Top News: પેપર લીક મામલે કડક પગલા લેવા જાવડેકરને PMOની સૂચના

સેન્ટ્રલ બોર્ડ ફૉર સેકન્ડરી એજ્યુકેશને ધો. 10ના ગણિત તથા ધો. 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કર્યો છે.

બંને પેપર લીક થયા હોવાની ચર્ચાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બોર્ડના જણાવ્યા પ્રમાણે, વેબસાઇટ પર એક અઠવાડિયાની અંદર પરીક્ષાની આગામી તારીખો જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના કહેવા પ્રમાણે, એક ગેંગ દ્વારા યોજનાબદ્ધ રીતે પેપર લીકને અંજામ આપવામાં આવે છે.

અંગ્રેજી વેબસાઇટ એનડીટીવીએ સૂત્રોને ટાંકતા દાવો કર્યો છે કે પેપર લીકના કિસ્સાઓને વડાપ્રધાને ગંભીરતાથી લીધા છે.

પ્રકાશ જાવડેકરને સૂચના આપવામાં આવી છે કે જવાબદારોને વહેલી તકે શોધી કાઢવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જન્મદિવસે જ મળી ખાસ ભેટ

જ્યારે નસીબ ફરે ત્યારે એક જ વખતમાં આખી જિંદગી જલસા કરવાની સગવડ થઈ શકે છે. આ વાતનું ઉદાહરણ છે, કેનેડાની ચાર્લી લગાર્ડ.

કેનેડાનાં ક્યૂબેક પ્રાંતમાં રહેતી ચાર્લીએ 14માર્ચે તેમના 18 જન્મદિવસની યાદગાર બનાવવા માટે એક શૅમ્પેનની બોટલ સાથે જીવનની પ્રથમ લોટરી ટિકિટ પણ ખરીદી હતી.

તેમને એ વાતનો અંદાજો નહીં હોય કે સ્ક્રેચ કરીને ખરીદેલી એ લોટરી ટિકિટ તેમને આર્થિક ભારમાંથી મુક્ત કરી દેશે.

તેમણે એ લોટરી જીતી લીધી. તેમની પાસે બે વિકલ્પ હતા, 10 લાખ કેનેડિયન ડૉલર્સ એક સાથે લઈ લેવા અથવા જીવનભર દર સપ્તાહે એક હજાર ડૉલર્સ મેળવતાં રહેવું.

તેમના આર્થિક સલાહકાર સાથે વાતચીત કર્યા બાદ આ યુવતીએ જીવનભર માટે દર અઠવાડિયે એક હજાર ડૉલર્સ લેવાનો વિકલ્પ પસંદ કર્યો. કારણ કે આ રકમ પર કોઈ ટેક્સ નથી લાગતો.

લોટરી કોર્પોરેશનના પ્રવક્તા પેટ્રિસ લૅવીએ કેનેડિયન પ્રેસને જણાવ્યું, "આ રકમ ટેક્સ વિનાની છે, જે એક લાખ ડૉલર્સનો વાર્ષિક પગાર ધરાવતી નોકરીની આવક જેટલી છે. આથી પોતાના જીવનમાં નવી પહેલ કરી રહેલી યુવતી માટે આ એક શ્રેષ્ઠ શરૂઆત છે."

તેમણે કહ્યું, "આ તેમની પહેલી જ લોટરી ટિકિટ હતી અને તેમાં જ તે વિજેતા બન્યાં"

ચાર્લીએ કહ્યું છે કે, તે આ નાણાંનો ઉપયોગ પ્રવાસ અને તેમના શિક્ષણ પાછળ ખર્ચવા ઇચ્છે છે. તેમણે લોટો ક્યૂબેકને જણાવ્યું, "હું ફોટોગ્રાફીનો અભ્યાસ કરવા માગું છું. નેશનલ જિઓગ્રૅફિક માટે કામ કરવું એ મારું એક સ્વપ્ન છે."

ગુજરાતી વિષય ફરજિયાત

'સંદેશ'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં રાજ્ય, કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય સહિતના બોર્ડ હેઠળ સંચાલિત હિંદી. અંગ્રેજી, ઉર્દુ, મરાઠી, સિંધી સહિતના તમામ મિડિયમની સ્કૂલોમાં ગુજરાતી ભાષાનો વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જૂન-2018થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી જ તેનો અમલ કરવામાં આવશે એવું જણાવ્યું હતું.

સત્રના પ્રારંભે પહેલાં અને બીજા ધોરણમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાશે.

ક્રમાનુસાર દરવર્ષે ઉપલા ધોરણમાં પણ તેને આગળ વધારવામાં આવશે.

શિક્ષણમંત્રીની જાહેરાત

વિધાનસભામાં શિક્ષણમંત્રી ચુડાસમાએ કહ્યું કે ગુજરાતનું બાળક ભાષા બોલી અને સમજી શકે તથા બીજા બોર્ડની અન્ય ભાષાના માધ્યમોની સ્કૂલોમાં ભણતાં વિદ્યાર્થીઓ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય તેવા ઉદ્દેશ્યથી સરકારે આ નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, સીઆઈએસસીઈ, આઈજીસીએસઈ જેવા બોર્ડને આધિન રાજ્યમાં સંચાલિત સ્કૂલોમાં પણ ગુજરાતી ભાષાનો વિષય ફરજિયાતપણે દાખલ કરવામાં આવશે અને તેને ભણાવવાનો પણ રહેશે.

વળી અહેવાલ અનુસાર રાજ્યમાં દર વર્ષો ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સરેરાશ દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થાય છે.

'કૉંગ્રેસ કેમ્બ્રિજ ઍનાલિટિકાની ક્લાયન્ટ'

'ઇન્ડિયન એક્સપ્રેસ' વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર કેમ્બ્રિજ ઍનલિટિકા ડેટા લીક મુદ્દે ખુલાસો કરનારા વ્હિસલબ્લોઅરે રાજકીય પક્ષ કૉંગ્રેસ તેમનો ક્લાયન્ટ હતો એવું નિવેદન આપ્યું છે.

બ્રિટિશ સંસદમાં વ્હિસલબ્લોઅર ક્રિસ્ટોફર વાઈલીએ આ ખુલાસો કર્યો છે.

બ્રિટનની સસંદમાં ક્રિસ્ટોફર વાઈલીએ કહ્યું કે કેમ્બ્રિજ ઍનાલિટિકા ભારતમાં મોટાપાયે કામ કરતી હતી અને કૉંગ્રેસ પણ કદાચ તેની ક્લાયન્ટ હતી.

તેમણે ઉમેર્યું, "ભારતમાં ઍનાલિટિકાની ઓફિસ પણ હતી. મારા મતે કૉંગ્રેસ આ કંપનીની ક્લાયન્ટ હતી."

"તેઓ શું કામ કરાવતા હતા તેની મને જાણ નથી પણ તે તમામ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરતી હતી."

"મને નેશનલ પ્રોજેક્ટની માહિતી નથી પણ તેઓ ડોમેસ્ટિક પ્રોજેક્ટ પર કામ કરતા હતા."

"ભારત એટલો મોટો દેશ છે કે ત્યાંનું એક રાજ્ય બ્રિટન કરતાં પણ મોટું છે."

જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં મનુ ભાકર- અનમોલ જૈને જીત્યો ગોલ્ડ મેડલ

'દૈનિક જાગરણ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સિડની ખાતે યોજાઈ રહેલા જુનિયર વિશ્વકપમાં હરિયાણાના મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તેમણે જોડીદાર અનમોલ જૈન સાથે મળીને આઈએસએસફ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ જોડીએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આઈએસએસફ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતનો આ સાતમો ગોલ્ડ મેડલ છે.

ઇવેન્ટમાં ભારત કુલ 17 મેડલ સાથે બીજા સ્થાને છે, જ્યારે ચીન આઠ ગોલ્ડ સહિત કુલ 21 મેડલ સાથે ટોચનાં સ્થાને છે.

મનુ ભાકરે આ સાથે જ એક મહિનામાં પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો