બાળકોને નહીં, આ સ્કૂલે આપ્યું માતાપિતાને હોમવર્ક!

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા.

બાળકો માટે ઉનાળાની રજાઓ શરૂ થવાની છે. આ રજા દરમિયાન હોમવર્ક એક સામાન્ય બાબત છે.

ઘણી વાર સ્કૂલ દ્વારા આપેલું હોમવર્ક બાળકો કરતાં તેમનાં માતાપિતા માટે માથાનો દુખાવો બની જાય છે.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક સ્કૂલનો સર્ક્યુલર વાયરલ થઈ રહ્યો છે.

સકર્યુલરમાં માતાપિતાને 17 પ્રકારનાં કાર્યો સોંપવામાં આવ્યા છે, જેમાં માતાપિતાને કહેવામાં આવ્યું છે કે,

  • માતાપિતાને દિવસમાં 2 વાર તેમનાં બાળક સાથે જમવું જોઈએ.
  • જમ્યા પછી બાળકોને જાતે જ વાસણ ધોવાનું શિક્ષણ આપો.
  • રજાઓ દરમિયાન બાળકોને રાંધવાની ટ્રેનિંગ પણ આપવી જોઈએ.
  • બાળકો સાથે પાડોશીઓના ઘરે જાવ અને તેમની સાથે વાતચીત કરવાનો અનુભવ આપવો જોઇએ.
  • બાળકોને ટીવી, મોબાઇલ, કમ્પ્યૂટર અને અન્ય ઇલેક્ટ્રૉનિક ગૅજેટથી દૂર રાખો.

બીબીસી સાથેની વાતેચીતમાં સ્કૂલના ઍકડેમિક અધિકારી ડૉ. થિરૂસેલ્વી એડવિલે સ્વીકાર્યું કે સ્કૂલે ખરેખર આવો સર્ક્યુલર કાઢ્યો હતો.

તેમણે જણાવ્યું, "આજની તારીખમાં માતાપિતાની પાસે તેમનાં બાળકો સાથે પસાર કરવા માટે સમય નથી. માતાપિતા ઑફિસમાં અને બાળકો આખો દિવસ મોબાઇલ પર વ્યસ્ત રહે છે. એટલે જ અમને આ વખતે માતાપિતાને વિનંતી કરી હતી કે તેઓ તેમનાં બાળકો સાથે સમય વિતાવે."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના જણાવ્યા અનુસાર માતાપિતા 'વીક-એન્ડ માતાપિતા' બની રહ્યાં છે. તેઓ માત્ર અઠવાડિયાના અંતે તેમનાં બાળકો સાથે વાતચીત કરી રહ્યા છે. જેના કારણે સ્કૂલે કામ કરવાની રીત બદલવાનો વિચાર કર્યો હતો. પરિણામે આપણે આ સર્ક્યુલર કાઢ્યો છે."

શું સ્કૂલે માતાપિતા પણ હોમવર્ક આપ્યું છે?

સવાલના જવાબમાં તેમનું કહેવું હતું, "આ કરવાની જરૂર નથી. અમારો પ્રયાસ એ છે કે બાળકો પુસ્તકના જ્ઞાન કરતાં વધુ વ્યવહાર કુશળતા શીખે."

ડૉ. થિરૂસેલ્વી શિક્ષકની સાથે સાથે બાળકના પિતા પણ છે. તે જણાવે છે કે સ્કૂલમાં ભણાવવાની જ વાતો થતી હોય છે. જેના કારણે માતાપિતા પણ પુસ્તક સંબંધી ભણતર માટે બાળકો પર દબાણ કરે છે.

દક્ષિણ ભારતની આ સ્કૂલની યોજના અંગે બીબીસીએ મુંબઈમાં બાળકો માટે કામ કરનારી સંસ્થા એપીસ્ટોર.કૉમ સાથે વાતચીત કરી હતી.

આ સંસ્થા સાથે જોડાયા પૂર્ણિમા જ્હાએ કહ્યું, ''આજની તારીખમાં ભણતર કરતાં બાળકોને સામાજિક કુશળતા શીખવાની વધુ આવશ્યકતા છે.''

અન્નાઈ વાઇલેટ મટ્રિક્યુલેશન સ્કૂલનો સર્ક્યુલરનો ઉલ્લેખ કરતાં પૂર્ણિમા કહે છે, "પહેલાંના સમયમાં, જ્યારે બધા સાથે જમવા બેઠા હોય અને એક વ્યક્તિ પોતાનું ભોજન પતાવીને ડાઇનિંગ ટેબલ પરથી ઉઠી જતી તો લોકો તેમને અભદ્ર માનતા હતા."

સાથે જમવાનો વિચાર એ હતો કે આખો પરિવાર એકસાથે જમે અને એક સાથે જ જમીને ઉઠે. આજની વ્યસ્ત જિંદગીમાં આ સમય હવે નથી મળતો. આવો સમય કાઢવાની જરૂર છે."

આજકાલ માતાપિતા બાળકોને રજાઓમાં સમર કૅમ્પમાં મોકલી દે છે. બાળકોને વ્યસ્ત રાખવાનો આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે તેવું તે માને છે. પરંતુ આ વાત ખોટી છે.

પૂર્ણિમા જણાવે છે કે આજકાલ બાળકોમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને નિરીક્ષણશક્તિ ઓછી થઈ રહી છે.

વધુમાં તેઓ કહે છે, "અમે પણ ઑનલાઇન સમર કૅમ્પની શરૂઆત કરી છે. જેમાં 30 દિવસ માટે માતાપિતા બાળકો સાથે દરરોજ એક નવું કામ કરે છે. જેથી બન્ને એકબીજાને સારી રતે સમજી શકે."

પૂર્ણિમાનું કહેવું છે કે આ બધું એટલે જ થઈ રહ્યું છે કારણ કે બાળકોમાં 'એમ્પથી' અથવા સહાનુભૂતિની ખામી છે.

માતાપિતાને હોમવર્ક આપવાનો પ્રયાસ વખાણવાલાયક છે. જેથી બાળકોની સામાજિક કુશળતા વધશે.

ગાઝિયાબાદમાં રહેતાં અમૃતા પણ વિચારે છે કે આ એક સારો પ્રયાસ છે. તેઓ કહે છે કે આ પ્રકારનું હોમવર્ક અર્થહીન હોમવર્ક કરતાં વધુ સારું છે, જેમાં બાળકો બધું કામ તેમના માતાપિતાથી કરાવે છે.

પરિણામે માતાપિતાને બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો