મોદીને વડાપ્રધાન બનાવવા ફેસબુકે મદદ કરી હતી?

    • લેેખક, સૌતિક બિસ્વાસ અને વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલી એક ભારતીય કંપનીના સંસ્થાપકે પત્રકારોને જણાવ્યું હતું કે તેમના સીઈઓ એલેરક્ઝાન્ડર નિક્સે ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.

અવનીશ રાય એસસીએલ ઇન્ડિયાના સંસ્થાપક છે, જે લંડનમાં એસસીએલ ગ્રુપ અને ઓવ્લેનો બિઝનેસ ઇન્ટેલિજન્સની એક સંયુક્ત કંપની છે.

અવનીશ રાયે કર્યું કે એલેરક્ઝાન્ડર નિક્સ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં ભારતના પ્રવાસે આવ્યા હતા. તે સમયની સત્તાધારી પાર્ટી કોંગ્રેસને હરાવવા માટે એક ક્લાયન્ટ (જેમનું નામ નથી આપવામાં આવ્યું) સાથે કામ કર્યું હતું.

આ ચૂંટણીઓમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બહુમતથી જીત મળી હતી. મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 543 સીટોમાંથી 282 સીટો જીતી હતી.

પાર્ટીઓનું શું કહેવું છે?

કોંગ્રેસ અને ભાજપ બંને એસસીએલ ઇન્ડિયાના ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ છે. પરંતુ બંને પાર્ટીઓ આ કંપની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાની વાતનો ઇન્કાર કરે છે.

કોંગ્રેસનું સોશિયલ મીડિયા સંભાળી રહેલી દિવ્યા સ્પંદનાએ બીબીસીને જણાવ્યું કે કોંગ્રેસનો કેમ્બ્રિજ એનાલિટિકા સાથે કોઈ સંબંધ રહ્યો નથી અને અવનીશ રાયનું નિવેદન એ સાબિત કરે છે કે જે વાત કોંગ્રેસ કહી રહી હતી તે સાચી છે.

આ સમગ્ર મામલા પર ભાજપના આઇટી સેલ અને સોશિયલ મીડિયા પ્રમુખ અમિત માલવીયનું કહેવું છે, "મને ખબર નથી કે અવનીશ કુમાર રાય કોણ છે. ભાજપનો તેની સાથે કોઈ સંપર્ક નથી. મેં તેમનું ઇન્ટરવ્યૂ જોયું નથી. અમારો કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલી કોઈ કંપની સાથે સંબંધ રહ્યો નથી."

આ પહેલાં ભારતના કાયદા અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કેમ્બ્રિજ એનાલિટિકા સાથે કોંગ્રેસની ભાગીદારીના ઘણા રિપોર્ટ્સ હતા.

તેમણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમના સોશિયલ મીડિયા પર વધેલા ફોલોઅર્સમાં કંપનીની ભૂમિકા પર જવાબ આપવાનું પણ કહ્યું હતું.

રવિશંકર પ્રસાદે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને સાર્વજનિક રીતે ચેતવણી આપતા કહ્યું હતું, "જો ફેસબુક ભારતની લોકશાહી ઢબે ચાલતી વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ગડબડ કરતી પકડાઈ તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. અમારો આઇટીનો કાયદો ખૂબ જ કડક છે. અમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે ઝુકરબર્ગને સમન્સ પાઠવીને ભારત પણ બોલાવી શકીએ છીએ."

કે. સી. ત્યાગીના સંબંધો

એસસીએલ ઇન્ડિયાના પ્રમુખ અમરીશ ત્યાગીના પિતા કે. સી. બિહારમાં સત્તાધારી પાર્ટી જનતા દળ(યૂનાઇટેડ)ના વરિષ્ઠ નેતા છે. બિહારમાં આ એક રાજકીય મુદ્દો બની ગયો છે.

કે. સી. ત્યાગીએ બીબીસીને કહ્યું, "અમરીશની કંપની ગામમાં કેટલી જ્ઞાતિઓ, કેટલા વાણિયા, કેટલા બ્રાહ્મણ છે તેની ગણતરી વધારે કરે છે. તેણે ટ્રમ્પની ચૂંટણીઓમાં ભારતીય મૂળના લોકોને જોડવાનું કામ કર્યું હતું અને અમે એ વાતનો સ્વીકાર કરી રહ્યા છીએ."

તેમણે કહ્યું, "પરંતુ શું અમે ફેસબુકને કહ્યું કે ત્યાં ગડબડ કરો. ત્યાં ફેસબુક દ્વારા ગડબડ થઈ હોય તો અહીં તેના સામે કોઈ ગુનો બનતો નથી."

ભારતમાં ડેટાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા છે. શું ભારત જેવા વિશાળ દેશમાં સોશિયલ મીડિયાના ડેટા પર ઉપલબ્ધ જાણકારીનો ઉપયોગ કરીને ચૂંટણીઓને પ્રભાવિત કરી શકાય?

ચૂંટણીના સર્વે કરનારી સંસ્થા સીએસડીએસના સંજય કુમાર કહે છે, "લોકશાહીને એટલો ખતરો નથી જેની છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી છે. સામાન્ય ભારતીય મતદાતાની સમસ્યાઓ વીજળી, પાણી, રસ્તા, રોજગારી છે. મારા જેવા સામાન્ય મતદાતા પાસે એવી કઈ ખાસ ચીજો હશે જે અમે ફેસબુક પર લખીએ છીએ. ભારતના રાજકીય પક્ષો મતદાતાઓનો મત સમજે છે અને તેના માટે બીજે ક્યાંયથી કદાચ ડેટા લેવાની જરૂર નથી."

આ કંપનીએ ભારતમાં રાજકીય દળો સાથે કામ કર્યું અને તે દળોને ફાયદો મળ્યો, આ બાબત પર ઘણા સવાલો છે. આ સવાલો પર બીબીસીએ ક્રેમ્બ્રિજ એનાલિટિકાને એક ઇમેલ કર્યો છે પરંતુ તેનો હજુ સુધી જવાબ આવ્યો નથી.

સાથે જ એસસીએલ ઇન્ડિયાના સંસ્થાપક અવનીશ રાય સાથે પણ વાત કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ બીબીસીને જણાવાયું કે તેઓ હવે મીડિયા સાથે વાત કરવા ઇચ્છતા નથી.

એસસીએલ ભારતમાં શું કરે છે?

એસસીએલ ઇન્ડિયાનો દાવો છે કે તેમની પાસે 300 સ્થાયી કર્મચારીઓ છે અને ભારતનાં 10 રાજ્યોમાં આવેલી ઓફિસોમાં 1,400થી વધારે કન્સલ્ટિંગ સ્ટાફ છે.

આ કંપની ભારતમાં ઘણા પ્રકારની સેવાઓ આપે છે. જેમાં રાજકીય અભિયાન મેનેજમેન્ટ પણ સામેલ છે. જેના દ્વારા સોશિયલ મીડિયા રણનીતિ, ચૂંટણી અભિયાન મેનેજમેન્ટ અને મોબાઇલ મીડિયા મેનેજમેન્ટ પણ સામેલ છે.

સોશિયલ મીડિયા રણનીતિ દ્વારા આ કંપની બ્લોગર અને પ્રતિભાશાળી માર્કેટિંગ, ઓનલાઇનની દુનિયામાં બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયા એકાઉન્ટનું દૈનિક ધોરણે કરવામાં આવતું મેનેજમેન્ટ જેવી સેવાઓ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો