ચીનનું સ્પેસ સ્ટેશન પૃથ્વી પર તૂટી પડશે

ચીનના બંદ થઈ ગયેલા સ્પેસ સ્ટેશનનો કાટમાળ ટૂંક સમયમાં પૃથ્વી પર પડી શકે છે. આ અંતરિક્ષ મથકનું નિરિક્ષણ કરી રહેલા વૈજ્ઞાનિકોએ આ વાત કહી છે.

ધ તિયાંગોંગ-1 ચીનના મહત્ત્વકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમનો ભાગ હતો. તેને ચીનના વર્ષ 2022 સુધીમાં અંતરિક્ષમાં માનવ સ્ટેશન સ્થાપિત કરવાના લક્ષ્યનો પ્રથમ તબક્કો પણ માનવામાં આવે છે.

આ અંતરિક્ષ મથકને વર્ષ 2011માં અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. પાંચ વર્ષ બાદ તેણે પોતાનું મિશન પૂરું કરી દીધું હતું. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે તે પાછું પૃથ્વી પર તૂટી પડશે.

એ ક્યારે અને ક્યાં પડશે, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, કારણ કે હવે તે નિયંત્રણની બહાર છે.

એક નવા અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે આ બંધ પડેલા સ્પેસ સ્ટેશનનો કાટમાળ 30 માર્ચથી બીજી એપ્રિલ વચ્ચે ધરતી પર પડી શકે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

મોટાભાગના અંતરિક્ષ મથકો અવકાશમાં જ સળગીને નષ્ટ થઈ જાય છે. પરંતુ કેટલોક કાટમાળ પોતાની સ્થિતિ જાળવી રાખે છે, જે પૃથ્વી પર પડે તેવો ભય રહે છે.

ક્યાં પડશે ચીનનું સ્પેસ સ્ટેશન?

ચીને વર્ષ 2016માં એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમનો સ્પેસ સ્ટેશન ધ તિયાંગોંગ-1 સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હવે તેને નિંયત્રિત કરવું તેમના માટે શક્ય નથી.

ધ યૂરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે, પૃથ્વી પર તેનો કાટમાળ ભૂમધ્ય રેખા પર 43 ડિગ્રી ઉત્તરથી 43 ડિગ્રી દક્ષિણ વચ્ચે પડી શકે છે.

એજન્સી ધ તિયાંગોંગ-1 વિશે સતત સૂચના આપતી રહી છે. આ વખતે એજન્સીનું એવું અનુમાન છે કે આ સ્પેસ સ્ટેશનનો કાટમાળ 30 માર્ચથી બીજી એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પ્રવેશ કરી શકે છે.

કેવી રીતે પડશે સ્પેસ સ્ટેશન?

સ્પેસ સ્ટેશનનો કાટમાળ ધીરે-ધીરે પૃથ્વીની નજીક આવી રહ્યો છે. ધ ઓસ્ટ્રેલિયન સેંટર ફોર સ્પેસ એંજિનીયરિંગ રિસર્ચના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. એલિયાસ અબાઉટેનિયસે બીબીસીને જણાવ્યું, "જેમ તે પૃથ્વીની 100 કિલોમીટર જેટલું નજીક આવશે, તે ગરમ થવા લાગશે"

તેમણે વધુમાં કહ્યું કે, મોટાભાગના સ્પેસ સ્ટેશન એ રીતે સળગીને નષ્ટ થઈ જાય છે અને "એ કહેવું મુશ્કેલ છે કે સ્પેસ સ્ટેશનનો કયો ભાગ બચશે, કારણ કે ચીને તેના સ્વરૂપ વિશે દુનિયાને નથી જણાવ્યું."

ડૉ. એલિયાસ કહે છે કે, જો તે વસતીવાળા વિસ્તારમાં રાતના સમયે સળગીને નષ્ટ થશે તો તેને ખરતા તારાની જેમ જોઈ શકાશે.

શું આપણે ચિંતા કરવી જોઈએ?

આપણે તેની જરા પણ ચિંતા ન કરવી જોઈએ કે આ સ્પેસ સ્ટેશન આપણી ઉપર પડશે.

કારણ કે વાતાવરણમાંથી પસાર થતી વખતે જ 8.5 ટન વજનના આ અંતરિક્ષ મથકનો મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ જશે.

શક્ય છે કે તેનો કોઈ ભાગ જેમકે, ફ્યૂઅલ ટેંક અથવા રૉકેટ એંજિન પૂર્ણ રીતે નષ્ટ ન થાય.

જો તે બચી પણ જાય તો તેમાં જાનમાનને નુકસાન થવાની શક્યતા ઓછી છે.

ધ યુરોપિયન સ્પેસ એજન્સીના અધ્યક્ષ હોલગર ક્રેગે કહ્યું, "મારું અનુમાન છે કે તેનાથી થનારા નુકસાનની શક્યતા એટલી જ છે, જેટલી અવકાશી વીજળી પડવાની શક્યતા હોય છે.

વીજળી પડવાને કારણે નુકસાન થવાની શક્યતા ઓછી જ રહે છે."

શું બધા જ અંતરિક્ષ મથકોનો કાટમાળ પૃથ્વી પર પડે છે?

ડૉ. એલિયાસ કહે છે કે, મોટાભાગનો કાટમાળ પૃથ્વી તરફ આવે છે અને તે સમુદ્ર અને વસતીવાળા વિસ્તારોથી દૂર સળગીને રાખ થઈ જાય છે.

સ્પેસ સ્ટેશન અને ક્રાફ્ટ વચ્ચે કોમ્યુનિકેશન જળવાયેલું હોય તો તેને ઇચ્છિત સ્થળે પાડી શકાય છે.

તેને દક્ષિણ પેસિફિક મહાસાગર અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ અમેરિકા વચ્ચે પાડવામાં આવે છે. આ 1500 વર્ગ કિલોમીટરના વિસ્તારને સ્પેસ ક્રાફ્ટ અને ઉપગ્રહોનું કબ્રસ્તાન કહેવાય છે.

ધ તિયાંગોંગ-1 શું છે?

ચીને વર્ષ 2001માં અંતરિક્ષયાન મોકલવાની શરૂઆત કરી અને પરિક્ષણ માટે તેમાં પ્રાણીઓને મોકલ્યાં. ત્યારબાદ વર્ષ 2003માં વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં પહોંચ્યા.

સોવિયત સંઘ અને અમેરિકા બાદ ચીન આમ કરનારો ત્રીજો દેશ હતો.

વર્ષ 2011માં ધ તિયાંગોંગ-1 સાથે ચીનના સ્પેસ સ્ટેશન કાર્યક્રમની શરૂઆત થઈ.

એક નાનું સ્પેસ સ્ટેશન વૈજ્ઞાનિકોને થોડા દિવસો માટે અંતરિક્ષમાં લઈ જવા માટે સક્ષમ હતું.

વર્ષ 2012માં ચીનનાં પ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી લિયૂ યાંગ અંતરિક્ષમાં ગયાં.

આ અંતરિક્ષ મથકે તેના નિર્ધારિત સમયના બે વર્ષ બાદ માર્ચ 2016માં કામ કરવું બંધ કર્યું. હાલમાં ધ તિયાંગોંગ-2 અંતરિક્ષમાં કામ કરી રહ્યું છે.

વર્ષ 2022 સુધીમાં ચીન તેની ત્રીજી આવૃતી અંતરિક્ષમાં મોકલશે, જેમાં વૈજ્ઞાનિકો રહી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો