'હું માસિક વખતે મંદિરમાં જઉં છું' આ જાહેર કરવાની હિંમત ભેગી કરતાં 10 દિવસ લાગ્યા

પાટણનાં પોલીસ અધિક્ષક અને આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર શોભા ભુતડાએ 'ધ બ્લડી સૅંક્ટિટિ' શિર્ષક સાથે બ્લૉગ લખ્યો હતો.

બ્લૉગમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેઓ પિરિયડ્સ દરમિયાન મંદિરમાં જાય છે અને પૂજા કરે છે.

આ બ્લૉગના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી, કેટલાક લોકોએ તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો, તો કેટલાક લોકોએ તેમનું સમર્થન કર્યું હતું.

આ મામલે બીબીસી ગુજરાતીએ શોભા ભુતડા સાથે વાત કરી હતી. વાંચો તેમના શબ્દોમાં તેમના વિચારો.

'હું માસિક વખતે મંદિરમાં જઉં છું! ઑહ માય ગૉડ, છેવટે આ કહેવાની હિંમત મેં ભેગી કરી લીધી.'

મેં મારા બ્લૉગની શરૂઆતમાં જ આવું લખ્યું, કારણકે આ બ્લૉગ લખ્યા પછી તેને પબ્લિશ કરવાની હિંમત ભેગી કરવામાં મને આશરે દસ દિવસ લાગ્યા.

મેં આ દસ દિવસ દરમિયાન 7 થી 8 વખત મારો લખેલો બ્લૉગ કૉપી કરીને પેસ્ટ કર્યો પણ પબ્લિશના બટન પર માઉસનું કર્સર લઈ જઈને હું અટકી જતી હતી.

મારા મનમાં વિચારોનું યુદ્ધ થતું હતું, પછી હું બ્લૉગ પબ્લિશ કરવાના બદલે ડિલીટ કરી દેતી હતી.

છેવટે દસ દિવસ સુધી ચાલેલા વિચારોના ઘમસાણ બાદ મેં મારો બ્લૉગ પબ્લિશ કર્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

બાળપણમાં હું પોતાને છુપાવતી હતી

મારા પહેલા પિરિયડ્સ વખતની વાત છે, હું મારા ઘરમાં પોતાને ઘરના પુરુષોથી છુપાવતી હતી.

મને એવું કહેવામાં આવ્યું હતું કે જો હું એ સ્થિતિમાં પુરુષ સામે જઈશ તો આવતા જન્મમાં એમને કૂતરાનો અવતાર મળશે.

હું ડરેલી હતી કેમ કે હું મારા પપ્પા, ભાઈ અને અન્ય પુરુષ માટે ચિંતિત હતી, એટલે હું એમની વાત માનતી હતી.

એ વખતે હું નાની હતી અને કઈ બોલી નહોતી શકતી, મને એવો ખ્યાલ હતો કે કંઈક ખોટું થઈ રહ્યું છે.

હું માસિક વખતે મંદિરમાં જઉં છું

હું માસિક વખતે મંદિરમાં જઈને પૂજા કરું છું અને એમાં કંઈ ખોટું હોય એવું મને લાગતું નથી.

હું જ્યારે સિવિલ સર્વિસની તૈયરી કરી રહી હતી, ત્યારે મારામાં સાચા ખોટાની સમજણ આવી ગઈ હતી.

એ વખતે પણ મને માસિક દરમિયાન મારા ઘરના મંદિરને સ્પર્શવાની છૂટ નહોતી પણ હું એની પરવા ન કરતી.

પણ એક વખત હું પિરિયડ્સમાં હતી અને અમે રાજસ્થાનમાં અમારાં કુળદેવીના મંદિરમાં ગયાં હતાં.

એ વખતે મેં મારા પરિવારજનોની ઇચ્છા વિરુદ્ધ મંદિરમાં પ્રવેશવાનું નક્કી કર્યું.

મારા પરિવારની અન્ય મહિલાઓ મને એવું કહેતી હતી કે તું આવું કરીશ તો સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ નહીં થાય.

એ વખતે મેં કહ્યું કે કુળદેવી પણ માતા છે અને એ સ્થિતિને સમજશે, માતા પોતાની દીકરીને મળીને ખુશ થશે.

મેં મંદિરમાં પ્રવેશ કર્યો, પૂજા કરી અને હું એ જ વર્ષે સિવિલ સર્વિસમાં પાસ પણ થઈ ગઈ.

મહિલાઓ પણ અસ્પૃશ્ય?

આજે જ્યારે મહિલાઓના મંદિર પ્રવેશ અંગે મહિલાઓ જાતે લડત આપી રહી છે, ત્યારે મને એવું લાગે છે કે શું અમે નવાં અસ્પૃશ્યો છીએ કે જેમને મુક્તિની જરૂર હોય?

સામાન્ય રીતે પ્રસંગમાં અને તહેવારમાં પિરિયડ્સ ટાળવા બહેનો દવાઓ લેતી હોય છે, જે સરવાળે તેમને જ નુકસાન કરે છે.

હું એવું કહેવા નથી માગતી કે લોકોએ પિરિયડ્સમાં પૂજા કરવી જોઈએ કે મંદિરમાં જવું જોઈએ. એ વ્યક્તિગત પસંદનો વિષય છે.

સમાજના લોકોએ વિચારોની દૃષ્ટિએ મૉડર્ન થવાની જરૂર છે. આજે પણ ઘણાં ઘરોમાં પિરિયડ્સ દરમિયાન બહેનોને એક ખૂણામાં બેસાડી રાખવામાં આવે છે. જે અટકવું જોઈએ.

વર્ષોથી ચાલ્યું આવે છે એ બધું જ ખોટું છે એવું નથી પણ વર્ષોથી આપણાં પરિવારમાં ચાલ્યું આવે છે અથવા આપણા પૂર્વજો કરતા હતા એટલે એની સામે પ્રશ્ન જ ન કરવો એ ખોટું છે.

આપણે ત્યાં આ બાબતોને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે.

મૅન્સ્ટુએશન પહેલાં, મૅન્સ્ટુએશન દરમિયાન અને એ પછીની મહિલા પ્રત્યે ભેદભાવ કેમ? કોઈ મહિલાને એક સંપૂર્ણ માનવી તરીકે કેમ ન જોઈ શકીએ?

મને પણ ડર હતો

આ બ્લૉગ લખ્યાં પછી મારા મનમાં ડર હતો, કેમ કે હું સરકારી કર્મચારી છું.

આ વિશે લોકો શું કહેશે અને કેવી પ્રતિક્રિયા આપશે એનાથી હું ડરતી હતી.

જ્યારે ચૂપ રહેવાને જ યુક્તિ ગણવામાં આવતી હોય, જ્યાં તમારાં હિંમતભર્યાં પગલાને વિદ્રોહ ગણવામાં આવતો હોય, ત્યારે હિંમતને તમારા હાડકાં સુધી હિંમતને પહોંચતા સમય લાગે છે.

આ બ્લૉગ પબ્લિશ કરવામાં હું ડરી રહી હતી અને છેવટે મેં હિંમત ભેગી કરી.

મેં આ હિંમત કરી કેમકે મહિલાઓની સમાનતા માટે થયેલી લડતની ભવિષ્યમાં જ્યારે ચર્ચા થાય ત્યારે મારું નામ મૂકપ્રેક્ષકોમાં ન લેવાય.

(બીબીસી ગુજરાતીના પાર્થ પંડ્યા સાથે થયેલી વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો