You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સામાન્ય માણસની અંતરિક્ષ મુસાફરી માટેનો પ્રથમ તબક્કો સફળ
- લેેખક, જોનાથન એમોસ
- પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા
અમેરિકાના ઉદ્યોગસાહસિક ઈલોન મસ્કે તેમના નવા રોકેટ 'ફાલ્કન હેવી'નું ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ સફળતા વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે ન જોડાયેલી સામાન્ય વ્યક્તિઓ માટે પણ એટલી જ અગત્યની છે, કારણ કે આ પ્રકારની ટેક્નોલૉજીનો ઉપયોગ સામાન્ય વ્યક્તિઓ માટે અંતરિક્ષની સફરને ઓછી ખર્ચાળ બનાવવામાં થઈ શકે છે.
અત્યંત વિશાળ અને શક્તિશાળી રોકેટે કોઈપણ મુશ્કેલી વિના એટલાન્ટિક મહાસાગર પરથી આકાશની ઊંચાઈને આંબી લીધી.
આ રોકેટ પરિક્ષણને લિફ્ટ-ઓફ (રોકેટને આકાશમાં પહોંચવા લાગતો સૌથી પહેલો શક્તિશાળી ધક્કો) ના તબક્કામાં જ નિષ્ફળતા મળે તેવું જોખમ હતું. કારણ કે આ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે.
અવકાશયાત્રી ન હોય તેવા સામાન્ય માનવીઓ માટે પણ અંતરિક્ષની સફર અને હવાઈ મૂસાફરીને ક્રાંતિકારી રીતે બદલી નાખવા માટે કાર્યરત કંપની સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે જણાવ્યું હતું કે એક નવું રોકેટ વિકસાવવાનો સીધો અર્થ એ હતો કે પ્રથમ પરિક્ષણમાં જ તેના સફળ થવાની શક્યતા 50-50 ટકા હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
આ સફળતા સાથે જ હવે ફાલ્કન હેવી અત્યાર સુધીમાં ઉપલબ્ધ બનેલું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હિકલ (ઉપગ્રહો અને અન્ય અંતરિક્ષ ઉપકરણોને અવકાશમાં મોકલવા માટેનું વાહન) બની ગયું છે.
આ રોકેટને મહત્તમ 64 હજાર કિલો વજનના ઉપગ્રહો અને સાધનો અંતરિક્ષમાં મોકલી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
મસ્કે જણાવ્યું હતું કે, ફાલ્કન હેવીની આ ક્ષમતા વિશ્વના બીજા ક્રમના સૌથી વધુ શક્તિશાળી રોકેટ ડેલ્ટા-4 હેવીની વહનક્ષમતા કરતાં બમણાથી પણ વધુ છે, પરંતુ તે માટેનો ખર્ચ માત્ર ત્રીજા ભાગનો જ છે. ડેલ્ટા-4 હેવી 29 હજાર કિલો વજન અંતરિક્ષમાં વહન કરી શકે છે.
આ પ્રાયોગિક અને જેનું પરિણામ અચોક્કસ હતું તેવા કાર્ય માટે તેમણે રોકેટની વહન ક્ષમતા કરતાં ખૂબ જ નાના અને વિચિત્ર સાધનની પસંદગી કરી હતી. એ હતી તેમની જૂની ચેરી-રેડ રંગની ટેસ્લા સ્પોર્ટ્સ કાર!
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કપડાંની દુકાનોમાં જોવા મળતાં માનવ કદના પૂતળા (મેનિક્વિન) ને સ્પેસ શૂટ પહેરાવીને એ કારમાં ડ્રાઇવરની સીટમાં બેસાડીને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે.
કારમાં ગાયક ડેવિડ બોનીના જૂના હીટ ગીત સ્પેસ ઓડીટીને સતત વગાડતા રેડિયો સેટને પણ ફીટ કરવામાં આવ્યો છે.
આયોજન પ્રમાણે આ રોકેટનું ઉડ્ડયન સફળ રહેશે કે નહીં તેની જાણ લિફ્ટ-ઓફનાં સાડા છ કલાક બાદ જ થઈ શકશે.
એક વખત આ રોકેટ અંતરિક્ષમાં પહોંચી જશે તો ટેસ્લા કાર અને મેનિક્વિનને સૂર્યની આસપાસની લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, જે મંગળ ગ્રહ સુધી પહોંચે છે.
ફાલ્કન હેવી એ સ્પેસએક્સના ત્રણ શક્તિશાળી ફાલ્કન 9 લોન્ચ વ્હિકલને એકબીજા સાથે જોડીને તૈયાર કરવામાં આવ્યું છે. સ્પેસએક્સ તેના રોકેટ્સને એવી રીતે વિકસાવે છે, જેમાં પૃથ્વીના વાતાવરણની બહાર પહોંચવા માટે જરૂરી ગતિ મેળવવા ત્રણ તબક્કામાં લાગતા ધક્કા બાદ રોકેટના નીચેના ભાગોને (બૂસ્ટર્સને) નિયંત્રિત કરીને પૃથ્વી પર પરત મેળવી લેવાય છે.
ફાલ્કન હેવીના ત્રણમાંથી બે હિસ્સાને ફ્લોરિડાના દરિયા કિનારાથી દૂર કેનેડી સ્પેસ સ્ટેશનની દક્ષિણે આવેલા ટચડાઉન ઝોનમાંથી પરત મેળવી લેવાયા છે. ત્રીજો ભાગ દરિયાઈ ડ્રોન સાથે ગોઠવવામાં આવ્યો છે, જેને દરિયામાં સેંકડો કિલોમીટરના અંતરેથી શોધી લેવામાં આવશે.
લોન્ચ સમયે દરિયાઈ ડ્રોનમાંથી મળનારા વીડિયો સિગ્નલ બંધ થઈ ગયા હતાં, આથી ત્રીજો ભાગ ક્યાં હશે તેનો અંદાજ લગાવવાનું મુશ્કેલ બન્યું છે.
ફાલ્કન હેવીના સૌથી ઉપરના ભાગમાં ટેસ્લા કાર અને અન્ય સામગ્રી મૂકવામાં આવી છે, જે ધીરે ધીરે મંગળની ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જવા અંતરિક્ષની મુસાફરી કરશે.
આમ કરવા માટે રોકેટના ઉપરના ભાગમાં એન્જિન ગોઠવવું જરૂરી બન્યું હતું. કારણ કે, લાંબી અંતરિક્ષ યાત્રા માટે એન્જિનને ત્રણ અલગ અલગ સમયે વખત ચાલુ કરીને ગતિ મેળવવી જરૂરી છે.
આ રોકેટના ઉડ્ડયન પહેલા જ મસ્કે ચેતવણી આપી હતી કે તેમને શંકા છે કે આ અંતિમ તબક્કામાં જ યોગ્ય રીતે કામ નહીં થાય. રોકટના સૌથી ઉપરના ભાગને પૃથ્વીની ઉપર છવાયેલા ગાઢ કિરણોત્સર્ગી વિસ્તારમાંથી પસાર થવું પડશે. આ વિસ્તારને વેન ઈલોન બેલ્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રોકેટની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને અસર થઈ શકે છે.
આટલી વિશાળ ક્ષમતા ધરાવતા શક્તિશાળી રોકેટના સફળ પ્રક્ષેપણથી મસ્ક અને તેમની કંપની સ્પેસએક્સ માટે નવી સંભાવનાઓના દ્વાર ખુલશે. જેમાં મુખ્યત્વે નીચેની બાબતો મુખ્ય રહેશે.
- યુએસના જાસૂસી અને સૈન્ય ઉપયોગ માટે વધુ મોટા કદના ઉપગ્રહો અવકાશમાં મોકલી શકાશે. હાલમાં મોકલાતાં ઉપગ્રહોના કદ રોકેટની ક્ષમતાને કારણે સિમિત રાખવા પડે છે.
- સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ માટેની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે મસ્કની એકસાથે હજારો અવકાશયાનોની મદદથી મોટાં પ્રમાણમાં ઉપગ્રહોની અંતરિક્ષમાં ગોઠવણી.
- મંગળ ગ્રહની સપાટી પર સંશોધન તથા ગુરુ અને શનિ જેવા દૂરના ગ્રહો અને તેમનાં ચંદ્રો સુધી પહોંચવા માટે વધુ ક્ષમતા ધરાવતા મોટા રોબોટ્સને અવકાશમાં મોકલી શકાશે.
- હબલ ટેલિસ્કોપના અનુગામી જેવા વિશાળ ટેલિસ્કોપ્સ, ઉદાહરણ તરીકે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ, જેવા સાધનોને ઓરીગામી જેવી પદ્ધતિથી વાળીને આ પ્રકારના રોકેટ્સમાં આગામી વર્ષથી અંતરિક્ષમાં મોકલી શકાશે.
જોકે આ અભિયાનની સૌથી મહત્ત્વની બાબત તેમાં થનારો અત્યંત ઓછો ખર્ચ છે. મસ્ક માને છે કે બૂસ્ટર્સને પરત મેળવીને તેનો પુનઃઉપયોગ કરવાને ખર્ચ ઘટી જાય છે, અને આ બાબતને આ નવી ક્ષમતા સાથે જોડવામાં આવે તો અંતરિક્ષ પ્રક્ષેપણ ક્ષેત્રમાં ઘણા સમીકરણો બદલી નાખનારી સાબિત થશે.
તેમણે સોમવારે પત્રકારોને કહ્યું, "આને (ફાલ્કન હેવી રોકેટને) કારણે બીજા ભારે રોકેટ્સની ઉપયોગિતા પૂરી થઈ જશે."
તેમણે ઉમેર્યું, "જ્યારે બીજી કંપનીઓ માત્ર તમારે તમારા સ્થળે પહોંચવા પેરાશુટથી જમીન પર ઊતરવું પડે, અને ગમે ત્યાં જઈને ક્રેશ થઈ જતું, માત્ર એક વખત વાપરી શકાય તેવું વિમાન વેચતી હોય. તેવા સમયમાં કોઈ કંપની વારંવાર વાપરી શકાય તેવું વિમાન બજારમાં મૂકે ત્યારે જે સ્થિતિ સર્જાય એવું જ અત્યાર સુધી રોકેટના વ્યવસાયમાં થતું હતું, પણ હવે એવું નહીં થાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો