જામનગરના ઍરબેઝથી ફાઇટર પ્લેન ઉડાડનાર અવનિને ઓળખો છો?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

આજ કાલ મહિલા ફાઇટર જેટ પાઇલટ અવની ચતુર્વેદીના નામની ચર્ચા થઈ રહી છે.

અવનિ ચતુર્વેદી ફાઇટર જેટ ઉડાડનારી પહેલી ભારતીય મહિલા પાઇલટ બની ગઈ છે.

જેના કારણે તેમના નામની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.

એમણે એકલા હાથે મિગ-21 બાઇસન વિમાન ઉડાડીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

જામનગર ઍરબેઝથી ઉડાન ભરી

અવનિએ એના માટે ગુજરાતના જામનગર ઍરબેઝથી ઉડાન ભરી અને પહેલીવારમાં જ તેઓ સફળ રહ્યાં.

આ રીતે ફાઇટર ઍરક્રાફ્ટ ઉડાડનારી પહેલી ભારતીય મહિલા પાઇલટ અવનિએ ઇતિહાસ રચી દીધો.

ફાઇટર પાઇલટ ઉડાડવાનો મતલબ છે કે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં અવનિ સુખોઈ જેવા યુધ્ધ વિમાન ઉડાડી શકે છે.

વર્ષ 2016માં અવનિની સાથે જ ભાવના કાંત અને મોહના સિંહને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

એક વર્ષ સુધી ત્રણેયને ફાઇટર પાઇલટની તાલીમ આપવામાં આવી.

પહેલી મહિલા ફાઇટર પાલટ

2016 પહેલાં ભારતીય હવાઇદળમાં મહિલાઓને ફાઇટર પ્લેન ઉડાડવાની પરવાનગી ન હતી.

પરંતુ પરવાનગી મળ્યાનાં બે વર્ષ પછી જ અવનિએ પહેલી મહિલા ફાઇટર પાઇલટ બન્યાનો ખિતાબ તેમના નામે કરી લીધો.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અવનિની પછીની બેચની ત્રણ મહિલાઓની પણ ફાઇટર પ્લેનની તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે.

અવનિનું બાળપણ

અવનિનું બાળપણ મધ્યપ્રદેશમાં રીવા પાસે એક નાનકડા ગામમાં વીત્યું છે. શરૂઆતનું ભણતર હિંદી માધ્યમમાં થયું.

અવનિના પિતા દિનાંકર ચતુર્વેદીએ કહ્યું, "નાનપણથી જ અવનિ ખૂબ જ શાંત સ્વભાવની હતી. તેને શિસ્તમાં રહેવું ગમતું હતું. મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે તેને પાઇલટ જ બનવું છે."

અવનિએ 10મા અને 12મા બન્ને બોર્ડની પરીક્ષામાં તેમની સ્કૂલમાં ટૉપ કર્યું હતું. એ પછી આગળ એન્જિનિયરિંગના ભણતર માટે તેઓ વનસ્થલી વિદ્યાપીઠ ગયાં હતાં.

અવનિના પિતા પોતે પણ એન્જિનિયર છે. તેમની માતા હાઉસ વાઇફ છે. એમનો મોટો ભાઈ ભારતીય સેનામાં છે.

કલ્પના ચાવલા આદર્શ

તો શું સેનામાં જવા માટે અવનિને ભાઈ પાસેથી પ્રેરણા મળી?

એના જવાબમાં દિનાંકર ચુતર્વેદીએ કહ્યું, ''ગ્રેજ્યુએશન સુધી અવનિને ખબર નહોતી કે તે પાઇલટ બનવા માંગે છે.''

દિનાંકર ચતુર્વેદીએ કહ્યું, "2003માં કલ્પના ચાવલાનાં મૃત્યુ પછી અવનિએ એમના વિશે વાંચ્યું ત્યારે પહેલીવાર એણે મને અંતરિક્ષમાં ઉડાન ભરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી."

અવકાશ યાત્રી કલ્પના ચાવલાના જીવનથી અવનિ સૌથી વધારે પ્રભાવિત છે.

તેમનો ભાઈ સેનામાં હોવાથી સૈનિકનું જીવન પણ તેમણે નજીકથી જોયું છે. દેશભક્તિનો જુસ્સો તેમને એમના ભાઈ પાસેથી જ મળ્યો છે.

એન્જિનિયરિંગનું ભણતર પૂરુ કર્યા પછી અવનિએ ઍરફોર્સની ટેકનિકલ સર્વિસની પરીક્ષા આપી અને એમાં પાસ થયા પછી ફાઇટર પાઇલટ બની ગઈ.

પિતાને કેવી રીતે મળી જાણકારી?

અત્યારે અવનિ ઍરફોર્સના જામનગરના એરબેસમાં છે. ઇતિહાસ રચ્યા બાદ પિતા સાથે એમની વાત નથી થઈ.

તો પછી અવનિના પિતાને દીકરીના પરાક્રમ વિશે જાણ કેવી રીતે થઈ. દિનાંકર ચતુર્વેદી હસતાં હસતાં કહે છે, "તમારી જેમ એક મીડિયાકર્મીનો ફોન આવ્યો હતો. ત્યારે મને ખબર પડી. જો કે એક દિવસ એ સફળ થશે તેનો મને વિશ્વાસ હતો. એ દિવસ આજે આવી ગયો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો