તમારા બાળકની સ્કૂલવાનના ડ્રાઇવર આવું તો નથી કરતા ને?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ટ્રેન અને સ્કૂલવાનની ટક્કરમાં 13 બાળકો મૃત્યુ પામ્યાં છે અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

એમ કહેવાય છે કે, માનવ રહિત રેલવે ક્રોસિંગમાંથી પસાર કરતી વખતે સ્કૂલવાનનો ડ્રાઇવર ટ્રેનનો અવાજ ન સાંભળી શક્યો અને આ ભીષણ અકસ્માત થયો.

ઘટનાસ્થળે પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પણ કહ્યું કે, ડ્રાઇવરની આ લાપરવાહી ગંભીર છે કે તેણે કાનમાં ઇયરફોન લગાવી રાખ્યા હતા.

તેની ઉંમરને લઇને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું છે કે, દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓ અનુસાર રેલવે ક્રોસિંગ પાસે હાજર એક વ્યક્તિએ વાનના ડ્રાઇવરને ટ્રેન આવી રહી હોવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ તેણે એ સાંભળ્યું જ નહોતું.

શું તમે આ વાંચ્યું?

કુશીનગરના કલેક્ટર અનિલ કુમાર સિંહે જણાવ્યા અનુસાર ઘટના સવારે લગભગ સાડા સાત વાગ્યે બની હતી.

એ સમયે લગભગ 25 બાળકોને લઈ જઈ રહેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની વાન રેલવે લાઇન પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની.

સાક્ષીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો અને વાનના ફુરચા ઊડી ગયા.

સ્થળ પર હાજર લોકોએ પોલીસ અને વહિવટી તંત્રને આ ઘટનાની જાણ કરી હતી. મુખ્યમંત્રી યોગીએ માર્યાં ગયેલાં બાળકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

ઉત્તર પ્રદેશમાં આ અગાઉ પણ આ પ્રકારની બેદરકારીને કારણે ઘણા અકસ્માતો થઈ ચૂક્યા છે.

વર્ષ 2016માં ભદોહી પાસે બાળકોથી ભરેલી સ્કૂલવાન ટ્રેનની હડફેટે આવી ગઈ હતી, જેમાં 10 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

થોડા દિવસો પહેલાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નૂરપુરમાં પણ એક સ્કૂલ બસનો અકસ્માત થયો હતો, જેમાં 27 લોકો પામ્યા હતા.

મૃતકોમાં મોટાભાગનાં બાળકો હતાં. બસમાં લગભગ 60 બાળકો હતા.

ભારતમાં માર્ગ અકસ્માતો સામાન્ય છે. મોટાભાગે ખરાબ ડ્રાઇવિંગ અને ખરાબ રસ્તાને કારણે માર્ગ અકસ્માતો થાય છે અને લોકો મૃત્યુ પામે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો