You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભાજપના અધ્યક્ષ અમિત 'શાહ'ની અટક ખરેખર ઈરાની છે?
- લેેખક, અજિત વડનેરકર
- પદ, વરિષ્ઠ પત્રકાર
ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં જ બે જાણીતા શહેરોના નામ બદલ્યા છે, અલાહાબાદનું 'પ્રયાગરાજ' અને ફૈઝાબાદનું નામ 'અયોધ્યા' કર્યું છે.
ભાજપના નેતાઓ અયોધ્યા અને પ્રયાગરાજ જેવા હિંદી નામોને હિંદુ સંસ્કૃતિનું પ્રતીક માને છે, જ્યારે ઈરાની નામો પરથી મુગલકાળમાં લોકોને વટલાવીને કે દબાણપૂર્વક આપવામાં આવેલા નામોને વિદેશી પ્રતીકો માને છે.
જ્યારે અલાહાબાદનું નામ બદલવા પર સવાલો ઊઠ્યા તો તર્ક અપાયો કે, 'તમારા નામ રાવણ કે દુર્યોધન કેમ નથી?'
આ જ વાતનો જવાબ આપતાં તાજેતરમાં અક ઇતિહાસવિદ્દ ઇરફાન હબીબે કહ્યું હતું કે, જો ભાજપને ઈરાની નામો સામે વાંધો હોય તો સૌથી પહેલાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું નામ બદલવા પર વિચારણા કરવી જોઈએ, કારણ કે શાહ પણ મૂળ ઈરાની શબ્દ જ છે.
ઇતિહાસમાં 'શાહ' શબ્દના સંદર્ભ
ભારતમાં સામાજિક, જાતીય અને ધાર્મિક મુદ્દાઓ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. એમાં પણ જ્યારે તે હિંદુઓ સાથે સંકળાયેલા હોય, ત્યારે ખાસ બની જતા હોય છે. હિંદુ ધર્મની સર્વસ્વીકાર્ય જીવનશૈલીના કારણે તેમાં વિવિધ ધર્મો અને જીવનશૈલીનું મિશ્રણ જોઈ શકાય છે.
હિંદુ ધર્મના ઇતિહાસમાં જઈએ તો એ પણ જાણવું જોઈએ કોણ સિન્ધ તરફથી આવ્યું, કોણ કાબુલ તરફથી, કોણ ઉત્તરથી આવ્યું અને કોણ દક્ષિણ તરફથી.
વિવિધ પાણી એક થઈને તેમનો રંગ પણ એક થઈ જાય, ત્યારે હિંદુસ્તાન બન્યું અને એ જ હિંદુ હોવાની વિશેષતા છે. તમે કેવી રીતે સમજો છો એ મહત્ત્વનું છે.
'શાહ' અટક પણ એક એવો જ વિષય છે. આ મૂળ ઈરાની શબ્દ છે, જેનો અર્થ 'સત્તા કે પ્રમુખ' એવો થાય છે. સૂફી સંતોની આધ્યાત્મિક પરંપરામાં પણ તેમના પીરોના નામ પાછળ 'શાહ' શબ્દ લગાવાતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ આ શબ્દ ઉપાધિ તરીકે એનાયત થવા લાગ્યો.
પાછળથી આ ઉપાધિઓને અટક તરીકે અપનાવી લેવામાં આવી. 'શાહ' અંગે બે માન્યતાઓ છે. સંસ્કૃતમાં 'શાસ્' શબ્દ છે, જેનો અર્થ નિયંત્રણ, આયોજક, નિયંત્રણ, શાસન, દમન, વિધાન, સત્તા વગેરે થાય છે. 'સ'માંથી 'હ'ના અપભ્રંશને કારણે 'શાહ' શબ્દ અસ્તિત્વમાં આવ્યો હોવાનું અનુમાન છે.
દરેક શાહ ઈરાની શાહ નથી
સામાન્ય રીતે હિંદીમાં 'શાહ'ને ઈરાની 'શાહ' સાથે જોડવામાં આવે છે. એ ખોટું પણ નથી, પરંતુ દરેક શાહ ઈરાની શાહ નથી. વણિકોમાં 'સાહ' અટક હોય છે, જે 'સાધુ'માંથી આવ્યો છે, તેને 'સાહૂ' પણ કહે છે.
શિવાજીના પૌત્રનું હુલામણું નામ 'શાહુ' હતું. હકીકતમાં તે સાધુ શબ્દનો જ મરાઠી અર્થ છે, ઈરાની શાહનો નહીં. મરાઠીમાં ઉકારીકરણ નથી થતું.
રાહુલ સાંકૃત્યાયન અને ચતુરસેન શાસ્ત્રી જેવા કેટલાક લેખકોએ શહેનશાહની સાથે મળતા આવતા પ્રાસવાળા શાસાનુશાસ જેવા શબ્દપ્રયોગ પણ કર્યા છે. બંનેનો અર્થ સરખો જ છે. જોકે, સંસ્કૃત પરંપરામાં શાસાનુશાસ જેવો શબ્દ નથી મળતો.
તેથી 'સ' અને 'હ'ના રૂપાંતર પર આધારિત શબ્દો શાહાનુશાહી અને શહેનશાહ જેવા રૂપાંતર માટે કોઈ આધારભૂત પુરાવા નથી.
ઇતિહાસના ગ્રંથોમાં આપણે ક્ષત્રપ અને મહાશત્રપ જેવા શબ્દો વાંચ્યા છે. આ ઈરાની મૂળના એવા શબ્દો છે, જે સંસ્કૃત ગ્રંથોમાં પણ ઉપલબ્ધ છે. હકીકતમાં આ હખામની સામ્રાજ્યની ઉપાધિઓ છે, જેને શક શાસકો પોતાના નામ સાથે લગાવતા. એ સમયે તક્ષશિલા, મથુરા, ઉજ્જૈન અને નાસિકમાં શકોનું શાસન હતું.
ઉચ્ચારમાં પરિવર્તન
ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશ પર પણ શકોનું પ્રભુત્વ હતું. સામાન્ય રીતે રાજકુમાર ક્ષત્રપ રહેતા રાજ્યપાલ મહાક્ષત્રપ તેમજ સૂબેદાર અને પ્રાન્તપાલ રાજ્ય સંભાળતા.
નોંધપાત્ર બાબત એ છે કે, શક જાતિના લોકો સોગ્દી ભાષા બોલતા અને આ ઉપાધિઓ તેમના જ શાસનકાળમાં અપાઈ છે.
આ પ્રદેશોના મુખ્ય શક શાસક મહાક્ષત્રપ તરીકે ઓળખાતા, જ્યારે તેનાથી નીચેના હોદ્દેદાર ક્ષત્રપ તરીકે ઓળખાતા.
ક્ષત્રપ શબ્દ એટલો લોકપ્રિય થયેલો કે, સમગ્ર એશિયામાં જ્યાં પણ શકો અને યુનાનીઓનું શાસન હતું, ત્યાંના ગવર્નર કે રાજ્યપાલ માટે આજે પણ સટ્રપ, ખત્રપ, ખ્વાત્વા કે શત્રપ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.
શકો કદાચ ઉત્તર પશ્ચિમ ચીનના નિવાસી હતા, જ્યારે તેઓ ભારત પહોંચ્યા, ત્યારે તેમનું રાજ્ય સમગ્ર મધ્ય એશિયામાં વિસ્તરી ચૂક્યું હતું. ઈરાન શકોથી જ ઓળખાતું હતું.
દક્ષિણી પૂર્વી ઈરાનને સિસ્તાન કહેવામાં આવતું, જેનો અર્થ શકસ્થાન થતો. સંસ્કૃત ગ્રંથોમાં ભારતમાં પશ્ચિમમાં સિંધથી લઈને અફઘાનિસ્તાન, ઈરાન સુધીના વિસ્તારને શકદ્વીપ કહેવાતો, જ્યાં શકોનું શાસન હતું.
બ્રાહ્મણોમાં પણ એક શાકદ્વીપની શાખા હોય છે, જે મગધ સાથે સંબંઘ ધરાવતા માગી બ્રાહ્મણો હોવાનું માનવામાં આવે છે, જેઓ પાછળથી શકદ્વીપના તરીકે ઓળખાયા.
સંસ્કૃત શબ્દનો ક્ષત્રી અર્થ રાજકુળ સાથે સંબંધ ધરાવતું એવો થતો, જે સમયાંતરે રાજપૂતો માટે ક્ષત્રિય તરીકે રૂપાંતરણ પામ્યો. જેનું પંજાબી સ્વરૂપ ખત્રી બન્યું. જ્યારે નેપાળીમાં તે છેત્રી બન્યું.
આ જ રીતે ક્ષત્રપનું ખત્રપ પણ થયું, જ્યારે ઈરાની ક્ષત્રપનું સોગ્દી સ્વરૂપ ખ્વાત્વા થયું.
એવું પણ અનુમાન છે કે, ત્યાં 'ક્ષ'નું રૂપાંતર 'ખ્વ' થયું હશે અને 'ત્ર'નો માત્ર 'ત' જ રહ્યો, જ્યારે ભારતમાં ઈરાની શબ્દોમાં 'પ'નું રૂપાંતર 'વ'માં થઈ જાય છે.
ઐતિહાસિક સંદર્ભોમાં બુમ-ખ્વાત્વા જેવા સંદર્ભ પણ મળે છે. જેમાં બૂમ એટલે સંસ્કૃત અને હિન્દીનો શબ્દ ભૂમિ સમજી શકાય.
આ રીતે બૂમ ખ્વાત્વાનો અર્થ જમીનદાર, ક્ષેત્રપાલ અથવા ક્ષેત્રપતિ એવો થઈ શકે છે, જે સામાન્ય રીતે રાજા માટે વપરાતો શબ્દ છે.
આ જ રીતે સોગ્દીના ખ્વાત્વા અથવા ખાતીનો સ્ત્રીવાચક શબ્દ ખ્વાતીન અથવા ખાતુન થયો. જેનો અર્થ શ્રીમન્ત કે સામન્તની પત્ની અથવા કુલીન કે ભદ્ર મહિલા એવો થાય છે, જ્યારે ઉર્દૂમાં ખાતૂનનું બહુવચન ખવાતીન છે.
ઘણા સંદર્ભોમાં ક્ષેત્ર, ભૂમિ, ખેડૂત અને રક્ષક માટે પણ માત્ર 'ક્ષ' અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. ઈરાનથી આ શબ્દ ગ્રીકમાં સટ્રપ તરીકે પહોંચ્યો. ગ્રીક ગ્રંથોમાં ઈરાન અને ભારતના ક્ષત્રપોનો ઉલ્લેખ આ જ રીતે થયો છે.
આ શબ્દની વ્યુત્પત્તિ પ્રાચીન ઈરાનીના ક્ષત્રપવાનથી માનવામાં આવે છે. જેનો અર્થ થાય છે, રાજ્યનો રક્ષક. આ ક્ષત્ર+પા+વાનની સંધિ છે. 'ક્ષત્ર' એટલે રાજ્ય, 'પા' એટલે તેની રક્ષા કરવી, તેનું પાલન કરવું અને 'વાન' એટલે કે કરનાર.
નોંધપાત્ર વાત એ છે કે, આ જ શબ્દ પરથી ફારસીનો શહેરબાન શબ્દ બન્યો, જેનો અર્થ નગરપાલ થાય છે. જેને આજના સંદર્ભમાં મેયર કહી શકાય.
સંસ્કૃતમાં વાન પ્રત્યયનું જ ફારસી સ્વરૂપ વાન છે, જેમકે નિગેહબાન, દરબાન, મહેરબાન વગેરે. સંસ્કૃત વાનમાંથી જ વંત શબ્દનું સ્વરૂપ આવ્યું છે, જેમ કે શ્રીમન્ત, રૂપવંત વગેરે.
એક ક્ષત્રપ એટલે પ્રજાપાલક, ક્ષત્રિય એટલે સૈનિક આ લોકો પ્રજા પ્રત્યે હંમેશા વચનબદ્ધ હોય છે, તેમજ પ્રજાની સુરક્ષા અને સ્વતંત્રતા તેમની જવાબદારી હોય છે.
મેદાન, ભૂમિ, વિસ્તાર, રાજ્ય, જન્મભૂમિના અર્થમાં ક્ષેત્રનો જન્મ પણ 'ક્ષ'માંથી જ થયો છે. સાથે જ પૃથ્વીના સમાનાર્થી ક્ષિતિ શબ્દનું મૂળ પણ 'ક્ષ' જ છે. જે રીતે રાજાને ક્ષેત્રપાલ કહેવાતો એ જ રીતે શાહનો અર્થ પણ ક્ષેત્રપાલ જેવો જ થાય છે.
સામાન્ય રીતે અવેસ્તા ભાષાની સંસ્કૃત સાથે સરખામણી કરવામાં આવે છે, પરંતુ તેને વેદ આધારીત કહી શકાય. અવેસ્તામાં અર્યનમ ક્ષથ્ર યા આર્યાણામ ક્ષથ્ર એવો શબ્દપ્રયોગ મળે છે. જેનો અર્થ આર્યશાસિત ક્ષેત્ર એવો થાય છે.
આ વિસ્તારનો સંદર્ભ સમગ્ર મધ્ય એશિયા સાથે હતો. જાણવા જેવી બાબત છે કે, ઈરાન શબ્દ આર્યાણામમાંથી જ મળે છે. જ્યારે અવેસ્તામાં ક્ષથ્રનો અર્થ છયો વિસ્તાર અથવા રાજ્ય.
ક્ષથ્ર પણ સંસ્કૃત શબ્દ ક્ષેત્રનું જ એક સ્વરૂપ છે, જેમાં 'ત્ર'નો ઉચ્ચાર 'થ્ર' થયો છે. સંસ્કૃતનો મિત્ર શબ્દ અવેસ્તા ભાષામાં મિથ્ર થઈ જાય છે, જેનો અર્થ સૂર્ય થાય છે.
ઈરાની અને પછી ફારસીમાં ક્ષથ્રનું સ્વરૂપ બદલાયું, જેમાં ક્ષ વ્યંજનમાંથી 'ક'ના ધ્વનિનો લોપ થયો અને માત્ર 'શ' વધ્યો.
ત્યાર બાદ 'થ્ર'માંથી 'ત'ના ધ્વનિનો લોપ થયો, 'ર' ધ્વનિનું વિયોજન થવાથી તેમાંથી 'હ' અને 'ર' અલગ થયા. આમ ક્ષથ્રનું ફારસી સ્વરૂપ શહ્ર અને તે ઉર્દૂમાં શહર બનીને પ્રચલિત થયું.
સ્થાનના બદલે આપણે ત્યાં ક્ષેત્ર શબ્દનો ઉપયોગ થતો આવ્યો છે. ખેત તેનું જ એક સ્વરૂપ છે, જેમ કે ઉત્તરાખંડના સુરઈખેત, છાતીખેત, સાકિનખેત, રાનીખેત જેવા વિસ્તારો.
જ્યારે હરિયાણાના કુરુક્ષેત્રના નામમાં મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે. શહેરનો વિસ્તાર કે ફેલોવા તેની ખાસિયત હોય છે.
શબ્દોના પુરાવા
પારસીઓ પોતાના દેશને આર્યાણામ ક્ષથ્ર કહેતા તેની પાછળ આર્યોનો વિશાળ પ્રદેશ એવો જ ભાવ હતો, જે સિંધુથી લઈને વૉલ્ગા સુધી ફેલાયેલી હતી.
દેવનાગરીના ક્ષહ ધ્વનિમાં પણ વિસ્તારનો જ અર્થ રહેલો છે. ક્ષ(ક્ષહ)નો અર્થ પણ ક્ષેત્ર, ખેતર કે ખેડૂત જેવો જ થાય છે. સંસ્કૃતમાં ક્ષેત્રનો અર્થ ભૂમિ, મેદાન અથવા સ્થાન થાય છે. જે ક્ષિ ક્રિયામાંથી બનેલો શબ્દ છે, તેનો અર્થ શાસન અથવા રાજ્ય થાય છે. ફારસીમાં શહરેવર એક મહિનાનું નામ છે. શહેરયારનો અર્થ છે, રાજા, શાસક, શહેનશાહ, શહેરબાન એટલે કે નગરપાલ અથવા મેયર.
ઉપરના દરેક શબ્દો અને સંદર્ભોમાંથી જે એક સામાન્ય વાત નીકળે છે તે એ છે કે સંસ્કૃતના ક્ષનો ફારસીમાં ઉચ્ચાર ક્ષહ થયો, જેમાં અપભ્રંશ થઈને 'શહ' અથવા 'શાહ' થયું. જેનો અર્થ 'રાજસી' કરી શકાય, આ જ સંદર્ભમાં ઉત્તર બિહારમાં 'શાહી' અટક પણ હોય છે.
હકીકતમાં તે સિંહ, સિન્હા કે સહાય જેવા રૂપભેદમાંથી આ શબ્દ આવ્યો છે. શહેરના પ્રતિષ્ઠિત લોકોને 'શાહી'ની ઉપાધિ મળી હોય તેવી શક્યતા છે.
ફારસી શબ્દોની ભારતીય અટકો પર અસર કોઈ જૂની બાબત નથી. દીવાન, કાનૂનગો, વજીર, વકીલ, મોદી, મુસદ્દી, મુનીમ, જાગીરદાર, ફોજદાર જેવા શબ્દોની એક લાંબી યાદી છે. તેના પર ભવિષ્યમાં વાત થશે.
મહત્ત્વની વાત એ જ છે કે ભાષા જ છે, જે આપણને ભૂતકાળ સાથે જોડી રાખે છે. શબ્દોના પુરાવા પુરાતાત્વિક પુરાવાથી વધુ મહત્ત્વના છે. એ જીવંત પ્રમાણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો