખરે સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપી.

મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષ પુરીના ગજપતિ મહારાજ દિવ્ય સિંહ દેવે શનિવારે મુખ્ય મંત્રી નવીન પટનાયકને પત્ર લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીમંદિરના દસ્તાવેજો મુજબ મંદિર પ્રબંધન સમિતિ નિર્ધારિત દિવસે વાર્ષિક રથયાત્રા યોજવા માટે બંધાયેલી છે. શંકરાચાર્ય નિશ્વલાનંદ સરસ્વતીએ પણ રથયાત્રાના આયોજન પર ભાર મૂકયો.

ઓડિશા સરકારે મત બદલ્યો

દરેક પક્ષે દબાણ બાદ ઓડિશા સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કોવિડ-19ની સ્થિતિને ધ્યાને લઈ તકેદારી સાથે અને ભક્તોની ભાગીદારી વિના ફક્ત પુરીમાં રથયાત્રાનું આયોજન થઈ શકે છે.

આ અગાઉ ઓડિશા સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રથયાત્રામાં અમુક લાખ લોકો ભેગા થવાની શક્યતા છે અને તેને લીધે કોરોનાનું સંક્રમણ વધી શકે છે.

રવિવારે ત્રણે રથ પૂરી રીતે તૈયાર છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.

મંદિરની પ્રબંધન સમિતિના અધ્યક્ષ ગજપતિ મહારાજ દિવ્ય સિંહે ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ આ મુદ્દે વાત કરી તેમને તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.

પુરી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ જિલ્લાઅધિકારીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે પુરી રથયાત્રાના આયોજન માટે તૈયાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો