જ્યારે ઇંદિરાએ કટોકટી લાદી અને એક લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યા

    • લેેખક, કુલદીપ નૈય્યર
    • પદ, વરિષ્ઠ પત્રકાર

1975માં અલાહાબાદ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી કરતાં શ્રીમતી ઇંદિરા ગાંધીને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

ઇંદિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો. ઇંદિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચૌદ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

એ સમયે ઇંદિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે દેશમાં કટોકટી લાગુ કરી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી.

કોર્ટના કે કાયદાકીય, કોઈ પણ દસ્તાવેજ વગર ગેરકાનૂની ઢબે તેમણે વિપક્ષના સભ્યોને રાજકીય કેદી બનાવી લીધા હતા.

એક લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઇંદિરા ગાંધી પોતે જ કાયદો બની ગયાં હતાં.

રાજીનામું આપવા વિચાર કરેલો

શરૂઆતમાં ઇંદિરા ગાંધીએ પદ છોડવા વિચાર્યું પરંતુ જગજીવન રામે એનો સખત વિરોધ કર્યો. એમને લાગતું હતું કે જો ઇંદિરા ગાંધી લોકો સમક્ષ જશે અને માફી માગી લેશે તો સત્તામાં પાછી આવી જશે.

લોકો ગુસ્સામાં એટલે હતા કે કટોકટીમાં ખૂબ જ અત્યાચાર થયા હતા. ઇંદિરા ગાંધી એક સરમુખત્યારની જેમ રાજનીતિ કરી રહ્યાં હતાં.

બીજી તરફ, ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને સંરક્ષણમંત્રી બંસીલાલ સરકારને તેમની વ્યક્તિગત મિલકત માનીને ચલાવી રહ્યા હતા. તેમને નિંદા સહેજ પણ સહન નહોતી થતી.

ઇંદિરા ગાંધી એવું દેખાડતાં હતાં કે જાણે તેઓ ખૂબ જ ભોળી વ્યક્તિ છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે તેની તેમને જાણ જ નથી.

હાલત એટલી ખરાબ હતી કે લોકોની ધરપકડ કરવા માટે બ્લૅક વૉરંટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વેરની ભાવના

ઇંદિરા ગાંધીમાં વેરની ભાવના હદ વટાવી ચૂકી હતી.

વિરોધીઓનાં ઘરો અને ધંધાકીય સ્થાનો પર દરોડા પાડવામાં આવતા હતા. જેમાં રાજકીય દળના નેતાઓનો પણ સમાવેશ થતો હતો.

એટલે સુધી કે જે ફિલ્મોથી એમને નુકસાન પણ નહોતું થતું એ ફિલ્મો પર પણ પ્રતિબંધ લાદી દેવાયો હતો.

'આંધી' ફિલ્મમાં એક સરમુખત્યાર શાસકનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. તેના પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આજની પેઢીને કટોકટી વિશે કહીશ કે આઝાદીની રક્ષા માટે આંતરિક સતર્કતા ખૂબ જ જરૂરી છે. જ્યારે ભારતને આઝાદ થયે 70 વર્ષ થઈ ગયાં છે ત્યારે આ સતર્કતા વધારે જરૂરી છે.

અસમાનતા અને નિરાશા

કોઈને એવો અંદેશો પણ નહોતો કે એક વડા પ્રધાન હાઈકોર્ટનો આદેશ માનવાના બદલે બંધારણને જ રદ કરી દેશે.

પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ઘણી વાર કહેતા હતા કે 'સીટ લાઇટ, નોટ ટાઇટ' મતલબ ખુરશીનો બહુ મોહ ના રાખવો.

આ જ કારણે તામિલનાડુના અરિયાલુરમાં એક મોટા રેલઅકસ્માત પછી તેમણે નૈતિકતાના આધારે રેલમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આજની તારીખમાં આવાં ઉદાહરણો બહુ ઓછાં છે.

આજે પણે ભારતને દુનિયામાં એ નજરથી જોવાય છે જ્યાં મૂલ્યોની કિંમત છે.

ગાંધીજીએ જે કહ્યું હતું એ દેશે સમજવું જોઈએ. એમણે કહ્યું હતું કે અસમાનતા લોકોને નિરાશા તરફ ધકેલે છે.

પૈસાવાળા વર્ગ માટે આઝાદી?

હવે આઝાદીના સંઘર્ષના દિવસોમાં જવાનો કોઈ મતલબ નથી. અંગ્રેજોની સામે બધાએ લડાઈ લડી.

હું આશા રાખું છું કે દેશમાંથી ગરીબીને દૂર કરવામાં આવશે.

જો એવું ન થઈ શકે તો એનો મતલબ એ છે કે આઝાદી માત્ર સુખી અને સંપન્ન લોકો માટે જ હતી.

જો કેટલાક સમય પહેલાં ઇંદિરા ગાંધી હતાં તો આજના સમયમાં નરેન્દ્ર મોદી છે.

મોટા ભાગનાં સમાચારપત્રો અને ટીવી ચેનલોએ મોદી સાથે સહમતીનો રસ્તો અપનાવી લીધો છે.

આવું જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે ફરી ગાંધીયુગનો સામનો કરવો પડે.

નરેન્દ્ર મોદીનું 'એકચક્રી' શાસન ભવિષ્ય માટે ખતરો છે. ભાજપની સરકારમાં કૅબિનેટ મંત્રી કે કૅબિનેટમાં સંયુક્ત ચર્ચાવિચારણા માત્ર કાગળ પરની વાતો છે.

ઇમર્જન્સી અત્યારે ના લાગી શકે

મને લાગે છે કે ઇમર્જન્સી આજની તારીખમાં દેશમાં લાગુ કરાઈ શકાય તેમ નથી, કારણ કે જનતા પાર્ટીની સરકારે બંધારણમાં ફેરફાર કર્યા હતા.

અત્યારે એવી સ્થિતિ પેદા થઈ શકે છે, જ્યાં કહેવામાં આવે કે કાયદાની મંજૂરી વગર કટોકટીની સ્થિતિ લાગુ કરવામાં આવે.

જોકે, એમાં લોકો સામે પડી શકે છે એટલે કટોકટી ફરીથી લાગુ કરવી સંભવ નથી.

કૉંગ્રેસે આજ સુધી માફી નથી માગી

યુદ્ધ પછી જર્મનીએ હિટલરના અત્યાચારો માટે માફી માગી હતી, એટલે સુધી કે જર્મનીએ દંડ પણ ભર્યો હતો.

આવા અત્યાચાર માટે કોઈ માફી નથી હોતી, પરંતુ લોકોને સામાન્ય રીતે લાગતું હોય છે કે આગળની પેઢીને અહેસાસ થશે કે એમના પૂર્વજોએ ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અમૃતસરમાં સુવર્ણ મંદિર ગયા હતા. ત્યાં તેમણે ઑપરેશન બ્લૂ સ્ટાર માટે માફી માગી હતી.

આ ઑપરેશનમાં ભારતની સેનાએ સુવર્ણ મંદિરમાં ઘૂસીને શીખ ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. કટોકટી અપરાધ જ હતી. આમ છતાં કૉંગ્રેસ પાર્ટીએ એના માટે આજ સુધી માફી નથી માગી.

ખાસ કરીને નહેરુ-ગાંધી પરિવાર તરફથી અફસોસનો એક શબ્દ નથી નીકળ્યો. બીજી પાર્ટીઓએ આનો વિરોધ કર્યો છે પરંતુ કૉંગ્રેસ આજે પણ ચૂપ છે.

(મૂળ લેખ 23 નવેમ્બર, 2017ના રોજ પ્રકાશિત કરાયો હતો. લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો