You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિગેડિયર કુલદીપ સિંઘ ચાંદપુરી પર બનેલી બૉર્ડર ફિલ્મ કેટલી સાચી?
ભારતીય સૈન્યના બ્રિગેડિયર (રિટાયર્ડ) કુલદીપ સિંઘ ચાંદપુરી મૃત્યુ પામ્યાં છે.
પરિવારનાં જણાવ્યાં પ્રમાણે, બ્રિગેડિયર ચાંદપુરી 78 વર્ષના હતા અને શુક્રવારે સવારે નવ વાગ્યે એમણે અંતિમશ્વાસ લીધા હતા.
1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ યુદ્ધના નાયક હતા.
તેમની પાસે માત્ર 120 જવાન હતા, જ્યારે પાકિસ્તાન પાસે સમગ્ર ટેન્ક રેજિમૅન્ટ હતી, છતાં તેને ધૂળ ચટાડી હતી.
ભારતીય સૈન્યમાં એમનાં ઉત્તમ પ્રદર્શન માટે એમને 'મહાવીર ચક્ર' અને 'વિશિષ્ટ સેવા ચક્ર' પણ મળ્યાં છે.
'આઘાતજનક સમાચાર'
પંજાબનાં મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું, "બ્રિગેડિયર કે. એસ. ચાંદપુરીના નિધન અંગે જાણીને દુઃખ થયું. તે લોંગેવાલા યુદ્ધના નાયક હતા. તેના નિધનથી દેશને મોટી ખોટ પડી છે. હું પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરું છું."
આમ આદમી પાર્ટીનાં લીડર અને વરિષ્ઠ પત્રકાર કંવર સંદ્ધુએ એમનાં ટ્વિટમાં લખ્યું, ''વિખ્યાત હીરો કુલદીપસિંઘ ચાંદપુરીના મૃત્યુનાં સમાચારથી દેશે શૂરવીર પુત્ર ગુમાવ્યો છે. એમની સાથે વિતાવેલો સમય સદાય મારા હૃદયમાં રહેશે. સર, તમને સલામ!''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોર્ડર ફિલ્મ અંગે બ્રિગેડિયરના વિચાર
બીબીસીનાં પત્રકાર સરબજીત સિંઘ ઢાલિવાલ સાથે કુલદીપ સિંઘ ચાંદપુરીની થોડા સમય પહેલાં બોર્ડર ફિલ્મ પર વાતચીત થયેલી.
જેમાં એમણે કહ્યું હતું, ''આ ફિલ્મ એક સામાન્ય નાગરિક જે. પી. દત્તા દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં જે બધું દેખાડ્યું છે એમાં અને હકીકતમાં જે બન્યું એમાં ઘણાં તફાવત છે.''
''યુદ્ધમાં જે બન્યું એમાં ઘણી બધી બાબતો એવી હતી કે જે કોઈ દિગ્દર્શક કે નિર્માતા ફિલ્મમાં ના દર્શાવી શકે, કારણ કે યુદ્ધની એવી ઘણી બધી બાબતો હતી, જે સામાન્ય જનતા સમક્ષ રજૂ ના કરી શકાય.''
બ્રિગેડિયર ચાંદપુરી ઉમેરે છે, ''જ્યાં સુધી ફિલ્મ બોર્ડરની વાત છે, તો એમાં ભારતીય સૈન્ય હોય કે હવાઈ દળ, તેના જે કોઈ દૃશ્ય દર્શાવાયા છે, તે બધાં જ સરકાર દ્વારા પ્રમાણિત કર્યાં બાદ દર્શાવવામાં આવ્યાં છે.''
''પણ એ સિવાયનાં દ્રશ્યો જે દેખાડ્યાં છે, જેમાં એ ડાન્સ કરે છે હકીકતે એવું કંઈ જ હોતું નથી.''
''સૈનિકો વચ્ચે કોઈ પણ પ્રકારની લડાઈ ન હતી, જે ફિલ્મમાં દેખાડ્યું છે પણ એ ખોટું છે.''
બ્રિગેડિયર ચાંદપુરી વિષે
બ્રિગેડિયર ચાંદપુરી 22મી નવેમ્બરના રોજ 1940માં અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં જન્મ્યા હતા, જે હાલ મોન્ટગોમરી નામે પાકિસ્તાનમાં છે .
1947નાં ભારત-પાકિસ્તાન ભાગલા બાદ એમનો પરિવાર પંજાબનાં બાલાચોર વિસ્તારના ચાંદપુર ગામે વસ્યો.
કુલદીપસિંઘ ચાંદપુરીએ હોશિયારપુર સ્થિત સરકારી કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી લીધી અને 1962માં પંજાબ રેજિમૅન્ટમાં લેફ્ટનન્ટ તરીકે ભારતીય સૈન્ય સાથે જોડાયાં.
ચંદીગઢમાં પ્રથમ લશ્કરી સાહિત્ય ફેસ્ટિવલના પ્રસંગે, મહાવીર ચક્ર વિજેતા બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરી બીબીસીના પત્રકાર અરવિંદ છાબડા અને સરબજીત સિંઘ સાથે વાત કરી રહ્યા છે.
એમની બહાદુરી ભારતનાં 1965 અને 1971 યુદ્ધમાં જોવા મળે છે. બ્રિગેડિયર ચાંદપુરીએ સંયુક્ત રાષ્ટ્રની તત્કાળ સેવાઓમાં પણ ઘણાં વર્ષો સુધી ફરજ બજાવી છે.
બોર્ડર ફિલ્મ ચાંદપુરી અને એમના સાથીઓ પર બનાવવામાં આવી હતી, જેમાં લોંગેવાલા પોસ્ટમાં એમની બહાદુરીની ઝલક જોવા મળે છે. મેજર ચાંદપુરીનો પાત્ર ફિલ્મમાં સન્ની દેઓલે નિભાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો