ઇંદિરા-ફિરોઝ ગાંધી વચ્ચે ક્યારથી અને કેમ તણાવ સર્જાયો?

    • લેેખક, બર્ટિલ ફાલ્ક
    • પદ, લેખક

ઇંદિરા ગાંધી અને તેમના પતિ ફિરોઝ ગાંધી વચ્ચેના સંબંધના તાણાવાણા ઘણા ગૂંચવાયેલા હતા.

જોકે, ફિરોઝનાં મોત બાદ એક પત્રમાં ઇંદિરાએ જણાવ્યું હતું કે તેમને જરૂર હતી ત્યારે ફિરોઝ તેમની પડખે ઊભા રહ્યા હતા.

ઇંદિરા તેમનાં બન્ને બાળકોને લઈને લખનૌ સ્થિત પોતાનું ઘર છોડીને આનંદ ભવનસ્થિત પોતાના પપ્પાને ઘરે રહેવા ગયાં ત્યારે તેમની અને ફિરોઝની વચ્ચે તણાવ સર્જાયો હતો.

એ કદાચ યોગાનુયોગ ન હતો. એ વર્ષે એટલે કે 1955માં ફિરોઝે કોંગ્રેસ પાર્ટીમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કર્યું હતું.

ઇંદિરા એ જ વર્ષે પક્ષની કાર્યકારી સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિનાં સભ્ય બન્યાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

એ વર્ષોમાં સંસદમાં કોંગ્રેસનું જ વર્ચસ્વ હતું, વિરોધ પક્ષોનું કદ નાનું હતું એટલું જ નહીં તેઓ ઘણા નબળા પણ હતા.

નવા રચાયેલા ભારતીય ગણતંત્રમાં એ કારણે એક પ્રકારનો ખાલિપો હતો.

ફિરોઝ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા પરિવારથી ઘણા નજીક હતા, તેમ છતાં તેઓ વિરોધપક્ષના અનૌપચારિક નેતા અને યુવા દેશના પહેલા વ્હિસલબ્લૉઅર બની ગયા હતા.

તેમણે ઘણા ભ્રષ્ટ લોકોનો પર્દાફાશ સાવધાનીપૂર્વક કર્યો હતો. એ કારણે ઘણાએ જેલમાં જવું પડ્યું હતું.

વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને નાણા પ્રધાને પણ રાજીનામું આપવું પડ્યું હતું.

સસરા જવાહરલાલ નેહરુ જમાઈ ફિરોઝથી ખુશ ન હતા.

ઇંદિરાએ પણ તેમના પતિનાં મહત્વપૂર્ણ કામોનાં વખાણ સંસદમાં ક્યારેય કર્યાં ન હતાં.

ફિરોઝ પહેલી વ્યક્તિ હતા જેણે ઇંદિરાની પોતાનો કક્કો ખરો કરાવવાની પ્રકૃતિને ઓળખી લીધી હતી.

1959માં ઈંદિરા કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં ત્યારે તેમણે કેરળની ચૂંટાયેલી પહેલી સામ્યવાદી સરકારને ઉથલાવીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું સુનિશ્ચિત કર્યું હતું.

આનંદ ભવનમાં નાસ્તાના ટેબલ પર ફિરોઝે એ કામ માટે ઇંદિરાને ફાસીવાદી કહ્યાં હતાં.

એ વખતે જવાહરલાલ નેહરુ પણ ત્યાં હાજર હતા.

એ પછીના એક ભાષણમાં તેમણે લગભગ કટોકટીનો સંકેત આપી દીધો હતો.

ફિરોઝ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રખર ટેકેદાર હતા.

એ સમયે સંસદમાં કંઈ પણ કહી શકાતું હતું, પણ કોઈ પત્રકાર એ વિશે કંઈ કહે કે લખે તો તેને સજા કરી શકાતી હતી.

એ સમસ્યાના અંત માટે ફિરોઝે એક ખાનગી ખરડો રજૂ કર્યો હતો.

એ ખરડો બાદમાં કાયદો બન્યો હતો, જેને ફિરોઝ ગાંધી લોના નામે ઓળખવામાં આવે છે.

એ કાયદાની રચનાની કથા દિલચસ્પ છે.

ફિરોઝ ગાંધીનાં મોતનાં પંદર વર્ષ પછી ઇંદિરાએ કટોકટીની જાહેરાત કરી હતી અને તેમના પતિના નામે બનેલા કાયદાને એક રીતે કચરાના ડબ્બામાં ફેંકી દીધો હતો.

એ પછી જનતા સરકારે એ કાયદો ફરી અમલી બનાવ્યો હતો અને આજે આપણે બે ટેલિવિઝન ચેનલો મારફત ભારતીય સંસદની કાર્યવાહી નિહાળી શકીએ છીએ.

આ રીતે ફિરોઝ ગાંધીનો પ્રયાસ અમર થઈ ગયો છે.

ફિરોઝ અને ઇંદિરા વચ્ચે લગભગ દરેક બાબતમાં વાદ-વિવાદ થતો હતો.

બાળકોના ઉછેર બાબતે બન્ને અલગ-અલગ અભિપ્રાય ધરાવતાં હતાં.

રાજકારણ વિશેનાં તેમના વિચારો પણ એકમેકથી અલગ હતા.

ઇંદિરા ગાંધી સાથે ગાઢ સંબંધ ધરાવતાં મેરી શેલવનકર સાથે મેં વાત કરી હતી.

મેરીએ મને કહ્યું હતું, ''ઇંદિરા અને હું લગભગ દરેક મુદ્દે ચર્ચા કરતાં હતાં. એ ચર્ચા મૈત્રીના સ્તરે થતી હતી."

"દરેક વ્યક્તિને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ એવું હું માનતી હતી, પણ ઇંદિરા પર મધર ઈન્ડિયાની ઈમેજનો મોટો પ્રભાવ હતો."

"બધી તાકાત પોતાના હાથમાં રહે એવું ઇંદિરા ઇચ્છતાં હતાં. તેઓ ભારતના સંઘીય માળખાનાં વિરોધી હતાં."

"તેઓ માનતાં હતાં કે સંઘીય માળખા પર આધારિત રાષ્ટ્ર બનવા માટે ભારત પૂરતું વિકસ્યું નથી.''

મેરે શેલવનકરે ઉમેર્યું હતું, "ફિરોઝ તેમનાથી અલગ વિચાર ધરાવતા હતા."

"1950ના દાયકામાં નવી દિલ્હીમાં હું ફિરોઝ ગાંધીને બે-ત્રણવાર જ મળી હતી."

"હું એમનો ગાઢ પરિચય કેળવી શકી ન હતી, કારણ કે ઇંદિરા એવું ન ઇચ્છતા હોવાનું મને લાગતું હતું."

જોકે, ઇંદિરા સાથે થયેલી ચર્ચાને આધારે હું એટલું સમજી શકી હતી કે ફિરોઝ ભારતના સંઘીય માળખાના ટેકેદાર હતા અને સત્તાના કેન્દ્રીકરણના વિરોધી હતા.''

ફિરોઝ ગાંધીનો રાજકીય વારસો ખતમ કરવામાં ઇંદિરા સફળ થયાં એ સ્વાભાવિક છે.

આમ છતાં બન્નેમાં એક બાબત સામાન્ય હતી અને એ હતી બાગ-બગીચા માટેનો તેમનો પ્રેમ.

જવાહરલાલ નેહરુ અહમદનગર ફોર્ટ જેલમાં કેદ હતા ત્યારે ઈંદિરાએ તેમને એક પત્ર લખ્યો હતો.

બાગ-બગીચા માટે ફિરોઝે કરેલી મહેનતને ઇંદિરાએ એ પત્રમાં વખાણી હતી.

આનંદ ભવનથી 22 નવેમ્બર, 1943ના પત્રમાં તેમણે લખ્યું હતું, ''હું હમણાં બગીચામાંથી આવી રહી છું."

"થોડા મહિના પહેલાં ત્યાં ઘાસનું જંગલ હતું, પણ હવે બગીચાના ઘાસને કાપી નાખવામાં આવ્યું છે."

"ફૂલોના છોડ એક લાઇનમાં લગાવવામાં આવ્યા છે, જે બહુ સુંદર લાગે છે."

"આ બધું ફિરોઝને કારણે થયું છે. તેમણે બગીચાની જવાબદારી લીધી ન હોત તો હું શું કરી શકી હોત તેની ખબર નથી."

"હું કંઈ કરી શકી ન હોત એટલી તો મને ખબર જ છે.''

ફિરોઝ ગાંધીની બેવફાઈ વિશે અફવા ફેલાઈ હતી અને કેટલાક લોકો ઇંદિરા સાથેના તેમના સંબંધ વિશે પણ વાતો કરવા લાગ્યા હતા.

જોકે, ભારતના વિકાસ માટે ફિરોઝ અને ઈંદિરાની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં એ ગોસિપ ક્યારેય પ્રાસંગિક લાગી ન હતી.

તેઓ એકમેકની સાથે પૂરી રીતે જોડાયેલાં હતાં અને પ્લસ-માઈનસ રિલેશનશીપમાં ગૂંચવાયેલાં હતાં.

ફિરોઝે કેરળના કિસ્સામાં જે પ્રતિભાવ આપ્યો હતો એ ઇંદિરા માટે ચેતવણી સમાન હતો એવું લાગે છે.

તેમણે તેમનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું.

ફિરોઝ અને ઇંદિરા તેમની બન્ને દીકરાઓ સાથે એક મહિનો વેકેશન માણવા કશ્મીર ચાલ્યાં ગયાં હતાં.

રાજીવ ગાંધીના જણાવ્યા અનુસાર તેમના મમ્મી-પપ્પા વચ્ચે જે મતભેદ હતા એ કશ્મીરના વેકેશન દરમ્યાન ભૂલી જવામાં આવ્યા હતા.

એ પછી હાર્ટઅટેકને કારણે ફિરોઝ ગાંધીનું મૃત્યુ થયું હતું.

(બર્ટિલ કાલ્ફ સ્વીડનમાં રહે છે. તેમણે ફિરો ગાંધી વિશે એક પુસ્તક લખ્યું છે, જે તેમના વિશે લખાયેલી એકમાત્ર જીવનકથા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો