નર્મદા ડૅમ સહિતની એ પરિયોજનાઓ જે નહેરુએ ગુજરાતને આપી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

15 ઑગસ્ટ, 1947ના દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પદભાર સંભાળ્યો અને મૃત્યુપર્યંત આ પદ ઉપર રહ્યા.

આ અરસામાં તેમણે એવા કેટલાક નિર્ણયો લીધા, જે ગુજરાત માટે દૂરગામી પરિણામ લાવ્યા.

કૉંગ્રેસના મતે જવાહરલાલ નહેરુ 'આધુનિક, બિનસાંપ્રદાયિક અને સામાજિક ભારતના સ્થાપક' હતા, તો વિરોધીઓ ઍડવિના માઉન્ટબેટન સાથેના સંબંધ તથા 1962ના યુદ્ધ જેવા મુદ્દા ઉઠાવે છે.

જન્મ ઉત્તર પ્રદેશના અલ્લાહબાદના વિખ્યાત વકીલ મોતીલાલને ત્યાં થયો હતો, પરંતુ મૂળતઃ તેમનો પરિવાર જમ્મુકાશ્મીરનો હતો.

1889ની 14મી નવેમ્બરે નહેરુનો જન્મ થયો હતો, જેને 'બાળદિવસ' તરીકે ઉજવવામાં આવે છે. તા. 27મી મે 1964ના દિવસે તેમનું અવસાન થયું હતું.

ગુજરાતની સ્થાપના

આઝાદી બાદ દેશનું વિભાજન થયું, જેમાં પાકિસ્તાન અને ભારત એમ બે અલગ દેશ અસ્તિત્વમાં આવ્યા. આ સાથે જ નવનિર્મિત દેશમાં બૉમ્બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

આ રાજ્યના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતી વસતી હતી, જ્યારે દક્ષિણ ભાગમાં મરાઠી. કચ્છ, કાઠિયાવાડના રજવાડાં તથા સૌરાષ્ટ્ર રાજ્યના લોકો ગુજરાતી બોલતા હતા.

અલગ-અલગ રાજ્યોમાંથી ભાષાના આધારે વિભાજનની માગ ઉઠવા લાગી, જેના કારણે નહેરુએ સ્ટેટ રિઑર્ગેનાઇઝેશન કમિશનની સ્થાપના કરી.

આ અરસામાં પોટ્ટી શ્રીમાલ્લુએ તેલુગુભાષી વિસ્તારને મદ્રાસથી અલગ કરવા માટે આમરણાંત અનશન કર્યાં. તેમના મૃત્યુ પછી 1956માં તેને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો.

1956માં ભાષાના આધારે રાજ્યોના વિભાજનની માગ બળવતર બની. ગુજરાતી બોલનારાઓ માટે 'મહાગુજરાત આંદોલન' શરૂ થયું, જેનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે લીધું. જેઓ સમર્થકોમાં 'ઇન્દુચાચા' તરીકે ઓળખાતા હતા.

સામેપક્ષે 'સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ'ના નેજા હેઠળ મરાઠી બોલતા લોકોની બહુમતીવાળા જિલ્લાને ભેળવીને અલગ રાજ્ય બનાવવાની માગ હાથ ધરવામાં આવી.

1956માં અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસની કચેરીની બહાર અલગ રાજ્યની માગ સાથે દેખાવ કરી રહ્યા હતા. તે સમયે બૉમ્બે રાજ્યના મુખ્ય મંત્રી અને મૂળતઃ ગુજરાતી મોરારજી દેસાઈ ભાષાના આધારે રાજ્યના વિભાજનના વિરોધી હતા. તેમના આદેશથી પોલીસે તેમની ઉપર ગોળીબાર કર્યો.

જેના કારણે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. યાજ્ઞિક, દીનકર મહેતા તથા ધનવંત શ્રોફ સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને તેમને સાબરમતી જેલમાં ધકેલી દેવાયા.

મોરારજી દેસાઈએ શાંતિ માટે અઠવાડિયા સુધી અનશન કર્યાં. જેની સામે નાગરિકોએ 'જનતા કર્ફ્યુ' અમલમાં મૂક્યો અને સ્વૈચ્છાએ જ ઘરની બહાર ન નીકળ્યા. લગભગ સાડા પાંચ દાયકા પછી વર્ષ 2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'જનતા કર્ફ્યુ'નું મોડલ રાષ્ટ્રીયસ્તરે લાગુ કર્યું અને કોરોનાની સાંકળને તોડવા માટે એક દિવસ માટે સ્વૈચ્છાએ જ બહાર નહીં નીકળવા આહ્વાન કર્યું.

નહેરુ ઇચ્છતા હતા કે ગુજરાતી બોલનારાઓ માટે ગુજરાત, મરાઠી બનોલનારાઓ માટે મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્ય અસ્તિત્વમાં આવે, જ્યારે આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન બૉમ્બે કેન્દ્રને હસ્તક રહે. બાદમાં ડાંગ ગુજરાતને અને બૉમ્બે મહારાષ્ટ્રને મળ્યા, જે આગળ જતાં મુંબઈ બન્યું.

ગુજરાતની જીવાદોરી

જવહારલાલ નહેરુ માનતા હતા કે 'ડૅમો અને કારખાના આધુનિક ભારતના મંદિર છે.'

હાલમાં પંજાબ અને હિમાચલ પ્રદેશની સીમા ઉપર આવેલા ભાખરા નાંગલ ડૅમના નિર્માણનું કામ નવેમ્બર-1955માં શરૂ થયું ત્યારે તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ડૅમને 'શ્રમિકો દ્વારા ભારતની જનતાને તથા આવનારી પેઢીઓને ભેટ' ગણાવી હતી.

આવી જ એક ભેટ તેમણે ગુજરાતને આપી હતી. હાલના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે તેમણે નર્મદા નદી ઉપર ડૅમનું ખાતમૂહર્તુ તા. પાંચમી એપ્રિલ, 1961ના હાથ ધર્યું હતું.

અનેક કાયદાકીય, પર્યાવરણીય, રાજકીય ગૂંચવણો અને વિવાદો બાદ ડૅમે આજનું સ્વરૂપ ધારણ કર્યું છે. સપ્ટમેમ્બર-2019માં ડેમે તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.

ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને આ યોજનાની ઉત્પન્ન થતી વીજળી કે પાણીનો લાભ મળે છે. 'સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન' (સૌની) અને કેનાલના નેટવર્ક યોજના દ્વારા તે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડે છે.

પાછળથી ડૅમમાં આવેલા સાધુ બેટ ખાતે સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટર ઊંચું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું છે. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આસપાસમાં, સફારી, હોટલ, ટેન્ટ સિટી, ગાર્ડન, બટરફ્લાય પાર્ક, કૅકટસ પાર્ક જેવા અનેક આકર્ષણ પણ ઊભા કરવામાં આવ્યા છે. નહેરુએ ગુજરાતને આપેલી આ કદાચ બીજી સૌથી મોટી ભેટ હતી, જે આજે 'જીવાદોરી' તરીકે ઓળખાય છે.

ગુજરાતણ દ્વારા લગ્નનો પ્રસ્તાવ

તત્કાલીન બૉમ્બેના કમાઠીપુરામાં ગંગુબાઈ નામ મહિલા હતાં, જે કોઠેવાલી મેડમ (વેશ્યાલયનાં માલકણ) તરીકે ઓળખાતાં હતાં. તેમનું મૂળ નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું અને તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો.

ગંગાને તેમના એકાઉન્ટન્ટ રમણીકલાલ સાથે પ્રેમ થઈ ગયો, પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. આથી, બંને ભાગીને બૉમ્બે આવી ગયાં. અહીં રમણીકે ગંગાને એક કોઠા ઉપર વેચી દીધાં.

જ્યારે ગંગાને આ વાતની અનુભૂતિ થઈ, ત્યારસુધીમાં મોડું થઈ ગયું હતું. તેમને અંદાજ હતો કે હવે ક્યારેય તેઓ પરિવાર પાસે પરત નહીં ફરી શકે. એટલે તેમણે કમાઠીપુરામાં જ રહીને સેક્સવર્કર તરીકે કામ શરૂ કરી દીધું.

જેમ-જેમ સમય પસાર થતો ગયો, તેઓ કમાઠીપુરા રેડલાઇટ એરિયાનાં વડાં બની ગયાં. 'ગંગા'થી 'ગંગૂ' અને 'ગંગૂ'થી 'મૅડમ' સુધીની આ સફર હતી. 1960 તથા '70ના અરસામાં તેમણે સૅક્સ વર્કરના ઉત્થાન માટે અનેક કામ કર્યાં.

એક વખત ગંગુબાઈ તથા તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુની મુલાકાત થઈ હતી. એ ઘટના અંગે મુંબઈના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર હુસૈન ઝૈદી તેમના પુસ્તક 'માફિયા ક્વિન્સ ઑ મુંબઈ'માં એ ઘટનાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે:

કમાઠીપુરા વિસ્તારમાં 'સૅન્ટ ઍન્થોની ગર્લ્સ હાઈસ્કૂલ' શરૂ થઈ હતી. એવી માગ થવા લાગી હતી કે આસપાસના વેશ્યાલયોને બંધ કરી દેવામાં આવે, કારણ કે તેના કારણે બાળકીઓના માનસ ઉપર નકારાત્મક અસર થશે.

લગભગ એક સદીથી કમાઠીપુરા વિસ્તારમાં રહેલી મહિલાઓની ઉપર આને કારણે નકારાત્મક અસર પડે તેમ હતી. ગંગુબાઈએ આ મુદ્દો ઉઠાવ્યો અને ઉપર સુધી રજૂઆત કરવાનો નિર્ધાર કર્યો. પોતાના રાજકીય ઓળખીતાઓની મદદથી તત્કાલીન વડા પ્રધાન જવાહરાલ નહેરુ સાથે મુલાકાતનો સમય માગ્યો.

આ મીટિંગ ક્યારેય સત્તાવાર રીતે નોંધાઈ ન હતી. એ મુલાકાત દરમિયાન ગંગુબાઈની સજગતા તથા સ્પષ્ટ વિચારોને જોઈને નહેરુ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નહેરુએ તેમને પૂછ્યું હતું કે તેઓ આ વ્યવસાયમાં શા માટે આવ્યાં. તેઓ કોઈ સારી નોકરી કરી શક્યાં હોત કે સારો પતિ મળી ગયો હોત.

તેના જવાબમાં ગંગુબાઈએ તરત નહેરુ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે જો નહેરુ પત્ની તરીકે સ્વીકાર કરવા તૈયાર થાય તો તેઓ આ વ્યવસાય છોડી દેશે.

આ વાત સાંભળીને નહેરુ હેબતાઈ ગયા હતા, તેમણે ગંગુબાઈના નિવેદન સાથે અસહમતી દર્શાવી હતી. ત્યારે ગંગુબાઈએ કહ્યું, "પ્રધાન મંત્રી નારાજ ન થશો. હું માત્ર મારી વાતને સાબિત કરવા માગતી હતી. વાસ્તવમાં સલાહ દેવી સહેલી છે, પરંતુ તેને ખુદ લાગુ કરવી મુશ્કેલ છે."

એ પછી નહેરુ કંઈ ન બોલ્યા. મુલાકાતને અંતે નહેરુએ વાયદો કર્યો કે ગંગુબાઈની માગણીઓ ઉપર વિચાર કરવામાં આવશે. વડા પ્રધાન નહેરુએ ખુદ આ મામલે દખલ દીધી અને કમાઠીપુરાના વેશ્યાલયોને હઠાવવાનું ક્યારેય ન થઈ શક્યું.

સંજય લીલા ભણસાલીએ ગંગુબાઈના જીવન ઉપર ગંગુબાઈ કાઠિયાવાડી નામની ફિલ્મ બનાવી રહ્યાં છે, જેમાં આલિયા ભટ્ટ શિર્ષક ભૂમિકા ભજવી રહ્યાં છે.

ગુજરાતીએ રોકડું પરખાવ્યું

કહેવાય છે કે ગુજરાત જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું, ત્યારે જવાહરલાલ નહેરુ રાજકોટ આવ્યા હતા.

ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ મુજબ આયોજકો નહેરુને ઉર્દૂ શૅર-શાયરી સંભળાવવા માગતા હતા. એ સમયે અમૃતલાલ લાલજી ભટ્ટ નામના શાયરનો વારો આવ્યો. તેમણે કહ્યું: "હજૂર, હમ તો અપની માદરી જબાન ગુજરાતી મેં કલામ કહતે હૈ. શાયદ હજૂર કો સમજ મેં ન આયે તો ખતા માફ કિજિયેગા."

તરત જ નહેરુએ જવાબ આપ્યો, "અરે હમ તો બાપુ કે સાથ બરસો રહે હૈ. ઉનકી જુબાન સિર્ફ સમજતા નહીં હું. બોલ ભી શકતા હું." એ સમયે શાયરે કહ્યું: જૂનું પણ મકાન તો આપો. ધૂળ જેવુંય ધાન તો આપો.

સાવ જૂઠ્ઠું શું કામ બોલો છો? કોક સાચી જબાન તો આપો.

આ સાંભળીને નહેરુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે કહ્યું, "ઐસા ક્યોં કહતે હો?" ત્યારે કવિ અમૃતલાલ લાલજી ભટ્ટે જવાબ આપ્યો, "કવિ જનતા કા મુખ હૈ, ઉસે જનતા કા દુખ બયાન કરના ચાહિયે."

નહેરુએ સ્થિતિને સંભાળતા કહ્યું, "ઝરૂર શાયર કા ફર્ઝ હૈ, લેકિન ક્યા મુલ્કને તરક્કી નહીં કી હૈ?" ત્યારે કવિએ કહ્યું કે આઝાદીને આટલો સમ થઈ ગયો છતાં મારા ઘર પાસે ગટર નથી બની.

એ શાયર અમૃતલાલ લાલજી ભટ્ટ, જે મુશાયરા તથા કવિસંમેલનોમાં 'અમૃત ઘાયલ' તરીકે વિખ્યાત છે.

ગુજરાત રિફાઇનરી

મે-1963માં ગુજરાતના વડોદરા જિલ્લાના કોયલી ખાતે નહેરુએ ગુજરાત રિફાઇનરીનો પાયો નાખ્યો. જેનું નિર્માણ સોવિયેટ સંઘની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. 1966માં શરૂ થયેલી આ રિફાઇનરી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનની ટોચની રિફાઇનરીમાંથી એક છે.

કંપનીના પ્રચારસાહિત્ય મુજબ, વાર્ષિક બે મિલિયન મેટ્રિક ટનથી રિફાઇનરી શરૂઆત કરવામાં આવી હતી, આજે તેની ક્ષમતા વાર્ષિક 13.7 એમએમટીની છે. તે હરિયાણાના પાણીપત ખાતે આવેલી રિફાઇનરી પછી બીજા નંબરની સૌથી મોટી રિફાઇનરી છે.

વડોદરાના આર્થિક અને માળખાકીય વિકાસમાં આ રિફાઇનરીનું પણ પ્રદાન છે. આજે લગભગ 200 જેટલા નાના-મોટા ઉદ્યોગ તેના ઉપર નભે છે. તે મધર ઇન્ડસ્ટ્રી છે.

ગુજરાત રિફાઇનરીએ દેશની જટિલ રિફાઇનરીઓમાંથી એક છે, જ્યાં 40 જેટલા ઑપરેટિંગ યુનિટ્સ આવેલા છે. આજે લગભગ 150 એકર વિસ્તારમાં ફેલાયેલી આ રિફાઇનરીમાં એલપીજી, પેટ્રોલ, ડિઝલ ઉપરાંત વિમાન માટેનું તથા દરિયાઈ જહાજ માટેના વિશિષ્ટ ઇંધણનું ઉત્પાદન થાય છે.

કંપની ભારત સ્ટાન્ડર્ડ VI મુજબ ઇંધણનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે અને વાર્ષિક 18 એમએમટીની ઉત્પાદનક્ષમતા હાંસલ કરવા માગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો