"મારા અલ્લાહ મારી સાથે," બાબુ બજરંગી વિરુદ્ધ ઝન્નતબીબી દિલ્હી સુધી લડવા તૈયાર

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

નરોડા પાટિયાના ચકચારી કેસમાં માયા કોડનાનીની મુક્તિ પછી બીજા મુખ્ય આરોપી બાબુ બજરંગીનું શું તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

એક તરફ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતમાં બજરંગીના બચાવ માટે તેમના પરિવારને તમામ સહાય કરાશે, જ્યારે ભોગ બનેલા અને સાક્ષી બનેલા કહે છે કે તેઓ ન્યાય માટે છેક સુધી લડી રહેશે.

"મારા અલ્લાહ મારી સાથે છે. હું ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ," આ શબ્દો છે 55 વર્ષના ઝન્નતબીબી કાલુભાઈના.

નરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગી તરીકે જાણીતા બાબુ પટેલ વિરુદ્ધ જુબાની આપનારા મુખ્ય સાક્ષીઓમાંનાં એક ઝન્નતબીબી આજે પણ નરોડા પાટિયામાં જ રહે છે.

બજરંગી સામેના અન્ય પાંચ સાક્ષીઓ બીજે રહેવા જતા રહ્યા છે. ગરીબાસ્થામાં જીવન ગુજારો કરી રહેલા ઝન્નતબીબી સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા તૈયાર છે, જેથી બજંરગી છુટી ના જાય.

ઝન્નતબીબીની ગરીબીનો નમૂનો બીબીસીના આ સંવાદદાતાને નજરે જોવા મળ્યો, કેમ કે જ્યારે ચુકાદા પછી તેમની મુલાકાત માટે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમનું વીજળીનું કનેક્શન કપાઇ ગયું છે.

'બંજરંગી વિરુદ્ધ દિલ્હી સુધી જઈશ'

ઝન્નતબીબીને મળવા ગયા ત્યારે જ વીજ કંપનીના માણસો આવ્યા હતા અને તાકિદ કરી હતી કે ચડી ગયેલું 4600 રૂપિયાનું બીલ ભરો પછી જ લાઇટ ચાલુ થશે.

ઝન્નતબીબીએ કહ્યું કે 'એટલા બધા પૈસા મારી પાસે નથી. લાઇટ વિના જ ચલાવી લઈશ.' તેમની એક જ દિકરી છે તે બીજા રાજ્યમાં સાસરે છે.

નરોડા પાટિયાના જવાનનગરમાં એક રૂમમાં રહેતાં અને મહિને 1500 રૂપિયાનું ભાડું ભરતાં ઝન્નતબીબી પ્લાસ્ટિકની ચમચીઓનું પેકિંગ કરીને માંડ ગુજરાન ચલાવે છે.

આવી સ્થિતિમાં પણ ન્યાય માટે લડવાની તેમની તૈયારી છે એટલું જ તેમણે બીબીસીને જણાવ્યું. વધારે વાત કરવા માટે તેઓ તૈયાર નહોતા.

"મારી પાસે બે ટંકનું ખાવાનું પણ નથી, પણ જો બજરંગીને છોડી દેવામાં આવશે તો હું દિલ્હી જઇશ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયની માગણી કરીશ."

ઝન્નતબીબીની વાતમાં વિસંગતી?

બીજી બાજુ સામો પક્ષ કહે છે કે ઝન્નતબીબીના બયાનોમાં વિસંગતી છે. તેમણે અલગ અલગ જગ્યાએ જુદા જુદા નિવેદનો આપ્યા છે એમ બચાવ પક્ષે જણાવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદામાં પણ નોંધવામાં આવ્યું હતું કે 'બાબુ બજરંગીની હાજરી હતી કે નહિ તે બાબતમાં આ સાક્ષીની જુબાનીમાં વિસંગતી છે.'

'પોલીસને આપેલાં બયાનમાં અને કોર્ટમાં આપેલી જુબાનીમાં ફરક છે અને તેથી બાબુ બજરંગી સામેના આરોપો પુરવાર કરવા તેના પર આધાર રાખી શકાય નહીં.'

ઝન્નતબીબીએ નરોડા પાટિયામાં રમખાણ દરમિયાન કૌસરબાનુ નામની ગર્ભવતી મહિલાનું પેટ ચીરી નખાયું તે ઘટનાના પોતે સાક્ષી હોવાનું જણાવ્યું હતું.

કોર્ટમાં આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે તે વખતે હાથમાં તલવાર લઇને હુમલો કરનાર વ્યક્તિ બાબુ બજરંગી હતી.

આરોપીઓના નામમાં એકસમાનતા નહીં

જોકે, અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે કૌસરબાનુનું પેટ કોણે ચીરી નાખ્યું તે બાબતમાં ઝન્નતબીબીએ ત્રણ અલગઅલગ નિવેદનો આપ્યા છે.

પોલીસને આપેલા બયાનમાં તેમણે ગુડ્ડુ છારાનું નામ આપીને કહ્યું હતું કે તેણે કૌસરબીની હત્યા હતી હતી. એસઆઇટીને આપેલા નિવેદનમાં તેમણે આરોપી તરીકે જય ભવાનીનું નામ આપ્યું હતું.

છેલ્લે કોર્ટમાં જુબાની આપવાની આવી ત્યારે ઝન્નતબીબીએ બાબુ બજરંગીનું નામ લીધું હતું.

અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, "આ રીતે સ્પષ્ટ થાય છે કે ઘટનાના વર્ણનમાં કોઈ વિસગંતી નથી, પરંતુ આરોપીના નામ આપવામાં એકસમાનતા નથી અને તેથી આ સાક્ષી સુસંગત છે તેમ કહી શકાય નહિ."

ગુડ્ડુ છારા અને જય ભવાની બંને આ કેસમાં આરોપીઓ હતા.

કોર્ટે જેમને આધારભૂત સાક્ષી માન્યા નથી તે ઝન્નતબીબી જોકે હજી પણ ન્યાય માટે લડવા તૈયાર છે. માયા કોડનાણીને મુક્ત કરાયાં તેનાથી હતાશા થયેલાં ઝન્નતબીબી કહે છે કે બજરંગીને અપાયેલી સજા ઘટાડીને 21 વર્ષની કરાઈ તે યોગ્ય નથી.

બાબુ બજરંગી સામે આરોપ અને બચાવ

બજરંગી સાથે 10 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમાંથી કોર્ટે ચાર પોલીસ સાક્ષીઓને સ્વીકાર્યા હતા, જ્યારે મુસ્લિમ સમુદાયના છ સાક્ષીઓની જુબાની નકારી હતી.

ગુજરાત હાઇ કોર્ટમાં બજરંગીનો કેસ લડેલા યોગેશ લાખાણીએ બીબીસીને જણાવ્યું કે, 'આશિષ ખૈતાનના નિવેદનને કોર્ટે એક્સ્ટ્રા જ્યુડિશ્યલ કબૂલાત તરીકે ગણ્યું છે. ખેતાનને અગત્યના સાક્ષી ગણીને તેમનું નિવેદને કોર્ટે સ્વીકાર્યું છે.'

2012માં નીચલી અદાલતે બજરંગીને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા આપી હતી. જોકે અન્ય આરોપીઓ, જેમના પર સમાન કલમો લગાવાઈ હતી, તેમને નીચલી અદાલતે 24 વર્ષની કેદ કરી હતી.

"એકસમાન કલમો છતાં બીજા આરોપીઓને બજરંગી કરતાં ઓછી સજા થઈ હતી, તેને ધ્યાનમાં લઈને આજીવનના બદલે બજરંગીને 21 વર્ષની કેદની સજા કરાઈ છે," એમ લાખાણી કહે છે.

આશિષ ખૈતાને કરેલા સ્ટિંગ ઑપરેશનને પુરાવો ગણાયો તે બાબત બજરંગી વિરુદ્ધ ગઈ એમ લાખાણી માને છે. તેમની દલીલ છે કે બજરંગીએ સ્ટિંગ ઑપરેશનમાં જે કબૂલાત કરી હોય તેને એક્સ્ટ્રા જ્યુડિશ્યલ કન્ફેશન ગણી ના શકાય, કેમ કે તેમને થોડી બડાઈ હાંકવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

નરોડા પાટિયા કેસ અને નરોડા ગામ કેસ, એમ બંનેમાં આરોપી તરીકે બજરંગીનું નામ છે. આ વિશે તેમના વકીલ કહે છે, "એક જ સમયે બંને જગ્યાએ તે હોય તે કેવી રીતે શક્ય છે?"

બજરંગીની વહારે વિહિપ

હાઇ કોર્ટનો ચુકાદો આવવાનો હતો ત્યારે વિહિપ ગુજરાતના મહામંત્રી રણછોડ ભરવાડ અને કાર્યકરો બજરંગીના ઘરે તેમના પરિવારને સધિયારો આપવા માટે એકઠા થયા હતા.

બજરંગીને થયેલી સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તેમના પરિવારને વિહિપ મદદ કરશે.

રણછોડ ભરવાડે બીબીસીને કહ્યું કે "બજરંગી અને અમે બધા હિન્દુત્વના ધાગાથી જોડાયેલા છીએ. અમે જ્યાં પણ જરૂર પડે ત્યાં તેમને મદદ કરીશું. તેમના પરિવારની પણ અમે કાળજી લઈ રહ્યા છીએ."

બાબુ બજરંગી માટે આગળની કાનૂની લડત માટે વિહિપ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ કેવા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે તેની તપાસ કરીને આગળનો વ્યૂહ નક્કી કરશે.

ફિલ્મકાર રાકેશ શર્માની મુલાકાત

ડાયરેક્ટર રાકેશ શર્મા 'ફાઇનલ સોલ્યૂશન' નામની પોતાની ફિલ્મ માટે બાબુ બજરંગીને મળ્યા હતા અને તેમની સાથે થોડા દિવસો વીતાવ્યા હતા. આશિષ ખૈતાને સ્ટિંગ ઑપરેશન કર્યું તે પહેલાંની આ વાત છે.

નરોટા પાટિયા સામુહિક હત્યાકાંડ પર બનેલી રાકેશ શર્માની આ ડૉક્યુમેન્ટરીને એવોર્ડ મળ્યો હતો. આ કેસના આરોપીઓ અને ફરિયાદીઓને મળીને શર્માએ ડૉક્યુમેન્ટરી તૈયાર કરી હતી.

2004ના આરંભમાં તે રિલીઝ થઈ ત્યારે તેના પર પ્રતિબંધ મૂકાયો હતો, પણ બાદમાં ઑક્ટોબર 2004માં તે રિલીઝ થઈ શકી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં રાકેશ શર્માએ ફિલ્મ બનાવવાના પોતાના અનુભવો અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે 2002માં નરોડામાં થયેલા હત્યાકાંડમાં માસ્ટર માઇન્ડ મનાયેલા બાબુ બજરંગી જેવા માણસનાં મનમાં શું ચાલતું હોય તે જાણવા માટે તેઓ તેમને મળ્યા હતા.

"હું પ્રથમવાર મળ્યો ત્યારે તેમનામાં સત્તાનો નશો હતો, કેમ કે અનેક રાજકીય નેતાઓ સાથે તેમનો ઘરોબો હતો," એમ રાકેશ શર્મા કહે છે.

આ મુલાકાતો દરમિયાન બાબુ બજરંગીના વ્યક્તિત્વના બીજા અનેક પાસા તેમને જાણવા મળ્યા હતા. આક્રમક હિન્દુ નેતા બનવાના લક્ષણો તેમનામાં હતા તેમ રાકેશ શર્માને લાગ્યું હતું.

બાબુ બજરંગી એક એનજીઓ ચલાવતા હતા, જેમનું કામ હિન્દુ યુવતીઓને 'લવ જેહાદમાંથી બચાવવાનું' હતું.

શર્મા કહે છે કે 'મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી યુવતીઓનું 'માઇન્ડ વોશ' કરી દેવાયું છે એમ માનનારા બજરંગી આવી યુવતીઓને પોતાના ઘરે આશરો આપતા અને તેમને એવું સમજાવતા કે મુસ્લિમોથી દૂર રહેવું જોઈએ."

"ટૂંકમાં એવું કહી શકાય કે દરેક જમણેરીની જેમ બજરંગી પણ સતત 'હિન્દુ પ્રજાની શુદ્ધતા' જાળવી રાખવાની વાતો કરતા હતા," એમ શર્મા કહે છે.

નરોડા પાટિયા કેસ

નરોડા પાટિયા કેસમાં હાઇ કોર્ટે આપેલા ચુકાદાથી 2002ના રખમાણો વખતની સ્થિતિ આરોપીઓ અને ફરિયાદીઓ માટે ફરી તાજી થઈ ગઈ હતી.

બજરંગીના ટેકેદારોને હજી પણ આશા છે કે માયા કોડનાણીની જેમ બજરંગીને પણ નિર્દોષ સાબિત કરી શકાશે. બીજી બાજુ ફરિયાદીઓ ન્યાય માટેની આ લડત હવે સુપ્રીમ કોર્ટમાં પણ લડી લેવા માટે તૈયાર છે.

વિહિપે 28 ફેબ્રુઆરી 2002ના રોજ બંધનું એલાન આપ્યું હતું. તે પછી ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં 96 મુસ્લિમો માર્યા ગયા હતા.

સ્થાનિક પોલીસ અને બાદમાં સુપ્રીમ કોર્ટે નીમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ આ કેસની તપાસ કરી હતી. તપાસ બાદ 62 લોકોને આરોપી બનાવાયા હતા. તેમાંથી 32ને નીચલી અદાલતે દોષિત ઠરાવ્યા હતા.

આ ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટે થોડા વખત પહેલાં આપેલા ચુકાદામાં 32માંથી વધુ 18ને નિર્દોષ છોડ્યા, જેમાં માયા કોડનાણીનો પણ સમાવેશ થાય છે.

રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમોમાંથી મોટા ભાગના કર્ણાટકના ગુલબર્ગાના હતા, જે અહીં આવીને મજૂરી કામ કરતા હતા.

વર્ષ 2002ના રમખામણો પછી નરોડા પાટિયા છોડીને કેટલાય રહેવાસીઓ વટવા અથવા સરખેજ નજીક આવેલા જૂહાપુરામાં રહેવા જતા રહ્યા છે.

ઝન્નતબીબી જેવા કેટલાક હજી અહીં જ રહી ગયા છે અને છેક સુધી ન્યાયની લડત લડી લેવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો