નમો ઍપના ડેટાથી ચૂંટણી જીતી શકાય?

    • લેેખક, પ્રજ્ઞા માનવ
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્રાઇવેટ ઍપ્લિકેશન્સ વિશ્લેષણ માટે, તેના કન્ઝ્યુમર (વપરાશકર્તા)ના ડેટાબેઝને વિદેશી કંપની સાથે શૅર કરે છે તો તેમાં કશું જ ગેરકાયદેસર નથી.

બસ શરત એટલી જ છે કે ઍપએ આ ડેટા તેના કન્ઝ્યુમરની પરવાનગીથી એકઠો કરેલો હોવો જોઇએ.

આ જ કારણ છે કે વડાપ્રધાન મોદીની સત્તાવાર ઍપ્લિકેશન 'NaMo' ચર્ચામાં છે.

મીડિયા અહેવાલો અનુસાર, NaMo ઍપ લોકોની પરવાનગી વિના તેના વપરાશકર્તાઓની માહિતી બહારની કંપનીઓ સાથે શૅર કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

જો કે, ભાજપે આ આરોપોને મૂળથી નકારી કાઢ્યાં છે.

પરંતુ સવાલ ઊભા થઈ રહ્યાં છે કે શું કોઈ પણ રાજકીય પક્ષ ઍપ અથવા તો સોશિયલ મીડિયાની માહિતીના આધારે ચૂંટણીમાં ફેરફાર કરી શકે છે?

મીડિયાનામાના તંત્રી નિખિલ પાહવાને લાગે છે કે આ બધું થઈ શકે છે.

શું ડેટાથી ચૂંટણી જીતી શકાય?

નિખિલ સમજાવે છે 2016 ની યુ.એસ. ની ચૂંટણી દરમિયાન, એવા અહેવાલો હતા કે કેટલાક આફ્રિકન-અમેરિકન લોકોને એક નકલી વેબસાઇટની લિન્ક મોકલી દેવામાં આવી.

"તેમને એ લિંકમાં કહેવામાં આવ્યું હતું કે તમારે વોટ આપવા ક્યાંય જવાની જરૂર નથી. આ સાઇટ પર તમે મતદાન કરી શકો છો."

"આવા કિસ્સાઓમાં, જે મતદારોએ તેમના મત આ લિન્ક દ્વારા આપ્યા તેમના મત બાતલ ગયા હતા."

આ સાથે નિખિલ એ પણ સ્પષ્ટ કરે છે, "અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી આવ્યા કે ભાજપે NaMoની ઍપનો દુરુપયોગ કર્યો હોય. પરંતુ કૅમ્બ્રિજ ઍનાલિટિકા મામલા પછી ડેટા સુરક્ષાની ચિંતા કરવી વાજબી છે."

કૅમ્બ્રિજ ઍનાલિટિકા એક બ્રિટીશ કંપની છે જેના પર આરોપ છે કે એણે ફેસબુક દ્વારા કરોડો લોકોના ડેટા ચોરી કરી તેનો ઉપયોગ 2016ની અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.

તમને ખબર પણ નહીં પડે કે તમારો ઉપયોગ થઈ રહ્યો છે

એવું કહેવાય છે કે કૅમ્બ્રિજ ઍનાલિટિકાએ વ્યક્તિની પર્સનાલિટીવાળું એક ક્વિઝ બનાવી હતી.

પછી તેને ફેસબુક પર લૉન્ચ કરવામાં આવી. લાખો ફેસબુક યુઝર્સ આ ક્વિઝ રમ્યાં હતા અને અજાણતા જ તેમણે તેમના વ્યક્તિત્વના મહત્ત્વના પાસાં ક્વિઝ દ્વારા શૅર કર્યા હતા.

નિખિલના જણાવ્યા મુજબ, "કોણ અંતર્મુખી છે, કોણ બોલકું છે, કોની શું પસંદ છે, કોની કંઈ જાતિ છે, નામ, સ્થળ, ઈમેલ, બધુ જ શૅર થઈ ગયું.”

"આવી સ્થિતિમાં, વિરોધીઓને ઓળખી શકાય છે, અફવાઓ ફેલાવી શકાય છે, એક ચોક્કસ જૂથને લક્ષમાં લઈ શકાય છે."

"ફેક ન્યૂઝ મોકલી લોકોને કોઈ ચોક્કસ નેતા માટે પ્રભાવિત કરી શકાય છે અથવા તો ભડકાવી શકાય છે."

"ઉદાહરણ તરીકે, હિલેરીના સમર્થકને તેમની વિરુદ્ધ એવા સમાચાર મોકલી શકાય છે જેથી કરીને તેઓ હિલેરી પર શંકા કરવાનું શરૂ કરે."

નિખિલ આગળ જણાવે છે, " તમારા સ્ટેટસ, કમેન્ટ, મેસેજમાં તમે જે કંઈ પણ લખો છો તેનાથી તમારા વ્યક્તિત્વ વિશે ઘણું જાણી શકાય છે."

"જેનો ફાયદો ઉઠાવી શકાય છે. જેમ કે એ ખબર પડી જાય કે એક વ્યક્તિને તેની ભાષા માટે ખૂબ જ પ્રેમ છે."

"તો તમે તેના ભાષા પ્રેમને દેશ પ્રેમ સાથે જોડીને તેને ઉશ્કેરી શકો છો."

"એ વ્યક્તિને તે ખબર પણ નહીં પડે કે તેની સાથે જૂઠું બોલવામાં આવી રહ્યું છે અને તેનો ઉપયોગ થઈ રહ્યો છે."

રાજનીતિમાં આ પ્રકારની વાડાબંધી અને શબ્દોની હેરાફેરી ખૂબ મદદ કરે છે.

રાજનીતિમાં સાયબર સેના

NATA ડેટા સ્થાપક એચ. આર. વેંકટેશ કહે છે કે "યૂઝર ડેટાનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે. માત્ર રાજકીય પક્ષો પાસે પૈસા હોવા જોઇએ."

સાયબર વકીલ વીરાગ ગુપ્તાના જણાવ્યા મુજબ, સમસ્યા એ છે કે રાજકીય પક્ષોની આ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાતી નથી.

"આજકાલ બધા જ રાજકીય પક્ષો સાયબર સેના બનાવી રહ્યા છે. ડેટાના ઉપોયગ અને તેના વપરાશ પર કોઈ પારદર્શિતા નથી."

એવામાં આપણા ડેટાને સુરક્ષિત રાખવાની જવાબદારી ખુદ આપણી છે?

નિખિલના જણાવ્યા મુજબ, "એક ટૉર્ચ ચાલુ કરનારી ઍપ્લિકેશનને તમારા મોબાઇલમાં ઍક્સેસ આપવાની શું જરૂર છે? "

"લોકો દરેક ઍપ્લિકેશનને તેમના સંપર્કોની ઍક્સેસ આપી દે છે. આનાથી બચવું જોઈએ. "

"માઇક્રોફોન અને કૅમેરાની ઍક્સેસ આપતી વખતે ખૂબ કાળજી રાખો. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ તેમના લેપટોપના કૅમેરા અને માઇક્રોફોન પર સ્ટીકર મૂકીને રાખે છે."

ઍપ ડાઉનલૉડ કરતા પહેલા વિચારો

વેંકટેશની સલાહ મુજબ, "ઍપ્લિકેશનનો ઉપયોગ કરવાનો ટાળવો જોઇએ. જો તમારે કોઈ પણ ઍપની જરૂરિયાત હોય તો ડાઉનલોડ કરતા પહેલા ધ્યાનપૂર્વક વિચારો."

"સામાન્ય રીતે, એક સ્માર્ટ ફોનમાં 17 થી 20 ઍપ્લિકેશન્સ સ્ટોર કરી શકાય છે. પરંતુ લોકો પચાસ ઍપ્લિકેશન્સ ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરે છે તેમને ખ્યાલ નથી આવતો કે તેમનો ડેટા તે તમામ ઍપ્લિકેશન્સ પર જઈ રહ્યો છે."

"લોકો ફેસબુક પર જઈ તમામ થર્ડ પાર્ટી ઍપને આપેલી પરવાનગી ડિલીટ કરી દેવી જોઇએ."

"કેન્ડી ક્રશ જેવી રમતો રમવાનું ટાળવું જોઇએ કારણ કે આ બધી જ થર્ડ પાર્ટી ઍપ છે."

"ફેસબુક પર તમારા વ્યક્તિગત જીવન વિશે ઓછામાં ઓછી માહિતી પોસ્ટ કરો”

"જેમ કે હું ફેસબુક પર મારા પરિવારના લોકોના ફોટા ફેસબુક પર ક્યારેય પોસ્ટ નથી કરતો.”

“હું ફેસબુકને નથી કહેવા ઇચ્છતો મારો પુત્ર આવો દેખાય છે અને તેનું નામ શું છે."

"અમને ખબર નથી અમારી એ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે."

"તેવી જ રીતે લોકોએ શોપિંગ કરતી વખતે તેમના ફોન નંબર અને ઇમેલ એડ્રેસ આપવાનું ટાળવું જોઈએ."

“ગૂગલ પણ એ વાત માની ચૂક્યું છે કે Gmail પર આવતા મેઇલ તે સ્કેન કરે છે.”

“તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ Google પર બેસી તમારા વ્યક્તિગત મેલ વાંચી રહી છે પરંતુ આ કંપનીઓ કીવર્ડ શોધી તમામ ઇમેલ્સ તપાસે છે.”

“જેથી લોકોની પસંદગી અનુસાર પ્રોડક્ટ ફીચર બનાવી શકે. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો