ગુજરાત દિવસ: ‘મારા ભાઈએ ગુજરાત બનાવવા ગોળી ખાધી, હવે અમને કોઈ યાદ નથી કરતું’

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

1956માં આંધ્રપ્રદેશને ભાષાના આધારે અલગ રાજ્યનો દરજ્જો અપાયો પછી ગુજરાતમાં પણ આંદોલન શરૂ થયું. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થવાની વાત થઈ.

મહાગુજરાત ચળવળને નામે ચાલેલા એ આંદોલનમાં હિંદુ, મુસ્લિમ, દલિત, બ્રાહ્મણ એમ ધર્મ, જ્ઞાતિ અને સમાજના સિમાડા છોડીને માત્ર ગુજરાત રાજ્યની માગ માટે 24 યુવાનો શહીદ થયા હતા.

જોકે ગુજરાતી ભાષા અને અસ્મિતા ધરાવતું ગુજરાત રાજ્ય મેળવવા માટે ગોળી ખાઈને જીવન ખોનારા એ યુવાનોના નામ પણ ભાગ્યે જ કોઈને આજે ખબર હશે.

આમચી મુંબઈ અને મોરી ગુજરાતના નામે મુંબઈમાં હિંસા થઈ, તો સામે ગુજરાતના યુવાનો પણ રસ્તા પર આવી ગયા હતા. 1956માં આ આંદોલને જોર પકડવાનું શરૂ કર્યું.

આઠમી ઓગસ્ટના દિવસે લાલ દરવાજા પાસે કોંગ્રેસ ભવન પર ગોળીબાર થયો અને 24 યુવાનો શહીદ થયા.

આ 24 યુવાનોની શહાદતે ગુજરાતને હલાવી નાખ્યું. સળંગ ચાર વર્ષ ચાલેલી મહાગુજરાતની ચળવળે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને હચમચાવી મૂક્યા હતા.

'મારી બહેનપણીએ બૂમ પાડી કે તારા ભાઈને ગોળી વાગી છે...'

ગુજરાતને મહાગુજરાત બનાવવા માટે અનેક યુવાનોએ શહિદી આપી અને 1956થી 1960 સુધી ચાલેલી લડાઈના મુખ્ય પાયા નાખનાર 24 યુવાનો હતા.

એમાંથી એક સુરેશ જય શંકર ભટ્ટના નાના બહેન કીર્તિ દવે આજે પણ પોતાના ભાઈને યાદ કરતાં આંસુ રોકી શકતાં નથી.

પોતાનાથી ચાર વર્ષ મોટાભાઈ સુરેશના મૃત્યુને આજે 62 વર્ષ થયા પણ તેમની તમામ વાતો ફિલ્મની જેમ ફ્લેશબેકમાં જતી રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આંખ સામે તાજી ઘટના થઈ હોય એમ યાદ કરતાં કીર્તિ બહેન કહે છે કે મોટાભાઈ સુરેશ ગામમાં બહુ લાડકા હતા. એ એસ. સી. ઠાકર હાઈસ્કુલમાં ભણતા હતા.

એ વખતે સામ્યવાદી વિચારસરણીને વરેલો હોવાથી બીજાને મદદ કરવા તત્પર રહેતો એણે એકવાર પોતાના જાનની બાજી લગાવી.

બે છોકરાઓને સ્નાનાગારમાં ડૂબતા બચાવ્યા હતા, પણ એની મનશા એકજ હતી કે પોતે બીજાના કામમાં આવવો જોઈએ.

આ સંસ્કાર એને અમારા પિતામાંથી મળેલા 1942ની ચળવળમાં મારા પિતા જયશંકર ભટ્ટને આઝાદીની લડાઈમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરેલા છતાં એ આઝાદીની લડાઈ લડતા હતા.

એ જ સંસ્કાર મારાભાઈ સુરેશમાં આવેલા એટલે મહાગુજરાતની ચળવળ વખતે સુરેશ પણ આગળ પડતો સક્રિય હતો એ સભાઓ ગજવતો.

કૅલિકો મિલ પાસે મહાગુજરાત આંદોલનની લડાઈની વ્યૂહરચના ઘડતા કારણકે મુંબઈમાં હિંસા થયેલી.

બે મિનીટ શાંત રહ્યા બાદ કીર્તિ બહેન કહે છે કે “ભાઈ મહાગુજરાતની લડાઈમાં જતા હોય ત્યારે મારા પિતાજી એમને પ્રોત્સાહિત પણ કરતા હતા.”

“એક દિવસ હું દાળીયા બિલ્ડીંગ પાસે મારી બહેનપણીઓ સાથે લખોટી રમતી હતી. ત્યારે અચાનક જ મારી એક બહેનપણીએ બૂમ પાડીને મને કહ્યું, ‘જા તારા પપ્પાને કહે સુરેશને ગોળી વાગી છે.’ હું નાની હતી, મને કાંઈ સમજાયું નહીં.”

“મેં બાપુજીને બૂમ પાડી એ થોડા સમય માટે હચમચી ગયા પછી કઠણ થઈ ઝભ્ભો પહેરીને ગયા.”

“જ્યારે પાછા આવ્યા ત્યારે મારા ભાઈની લાશ લઈને આવ્યા બે દિવસ સુધી એમની આંખમાંથી આંસુ પડ્યું નહતું. એટલું જ બોલ્યા હતા કે હું અંગ્રેજી પોલીસ સામે લડીને ભારતને આઝાદ કરાવવા મથ્યો અને મારા આ આઝાદ ભારતની પોલીસે મારા દિકરાને ગોળી મારી.”

આટલી વાત કરતા કીર્તિ બહેનની આંખમાં ઝળઝળીયાં આવી જાય છે. તેમણે કહ્યું, “અમને એક વાતનું દુ:ખ છે કે એમના ભાઈની જેમ શહિદત થનારા કંઈ કેટલાય યુવાનોની શહાદત પર મહાગુજરાતનું આંદોલન કરી લોકો પ્રધાન થયા અને ગાંધીનગરની ગાદીએ બેઠાં પણ અમે ત્યાંના ત્યાં જ છીએ આઝાદ ભારતમાં અમારા ગુજરાતમાં અમને યાદ કરવાવાળું કોઈ નથી.”

અમને કોઈ પૂછતુંય નથી

'મારા કાકાએ ગુજરાત બનાવવા માટે જીવ આપી દીધો. અને સરકારને એની કોઈ કિંમત નથી, એમની શહીદી અને શૂરવીરતા આજે ખાંભી બની ગઈ, પણ પૂછનાર કોઈ નથી.'...આ શબ્દો છે લલિતભાઈ અદાણીના.

અમદાવાદની રતનપોળમાં કાપડની દુકાન ધરાવતા લલિતભાઈ અદાણી કહે છે કે, “અમે અમારા કાકાને જોયા નથી, પણ અમારા પિતાએ એમના વિશે ઘણી વાત કહી છે. એમનો એક એક શબ્દ મને યાદ છે.”

“થરાદના નાનકડાં ગામમાંથી મારા કાકા પૂનમભાઈ અદાણી આંખમાં અનેક સપનાં લઈને અમદાવાદ આવ્યા હતા.”

“એમના પિતા વિરચંદભાઈ એટલે અમારા મોટા બાપા ઇચ્છતા હતા કે, એ અમદાવાદ આવીને ભણી ગણીને મોટો સાહેબ થાય. એટલે એમને ભણવા માટે અમદાવાદ મારા પિતા છોટાલાલ પાસે મોકલ્યા હતાં.”

“સવારે મારા કાકા પૂનમભાઈ ભણવા જતા અને બપોરે મારા પિતા છોટાલાલ સાથે કાપડની ફેરી કરી ઘર ચલાવવામાં મદદરૂપ થતા. એ વખતે ટૂંકી આવક વચ્ચે આઠ રૂપિયે ભાડાંના મકાનમાં અમે લહેરિયા પોળમાં રહેતા હતા.”

“આઝાદીની લડતનો રંગ મારા કાકાને લાગેલો જ હતો. એમાં પાછું મહાગુજરાતનું આંદોલન થયું. બીજા જુવાનિયાની જેમ મારા કાકા પણ મહાગુજરાતની ચળવળમાં સક્રિય હતા, એ પણ આંદોલનમાં જોડાયેલા.”

“કાકા રતનપોળ, ખાડિયા, માણેકચોકમાં પત્રિકા વહેંચતા અને ચાલતા ચાલતા આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાત કોલેજ પણ જતા હતા.”

“એક દિવસ હાકલ પડી કે, ગુજરાતને મુંબઈથી અલગ કરવાની ના પાડનાર મોરારજી દેસાઈ અમદાવાદ કોંગ્રેસ ભવન આવે છે. 8 ઓગસ્ટ, 1956ના દિવસે બધા વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા અને કોંગ્રેસ ભવનનો ઘેરો ઘાલ્યો અને ગોળીબાર થયો.”

“એમા મારા કાકાના માથામાં પોલિસની ગોળી વાગી. 16 વર્ષના મારા કાકા ત્યાં જ ઢળી પડ્યા.”

“એ પછી આંદોલનો થયા અને ગુજરાતની સ્થાપના થઈ. પણ અમારા કુંટુંબીઓને કોઈ પૂછવા પણ આવ્યું નહીં.”

લલિતભાઈને પોતાના કાકાની યાદ આવતા આંખ ભીની થઈ જાય છે.

લલિતભાઈ કહે છે કે, “મારા કાકાએ મહાગુજરાતના આંદોલનમાં પોતાનો જીવ ન આપ્યો હોત તો અમારા કુટુંબમાં એક મોટો ઓફિસર બન્યા હોત.”

“મારા પિતાને પણ પોતાના પુત્ર સમાન ભત્રીજાને ગુમાવવાનું એટલું દુઃખ થયું હતું કે, પૂનમકાકાના અવસાન પછી એમણે એ ઘર છોડી દીધું હતું.”

“આજે પણ અમે લહેરિયાની પોળમાં પગ મૂકતા નથી. એ ઘર સાથે પિતા અને કાકાની યાદો સંકળાયેલી છે એટલે અમે ત્યાં જતા જ નથી.”

સરકારના વલણથી નારાજ લલિતભાઈ અદાણીની સાડીની દુકાનથી નીકળીને અમે પૂનમચંદના ઘરે ગયા. લહેરિયાની પોળમાં ખખડધજ મકાનને તાળાં લાગેલા હતાં.

આજુબાજુ મકાનનું રિનોવેશન થતું હતું, પણ કોઈને પૂનમ અદાણીની શહાદત વિશે ખબર ન હતી.

મહાગુજરાત આંદોલને ગુજરાતને શું આપ્યું?

એમના બલિદાન પછી ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો થયાં, મોરારજી દેસાઈએ એક અઠવાડિયાના ઉપવાસ કર્યાં પણ આંદોલનોએ મચક ન આપી.

આઝાદીની લડાઈ વખતે ગાંધીજીએ જેમ અહિંસાનું શસ્ત્ર આપ્યું હતું, એમ મહાગુજરાતની ચળવળે આંદોલનોને નવાં બે શસ્ત્ર આપ્યાં.

એમાં એક "જનતા કર્ફ્યુ" અને "પેરેલલ મીટિંગ", ધંધા પાણી બંધ રાખવા. જનતા કર્ફ્યુંનું એલાન થતું અને આખું ય ગુજરાત જાણે કરફ્યુ લાગ્યો હોય એમ બંધ રહેતું હતું.

કંઈ કેટલાય, મુસ્લીમ, દલિત અને બ્રાહ્મણ યુવાનોએ બલિદાન આપ્યા.

શું છે શહિદ સ્મારકની હાલત?

અમે જ્યારે લાલ દરવાજા પાસે બનેલી શહીદોની ખાંભી પાસે ગયા તો ભલભલા ગુજરાતીની આંખમાં ખુન્નસથી લોહી ધસી આવે એવું જોવા મળ્યું.

8 ઓગસ્ટ, 1956ના દિવસે મહારાષ્ટ્રથી ગુજરાત અલગ કરવા માટે જાન આપનાર 24 શહીદોની ખાંભીના આ છાંયડા નીચે એક લબરમૂછિયો ધોળી મૂસળી, કાળી મૂસળી અને સાંઢે કા તેલના નામે વાજીકરણની દેશી દવાઓ વહેંચતો હતો.

અમદાવાદના ઘોડાસરથી અહીં આવી રોજ આવી દેશી જડીબુટ્ટીઓનો ધંધો કરતાં બલરામે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મને ખબર નથી અહીં કોનું પૂતળું છે. અહીં છાંયડો છે એટલે બેસીને જડી બુટ્ટીઓ વેચું છું.”

“ગેસ અને અપચાની દવાની સાથે સાથે ધોળી મૂસળી, કાળી મૂસળી અને જાત જાતની દવાઓ વેચું છું અને રોજના 300 રૂપિયા કમાઉં છું.”

“ફૂટપાથની અંદર બેસું છું એટલે છાંયડો પણ મળે છે અને પોલીસ પરેશાન કરતી નથી અને ધંધો પણ થાય છે.”

એ નામો જે ભૂલાઈ ગયા

જાણીતા ઇતિહાસકાર સ્વ. મંગળભાઈ પટેલે, નોંધેલા ઇતિહાસ મુજબ જમાલપુર છીપાવાડમાં રહેતા અબ્દુલભાઈ પીરભાઈનું પણ સપનું પોતાનું ગુજરાત મેળવવાનું હતું.

કપડા પર છીપા (બીબા)થી છાપકામ કરી છીદ્દીવાળી સાડી બનાવવાનું કામ કરતા અબ્લુભાઈની ઉમર 17 વર્ષની હતી. એક તાડપત્રી નીચે રહેતા પાંચ જણાનું ઘર ચલાવતા અને પોતાના ગુજરાન માટે સામીછાતીએ ગોળી ખાધી હતી. અને એમના કુટુંબનો આધાર છીનવાઈ ગયો હતો.

આવું જ રાજેન્દ્ર મહેતા સાથે થયું હતું. નિવૃત્ત મેજીસ્ટ્રેટ કાંતિભાઈ મહેતાના દીકરા રાજેન્દ્રએ મોરી ગુજરાતના નારા સાથે કોંગ્રેસ ભવન પર હલ્લો બોલાવ્યો ત્યારે એમને પેટમાં ગોળી વાગી હતી.

સારવાર દરમિયાન ડૉક્ટરે એમને પૂછ્યું કે ‘ભાઈ શું ધંધો કરે છે?’ તો રાજેન્દ્ર મહેતાએ જવાબ આપ્યો હતો, ‘મારા ગુજરાત માટે ગોળી ખાવાનો.’

તો માંડવીની પોળમાં વિધવા માતાના એકના એક દીકરા દિલીપ સાઈકલવાળા મહાગુજરાતની ચળવળમાં ગયા અને શહિદ થયા. આજે એમના પરિવારનો કોઈ પત્તો નથી.

આવું જ થયું હતું કલોલથી અમદાવાદ મજૂરી કરવા આવેલા પ્રતાપજી માયાજી ઠાકોર સાથે.

રેલવે સ્ટેશન પર મજૂરી કરતા પ્રતાપજી ઝનૂન સાથે ગુજરાત મેળવવા લડ્યા અને પોલીસની ગોળીનો ભોગ બન્યા.

રીલીફ રોડના તિલક રોડ પર રહેતા પોપટ પંચાલ કારખાનામાં નોકરી કરતા હતા. તે પમ મહાગુજરાતની લડાઈમાં જોડાયા અને ત્રણ ગોળી ખાઈને મૃત્યુ પામ્યા.

પોતાના ગુજરાતના સપના જોતા એવા જ યુવાન મોહમદ હુસેન મોમીન સવારે છાપા નાખતા, બપોરે મિલમાં નોકરી કરતા અને મહાગુજરાત માટે જમાલપુરના મોમનાવાડમાંથી એક છાપું પણ કાઢતા.

પોતાની તેજાબી કલમથી ગુજરાતની સ્થાપના માટે લખતા અને પોતાના ગુજરાત માટે લડવા ગયા એમા તેમણે જીવ ખોયો. પાંચ જણાનું ભરણપોષણ કરનારા હામિદનો પરિવાર ક્યાં છે. એની કોઈને ખબર નથી.

બે વર્ષની ઉંમરે માતા ગુમાવનાર ગોવિંદ પોતાના પિતા શંકરલાલને આર્થિક મદદ કરવા ઉત્તર ગુજરાતના પલીયડ ગામથી અમદાવાદ આવ્યા હતા. અહીં એક સલૂનમાં 20 રૂપિયા મહિનેના પગારથી નોકરી કરતા હતા. એ પણ ગુજરાત લેવા નીકળ્યા હતા પરંતુ પોલીસની ગોળીઓએ એમનુ ગુજરાત જોવાનું સપનું રોળી દીધું.

પણ ગુજરાત માટે જીવ હોમી દેનાર આ યુવાનોની પ્રતિમાને ગુજરાતના સ્થાપના દીન પહેલી મે એ કોઈ હાર ચઢાવવા સુદ્ધાં જતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો